હીરામંડી: સંજય લીલા ભણસાલીની સ્ટાઈલ ને ટ્રેડમાર્કવાળી સિરીઝ

         ભારતીય સિનેમાના જાણીતા નિર્દેશક સંજય લીલા ભણસાલીની ૧૯૮૯માં આવેલ ફિલ્મ પરિંદાથી માંડી આજ સુધી તેઓ લગભગ વીસેક ફિલ્મો સાથે કામ કરી ચૂક્યા છે. ૨૦૨૨માં આવેલ ગંગુબાઈ કાઠીયાવાડી હુસૈન ઝૈદીની નવલકથામાફિયા ક્વિંસ ઓફ મુંબઈપર આધારીત હતી, જે દેહ વ્યાપારના ધંધામાં ધકેલાયાથી લઈને નેતા બનવા સુધીની સફર પર આધારીત બાયોપિક હતી. હવે ભણસાલી વેબસિરીઝ 'હીરામંડી : ધ ડાયમંડ બાઝાર' લઈને આવ્યા છે. આ નિર્દેશક તરીકેની તેમની પહેલી વેબ સિરીઝ છે. આઠ એપિસોડવાળી આ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ૧૯૧૦થી ૧૯૪૦ દરમિયાન બ્રિટિશરાજ વિરુદ્ધ ભારતના સ્વતંત્રતા આંદોલનની પૃષ્ઠભૂમિમાં હીરામંડીમાં વસતી તવાયફ 'મલિકા જાન' અને તેમના કોઠાની આસપાસ ફરે છે. કોઠા અને શાહી મહેલની માલકણ બનવા વર્ષો પહેલાં મલિકા જાને મોટી બહેન રેહાન (સોનાક્ષી સિંહા)ની હત્યા કરી નાખી હતી, તેણીની દીકરી ફરીદન (સોનાક્ષી સિંહા) માતાની હત્યાનો બદલો લેવા અને શાહી મહેલની ચાવીઓ પર કબજો કરવા આવે છે.



બન્નેની લડાઈ વચ્ચે આઝાદીની લડાઈ ભળે. ‘પાડા પાડા લડે ને ઝાડનો ખોળો નીકળેઉક્તિ અનુસાર ઘણાં તેમની આ આંતરીક લડાઈની લપેટમાં આવે. જેનો ફાયદો અંગ્રેજ સરકારને થાય. મોઈન બેગની વાર્તાના આધારે સંજય લીલા ભણસાલીએ પટકથા લખી છે. વેબ સિરીઝના ચોટદાર સંવાદ દિવ્યા નિધિ અને વિભુ પુરીના છે, જે સિરીઝને જાનદાર બનાવે છે. અંદાજીત ૨૦૦ કરોડના બજેટમાં બનેલ આઠ એપિસોડ અને લગભગ સાડાસાત કલાકની લંબાઈ ધરાવતી આ સિરીઝ સંજય લીલા ભણસાલીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેઓ આ પ્રોજેકટના સર્જક, નિર્દેશક, નિર્માતા, સંગીતકાર અને ઘણું બધું પણ છે. આ સિરીઝમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિરાવ હૈદરી, રિચા ચઢ્ઢા, ફરીદા જલાલ, ફરદીન ખાન, શર્મિન સેગલ, સંજિદા શેખ અને શેખર સુમન સહિત મોટી સ્ટાર કાસ્ટ સામેલ છે.

પહેલા એપિસોડની શરૂઆત ૧૯૨૦ના સમયગાળાથી થાય. રેહાના મલિકાજાનના નવા જન્મેલા પુત્રને નવાબ કુતુબ ઉદ દિનને વેચી દે. મલિકાજાનને આ ખબર પડે છે, ત્યારે તે રેહાનાનો સામનો કરે છે અને નવાબ ઝુલ્ફીકારના સમર્થનથી તેને મારી નાખે અને શાહી મહેલની માલકણ બને. બીજા એપિસોડમાં રેહાનાની હત્યા કોણે કરી હોવાનું બહાર આવ્યું છે. ૧૯૪૦માં કૂદકો મારતી વાર્તા વર્તમાન નવાબ જોરાવર (લજ્જોનો આશ્રયદાતા) લગ્ન કરી રહ્યા છે અને તે લજ્જો (રિચા ચઢ્ઢા)ને તેના લગ્નમાં મૂજરો કરવા બોલાવે. ઝોરાવર દ્વારા હૃદયભંગ થયેલ લજ્જોનું અપમાન અને દુર્વ્યવહાર થાય ત્યારે મલિકા જાન તેની સાચી ઓળખ છતી કરે..! જોરાવર મલિકાનો પુત્ર છે, જેને રેહાના દ્વારા વેચી દેવામાં આવ્યો હતો. જરૂર કરતા વધુ દારૂ પી લેનાર લજ્જો આઘાતથી મૃત્યુ પામે છે. તેના અંતિમ સંસ્કાર સમયે, ફરિદાન (રેહાનાની પુત્રી) જેને મલિકા જાને ૯ વર્ષની ઉંમરે એક ધનિક વેપારીને વેચી દીધી હતી તે હીરામંડી પરત ફરે છે અને તેની માતાનો બદલો લેવાનું વચન આપે છે. આ થઈ માત્ર બે એપિસોડની વાર્તા..! આખો કથાપટ ચર્ચીએ તો..? કથાપટ બહુ લાંબો અને અટપટો છે. પ્લોટ, સબપ્લોટ એટલાં બધાં કે સળંગ આખી વેબ સિરીઝ ન જૂઓ તો દર્શક તરીકે આપણે અટવાઈ જઈયે. પાત્રોનો આંતરસંબંધ અને ભુતકાળની વાર્તાને કારણે સર્જક પણ ગુંચવાયા હોય તેમ લાગે છે..!

હીરામંડી ખાસ વાત તેનો સેટ અને લૂક છે..! ભવ્યતા ને દિવ્યતા ઉભી કરવામાં માહેર ભણસાલી અહીં પણ દેવદાસ, ગંગુબાઇ કાઠિયાવાડી, બાજીરાવ મસ્તાની, રામલીલા જેવી લાર્જર ધેન લાઈફ છબી ઉભી કરવામાં સફળ રહ્યા છે. મુંબઇ ફિલ્મ સિટીમાં ૧,૬૦,૦૦૦ સ્કવેર ફીટમાં બનેલ ભવ્ય સેટ આખી સિરીઝની હાઈલાઈટ બને છે. જેમાં આર્ટ ડિરેકટર નિકમ મયુર અને તેમના સહાયકો, રિંપલ નરૂલા અને અન્યની વેશભૂષા, પ્રસનજિત મન્નાનો મેકઅપ, સુબ્રતો ચક્રવર્તિ અને અમિત રેની પ્રોડકશન ડિઝાઇન અને સુદિપ ચેટરજી, મહેશ લિમેય, રગુલ ધરૂમાન અને મોહપાત્રાનું ફિલ્માંકન મુખ્ય ભૂમિકા ભજવે છે. પટકથા અને સંકલન સંજય લીલા ભણસાલીનું છે જે સિરીઝને ધીમી પડવા કે બનવા દેવા માટે જવાબદાર ભાસે છે. થોડી લચર પણ..! જો કે  'હીરામંડી'માં લાહોરની તવાયફના જીવનની ભવ્યતાને તેઓ ખૂબ સારી રીતે વ્યકત કરી શક્યા છે.

સિરીઝના સંવાદો તેની જાન છે, જે પાત્ર અને કથાનક માટે તો સહાયક બને જ છે, પણ દર્શક તરીકે આપણને પણ દાદ આપવા મજબૂર કરે છે. ‘હમેં ઘર ઘર મેં મશહુર હોને કી કોઈ જરૂરત નહીં, હમ ચાંદ હૈ, જો ખિડકી સે દિખતા તો હૈ મગર કભી કિસિકે બરામદે મેં ઉતરતા નહીં’, ‘હીરામંડી મેં અદબ શીખાતે હૈ... ઔર ઇશ્ક ભી શીખાતે હૈ, ‘હર કિસિકી મહેફિલ મેં કુડિયા નાચેગી, તો શાહી મહલ કા ક્યા મોલ રહ જાયેગા..?’, ‘આપ ચાહતે હૈ હમ એક તવાયફ સે માફી માંગે..? ઇસે તો હમારી બદતમીઝિ કો ભી એહસાન સમજના ચાહિયે.’, ‘એક જનાજે મેં સરિક હોને આયે હૈ, એક જનાજા સજા કર જાયેંગેતો ભારતના સ્વતંત્રતા આંદોલનકારીનો સંવાદલડેંગે યા મરેંગે નહીં, અબ મરેંગે યા મારેંગેતેમના દિલમાં ધધકતી દેશભક્તિને બયાન કરે છે.

 અભિનયની વાત કરીએ તો મનીષા કોઈરાલા અને  સોનાક્ષી સિંહા વચ્ચે તગડી ટક્કર સર્જાય છે અને બન્ને પોતપોતાના કિરદારમાં બાજી મારી જાય છે. અદિતિરાવ હૈદરી, રિચા ચઢ્ઢા અને સંજિદા શેખ લાંબા કથાપટ પર પોતાની મૌજુદગી નોંધાવવામાં સફળ રહી છે. ફરીદા જલાલ, ફરદીન ખાન, શેખર સુમન અને અધ્યયન સુમન પણ હાજરી પુરાવે છે. શર્મિન સેગલ નોંધનીય બની છે. ૨૦૧૯ની ફિલ્મમલાલથી સિનેમાના પડદે પગ મૂકનાર શર્મિન મલિકા જાનની સૌથી નાની દીકરી આલમઝેબ, શાયરા અને નવાબ તાજદાર મલિકને પામવા મથતી પ્રેમિકા તરીકેની ભૂમિકા સુપેરે નિભાવે છે. અભિનેત્રી તરીકેની તેણીની કારકિર્દી હવે ઉંચકાય તો નવાઈ નહીં. ઉસ્તાદના પાત્રમાં ઇંદ્રેશ મલિક અને ફત્તોના પાત્રમાં જયતિ ભાટીયા મોટા કળાકરોની ભીડ અને પાત્રની ઓછી જરૂરિયાત પછી પણ પોતાની કાબેલિયત દર્શાવી જાય છે.

કહેવાય છે કે હીરામંડી નામ ત્યાંના વડાપ્રધાન હીરા સિંઘ ડોગરાના નામ પરથી પડયું હતું. સમયાંતરે તેની સ્થિતિ બદલાતી રહી. નવાબો માટે ઐયાશીનું કેંદ્ર બની રહેલ હીરામંડી તેમના સાહેબજાદાઓ માટે તહેઝીબ અને ઇશ્કનું તાલીમસ્થાન હતી. આજેય હીરામંડીમાં દેહવિક્રય થાય છે પણ, સંજય લીલા ભણસાલીએ બતાવેલ ભવ્યતા અને દિવ્યતા ત્યારેય નહોતી અને આજે પણ નથી.

મઝાની વાત એ છે કે ઓટીટી પ્લેટફોર્મ પર તવાયફ અને દેહ વ્યાપાર કરતી હસીનાઓવાળી વિષયવસ્તુ પછીય સેક્સ, વાયોલન્સ, અભદ્ર શબ્દો કે ગલિચતા ક્યાંય નથી. હા, શરાબ અને સિગારેટ ખરી. આખી સિરીઝનું સર્જન સંજય લીલા ભણસાલીએ પોતાની સ્ટાઈલ અને ટેસ્ટ મુજબ કર્યું છે. જો તમને ભણસાલીની સ્ટાઈલ અને ટેસ્ટ ગમતા હોય તો તમને આ લાંબી સિરીઝ જરૂર ગમશે.   – tarunkbanker@gmail.com

Post a Comment

0 Comments