અમરસિંઘ ચમકીલાઃ સંસ્કૃતિને જાગીર સમજનારાના મોં પર તમાચો

 અશ્લિલતા બધાંની અંદર ભરી છે. સ્ત્રી-પુરૂષ એકમેક માટે એકબીજા જેવું જ વિચારે છે..! ફરક માત્ર એટલો છે કે ચમકીલા કહી દે છે અને બીજા બધાં મનની અંદર રાખે છે. ઓટીટી પ્લેટફોર્મ અને તેના કારણે જ રીલીઝ થયેલી દિલજીત દોસાંઝ ને પરિણીતી ચોપરા અભિનિત ફિલ્મ 'અમરસિં મકીલા' માં ઉપરોક્ત સંવાદ એક વૃદ્ધા દ્વારા કહેવડાવી ફિલ્મમેકર ફિલ્મની થીમલાઈન આપણી સમક્ષ સ્પષ્ટ કરી આપે છે. તેણે જે કંઈ જોયું તેણે જે કંઈ સાંભળ્યું ને તેણે ગીતોનું સ્વરૂપ આપ્યું. અશ્લિલતા એ સમાજનો એક ભાગ છે, તેને પસંદ કરનારા લોકોની કોઈ કમી નથી. આ સત્યને બરાબર સમજી-સ્વીકારી અમરસિં ચમકીલાએ સમાજને આયનો બતાવ્યો. પોતાના લખેલા ગીત તુંબી સાથે ગાતા ને લોકપ્રિયતાનું શીખર જોનાર અમરસિં ચમકીલા અને તેની પત્ની અમરજ્યોત કૌરની ૮મી માર્ચ, ૧૯૮૮ના રોજ ગોળી મારી હત્યા કરઝવામાં આવી હતી. આ હત્યાનો ભેદ આજે પણ ઉકેલાયો નથી.



પંજાબના નાના ગામમાં નીચલી જાતિમાં જન્મેલ ધનીરામ મોજાં બનાવવાનું કામ કરતો હતો. ગીતો લખવાની અને ગાવાની ઝંખનાએ તેને ચમકીલા બનાવ્યો. ચમકીલાને ગામડે ગામડે ફેલાયેલાં ટ્રક ડ્રાઈવરો અને ખેડૂતોના ટોળાએ તેમને અખાડાઓ (ગીત-સંગીતના કાર્યક્રમ)માં આમંત્રણ આપતા. 'ઓપરેશન બ્લુ સ્ટાર' સમયે દરરોજ આવતા ખરાબ સમાચારો વચ્ચે ચમકીલા પંજાબમાં મનોરંજનનું સૌથી મોટું સાધન બની ગયો..! પણ તેની આ સિદ્ધિ સમાજ અને ધર્મના 'કહેવાતા ઠેકેદારો' ને પસંદ નહોતી..! અમરસિં ચમકીલા પહેલા તેમના સમકાલીન અને તેમના પછીના લોકોએ પણ આવું જ કર્યું હતું. ફરક માત્ર એટલો હતો કે અમરસિં ચમકીલાએ જે પણ માંગણી મુજબ સપ્લાય કર્યું હતું તે વધુ સારી રીતે કર્યું. અને એટલો લોકપ્રિય થયો કે પંજાબના એલ્વિસ પ્રેસ્લી તરીકે ઓળખાયો.

દિલજીત દોસાંઝે અમરસિં ચમકીલાનું પાત્ર ભજવ્યું છે. જેના નામમાં ચમક હતી તેને દિલજીતે વધુ ચમક અને વધુ સુગંધ આપી છે. પત્ની અમરજ્યોત કૌરનું પાત્ર પરિણીતી ચોપરાએ નિભાવ્યુ છે. તે પણ અસરકારક રીતે. દિલજીત ગાયક પણ છે એટલે તેણે તો ગીત ગાયા જ છે, પણ પરિણીતીએ પણ ફિલ્મમાં આવતા લાઈવ ગીતો ગાયા છે. ગીતની વાત ચાલી છે તો સંગીતની વાત પણ કરી લઈએ. ઇર્શાદ કામિલ અને એ.આર. રહેમાનનું સંગીત પણ લાજવાબ છે. દક્ષિણ ભારતીય રહેમાને પંજાબના લોકસંગીતને એટલું અસરકારક રીતે રજૂ કર્યું છે કે જાણે તે જન્મે પંજાબી જ ન હોય. લોક સંગીતના મર્મને બરાબર સમજતા રહેમાને દર્શકોને ગીત પર ડોલવા-વાહ કહેવા મજબૂર કર્યા છે.

ફિલ્મના લેખક છે ઇમ્તિયાઝ અલી અને સાજિદ અલી. આમ તો આ ફિલ્મ ચમકીલાની બાયોપિક છે પણ દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીએ તેને એ રીતે કચકડે કંડારી છે કે સ્ક્રીન પરથી તમારી નજર હટવા નહીં દે. હાઈવે, લવ આજ કલ, જબ વી મેટ, તમાશા અને રોકસ્ટાર જેવી સુપરહીટ ફિલ્મો આપનાર ઇમ્તિયાઝ અલી આ ફિલ્મમાં એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યા છે. મારા મતે 'અમરસિં ચમકીલા' તેની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. ફિલ્મનું પ્રસ્તુતિકરણ, ફિલ્માંકન, સંકલન અને રંગરૂપ દર્શકોને મોહી લે તેવા છે. પંજાબના લોકો ચમકીલાને જે  રીતે ઓળખે છે, ઈમ્તિયાઝે તેને તે રીતે રજૂ કર્યો છે. અને તેમાં સિનેમા મકિંગના જુદા જુદા આયામોએ ભરપુર સાથ આપ્યો છે. અને એટલે જ બે કલાક છવ્વીસ મિનિટની આ ફિલ્મ ક્યારે પૂરી થઈ જાય તેની ખબર રહેતી નથી..!

૧૯૮૦ની શરૂઆતમાં આ તેજસ્વી યુવાન ગાયક એટલો લોકપ્રિય થયો હતો કે તે અમિતાભ બચ્ચન કરતા મોટો થઈ ગયો હતો..! માત્ર પંજાબમાં જ નહીં, વિદેશોમાં પણ. કારણ હતું તેના દ્વિઅર્થી અને અશ્લિલ ગીતો. મોજાં બનાવવાની નોકરી છોડી તે સમયના પ્રખ્યાત ગાયક (સુરિન્દર શિંદા) સાથે કામ કરવા લાગ્યો જે તેના લખેલા ગીતો ગાતા હતા. એક દિવસ ગાયક મોડો આવ્યો. આયોજકોએ અમરને સ્ટેજ પર ગાવાનો મોકો આપ્યો અને ત્યાં તેનું નામ ચમકીલા પડ્યું. દિલજિતે આ પાત્ર એટલું અદ્દ્ભુત રીતે ભજવ્યું છે કે કોઈ બીજા કળાકારના નામનો વિચાર પણ ન આવે. ફિલ્મમાં અમરસિં ચમકીલાની જૂની ક્લિપ્સ અને ફોટાનો ઉપયોગ કરીને લોકોને અસલી ચમકીલા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં, ચમકીલા દ્વારા ગાયેલા મૂળ ગીતોને તે જ લાક્ષણિક પંજાબી ગામડાની બોલી સાથે રજૂ કરવામાં આવ્યા છે. અને કદાચ આ જ મુદ્દો બિન-પંજાબી દર્શકો માટે સ્મસ્યા બની શકે. જો તમે પંજાબી નથી, તો તમે ગીતોના શબ્દો અને કેટલાંક સંવાદો સમજવામાં તકલિફ જરૂર પડશે. પણ, આ જ  ફિલ્મની સુંદરતા પણ છે. ગીતોનો અનુવાદ ન કરીને, તેની આત્માને યથાતથ પ્રસ્તુત કરવામાં આવી છે.

સામાજિક સત્યને વાસ્તવિક રૂપે રજૂ કરતી આ ફિલ્મમાં બારીકાઈથી ઉંચ-નીચના ભેદને વણી લેવામાં આવ્યો છે. ચમકીલા અશ્લિલ ગીતો છોડી ધાર્મીક ગીતોમાં પણ એટલો જ લોકપ્રિય થયા. ‘બાબા તેરા નનકાના’, તાર ગઈ રવિદાસ દી પાથરી’ ગીતોએ ધૂમ મચાવી હતી. પણ લોકોની ફરમાઈશ તેને પુનઃ અશ્લિલ ગીતો તરફ વાળ્યો. પંજાબ પ્રદેશની લોકબોલી અને લોકકળાને લોકગમ્ય રીતે રજૂ કરતી આ ફિલ્મ સંસ્કૃતિને પોતાની જાગીર સમજી બેઠેલાં લોકોના મોં પર તમાચા સમાન છે. અને આ તમાચો બધાંને ખાવો ગમે તેવો છે.

ડૉ. તરુણ બેન્કર  (M) 9228208619   tarunkbanker@gmail.com

Post a Comment

0 Comments