નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા ઘર બેઠાં કરો. જૂઓ-માંણો

         ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક આવેલ રામપુરા ગામ ખાતેના નર્મદા નદીના કાંઠેથી શરૂ કરી અંદાજીત એકવીસ કિલિમીટર ચાલી કરવામાં આવતી પરિક્રમા છે. આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં પગે ચાલીને કરવાનું વિશેષ મહત્વ છે. આ એક મહિના દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી ધન્યતા અનુભવે છે.

હિંદુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, ત્યારે એ પ્રવાહ ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે. આથી અહીં નર્મદા નદીને ઉત્તરવાહિની કહેવામાં આવે છે.



નર્મદાષ્ટકમાં કહેવાયું છે કે નર્મદા નદીના દર્શનમાત્રથી ભક્તોના પાપોનો નાશ થાય છે. અને એટલે જગંગા સ્નાને નર્મદા દર્શનેઉક્તિ પ્રચલિત છે. આવું ધાર્મિક મહત્વ ધરાવતી પૂણ્ય સલિલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે ત્રણ હજાર કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે, જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરતા હોય છે. પશ્ચિમ તટે રામપુરા ગામથી તિલકવાડા સુધી તેમ જ પૂર્વી તટે તિલકવાડાથી રામપુરા ગામ સુધી જતી નર્મદા પરિક્રમા આશરે ૨ કિલોમીટર જેટલા અંતરની થાય છે, જેમાં બે વખત હોડીમાં બેસી નર્મદા નદીને પસાર કરવી પડે છે. આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવી શ્રધ્ધાળુઓની માન્યતા છે.

અમરકંટકથી નીકળી ખંભાતના અખાત ખાતે અરબી સમુદ્રમાં ભળી જતી નર્મદાનો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફનો છે. પરંતુ ઉત્તરવાહિની પરિક્રમા સ્થળે નર્મદા ઉત્તર દીશામાં વહે છે. કોઇ પણ નદીનો પ્રવાહ જયારે ઉત્તર તરફ વહે છે ત્યારે એ પ્રવાહને ઉત્તરવાહિની કહેવાય છે. અને એ સ્થળે નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે. રામપુરાથી તિલકવાડા સુધી નર્મદાનદીનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે. તેથી આ કિનારાને નર્મદા ઉત્તરવાહિની કહેવાય છે. રામપુરા ખાતે આવેલ દશાવતાર રણછોડજીના દર્શન કરી ભાવિક ભક્તો નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો આરંભ કરે છે.

અહીંથી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો આરંભ ધાર્મિક વિધિ-વિધાન અને ભજન-કિર્તન સાથે કરવામાં આવે છે. પરિક્રમા માર્ગ ઉપર આવતાં ગામો કે મંદિરોમાં પણ આખી રાત દરમ્યાન આવી જ ભજન-કિર્તન ચાલતું રહે છે. રામપુરાથી શરૂ થયેલી આ પરિક્રમામાં ભાવિક પદયાત્રીઓ ધનેશ્વર મહાદેવ, મંગલેશ્વર મહાદેવ (જયાં મંગળે તપ કર્યું હતું તે સ્થાન) થઇ અવધૂત આશ્રમ, તપોવન આશ્રમ, રામાનંદ આશ્રમ થઇ ગોપાલેશ્વર મહાદેવના દર્શન કરી સીતારામ આશ્રમ પહોંચે છે.

પરિક્રમાના પૂર્વ તથા પશ્ચિમ તરફમા તટ ઉપર પરિક્રમા માર્ગને ચિન્હિત કરતાં સાઈનબોર્ડ માર્ગદર્શક બનતાં રહે છે. અને એટલે જ પરિક્રમા કરતાં પદયાત્રીઓ આ માર્ગ કે વિસ્તારથી તદ્દ્ન અજાણ્યા હોય તો પણ મધ્યરાત્રીએ પણ નિર્વિઘ્ને પરિક્રમા પૂર્ણ કરે છે.

Click link to watch ઉત્તરવાહિની પરિક્રમા video



સીતારામ આશ્રમ ખાતે પરિક્રમાવાસીઓ માટે ચા-પાણી અને અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં ઉપવાસ કરનાર માટે ફરાળ કે ફળાહારની પણ વ્યવસ્થા કરાય છે. જો કે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાના આખા માર્ગ ઉપર આવતાં દેવસ્થાનો કે આશ્રમોમાં જ નહીં પણ ગામોમાં પણ ચા-પાણી, લીંબુ શરબત, છાશ કે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવે છે. અને ગ્રામજનો આગ્રહ કરી તેનો લાભ લેવા જણાવે છે.

રામપુરા તરફનો નર્મદા નદીનો કિનારો દક્ષિણ તટ કહેવાય છે. સીતારામ આશ્રમથી પદયાત્રીઓ નર્મદા મૈયાના કિનારે કિનારે ચાલતા નદીના પટમાં દોઢ-બે કિલોમીટર ચાલ્યા પછી નાવડી મારફ્તે સામેની બાજુ તિલકવાડાના કિનારે પહોંચે છે. અહી અડધી ઉત્તરવાહિનીની પરિક્રમા પુરી થાય છે.

ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધૂ અને કાવેરી આ પવિત્ર નદીઓને આપણે તીર્થ ગણી સ્નાન કરીએ છીએ જ્યારે અયોધ્યા, મથુરા, કાશી, કાંચી, ઉજ્જૈન, પુરી અને દ્વારકા આ પુણ્ય ક્ષેત્ર છે. એવી જ રીતે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ અલગ-અલગ દિશા તરફ મુખ રાખીને કરેલી ઉપાસનાનું ફળ પણ અલગ-અલગ હોય છે. ઉત્તર દિશાને મોક્ષકારક માનવામાં આવે છે. અને એટલે જ નદી જયાં જયાં ઉત્તર દિશા તરફ વહે છે. ત્યાં ત્યાં તે પ્રવાહને કાશીના ગંગાનું સ્વરૂપ માનવામાં આવે છે, ગંગોત્રીથી નીકળતી ગંગાનું સૌથી વધુ મહત્વ હરીદ્વાર અને કાશીમાં જ છેે તેની પાછળનું કારણ પણ એજ છે કે આ સ્થળે નદીનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે.

તિલકવાડાથી યાત્રીઓ નર્મદા મૈયાના ઉત્તર તટથી ચાલતા ચાલતાં મણીનાગેશ્વર મહાદેવ થઇ કપિલેશ્વર મહાદેવ પહોંચે છે. આ કપિલેશ્વર મહાદેવના સ્થાને કપિલ ઋષિએ તપ કર્યું હતું તેથી આ તપોભૂમિ કહેવાય છે. કપિલેશ્વરના દર્શન કરી ત્યાંનો ઘાટ ઉતરી પદયાત્રીઓ નર્મદા નદીના કિનારે કિનારે ચાલી વાસણ, રેંગણ ગામ પહોંચી જાય છે. રેંગણ ગામથી હોડીમાં બેસી કીડી-મકોડી ઘાટ પહોંચો એટલે નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા પૂર્ણ થાય છે.

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા કરવાના શુભ આશયથી ભાવિક શ્રધ્ધાળુઓ વહેલી સવારે એક દોઢ  વાગ્યાથી ચાલવાનું શરૂ કરે છે જે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ પૂર્ણ થાય છે. ટૂંકમાં કહીયે તો ભક્તો પોતાની સમય અનુકૂળતા અનુસાર રાતે એક દોઢ  વાગ્યાથી સવાર સુધીના કોઈપણ સમયે શરૂ કરી ચાલવાની ઝડપ અને શક્તિ અનુસાર ચારથી છ-સાત કલાકમાં પૂર્ણ કરે છે. આ તમામ સમયગાળા દરમ્યાન રસ્તામાં પદયાત્રીઓને ચા-નાસ્તો, લીંબુ શરબત- પાણીની સેવા આપનારા ગ્રામજનો અને સેવાકિય સંસ્થાના સ્વયંસેવકો પણ વહેલી સવારથી જ સેવા આપવા ઉભા હોય છે. પરિક્રમાવાસીઓને આગ્રહ કરીને ચા-કોફી નાસ્તો આપતા રહે છે.

પતિત પાવની નર્મદા મૈયા પણ રામપુરાથી તિલકવાડા સુધી ઉત્તર દિશા તરફ વહે છે. એટલે જ આ સ્થળે તેનું મહત્વ વધી જાય છે. આમ તો નર્મદા મૈયા પોતે જ પુણ્યકારક અને મોક્ષકારક છે તેથી ભગવાનથી માંડી ઋષિ મુનીઓ, સંત- મહાત્માઓ સાધના માટે નર્મદા કિનારો જ પસંદ કરે છે. નર્મદા નદીના બન્ને કિનારે મહાત્માઓના આશ્રમો છે અને નર્મદા કિનારાને તપોભૂમિ કહેવાય છે. નર્મદામાં જેટલા કંકર એટલા શંકર છે.

        કીડી-મકોડી ઘાટ પર પહોંચ્યા પછી શ્રધ્ધાળુઓ નર્મદાસ્નાન કરી ધન્યતા અનુભવે છે. અહીંના ઉત્તર તરફના ઘાટ ઉપર સ્થાપિત કરાયેલ નંદી મહારાજની ત્રીસેક ફૂટ મોટી પ્રતિમા ભક્તો માતે આકર્ષણનું કેંદ્ર બની ચૂકી છે. આમ આશરે ૨ કિલોમીટરની પરિક્રમા કરી ભક્તો સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું ફળ મળ્યાનો સંતોષ માને છે. ઉત્તર દિશા મોક્ષકારક છે તેથી એ સ્થળે નર્મદાના પ્રવાહનું મહત્વ વધી જાય છે.

-ડૉ. તરુણ બેંકર (M) 92282 08619

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના સંશોધન અને પ્રત્યક્ષ અનુભવનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.

Post a Comment

0 Comments