સાયલન્સ - ૨: ટાઈટ સ્ક્રિપ્ટના અભાવે એવરેજ સસ્પેન્સ ફિલ્મ બને છે

 સાયલન્સ - : ધ નાઇટ આઉલ બાર શૂટઆઉટએ લેખક-દિગ્દર્શક અબાન ભરૂચા દેવહંસની કોરોનાકાળમાં આવેલ ફિલ્મ સાયલન્સઃ કેન યુ હિયર ઇટ..?ની સિક્વલ છે. ફિલ્મની શરૂઆત ડીન કોન્ટ્ઝના ક્વોટ Sometimes there is no darker place than our thoughts, the moonless midnight of the mindથી થાય. અંધારી રાતે આપણાં વિચારોથી વધુ ગાઢ અંધારાવાળી બીજી કોઈ જગ્યા હોતી નથી. દેહ વ્યાપાર કરતી યુવતીના મૂડને વ્યક્ત કરતાં દ્રશ્યો પછી તેણી લેપટોપમાં કશુંક એવું જોઈ લે જે વાંધાજનક છે. પછી નાઇટ આઉલ બારમાં શૂટઆઉટ થાય તેમાં તે છોકરી સિવાય બીજા નવેક લોકોની હત્યા કરાય. અને પછી શરૂ થાય ઈન્વેસ્ટીગેશન.



શૂટઆઉટમાં નેતાજીના અંગત સચિવ સહિત દસેક લોકોની હત્યા થઈ હોય કેસ સ્પેશિયલ ક્રાઈમ યુનિટનો એસીપી વર્મા અને તેની કોર ટીમના ત્રણ ઇન્સ્પેક્ટર - સંજના ભાટિયા (પ્રાચી દેસાઈ) અમિત ચૌહાણ (સાહિલ વૈદ) અને રાજ ગુપ્તા (વક્વાર શેખ) તપાસ હાથમાં લે છે. એન્ટી-નાર્કોટિક્સ બ્યુરોના એસીપી  અવિનાશ વર્માને મુંબઈ સ્પેશિયલ ક્રાઈમ યુનિટનો હવાલો એટલે જ સોંપવામાં આવ્યો છે કે તેઓ આવા કેસને વ્યક્તિગત કાળજી રાખી સોલ્વ કરે છે.  એસીપી વર્માની ભૂમિકામાં મનોજ બાજપેયી જોવા મળે છે. સાયલન્સ - માં તે જે ગુનાની તપાસ કરે છે તે હત્યાના કેસમાં હત્યાને બદલે કંઈક બીજું જ રેકેટ છે. ગુનેગાર કોઈ વ્યક્તિ નથી પરંતુ સંગઠિત ગેંગ છે. શંકાસ્પદ માસ્ટરમાઇન્ડ એક ફેન્ટમ છે..! હિંસા ક્રોધાવેશ કે દુશ્મનાવટથી નથી કરવામાં આવી. તેની પાછળનું ભેદી મૌન અર્થાત સાયલન્સ, શું તમે તે સાંભળી શકો છો..? ગોળીબારનો હુમલાખોર, જેનો ચહેરો હૂડી હેઠળ છુપાયેલો છે.

જો કે  ફિલ્મમાં પૂછપરછના માધ્યમથી દર્શકોને ફિલ્મના અંત સુધી વ્યસ્ત રાખવાનો અને સસ્પેન્સ જાણવા આતુર રાખવાનો વ્યર્થ પ્રયત્ન કરવામાં આવ્યો છે..!  જો કે પટકથાએ કોર ટીમના ત્રણ ઇન્સ્પેક્ટરની વ્યક્તિગત કે વ્યવસાયી દુનિયા માટે જગ્યા બનાવી હોત તો એસીપી વર્માની વિશ્વાસુ આ ત્રિપુટી ફિલ્મમાં વધુ સારી રીતે પ્રસ્તુત કરી શકા હોત. જેમ જેમ પુરાવા, માહિતી અને ક્લુ મળે છે, તેમ તેમ વાર્તા આગળ વધે છે, પણ ઘણું બધું ગૌણ લાગે છે. ઉપરી સપાટી પરનું લાગે છે. એસીપી વર્મા, એક એવી સિસ્ટમ માટે કામ કરે છે જ્યાં ગમતું પરિણામ જ કામનું છે..! સાયલન્સ-૨ને  આકર્ષક અને રસપ્રદ બનાવવા ઘણાં પ્રયત્ન કરવા છતાંય તે ટેલિવિઝનના એપિસોડ જેવી લાગે છે.

મનોજ બાજપેયી દાવો કર્યો છે કે દર્શકોની ભારે માંગને કારણે ZEE5 'સાયલેન્સ - ૨' બનાવી છે, પરંતુ જો એમ હોય તો, આ ફિલ્મ જોયા પછી માંણી કરનારા દર્શકો ખૂબ જ નિરાશ થઈ શકે છે. આ વખતે સમસ્યા એ છે કે ફિલ્મમાં ઘણું બધું સંવાદો દ્વારા કહેવાયું છે. ગુનાની તપાસ બતાવવાના બદલે કલાકારોના સંવાદથી કહેવાનો પ્રયાસ કરાયો છે. તેઓ એકબીજાને કહેવાના બહાને આપણને વાર્તા  અને તપાસની વિગતો સમજાવે છે. ડિટેક્ટીવ નવલકથાની જેમ, અને આ જ ફિલ્મનો સૌથી નબળો ભાગ બને છે. ટૂંકમાં ફિલ્મ જોવાને બદલે સાંભળવી પડે છે..!

દિગ્દર્શક આપણને કંઈક બીજું બતાવે છે અને વાર્તાને બીજે ક્યાંક લઈ જાય છે. અબાનની આ ફોર્મ્યુલા આપણને આતુર કરવાના બદલે ગુચવે છે. કંટાળો જન્માવે છે.  ગુનાની તપાસ રાજકીય હત્યાથી વિસ્તરી સગીર છોકરીઓના શોષણ સુધી જાય છે. અહીં એસીપી વર્માના ઘટનાનો અલગ એંગલથી જુએ છે. ટેબલ પર પડેલાં લોહીના છાંટા કઈ રીતે પડ્યા હશે..? શું મૃતદેહ જમીન પર પડ્યો છે કે પાડવામાં આવ્યો છે..રાજસ્થાન પોલીસના ઇન્સ્પેક્ટરને મળેલ મૃતદેહનો આ બધી હત્યાઓ સાથે શું સંબંધ છે..? કડીઓ જોડાતી જાય અને ભેદ ખૂલે..

કિરણ દેવહંસ અને ઝી સ્ટુડિયોના નિર્માણ હેઠળની ફિલ્મ 'સાઇલેન્સ-૨ની સિનેમેટોગ્રાફર છે પૂજા ગુપ્તે. સંકલન સંદીપ કુમાર સેઠીનુ છે. બે કલાક અને બાવીસ મિનિટ લાંબી ફિલ્મનો પેસ બહુ જ ધીમો છે. સસ્પેન્સ થ્રિલરનો અંડરકરન્ટ બાળપણમાં ઉપેક્ષિત બાળકોના પરિપ્રેક્ષ્યથી રચવામાં આવ્યો છે. હોસ્ટેલમાં મોકલાતાં બાળકો અને કુંવારી છોકરીઓને ફિલ્મોમાં કામ અપાવવાના બહાને દેહના શોદાગરો પાસે પહોંચાડવાનો એંગલ સસ્પેન્સ થ્રિલરના તાંણાવાંણા ગુંથવા મથે છે, પણ વાર્તા ગતિ પકડી સકતી નથી.. ટાઈટ સ્ક્રિપ્ટના અભાવે ફિલ્મ એવરેજ સસ્પેન્સ ફિલ્મ બેને છે.

અભિનયની વાત કરીએ મનોજ બાજપેયી પાસે આપણે રાખેલી અપેક્ષા સંતોષાતી નથી. કારણ લેખન અને દિગ્દર્શન છે. મનોજ બાજપેયીએ સિનેમા અને ઓટીટી પર પોતાના અભિનયની છાપ છોડી છે. ધાક જમાવી છેસિર્ફ એક બંદા કાફી હૈ, ધ ફેમિલી મેન, ગુલમહોર કે કિલર સૂપ જેવી ફિલ્મ કે વેબ સીરીઝમાં તેણે લાજવાબ અદાકારી કરી છે. અહીં લાજવાબ નહીં માત્ર અદાકારી કરી છે..! એટલું જરૂર છે કે જ્યારે જ્યારે તે પડદા ઉપર હોય ત્યારે કંટાળો નથી આવતો. મનોજ બાજપેયીના ડિમાન્ડિંગ ચાહકોને એસીપી  અવિનાશ વર્માનું પાત્ર નબળું લાગી શકે. મનોજે આ વાત દિલ પર ન લેવી. તેણે તો પાત્રમાં રંગ પુરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. પ્રાચી દેસાઈ પાત્રમાં રંગ ભરવા મથી જરૂર છે. બે પોલિસકર્મી સાહિલ વૈદ અને વક્કાર શેખ પણ. પણ બાજી રાજસ્થાનના પોલિસ અધિકારી તરીકે શ્રુતિ બાપના મારી જાય છે. ફિલ્મમાં પારૂલ ગુલાટી પણ મહત્વનો અને નોંધનીય રોલ ભજવે છે.

અને અંતે, સ્પષ્ટપણે કહી શકાય કે સાયલન્સ-૨ને ઓટીટી પ્લેટફોર્મએ બચાવી લીધી છે. આ ફિલ્મ થીયેટરમાં રીલીઝ થઈ હોત તો..? બોક્ષ ઓફિસ કલેકશનના નબળાં આંકડાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તમારી પાસે ઝી-૫નું સબસ્ક્રિપ્શન હોય તો આ ફિલ્મ જરૂર જોજો.

ડો. તરુણ બેન્કર.

tarunkbanker@gmail.com

Post a Comment

0 Comments