યુટ્યુબ તમારા ઘેર આવી વ્યૂ કે સબસ્ક્રાઈબર નહીં વધારી આપે..!

આજકાલ યુટ્યુબ ચેનલ બનાવવી એક ફેશન બની ગઈ છે. પણ તેમાંથી કેટલાં લોકો એ ચેનલને આગળ વધારી-ચલાવી શકે છે..? કેટલાં કન્ટેન્ટ ક્રીએટર નિયમિત વિડીયો અપલોડ કરી શકે છે..? કેટલી ચેનલો કાર્યરત (active) રહી શકે છે..? એક અંદાજ પ્રમાણે યુટ્યુબ ઉપર ૫૧ મિલિયન અર્થાત ૫ કરોડ ૧૦ લાખ ચેનલ છે..! જે પૈકીની ૩.૫ કરોડ ચેનલ સક્રિય (active) છે. એટલે અંદાજીત ૩૦% ચેનલો નિષ્ક્રિય છે. આટલી પૂર્વભૂમિકા પછી મૂળ વાત ઉપર આવીયે.

દરેકના મનનાં કોઈ ખૂણે એક કળાકાર આકાર લઈને બેઠો છે. મોટા ભાગના તેને બહાર કાઢવા મથે છે. પણ, બહાર કાઢી શકતા નથી. જે બહાર કાઢી શકે છે તે પૈકીના બે-ચાર ટકા ટકી શકે છે અને ટકી શકેલાં પૈકીના બે-ચાર ટકા સફળતાનો સ્વાદ ચાખી શકે છે. ટૂંકમાં જેટલાં લોકો મનનાં ખૂણે આકારાયેલાં આ કળાકારને બહાર કાઢવા મથે છે, તે પૈકીના માંડ ૦.૦૨ થી ૦.૦૪ ટકા લોકો કે તેનાથી પણ ઘણાં ઓછા લોકો જરાજૂરી કંઈક પામી શકે છે. અને બાકીના..? ધમપછાડા કરવાથી કે ગાંડા કાઢવાથી કંઈ નહીં વળે. ધીરજ રાખી સતત સક્રિય (active) રહેવું પડશે.



અમારી ટીમ (આમ તો એક જ વ્યક્તિધારી ને આમ જોવાં જઈયે ઘણી મોટી) પણ આ દીશામાં વર્ષોથી સક્રિય (active) હતી. સક્રિય (active) છે. સક્રિય (active) રહેશે. જરાય ધીરજ ગુમાવ્યા વગર. કારણ ધીરજ ગુમાવશો તો તમારી પાસે જે પણ છે તે પણ ગુમાવશો. ધીરજ ગુમાવશો તો યુટ્યુબ તમારા ઘેર આવી તમને વ્યૂ કે સબસ્ક્રાઈબર નહીં વધારી આપે. કે ન તો પૈસા ફેંકશો એટલે વ્યૂ કે સબસ્ક્રાઈબર વધી જશે..! હા, તમારું ટેંશન, anxiety કે બ્લડ પ્રેસર જરૂર વધારી આપશે..! કારણ જેટલાં લોકેએ યુટ્યુબ પર ચેનલ બનાવી છે તે પૈકીના ૯૯.૯૯ ટકા લોકોના મુખ્ય ત્રણ સવાલ છે. 

મારી ચેનલ પર વ્યૂ કેમ નથી આવતાં..? મારી ચેનલ પર સબસ્ક્રાઈબર આટલાં ઓછા કેમ છે..? મારી ચેનલ ક્યારે મોનેટાઈઝ થશે..? અને પછીના તબક્કાના બીજાં સવાલો. ફલાણાનો વિડીયો વાઈરલ થયો તો મારો કેમ નહીં..? ઢિકણાંના વિડીયોમાં કંઈ લેવાનું નથી તો પણ લાખો વ્યૂ..! કેવી રીતે..? પેલો યુટ્યુબ પરથી મહિને હજારો કમાઈ છે, ને મને તો ચાર આના પણ નથી મળતાં..! એ તો છોડો વિડીયો બનાવવાનો ખર્ચ પણ નથી નીકળતો.



આવા સવાલો, બળતરાં, વિચાર કે હતાશા મને પણ થયેલી. આજેય ક્યારેક થઈ આવે છે. પણ, હું તેને ઝાઝીવાર મારી પાસે રહેવા દેતો નથી. ટકવા દેતો નથી. Rather ટકવા દેવા માગતો જ નથી. અને એટલે જ વર્ષોથી સતત સક્રિય (active) રહી શક્યા છીએ. કોઈપણ પ્રકારનો શોર્ટકટ અપનાવ્યા વગર. કોઈપણ પ્રકારની ચાલાકી (manipulation) કર્યાં વગર. પૈસા ખર્ચી વ્યૂ કે સબસ્ક્રાઈબર મેળવ્યા વગર. બસ એક જ મંત્ર. સરસ અને સરળ વિડીયો કન્ટેન્ટ બનાવતાં રહ્યાં છીએ. રહીશું.

like / subscribe / join

youtube.com/manoranjan9

આજે આ વાત એટલે કરવી છે કે અત્યાર સુધી સોએક વિડીયો બનાવ્યાં છે, પણ માંડ ત્રણ-ચારને ઠીક ઠીક વ્યૂ (પાંચ-સાત હજાર) મળ્યાં છે. લાખ કે લાખો તો બિલકુલ નહીં. હજુ તો આખી ચેનલના લાખ વ્યૂ થયાં નથી..! પણ હું હાર્યો નથી અને હારવાનો પણ નથી. કારણ યુટ્યુબનું algorithm આપણે માનીયે કે સમજીયે છીએ તેટલું સીધું ને સરળ નથી.



તાજેતરમાં (૨૭મી માર્ચ, ૨૦૨૩) અપલોડ કરેલ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા ઉપરની નાનકડી (૯ મિનિટ ૧૭ સેકન્ડ) ફિલ્મ (Travelogue)ને આજ (૧૮મી અપ્રિલ, ૨૦૨૩) સુધીમાં ૬૧૦૦ વ્યૂ મળી ચૂક્યા છે. તેનો આનંદ છે. આભાર છે. ઉત્સવ છે. જાહેરાત છે. કોઇને એમ પણ થઈ શકે કે ૬૧૦૦ વ્યૂમાં તો આટલી જોરથી પીપૂડી શું કામ વગાડતા હશો..?..! કારણ બહુ મોટુ મેળવવાની લ્હાયમાં આવા નાના નાના આનંદ ગુમાવવાનું મને તમને પરવડે તેમ નથી. આપણ એ તો પેલાં ૦.૦૨ થી ૦.૦૪ ટકા કે તેનાથી પણ ઓછા લોકોમાં છીએ. તોય પડતા-આખડતા ભાખોડિયા ભરતા આગળ વધવા પા પા પગલી ચાલતા રહીશું. ઘુંટણીયા તાંણતા રહીશું. હાર્યા નથી ને હારવાના પણ નથી.

Roughly 5 billion videos are watched on YouTube every day. There are over 51 million YouTube Channels

-ડૉ. તરુણ બેંકર (M) 92282 08619

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.


Post a Comment

0 Comments