ગુજરાતમાં અંદાજીત બે થી અઢી લાખ લોકો વચ્ચે માત્ર એક જ સિનેમાઘર..!

     ગુજરાતી ફિલ્મોના વર્તમાન અને ભવિષ્યની ચીંતા કરાઈ રહી છે. સરકાર પણ તેને પ્રોત્સાહિત કરવા અનેક આયામો અમલમાં લાવી રહી છે. જેવાં કે સબસીડી, સિનેમા ટુરિઝમ અને બીજું બધું..!

પણ આપણી પાસે સિનેમાઘરો ક્યાં છે..? સાડા છ કરોડ ગુજરાતીઓ વચ્ચે માંડ અઢીસો-ત્રણસો જ..! એટલે અંદાજીત બે થી અઢી લાખ લોકો વચ્ચે માત્ર એક જ સિનેમાઘર..! અને તેમાં પણ મોટી કંપનીઓ સંચાલિત મલ્ટિપ્લેક્સ કેટલાં..? અને ગુજરાતી માલીકોના હાથમાં હોય તેવાં સિંગલ સ્ક્રીન થીયેટર કેટલાં..? કહેવાય છે કે સિનેમાઘરમાં ફિલ્મ જોવા જવાં દરેક દર્શકે અંદાજિત પંદર થી વીસ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. પછી દર્શકો ક્યાંથી મળે..?



દક્ષિણ ભારતનો સીનેરિયો તદ્દન જુદો છે. આંધ્રપ્રદેશમાં ૨૮૦૯ થીયેટર, કર્ણાટકમાં ૯૫૦ થીયેટર, કેરળમાં ૧૦૧૫ થીયેટર અને તામિલનાડુમાં ૧૫૪૬ થીયેટર છે. ટૂંકમાં ગુજરાત કરતાં લગભગ છ-સાત ગણા વધારે. અને ટિકિટના દર વધારે..! એક ગુજરાતી પરિવારે એક ફિલ્મ જોવી હોય તો ઓછામાં ઓછા એક હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે. દક્ષિણ ભારતમાં આ ખર્ચ કદાચ અડધાંથી પણ ઓછો થતો હશે..! ને ઉપરથી ઘરની નજીક સિનેમાઘર.

click link to watch film / like video / subscribe channel



જો ગુજરાતી ફિલ્મો અને ગુજરાતમાં ફિલ્મોને દર્શકો સુધી પહોંચાડવી હોય કે દર્શકોને ફિલ્મ સુધી લાવવા હોય તો સિનેમાઘરો અંગે વિચારવું જ પડશે. દર્શકો સિનેમાઘર સુધી ન આવતાં હોય તો સિનેમાએ દર્શકો સુધી પહોંચવું પડશે. મોટા માથાઓની માલીકીથી ગુજરાતી સિનેમાઘરોને મુક્ત કરી ગુજરાતી માલીકવાળા સિનેમાઘર વિશે ગંભીરતાથી વિચારવું પડશે. નાના સિનેમાઘરો, નાના શહેરોમાં સિનેમાઘરો અને રૂરલ સિનેમાઘરો ઉભાં કરવા પડશે. ઓછા ટિકિટદરોનું માળખું ઉભું કરવું જ પડશે. અને આ બધાં માટે સરકારે માળખાકિય સુવિધા અને પોલિસી મેકિંગ અંગે મોકળા મને આગળ વધવું પડશે. જાહેર સૂચનો અને બધાં વર્ગના લોકોનો સંપર્ક કરવો પડશે. ગણતરીના લોકો, માત્ર સરકારી બાબુઓ અને મુંબઈમાં બઠેલાં ગુજરાતીઓના ભરોસે બેસી રહેવાથી કંઈ નહીં વળે..!

બાકી માત્ર ચીંતા કરવી એ ‘વિધવા વિલાપ’ સમાન છે. જો નક્કર કામ અને નિર્ધાર સાથે આગળ વધવું હોય, ખરા અર્થમાં ગુજરાતી સિનેમાને આગળ લાવવી હોય તો નવા, નક્કર અને અસરકારક આયામો અજમાવવા જ પડશે.

-ડૉ. તરુણ બેંકર (M) 92282 08619

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.

Post a Comment

0 Comments