મેદાનઃ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ (અજય દેવગણ)ની ફિલ્મ

અજય દેવગણ અભિનીત બાયોપિક ફિલ્મ 'મેદાન' હાલમાં રીલીઝ થઈ છે. આ ફિલ્મ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન કવનના આધારે બની છે. જેમણે પોતાનું જીવન ફૂટબોલને સમર્પિત કર્યું અને ભારતને અમીટ ગૌરવ અપાવ્યું હતું. ૧૭ ઓગષ્ટ ૧૯૦૯માં હૈદ્રાબાદમાં જન્મેલ અબ્દુલ રહીમ નાનપણથી જ ફૂટબોલના શોખીન હતા અને એટલે જ સંઘર્ષપૂર્ણ જીવન હોવા છતાંય તેમણે ફૂટબોલને જ જીવન બનાવ્યુ હતુ. લગભગ ૨૦૧૮માં તૈયાર થઈ ગયેલ આ ફિલ્મ રીલીઝ કરવાની કોશિશ અનેકવાર કરવામાં આવી હતી, અંતે ૨૦૨૪માં તે રીલીઝ થઈ છે. અજય દેવગણ, પ્રિયામણી, ગજરાજ રાવ અને રુદ્રનીલ ઘોષ અભિનિત આ ફિલ્મના નિર્માતા છે બોની કપૂર અને ઝી સ્ટુડિયો. તથા દિગ્દર્શક છે ‘બધાઈ હોજેવી એક અલગ ફિલ્મ બનાવનાર અમિત શર્મા.



પ્રાંતવાદ, વ્યક્તિવાદ, વહીવટીતંત્રની ઉપેક્ષા, નાણાંની કમી અને જુથવાદના કારણે સારા ખેલાડીઓના અભાવથી ગ્રસીત ભારતીય ફૂટબોલ ટીમને મહાન ટીમ બનાવવાનું સપનું જોનાર અને તે સાકાર કરનાર કોચની આ વાર્તા છે, જે આજેય ભારતનો અજાણ્યો હીરો છે. તેમની ટીમમાં ચુન્ની ગોસ્વામી, પીકે બેનર્જી, બલરામ અને અરુણ ઘોષ જેવા હીરો પણ હતા. સર્જકોને આશા છે કે આ ફિલ્મ યુવાનોને ફૂટબોલ રમવા માટે પ્રેરિત કરશે.

૧૯૫૨ થી ૧૯૬૨ સુધીના સમયગાળામાં વિસ્તરેલી ભારતીય ફૂટબોલની રમતમાં ક્રાંતિ લાવનાર અને ભારતીય ફૂટબોલ ટીમને "એશિયબ્રાઝિલ" તરીકે ઓળખાવનાર રહીમના નિશ્ચય, નેતૃત્વ અને દ્રષ્ટિની વાર્તા છે. જેમના નેતૃત્વમાં ભારતે ૧૯૫૧માં એશિયન ગેમ્સ અને ૧૯૬૨ એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ ઉપરાંત ૧૯૫૬ના સમર ઓલિમ્પિક્સની સેમી ફાઇનલ્સ માટે ક્વોલિફાય કરનાર એશિયાની પ્રથમ ફૂટબોલ ટીમ બની હતી. ત્યાર પછી આજ સુધી ભારત કોઈ મોટી ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી શક્યુ નથી. ફેફસાનું કેન્સર હોવા છતાં ૧૯૬૨ની એશિયન ગેમ્સમાં ભારતને વિજયી બનાવવા કોચ સૈયદ અબ્દુલ કરીમનું દેહાવસાન ૧૧ જૂન ૧૯૬૩ના રોજ થયુ હતુ.

૨૦૦૭ની શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’, ૨૦૧૮ની અક્ષય કુમારની ‘ગોલ્ડ’ અને ૨૦૨૪માં અજય દેવગણની ‘મેદાન’ની એકબીજા સાથે તુલના કરીએ તો ફિલ્મ ‘મેદાન’ શાહરૂખની ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ની વધુ નજીકની ભાસે છે. ફરક ફૂટબોલ કે હોકીનો જ નથી પણ બન્નેના મુખ્ય કળાકારોના અભિનયનો પણ છે. હા, કથાનક એકમેકની નજીકના ભાસે છે. જો કે ચક દે ૨૦૦૨માં કોમનવેલ્થ ગેમની વિજેતા મહિલા વિજેતા ટીમ પર આધારીત છે. પણ બન્ને ફિલ્મના કોચ કબીરખાન અને સૈયદ અબ્દુલ કરીમમાં ઘણી સમાનતા લાગે છે. તેમના અભિનયની વાત કરીએ તો મેદાનનો અજય દેવગણ જરાય ફિલ્મી થયા વિના સહજ ભાસે છે. અને એટલે જ ફિલ્મના બોક્ષ ઓફિસ કલેકશનના નબળા આંકડા પછીય અજય દેવગણના અભિનયની ચર્ચા ચારેકોર છે. આમેય અજય દેવગણ વાસ્તવિક પાત્રો કે ડાઉન ટુ અર્થ કેરેકટર વધારે સારી રીતે પ્રસ્તુત કરે છે. મહેશ ભટ્ટની ‘ઝખમ’, રાજકુમાર ગુપ્તાની ‘રેઈડ’, નિશિકાંત કામતની ‘દ્રશ્યમ’ અને સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ જેવાં રીયલ પાત્રોને અજય દેવગણે રીલ પર સારી રીતે ઉતાર્યા છે. ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમનું પાત્ર અજય દેવગણે શાહરૂખની સરખામણીએ બહુ સારી રીતે ભજવ્યુ છે.

અંગ્રેજી શીખવાનો સતત પ્રયાસ કરતી સૈયદ અબ્દુલ રહીમની પત્ની તરીકે પ્રિયા મણિ, ભારતીય ફૂટબોલ ટીમ સામે કાવતરું ઘડનાર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ગજરાવ રાવ અને જુસ્સાથી ભરેલા ખેલાડીઓ ફિલ્મને સતત જીવંત રાખે છે. એ. આર. રહેમાનનું સંગીત અને મનોજ મુન્તાશીરના ગીતો સરસ છે. ‘ઘર આયા મેરા મિરઝા’ અને ‘ટીમ ઈન્ડિયા હૈ હમ’ કથાનકને પ્રવાહ અને પ્રભાવ અર્પી ગીત સંગીતની જવાબદારી સુપેરે નિભવે છે. સૈવિન ક્વાડ્રસ, અમન રાય, અતુલ શાહી, અમિત શર્મા, રિતેશ શાહ, સિદ્ધાંત માગો, આકાશ ચાવલા અને અરુણવા સેન ગુપ્તા જેવાં આઠેક લોકોનીને કારણે કથા, પટકથા અને સંવાદ ફિલ્મની જાન છે. તુષાર કાંતિ રાય અને ફ્યોદોર લાયસનું ફિલ્માંકન દર્શકો ગમે તેવું છે. દેવ રાવ જાધવ અને શાહનવાઝ મોસાનીનું સંકલન પણ ટાઈટ છે. ફિલ્મની લંબાઈને વધુ ટાઈટ કરી શકાઈ હોત.

ફિલ્મ રીલીઝ કરવામાં થયેલા વિલંબ પછી હવે તેના પર સાહિત્યચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. મૈસૂર કોર્ટે સાહિત્યચોરીના દાવા પર મેદાનની રિલીઝ પર સ્ટે મૂકવાનો આદેશ આપ્યો છે. સ્ક્રિપ્ટ રાઈટરનો અનિલ કુમાર નામના આરોપ છે કે ફિલ્મ નિર્માતાઓએ તેમની વાર્તાની ચોરી કરી છે. જે તેણે ૨૦૧૦માં ફિફા વર્લ્ડ કપમાંથી (૧૯૫૦માં) હકાલપટ્ટી કરાયેલાં ભારતીય ફૂટબોલ ટીમની પર લખી અને બોમ્બેમાં સ્ક્રીન રાઈટર્સ એસોસિએશનમાં પડકાંડુકાશીર્ષક હેઠળ રજીસ્ટર કરાવી હતી.

જો તમે અજય દેવગણના ચાહક છો, સ્પોર્ટ્સ કે બાયોપિક આધારીત ફિલ્મ ગમે છે અને તમારી પાસે ત્રણ કલાકનો સમય છે, તો આ ફિલ્મ એકવાર જરૂર જોવા જેવી છે.

ડૉ. તરુણ બેન્કર  (M) 9228208619   tarunkbanker@gmail.com 

Post a Comment

0 Comments