લંતરાનીઃ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મમેકરોની ફિલ્મોનો ગુલદસ્તો

 લંતરાની. ફિલ્મનું નામ સાંભળવામાં જરા અટપટુ લાગે, પણ ફિલ્મનો મિજાજ ગજબનો છે. આ ઉત્તરપ્રદેશનો દેશી શબ્દ છે. જેનો અર્થ છે મોટી-મોટી વાતો કરવી. બડાઈ મારવી. બડાઈ હાંકવી. કાનપુર, લખનૌ, ઉન્નાવ અને ફતેહપુર સહિત  ઉત્તરપ્રદેશના વિવિધ ક્ષેત્રોમાં આ શબ્દનો પ્રયોગ અલગ-અલગ રીતે કરાઈ છે. ગુજરાતીમાં કહીયે તોલાબી-લાંબી હાંકવી’. જો કે ફિલ્મમાં આ શબ્દપ્રયોગનો વ્યંગાત્મક ઉપયોગ કરાયો છે. મોટી મોટી વાતો કરતાં પોલીસ, પ્રશાસન અને મીડિયા પર કટાક્ષ છે. ત્રણ સ્તંભ. ત્રણ વાર્તા. ત્રણ દિગ્દર્શક. અને છતાંય તેમાં એકરૂપ થવાનું મન થાય.

પત્રકારમાંથી લેખક બનેલ દુર્ગેશ સિંહની વાર્તાઓ પરથી બનેલ ત્રણ વાર્તાઓવાળી આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દિગ્દર્શકો કૌશિક ગાંગૂલી, ગુરવિંદર સિંહ અને ભાસ્કર હજારિકાએ કર્યું છે. નિર્માતા છે પ્રણય ગર્ગ. ‘લંતરાનીશીર્ષક હેઠળ બનેલ આ ફિલ્મ આમ તો ત્રણ શોર્ટ ફિલ્મનો ગુલદસ્તો છે. આવી જ રીતે ૨૦૧૩માં ભારતીય સિનેમાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાંબોમ્બે ટોકિઝનામની હિંદી ફિલ્મ બની હતી, જે કરણ જોહર, દિબાકર બેનેર્જી, ઝોયા અખ્તર અને અનુરાગ કશ્યપ નિર્દેશીત ચાર ફિલ્મોનો ગુલદસ્તો હતો, જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી હતી. તે પહેલાં પણ આવો પ્રયોગ કરાયો હતો અને ભવિષ્યમાં પણ કરાશે.



પહેલી ફિલ્મ હુડ હુડ દબંગતબડાક તબડાક અવાજ પછી ઘોડો મઉ પોલીસ સ્ટેશન સામેથી પસાર થાય. હવાલદર દિલીપ અવસ્થી (જોની લિવર) ટિફિન ખોલી જમવાની તૈયારી કરતો દેખાય. અધિકારીનો ફોન આવે. વાતચીતમાં ખબર પડે કે તે રીટાયર થનાર હોય આજે તેની નોકરીનો છેલ્લો દિવસ છે. ઘણું કામ બાકી છે. બધી પોલીસ શોરૂમનું ઉદ્દ્ઘાટન કરવા આવેલ માધુરી દિક્ષિત અને વીઆઈપી બંદોબસ્તમાં છે. હવાલદારે અઢીસો કિલોમીટર દૂર આવેલ કોર્ટમાં પેશી માટે કેદી (જીબુ સેનગુપ્તા)ને લઈ જવાનો છે. બુલેટ પર. ખાવાનું પડતું મૂકી સરકારી રીવોલ્વર જેમાં માત્ર એક જ બૂલેટ છે તે લઈ કેદીને બૂલેટ પર બેસાડી જાય. પોલીસની નોકરી, ગુનો, કોર્ટની હાલત, અને રીવિલ્વર અને સેલ્ફી જેવાં વિષય અને તેની આસપાસ ઘુમતો ઘટનાક્રમ વેધક રીતે રજૂ કરાયો છે.

બીજી ફિલ્મ છે સેનેટાઈડ સમાચાર કોરોનાકાળમાં એક ચેનલ અને સમાચાર, સોરી ટીઆરપી અપાવે તેવાં સમાચાર માટે ઝૂઝતા મીડિયાકર્મી અને મીડિયાહાઉસની વાત અને વાર્તા. સ્પોન્સર મળતાં નથી એટલે ચેનલ ચાલવા બધાં કર્મચારી નમકીન પેકિંગનું કામ કરી રહ્યાં છે..! જલદી સ્પોન્સર નહીં મળે તો ચેનલ બંધ કરવાનો વારો આવશે. સેનેટાઈઝર બનાવતી કંપની સ્પોન્સર બનવા તૈયાર થાય, પણ ચોક્ક્સ શરતો સાથે. બધાં તેમાં લાગી જાય.

ત્રીજી ફિલ્મ ધરના મના હૈલક્ષ્મીપુરા ગામની નિર્વાચિત સરપંચ ગોમતી દેવી અને તેમના પતિ મુખ્ય કચેરી સામે મૌન ધરણા પર બેસે. ચૂટણી થયે એક વર્ષ થયાં છતાંય મહિલા સરપંચ સરકારી પૈસાથી ગામનું વિકાસકાર્ય કરાવી શકી નથી..! કારણ બાકીના ચાર સભ્યો બેંક ખાતુ ખોલાવવાના કાગળો પર સહી કરતા નથી. એટલે જ્યાં સુધી બેંક ખાતુ નહીં ખુલે ત્યાં સુધી ગોમતી દેવી અને તેમના પતિ મૌન ધરણા પર બેસે છે. સરકારી ખટપટ શરૂ થાય. ખાતુ ખોલાવવા નહીં પણ તેમેને ધરણા કરતા રોકવા..! પણ સરપંચ ગોમતી દેવી પાસે ધરણા કરવાની મંજૂરી છે. હવે..? જીતેંદ્ર કુમાર અને નિમિષા સજયન અભિનિત આ ફિલ્મ બાબુશાહી અને મહિલા અનામતના પગલે સરપંચ બનેલ ગોમતી દેવીના માધ્યમથી મહિલા પદાધિકારીઓની સ્થિતિ પર વેધક કટાક્ષ કરે છે.

દર્શકો સુધી આવી ફિલ્મોને પહોંચાડવાનો શ્રેય ઓટીટી માધ્યમને જાય છે. કારણ સિનેમાઘર પાસે આવી ફિલ્મો માટે સ્પેસ જ ક્યાં છે..! દેશના ગ્રામીણ વિસ્તારો, નાના શહેરો અને તેની સમસ્યા સુપેરે રજૂ કરતી આ ત્રણ ફિલ્મો ઝારખંડમાં શૂટ કરવામાં આવી છે. ખુબ પાતળા પણ પ્રભાવશાળી કથાનકને સશક્ત પટકથાથી લોકગમ્ય બનાવવાનો ભરપુર પ્રયાસ કરાયો છે. ઓડિયો-વિઝ્યુલ સર્જનના પ્રમુખ પાસા પટકથા ઉપરાંત ફિલ્માંકન, સંકલન, સંગીત ને પરિવેશ ત્રણે ફિલ્મોને દર્શનીય બનાવે છે. સહજ અભિનય, અનુરૂપ સંવાદ અને કથાપ્રવાહ સરળ અને સરસ ભાસે છે.



લાપતાગંજ, પંચાયત, ગુલ્લક, દમ લગા કે હઈસા કે મસાનની જેમ રૂરલ બેકડ્રોપને અહીં અત્યંત સહજપણે પ્રસ્તુત કરાયો છે. વળી સર્જન કે પ્રસ્તુતિકરણમાં ક્યાંય બનાવટ નહીં. શુદ્ધ અને સાત્વિક કળાનો નમૂનો. જરાય ભેળસેળ નહીં. જરાય ફિલ્મીપણું નહીં. દર્શકોને મંત્રમુગ્ધ કરવાની કોઈ ચાલ નહીં. બસ માત્ર મૌલિકતા અને યથાર્થના દર્શન. પ્રસ્તુતિ. હા, એકાદ ફિલ્મમાં ગ્રામ્ય ભાષાની લિજ્જત સાથે અપભાષાનો થોડો વઘાર ખરો. કદાચ ઓટીટીની અસર..?

ઓટીટી અને બિન-પરંપરાગત સિનેમાના કાળમાં વિષયવસ્તુમાં નવીનતા અને પ્રયોગશીલતા જોવા મળે છે. મળતી રહેશે. લગભગ ૯૦ થી ૧૨૦ મિનિટ્ની ફિલ્મમાં એક જ વાર્તા હોય તેના બદલે ૨૦ થી ૩૦ મિનિટની અવધિવાળી ત્રણ, ચાર કે પાંચ ફિલ્મ હોય તો..? સિનેમામાં શરૂ થયેલ આ પ્રયોગને ધારી સફળતા મળી નહોતી, પણ ઓટીટી પર તે લોકપ્રિય બનશે તેમ લાગે છે. લંતરાની આવી જ ત્રણ ફિલ્મોનો ગુલદસ્તો છે. ત્રણે ફિલ્મનો આરંભ, મધ્ય અને અંત રોચક છે. દર્શકોનો રસ છેલ્લે સુધી જળવાઈ રહે તેવો છે. સિનેમા ચાહકોને આ ફિલ્મ જરૂર ગમશે.

ડૉ. તરુણ બેન્કર (M) 9228208619

tarunkbanker@gmail.com

Post a Comment

0 Comments