પટના શુક્લાઃ શીર્ષક પણ અતાર્કિક લાગે છે.

પટના શુક્લા સામાન્ય પરિવારની મહિલા તન્વી શુક્લાની કથા. તન્વી પ્રેમાળ મા, આદર્શ પત્નિ અને કુશળ ગૃહિણીની સાથેસાથે વકીલ પણ છે. અરબાઝ ખાન પ્રોડકશનની આ ફિલ્મના દિગ્દર્શક છે વિવેક બુડાકોટી અને લેખક પણ..! સહ લેખક છે સમીર અરોરા અને ફરીદ ખાન. પ્રમુખ કળાકારો રવિના ટંડન, અનુષ્કા કૌશિક, સતીશ કૌશિક, જતીન ગોસ્વામી, માનવ વિજ, રાજુ ખેર અને ચંદન રોય સાન્યાલ. આ ફિલ્મ સતીશ કૌશિકની અંતિમ ફિલ્મ તરીકે પણ ઉલ્લેખાઈ છે. અને કદાચ એટલે જ ફિલ્મના પ્રીમીયર વખતે સલમાન ખાન ભાવુક થયો હતો. દિગ્દર્શક તરીકે સતીશ કૌશિકની છેલ્લી ફિલ્મકાગજસલમાન ખાને જ પ્રસ્તુત કરી હતી.

પટના શુક્લાફિલ્મની વાત કરીએ તો કથાનક વકીલાતની આસપાસ ફરતું ફરતું વિહાર યુનિવર્સિટીમાં ચાલી રહેલા પરીક્ષા અને માર્કશીટ કૌભાંડ સુધી વિસ્તરે છે. અસીલના અંડર ગારમેન્ટની સિલાઈ દરમ્યાન અડધો મીટર કાપડ મારી ખાનર દરજી સામેના કેસથી શરૂ થતી તન્વીની વકિલાત અચાનક ટર્ન થઈ એટલા મોટા કેસ સાથે સંકળાય કે સીધી રાજ્યના મોટા નેતા સામે ટકરાઈ જાય..! કથામાં આવતો આ વળાંક એટલો ઉપરછલ્લો લાગે છે કે ના પુછો વાત. કોઈ પણ પ્રકારના સ્ટોરીઆર્ક કે પૃષ્ઠભૂમિ વગર. જેને કોર્ટ્ના જજ સહિત વકીલો, પરિજનો કે મિત્રમંડળ વકીલ તરીકે ઓળખતું પણ નથી તે રાતોરાત..! આખો ઘટનાક્રમ અત્યંત ફિલ્મી લાગે છે.



ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહેલ આ ફિલ્મનું કથાનક સબળ હોવાં છતાંય પટકથા અને દિગ્દર્શન એટલું નિર્બળ કે બિહારીમાં કહીયે તોગઈ ભેંસ પાની મેં..!’ ગુજરાતીમાં આખ્ખુ કોળુ દાળમાંકારણ કૌભાંડી તરફી વકીલ નિલકંઠ મિશ્રા (ચંદન રોય સાન્યાલ)ને વાતોથી એટલો મોટો વકીલ ચિતરાયો છે કે આવા કેસ તો તેનો ચોથો સહાયક લડતો હોય..! પણ જ્યારે તે એ કેસ લડવા આવે ત્યારે એવી ક્ષુલ્લક દલીલો કરે કે જાણે તે ચોથો સહાયકનો સહાયક ન હોય..! ફિલ્મમાં બતાવવાનું છે. રેડિયો નાટકની જેમ કહેવાનું નથી. માત્ર એકે-બે સંવાદોથી પાત્રનિર્માણ કરવાનો નિષ્ફળ પ્રયાસ સ્પષ્ટ વર્તાય. અને આવું અન્ય પાત્રો સાથે પણ થાય. યુનિવર્સિટીનો વાઈસ ચાન્સેલર અહીં માત્ર મૂક પ્રેક્ષક સમાન ભાસે છે. અને પ્રમુખ ખલનાયક રઘુબિર સિંઘ (જતિન ગોસ્વામી) લુખ્ખી ધમકી આપનાર..!

યુનિવર્સિટીમાં ચાલી રહેલા પરીક્ષા કૌભાંડમાં રોલ નંબરની છેડછાડ કરી સક્ષમ વિદ્યાર્થીની માર્કશીટનો રોલ નંબર પ્રભાવશાળી વિદ્યાર્થીના નંબર સાથે બદલી નપાસને પાસ અને પાસને નપાસ કરવાના કૌભાંડની પીડિતા રિંકી કુમારીને ન્યાય અપાવવાની લડાઈમાં તન્વી અચાનક કૂદી પડે..! તપાસ દરમ્યાન અન્ય સત્યનું પણ ભાન થાય. આખું જીવન બદલી નાખનાર સત્યની શોધ અને તેને ન્યાય અપાવવાની મથામણમાં વકીલે જ અનેક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે..! કેમ..?

વકીલ તન્વી શુક્લા પાસે કોર્ટ્માં ઓફિસ પણ નથી. કોર્ટની બહાર ટેબલ અને ખુરશી ગોઠવીને કેસની તપાસ કરે છે. ફળિયાની મહિલાઓનો કચરો નાંખવાનો  ઝઘડો હોય કે અન્ડરવેર કેસ હોય, તેણી નાના કેસો લડનાર કે એફિડેવિટ કરનાર વકીલની છાપ ધરાવે છે. જજ અરુણકુમાર ઝા તેણીના હાથના સ્વાદિષ્ટ લાડુ ખાધા પછી તેણીને વકીલાત છોડી કેન્ટિન ચલાવવાની સલાહ આપી ચૂક્યા છે. આવા નાના પાસાઓને હાઈલાઈટ કરી તન્વીનું પાત્રલેખન કરવાનો અને કથાનકને સબળ ચિતરવાનો પ્રયાસ કરાયો છે, પણ તેનાથી ધાર્યુ પરિણામ મળતું નથી. મને તો લાગ્યુ છે કેજોલી એલ એલ બીની નકલ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો છે. અત્યંત ગંભીર મુદ્દાને ઉપરછલ્લા વિષયની જેમ ટ્રીટ કરી સારા વિષય પર પાણી ફેરેવી દેવાયું છે..!

કોર્ટરૂમ ડ્રામા હોય ત્યારે વકીલાતના દાવપેચ, કેસની છણાવટ અને વિષયનું અધ્યયન જરૂરી બને છે. જો કે સલમાન ખાનબ્રધર આ પહેલાં પણ સુપર નિર્દેશક કે સુપર નિર્માતા બનવાની લ્હાઈમાં એવી અનેક ફિલ્મો આપી ચૂક્યા છે જ્યાં કથાનકનું કચ્ચરઘાણ કાઢી નખાયું છે. હેલો બ્રધર, ખેડૂત અને જય હો જેવી ફિલ્મો તેના આદર્શ ઉદાહરણ છે. સુપર ડુપર હિટ ફિલ્મો લખનાર સલીમખાનના દીકરાઓની ફિલ્મમાં લેખનને જ મહ્ત્વ નહીં..! પટના શુક્લાનું લેખનકાર્ય અત્યંત નબળું છે. એટલું બધું બનાવટી કે ઘટનાક્રમ, સંવાદ અને પ્લોટ અવાસ્તવિક ભાસે છે. અને અંતે આવતો ટ્વીસ્ટ ફિલ્મને રોચક બનાવાના ઉધામાનું શિર્ષસ્થાન..! જરાય ન ગળે ઉતરે તેવો ઘટનાક્રમ.­­­­

અભિનયની વાત કરીએ તો પતિ (માનવ વીજ), જજ (સતીશ કૌશિક) અને રિંકુ (અનુષ્કા કૌશિક) પાત્રને ન્યાય આપે છે. પણ લગભગ બધાં મુખ્ય પાત્રો ઓવર એકટિંગ કરતાં હોય તેમ લાગે છે. રવિના ટંડન વકીલ કરતાં ગ્લેમર ગર્લ વધુ લાગે છે. અભિનય પણ પ્લાસ્ટિકિયો ભાસે છે. સુસ્મિતા મુકરજી અને દયાશંકર પાંડે જેવાં સક્ષમ કળાકાર પાસે કરવા માટે કંઈ વિશેષ છે જ નહીં..! સંવાદો પણ એવા ધારદાર નથી. ગીત પણ નહીં. દિગ્દર્શક અને લેખક (ખાસ કરીને પટકથાકાર) તરીકે વિવેક બુડાકોટી નિષ્ફળ રહ્યાં છે. વિષય સારો હોવા છતાંય.

અને અંતેઃ પટના શુક્લા શીર્ષક પણ અતાર્કિક લાગે છે. તન્વી શુક્લા અચાનક પટના શુક્લા બને.! તેની પાછળ કોઈ નક્કર કારણ નહીં..! કોઈ સબ-પ્લોટ નહીં. કોઈ ઘટનાક્રમ નહીં. બસ અચાનક...

ડૉ. તરુણ બેન્કર (M) 9228208619  tarunkbanker@gmail.com


Post a Comment

0 Comments