અસહાય બાપની પીડાને રજૂ કરતી ફિલ્મ કાગઝ ૨

          માર્ચ, ૨૦૨૩ના રોજ ફાની દુનિયાને છોડી ગયેલા અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકની છેલ્લી ફિલ્મ કાગઝ ૨ હાલમાં જ રીલીઝ થઈ. વિનસ એન્ટરટેઈનમેન્ટના નિર્માતા રતન જૈને કાગઝ ૨ થકી દિવંગત અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી છે, કારણ આ અભિનેતા અને દિગ્દર્શક તેમની છેલ્લી ફિલ્મ છે. ફિલ્મનો આધાર રાજકીય રેલીઓ અને રસ્તા પરના વિરોધને કારણે ટ્રાફિક જામના કારણે લોકોને વેઠવી પડતી સમસ્યા છે. વીકે પ્રકાશના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં પાંચસોથી વધુ  ફિલ્મમાં અભિનય કરનાર અનુપમ ખેર વકીલની ભૂમિકા છે. આ ઉપરાંત દર્શન કુમાર, નીના ગુપ્તા, સ્મૃતિ કાલરા, કિરણ કુમાર, કરણ રાઝદાન અને અનંગ દેસાઈએ અગત્યની ભૂમિકા ભજવી છે.



ફિલ્મની મૂળ વાર્તા એવી છે કે યુપીએસસીમાં ટોપર થયેલ સતીશ કૌશિકની દીકરી કબાટ પરથી બેગ ઉતારવાના પ્રયાસ દરમિયાન અચાનક ટેબલ પરથી પડી જાય છે. માથામાં ગંભીર ઈજા થાય છે. જેના કારણે તેણીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની ફરજ પડે છે. પ્રાઈવેટ વાહન લઈ હોસ્પિટલ તરફ આગળ તો વધે છે પણ, રસ્તામાં ટ્રાફિક જામ છે. કારણ પોતાનો રાજકીય રસ્તો બનાવવા નેતાજી રેલી લઈને નિકળ્યા છે. ટ્રાફિક જામ ને કારણે પિતા સતીશ કૌશિક ઘાયલ દીકરીને સમયસર હોસ્પિટલ લઈ જઈ શકતા નથી અને પુત્રી  આર્યા રસ્તોગીનું મૃત્યુ થાય છે. સતીશ કૌશિક પુત્રીના મૃત્યુ માટે આ કેસ લડે છે.  ફિલ્મનો મળભુત વિષય પણ આ જ છે. પોતાનો રાજકીય રસ્તો બનાવવા માટે બીજાના માર્ગને અવરોધશો નહીં. રાજકીય રેલીઓ અને વિરોધને કારણે વારંવાર ટ્રાફિક જામ થાય છે, જેના કારણે સામાન્ય લોકોને અસુવિધા થાય છે. જે કે ફિલ્મમાં આ મુદ્દાનો આરંભ ફિલ્મ લગભગ અડધી પૂરી થવા આવે છે, ત્યારે કરાયો છે..! ટૂકમાં દિગ્દર્શક અને વાર્તા લેખક ફિલ્મને તેના મૂળ મુદ્દા સુધી પહોંડવામાં અડધી ફિલ્મ ખર્ચી નાંખે છે.

આમ જોવા જઈએ તો કાગઝ ૨ એ ૨૦૨૧માં આવેલ અને પંકજ ત્રિપાઠી અને મોનલ ગજ્જર અભિનિત ફિલ્મ કાગઝની સિક્વલ છે. જો કે પહેલી અને બીજી ફિલ્મને સીધી રીતે કંઈ લેવા-દેવા નથી, કારણ બન્નેનું ક્લેવર, સ્ટોરી લાઈન અને ટ્રીટમેન્ટ બિલકુલ જુદા છે. હા, અહીં પણ કાગળ પર લખેલાં કાનુનની વાત જરૂર કરવામાં આવી છે. કાગળ પર મજબૂત દેખાતા કાયદા વાસ્તવિક જીવનમાં મજબૂત છે ખરાં..? પંકજ ત્રિપાઠી અભિનિત ફિલ્મ કાગઝ ૨૦૨૧ની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક હતી. દર્શકોએ વખાણી હતી એટલે ફિલ્મની સિક્વલ બની છે.

જે આમ આદમી અને ખાસ આદમી વચ્ચેની ખાઈ ક્રમશઃ પહોળી અને ઊંડી થઈ રહી છે. તેમની વચ્ચે સમાનતા લાવવી કે આ ખાઈને ભરવી હવે ખૂબ જ મુશ્કેલ બન્યુ છે. કાયદામાં દરેકને સમાન અધિકાર આપવામાં આવ્યા છે, પણ આમ આદમીને આ અધિકારો મળે છે ખરા..? તેની મુશ્કેલીના સમયે શું કાયદો તેની મદદ કરવા માટે આવે છે..? તેની પડખે ઉભો રહે છે..? સીરીઝની પહેલી  ફિલ્મ કાગઝ સીધી ઓટીટી પર રિલીઝ થઈ હતી. કાગઝ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી છે. ત્યારે આ ફિલ્મ બોક્ષ ઓફિસ પર કેવું પ્રદર્શન કરશે..? ફિલ્મો જોવા માટે થિયેટરોમાં કેટલા દર્શકો થિયેટરોમાં આવશે..? તેનો જવાબ મળવો કે શોધવો અઘરો છે.

જો કે ફિલ્મનો આરંભ ઈન્ડિયન મિલેટરી એકેડેમીથી થાય. ઉદય રાજ (દર્શન કુમાર) અને તેનો મિત્ર સત્તે (અનિરૂદ્ધ દવે) જેનો તે ચાહક છે. ફોલોઅર છે, તે બન્ને અહીં તાલીમ લઈ રહ્યા છે. કારણ બાળપણમાં જ સત્તેએ સોલ્જર બનાવાનું નક્કી કરી લીધું હતુ, એટલે ઉદયે પણ સોલ્જર બનાવાનું નક્કી કર્યુ..! જો કે અહીં તને ફાવતુ નથી. એક બનાવના પગલે તેમને નીચલી કક્ષામાં પરત મોકલાય ત્યારે ઉદય એકેડેમી છોડી પરત ઘેર આવે. ત્યારે ઘણાં ભેદ ખૂલે. ઉદયના પિતા રાજ નારાયણ સિંહ તેને બાળપણમાં છોડીને જતા રહ્યા હતા. તેની મા (રાધિકા ચૌહાણ) જે બુટિક ચલાવે છે તેમાં મદદ કરનાર અભિજિત સાથે લાગણીના તાંતણે બંધાયેલ છે. બીજી તરફ પિતા ઉદય પ્રતાપ સિંહ એકલા રહે છે. બિમાર હોય પુત્રને મળવા બોલાવે. દીકરો કમને ત્યાં જાય. ખબરે પડે તેમેને કેંસર છે અને તેના ઈલાજ માટે બોનમેરોની જરૂર છે. ઉદયને આમેય અફસોસ છે કે જો તે તેના પિતાના ઉછેરમાં મોટો થયો હોત તો તેના જીવનનું લક્ષ્ય અલગ હોત. પરીણામે અહીં ગેરસમજ ઉભી થાય. પિતાને બોનમેરોની જરૂર છે, એટલે તેને બોલાવ્યો છે. ઉદય તૈયાર થાય પણ બદલામાં પાંચ લાખ રૂપિયાની માંગણી કરે..! કેમ..? શા માટે..? ફિલ્મ તો જોવી પડે ને...

નારાજગી સાથે ઘેર પરત ફરી રહ્યો હોય ત્યારે પિતા રાજનારાયણ સિંહ જે કેસ લડી રહ્યા છે તેની ખબર પડે. એવો કેસ જે આમ આદમીને મૂળભુત અધિકાર ન મળવાના કારણે ઉભો થયો છે. રાજનારાયણ એ લાચાર પિતા સુશિલ રસ્તોગી (સતીશ કૌશિક) માટે લડી રહ્યા છે, જેણે ટ્રાફિક જામના કારણે પોતાની દીકરી ગુમાવી છે. આ કેસ રાષ્ટ્રીય આગેવાન કે. પી. દેવરંજન (અનંગ દેસાઈ) સામે હોય અનેક તકલીફો, ધાકધમકી અને તોડફોડ કરાય તે સ્વાભાવિક છે. પણ બન્ને પુરૂષ (બાપ) ડર્યા વગર તેનો સામનો કરે.  ટૂંકમાં બે બાપની વાર્તા છે, જે ભેગી મળી ત્રીજી વાર્તાને આકાર આપે છે.  કાગજી કાર્યવાહી આમ આદમીની સુવિધા માટે હોય છે, પણ આજે તેનો સૌથી બધુ દુરપયોગ થાય છે. આપણી જવાબદારી કાગઝ પર લખી નાંખો, કંઈ પણ ખોટુ થાય તો કહી દેવાનું કે અમે તો જે તેને તેની જવાબદારીની જાણ કાગળ દ્વારા કરી દીધી હતી..! કાગળ પર જે લખાયું છે, તેનો અમલ કરાવવો એ કાગળની નહીં, આપણા સૌની જવાબદારી છે. કોઈપણ રાજકીય પાર્ટી કે સંસ્થા એક આમ આદમીનો રસ્તો રોકી તેની જિંદગી અસ્તવ્યસ્ત ન કરી શકે. આ ગુનાહિત બેદરકારી છે. જેની આગેવાન, પ્રસાશન અને પોલિસને સજા મળવી જોઈએ.

કાગઝ ૨ની વાર્તા અંકુર સુમન અને શશાંક ખંડેલવાલ સાથે મળીને લખી છે. સુમન અને શશાંક કાગઝની લેખન ટીમનો પણ ભાગ હતા. બંનેએ ફિલ્મના મૂળ આત્માને જાળવી રાખવાનો પૂરો પ્રયાસ કર્યો છે. વાર્તા પ્રશાસનની એ ઉદાસીનતાની છે, જેના કારણે સામાન્ય લોકોએ પરેશાન થવું પડે છે. જો કે આડ વાતનો વિસ્તાર એટલો લાંબો છે કે ફિલ્મ તેના મૂળ કથાનક સુધી પહોંચવામાં પોતાનો અડધો સમય ખર્ચી નાંખે છે. છતાંય એવું કહી શકાય કે ફિલ્મ તેનો પ્રભાવ જાળવી રાખે છે. કારણ ટાઈટ સંકલન અને સુંદર અભિનય. દિગ્દર્શનની જવાબદારી દક્ષિણ સિનેમાના જાણીતા નિર્દેશક વીકે પ્રકાશે લીધી છે, જે પહેલી કાગઝના દિગ્દર્શક સતીશ કૌશિકનું વિઝન જાળવી રાખે છે.

ફિલ્મ કોર્ટરૂમ ડ્રામા હોય એકતરફી ન બનવી જોઈએ. વિરોધપક્ષે સક્ષમ નેતાનો હોવા છતાંય તેમના વકીલો ક્ષુલ્લક દલિલો કરતા નજરે પડે છે. ત્યારે એવું લાગે કે દિગ્દર્શક કોઈ ચોક્કસ મેસેજ આપવા આવું કરે છે. કે આવું થવા દે છે..! કોર્ટમાં દલીલો અને દાવપેચ ધારદાર રખાય હોત તો, ફિલ્મ વધુ પ્રભાવશાળી બની શકી હોત. કથા, પટકથા અને દિગ્દર્શક અહીં નબળા પડે છે. કારણ ફિલ્મમાં એવાં અનેક પ્રસંગો ઘટે છે જે માત્ર ઘટ્ના પુરતા જ હોય તેમ લાગે છે. કદાચ આવાં બે-ચાર દ્રશ્યો ફિલ્મમાંથી કાઢી નંખાયા હોત તોય ફિલ્મને કોઈ અસર પડી ન હોત. જજ તરીકે કિરણ કુમાર પ્રભાવશાળી લાગવાના બદલે કોઈના પ્રભાવમાં હોય તેવા વધુ લાગે છે. જો કે અંતે ચુકાદો...

અભિનયની વાત કરીએ તો કાગઝ ૨ અનુપમ ખેર અને દર્શન કુમારની ફિલ્મ છે. દર્શન કુમાર મુખ્ય ભૂમિકામાં ન હોવા છતાંય તે પોતાની છાપ છોડી જાય છે. પ્રિયંકા ચોપરા અભિનિત મેરી કોમમાં પણ તેણીના પતિની ભૂમિકા દર્શને સુપેરે નિભાવી હતી. આ ફિલ્મ અનુપમ ખેર પુનઃ તેની અભિનય શક્તિનો પરિચય કરાવે છે. સતીશ કૌશિક લાચાર બાપની ભૂમિકા ચુપચાપ નિભાવે છે. ફિલ્મના અંત ભાગમાં કોર્ટમાં તેની અકોક્તિ દર્શકોની આંખ ભીની કરવા જેટલી સમર્થ બને છે. દર્શનની પ્રેમીકા તન્વી (સ્મૃતિ કાલરા) અને માતા (નીના ગુપ્તા) પાસે નાની ભૂમિકા હોવા છતાંય તેઓ પોતાની છાપ છોડી જાય છે. અસહાય બાપની પીડાને રજૂ કરતી ફિલ્મ એક્વાર જોવી તો જરૂર ગમશે.

tarunkbanker@gmai.com

Post a Comment

0 Comments