સ્કૂપઃ જિજ્ઞા વોરાનું જાગૃતિ પાઠકમાં રૂપાયન

આજકાલ બિહાઇન્ડ ધ બાર્સ ઇન ભાઈખલા: માઈ ડેઝ ઇન પ્રિઝનપુસ્તક ચર્ચામાં છે. આમ તો આ પુસ્તક ૨૦૧૯માં પ્રકાશિત થયેલું, પણ હાલ તેના પરથી પ્રેરણા લઈ બેનેલ વેબ સીરિઝ સ્કૂપ (Scoop) નેટફ્લિક્સ પર રીલિઝ થઈ છે. એટલે તરત સવાલ થાય કે આ પુસ્તકમાં એવું તે શું છે..? પુસ્તકમાં મુંબઈની ક્રાઈમ રીપોર્ટર જિજ્ઞા વોરાના સ્વાનુભવની વાત છે. જેલના અનુભવની વાત છે. પ્રત્યક્ષ રીતે કહીયે તો અંગત અને વ્યવસાયિક જીવનનો દસ્તાવેજ છે. પોલીસે એવાં આરોપસર તેણીની ધરપકડ કરી હતી કે, જિજ્ઞા પાઠક રાજનના સંપર્કમાં હતી અને તેણીએ જ રાજનને જે.ડે.ની બાઈકનો નંબર, સરનામું અને ફોટોગ્રાફ આપ્યો હતો..! પુસ્તકમાં આ જ વરિષ્ઠ ક્રાઈમ રીપોર્ટર જે. ડે.ની હત્યાના આરોપસર ૨૫ નવેમ્બર, ૨૦૧૧થી ૨૭ જુલાઇ, ૨૦૧૨ દરમ્યાન ભાઇખલા જેલમાં રહેલ જિજ્ઞા વોરાની વિતકકથા અને તેના થકી પૂર્વાર્ધની વાત છે.



૨૫ પ્રકરણમાં વહેંચાયેલ પુસ્તકનું કથાનક આંચકા સાથે શરૂ થાય. પહેલાં પ્રકરણનું શીર્ષકઃ લાલ દરવાજામાં પ્રવેશ (Entering Laal Gate). ૯મી ડિસેમ્બર, ૨૦૧૧. “I stripped down to the last piece of cloth on my body.મનમાં ધ્રાસ્કો પડે તેવી શરૂઆત. પેટમાં ફાળ પડે તેવો આરંભ. જો કે વેબસીરીઝસ્કૂપ’ (દિગ્દર્શકઃ હંસલ મહેતા)ની શરૂઆત દસ વર્ષ પહેલાંથી થાય. દોહિત્રી અને નાના વચ્ચેના સંબંધોના પ્રસ્થાપનથી થાય. વર્ષ ૨૦૦૧, રેલ્વે ઓવરબ્રિજ પર બેસતાં છાપાવાળા પાસે છાપું લેવા ધસી જતા નાનાથી થાય. દોહિત્રી જાગૃતિ પાઠકની બાયલાઈનથી છપાયેલ સમાચાર જોઈ રાજીપો વ્યક્ત કરે. પણ એનાથી જાગૃતિ ક્યાં ખુશ થવાની હતી..! જાગૃતિને અખબારના અંદરના, ચોથા-પાંચમાં પાને છપાવવામાં કોઈ રસ નથી. એને તો પહેલાં પાને છપાવું છે. ત્યાર પછી જર્નાલિસ્ટ તરીકે તેણીનું નામ પહેલાં પાને છપાયું. એકવાર નહીં અનેકવાર. પણ, ૧૧ જૂન, ૨૦૧૧ પછી ખબરપત્રી જિજ્ઞા વોરા પોતે જ ખબર બની ગઈ..! આ વખતે જુદી રીતે. ક્રાઈમ રીપોર્ટર જ્યોતિર્મય ડે અર્થાત જે. ડે.ની હત્યારણ તરીકે..! છોટા રાજનની ખબરી તરીકે..! મકોકાની આરોપી તરીકે..!

કૃતિ અને વેબ સીરીઝની શરૂઆત પોતપોતાના નેરેટિવ પોતપોતાની સેટ કરે છે. કોને કેવી રીતે પોતાનું કથાનક કહેવું છે, તેનું પ્રસ્થાપન કરે છે. જે આરોપીઓ કે કથિત આરોપીઓ વિષે ધારદાર કલમ ચલાવનાર જિજ્ઞા અત્યારે પોતે જ કાચા કામના કેદી તરીકે જેલમાં પ્રવેશ કરાવવા લવાઈ છે. “તારું આંતરવસ્ત્ર પણ ઉતારી નાંખ..!” “પ્લીઝબે હાથ જોડી તેણીએ વિનંતી કરી. “હું માસિકધર્મમાં છું…” “તો શું થયું…” કાયદાની સ્નાતક અને પત્રકાર તરીકે, જિજ્ઞા જાણતી હતી કે, ઉભડક પગે બેસાડવી એ તો પોલીસની તપાસનો એક ભાગ છે. કારણ કેટલાય કેદીઓ તેમનાં ગુપ્તાંગમાં પ્રતિબંધિત વસ્તુઓ સંતાડી જેલમાં લઈ જતાં..! “મેં પાંચવાર ઉઠ-બેસ કર્યું. મારી યોનિ ખુલ્લી થઈ ગઈ, મારી જાંઘ નીચે લોહી ટપકતું હતું.સાહિત્યકૃતિની શરૂઆતમાં આંચકો તો છે જ, સાથોસાથ જેલ અને જીવન વાસ્તવ પણ. મુંબઈના અંગ્રેજી અખબારી આલમનું પ્રભાવશાળી નામ અચાનક અપરાધીઓની યાદીમાં આવી ગયું હતું.

વેબ સીરીઝ દસ વર્ષ પહેલાંના કાળથી શરૂ થઈ આગળ વધે છે અને તે બિંદુ પર પહોંચે છે, જ્યાંથી કૃતિની શરૂઆત થઈ હતી. જો કે તેમાં પહેલાં ત્રણ એપિસોડ પૂરા થઈ જાય છે. કુલ છ એપિસોડ ધરાવતી વેબ સીરીઝસ્કૂપપાંચ કલાક, પચાસ મિનિટ અને ચૌદ સેકંડ લાંબી છે. વ્યવસાયિક સંબંધોના તાંણાવાંણા સાથે આગળ વધતી વેબ સીરીઝના આરંભમાં જાગૃતિના વ્યવસાયિક અભિગમ અને પારિવારિક સંબંધના માધ્યમથી તેણીના પાત્રને પ્રસ્તુત કરતાં નાનકડા દ્રશ્ય પછી કથાનક દસ વર્ષ લાંબો કૂદકો મારે. અમેરિકા દ્વારા ઓસામા બિન લાદેનને મરાયાના સમાચાર સાથે ભારતમાં આતંકવાદન દ્યોતકો સાથે આવું કેમ નહીંની ચર્ચા. ભારતને કનડતા આતંકવાદિઓના લિસ્ટમાં દાઉદ અને છોટા રાજનના નામ મોખરે છે. આમ કરી દિગ્દર્શક મૂળ કથાના તાર જેની સાથે જોડાયેલાં છે તેવાં બે આતંકવાદીઓ દાઉદ અને છોટા રાજન તરફ દર્શકોને લઈ જાય છે. કૃતિની જિજ્ઞા વોરા હોય કે વેબ સીરીઝની જાગૃતિ પાઠક હોય, કથાનકના તાર સીધાં આ બન્ને સાથે જ જોડાયા છે.

આમ પણ દરેક વ્યવસાયમાં અંદરો-અંદર પ્રતિસ્પર્ધા હોય જ છે, પણ મનોરંજન, મીડિયા અને રાજકરણ જેવાં જાહેરજીવનના ક્ષેત્રમાં આવી સ્પર્ધા જાહેરમાં આવે છે. જાહેર થાય છે. તીવ્ર અને વેધક ભાસતી આ સ્પર્ધા  ક્યારેય તેવી ન પણ હોય તોય તેને તેવી ચિતરવામાં આવે છે. તો વળી સહકર્મી, ઉપરી કે મેંટોર સાથેની કે સામેની વયૈક્તિક ગમા અણગમાની વૃત્તિ કે ઈર્ષા પણ સારા-માઠા પરિણામો સર્જે છે. ‘સ્કૂપના આરંભમાં બહુ બારીક ભાસતો આ એંગલ ક્રમશઃ અમાનવીય કે અનૈતિક પણ બનતો દર્શાવાયો છે. સામાન્યતઃ જોઇએ તો કૃતિ બિહાઇન્ડ ધ બાર્સ ઇન ભાઈખલા: માઈ ડેઝ ઇન પ્રિઝનજિજ્ઞા વોરાની વિતકકથા છે. એવી અનેક વાતો હોય શકે જે તેણીએ કૃતિમાં ઓન ધ રેકોર્ડ નહીં લીધી હોય. અથવા તો નહીં લઈ શકાય હોય. અને કદાચ એટલે જ વેબ સીરીઝ આ કૃતિ પરથી નથી બની. પણ, તેનાં પરથી પ્રેરણા લઈને બનાવાઈ છે. વેબ સીરીઝમાં કથાલેખન માટે અપાયેલાં ક્રેડિટ ટાઈટલમાં મિરાત ત્રિવેદી અને મૃણમયી લાગુ વૈકુલ અને સંશોધક તરીકે દીપુ સેબાસ્ટિયન એડમંડના નામો છે. ટૂંકમાં કહીયે તો કૃતિ પરથી પ્રેરણા લઈ કૃતિની પાર જઈ તેના કથાનક અને વિષયવસ્તુમાં ખેડાણ કરાયું છે. જેથી કૃતિમાં ન કહેવાયેલી (સ્વરૂપ, મર્યાદા કે શિષ્ટાચારને કારણે) વાતનો પણ તેમાં સમાવેશ કરાયો છે.



દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમમાં વેબ સીરીઝનું સ્વરૂપ જુદું, નવું અને આધુનિક છે. તેની પોતાની લાક્ષણિકતા છે. જરૂરીયાત છે. અને મર્યાદા પણ છે. આજકાલ 3૦ મિનિટથી લઈને ૬૦ મિનિટ સુધીની અવધિવાળા અને ૬ થી ૧૦ એપિસોડનું ચલણ ચાલી રહ્યું છે. હા, દસથી બાર મિનિટની અવધીવાળા એપિસોડવાળી વેબ સીરીઝ પણ બની છે. બનશે. પણ, હાલ 3૦ થી ૬૦ મિનિટવાળો ટ્રેંડ ચાલી રહ્યો છે. ક્યારેક તો વેબ સીરીઝનો બીજો ભાગ પણ બનાવાતો હોય છે. ઈન શોર્ટ બે અઢી કલાકની ફીચર ફિલ્મ સામે પાંચ થી છ કલાક લાંબી અને ક્યારેક તો નવ-દસ કલાકની અવધિ ધરાવતી વેબ સીરીઝ બને છે. જિજ્ઞા વોરાની કૃતિને જ પ્રસ્તુત કરીએ તો કદાચ જરૂરી અવધિવાળો કાર્યક્રમ (વેબ સીરીઝ) ન બની શકે. એટલે પણ વેબ સીરીઝના સર્જકોએ કૃતિની પાર જઈને તેનું કથાનક, પાત્રો અને ઘટનાક્રમ સર્જ્યો છે. ક્યાંક કૃતિની અંદર જ છુપાયેલ કે જરા-તરા કહેવાયેલ વાતને વિસ્તારી છે. ને ક્યાંક તેની બાદબાકી પણ કરી છે.

પાંચ કલાક, પચાસ મિનિટ અને ચૌદ સેકંડ લાંબી વેબ સીરીઝસ્કૂપના પહેલાં ત્રણ ભાગમાં ખબરી, અધિકારી કે પ્રતિભાના જોરે સતત કે વારંવાર પહેલાં પાને છપાવાની આવડતવાળાં પત્રકારત્વની ખટપટ અને રમત દર્શાવાઈ છે. ને બીજા ત્રણ ભાગમાં જેલવાસ, જેલની બહાર આવવા કે લાવવા જાગૃતિ અને પરિવારની અસમંજસ, રઝળપાટ અને પૈસાનું પાણી. જેલનું વાસ્તવ, વિકૃતિ અને વ્યવસ્થાપન દર્શાવાયું છે. આ બધાની વચ્ચે કોર્ટ, વકિલ અને સરકારી વકિલના દાવા-પ્રતિદાવામાં ઉલઝતી, અટવાતી ને અક્ળાતી જાગૃતિ દર્શન પાઠક. સોરી. માફ કરજો. જાગૃતિ પાઠક.

જાગૃતિ પાઠકના રોલમાં કરિશ્મા તન્ના જામે છે. હા, આરંભમાં અક્ષમ કે નબળી ભાસતી કરિશ્મા ધીમેથી એવી ઉડાન ભરે છે કે પરકાયા પ્રવેશ કરી સાચા અર્થમાં જાગૃતિ પાઠક બની જાય છે. જાગૃતિનો બોસ, મેંટર અને દોસ્ત ઇમરાન સિદ્દિકિ તરીકે મુહંમદ ઝિશાન, જેસીપી હર્ષવર્ધન શ્રોફ તરીકે હરમન બાવેજા અને મામા તરીકે દેવેન ભોજાણી અભિનય થકી છાપ છોડી જાય છે. પુત્ર નીલ (વિશાલ ઠક્કર), મમ્મી (મોરલી પટેલ), ઇન્સ. અશોક જગતાપ (રવિ મહાશબ્દે), રંભા મા (તેજસ્વિનિ કોલ્હાપૂરે) અને દળવીજી (અતુલ કાલે) પ્રમુખ ભૂમિકામાં ન હોવાં છતાંય આગવો પાત્રગત પ્રભાવ ઉભો કરવામાં સફળ રહ્યાં છે. અભિનયની વાત થઈ જ રહી છે તો એક-બે વાત કરી જ લઉં. બે-એક દ્રશ્યમાં કરિશ્મા દેવેનભાઈને ઓવર પાવર કરી ગઈ છે. તો જાગૃતિની જૂનિયર દીપા ચંદ્રા (ઈનાયત સુદ) વ્હાઈટ એન્ડ ગ્રે શેડ ઉભા કરી સકી છે. અજિતેશ ભટ્ટ (મલ્હાર ઠાકર) અને સાધ્વિ મા (શિખા તલસાણિયા) નિરસ ભાસે છે



૧૯૯૩થી ટેલીવિઝન સીરીઝખાના ખજાનાઅને ૧૯૯૯માંજયતેફિલ્મથી દિગ્દર્શક તરીકે શરૂઆત કરનાર હંસલ મહેતા સોળેક ફીચર ફિલ્મ અને દસેક ટીવી કાર્યક્રમ (વેબ સીરીઝ સહિત) બનાવી ચૂક્યા છે. છેલ્લાં એક દાયકામાં સફળ સર્જક તરીકે ખ્યાત હંસલ મહેતાને ૨૦૧૩માં શાહિદ માટે બેસ્ટ ડિરેકટરનો નિશનલ એવોર્ડ મળ્યો હતો. અલિગઢ (૨૦૧૬), સિમરન (૨૦૧૭), ઓમેર્ટા (૨૦૧૮) અને ઓટીટી પર ધૂમ મચાવનાર વેબ સીરીઝ સ્કેમ (૨૦૨૦) તેમની સર્જનયાત્રાના પ્રમુખ પડાવ છે. અને હવે સ્કૂપ (૨૦૨૩).

સ્કૂપનું કથાનક અનેક સ્તર સાથે આગળ વધે છે. અનેક વાર્તાઓ સાથે આગળ વધે છે. અને આ બધી વાર્તાઓ ક્યાંક એકમેકને મળે છે. અથવા એકબીજાને સ્પર્શે છે. આપણે ઉપર વાત કરી એ મુજબ મીડિયાની આંતરિક ખેંચતાણ અને પીઠમાં છરો ભોંકવાની વૃત્તિ વેબ સીરીઝનું એક કથાતંતુ બને છે. આવી જ રીતે રાજકીય ખટપટ, ક્રાઈમ બ્રાંચનું સત્ય-અસત્ય, દાઉદ અને છોટા રાજન વચ્ચેનો ખટરાગ અને પત્રકારત્વની પોલખોલ વૃત્તિ સાથે ઢાંકપિછોડો કરી કે કોઈ એક અમલદારનું માઉથપીસ બની લાભાલાભ લેતી તકવાદીતા પણ. કથાનક બધું જ ગ્રે એન્ડ બ્લેક નથી. સહકર્મી માટે ઉભા રહેતા કે તેને પીઠબળ પૂરુ પાડતા એડિટરની પણ વાત છે. અને સમર્થક સહકર્મીઓની પણ... બેકાર, દારૂડિયા અને ઘરેલું હિંસા કરતા પતીની પણ વાતછે અને દીકરી માટે સર્વસ્વ લુટાવી દેનાર પરિવાર અને મામાની પણ વાત છે.

સ્કૂપ શબ્દના અનેક અર્થની જેમ વેબ સીરીઝમાં પણ તે અનેક અર્થ પ્રસ્તુત કરે છે. જાગૃતિ અને ઈમરાન, જાગૃતિ અને જેસીપી હર્ષવર્ધન શ્રોફ કે જાગૃતિ અને છોટા રાજન વચ્ચેના મીઠા સંબંધોનું સ્કૂપ. ક્રાઈમ બ્રાંચની વ્હાલા-દવલા નીતિનું સ્કૂપ. એક્સક્લુઝિવના ચક્કરમાં સાચા-ખોટાની ભેદરેખા ઓળંગી જતાં પત્રકારત્વનું સ્કૂપ. કૂટેવો પોષવા પત્નીને વસ્તુ સમજી લેતાં પતિનું સ્કૂપ. દીકરી માટે સર્વસ્વ હોમી દેતી મમ્મી, નાના-નાની અને મામાનું સ્કૂપ. અને સિંગલ મધર તરીકે દીકરા માટે બધું કરી છૂટનારી માતાનું પણ સ્કૂપ છે. આમ વેબ સીરીઝમાં અને વેબ સીરીઝના શિર્ષક સ્કૂપનો અર્થ માત્ર કોઈ મહત્વપૂર્ણ બનાવની રસપ્રદ માહિતી પૂરતો સીમીત ન રહેતા વ્યાપક બન્યો છે. વ્યાપક બનાવાયો છે. ક્રિએટર હંસલ મહેતા અને મૃણમયી લાગુ વૈકુલ તથા દિગ્દર્શક હંસલ મહેતા, પટકથાકાર અનુ સિંઘ ચૌધરી, સંશોધક દીપુ સેબાસ્ટિયન એડમંડ અને આ બધાંની સાથે જિજ્ઞા વોરાની મૂળ કૃતિ બિહાઇન્ડ ધ બાર્સ ઇન ભાઈખલા: માઈ ડેઝ ઇન પ્રિઝનએટલી હદે એકબીજાની પૂરક બની છે કે સાહિત્ય અને ઓડિયો-વિઝ્યુલ મીડિયા વચ્ચેનો ભેદ પણ ઓગળી જતો ભાસે છે.

કૃતિ બિહાઇન્ડ ધ બાર્સ ઇન ભાઈખલા: માઈ ડેઝ ઇન પ્રિઝનમાં જિજ્ઞાના જેલ પ્રવેશથી શરૂ થતો કથાનકનો આરંભ દોષમુક્ત થઈ મધરાતે દીકરા પાસે પહોંચતી મા જિજ્ઞા સાથે પૂર્ણ થાય છે. લગભગ સાડા છ વર્ષના આ કપરા કાળ દરમ્યાન કૃતિનું કથાનક સીધું નથી ચાલતું. સતત પૂર્વાર્ધમાં સરકી જઈ તેણીનો ભૂતકાળ પણ છતો કરે છે. અને તેની સાથે છતાં થાય અનેક એવાં રહસ્યો જે તેણીની વ્યવસાયિક અને વૈયક્તિક જિંદગીના સત્યને ઉઘાડે છે. આ દરમ્યાન જિજ્ઞાને એવાં અનેક સત્યો લાધે છે જે તેણી પેજ નંબર એક પર છપાવાની લ્હાયમાં ભૂલી ગઈ હતી. અથવા તો કારકિર્દીના પગથિયા ઝડપથી ચઢવા કૂદકો મારવામાં ચૂકી ગઈ હતી. કૃતિના આરંભે ઉતાવળી, આવેગી અને ક્યાંક ઉછાંછળી યુવતી સમાન ભાસતી જિજ્ઞા અંતે ધીર-ગંભીર મીડિયાકર્મી-માતા-દીકરી તરીકે પ્રગટે છે.

વેબ સીરીઝમાં જિજ્ઞાનું જાગૃતિમાં રૂપાયન સુપેરે ઝિલાયું છે. સાત વર્ષ જેટલાં ટૂંકા સમયગાળામાં કોર્ટ જર્નાલિસ્ટથી ડેપ્યુટી બ્યૂરો ચિફ બનવું અને તે સમયગાળા દરમ્યાન અનેકવાર પેજ વન ક્વિન બનવું અને બનવા પાછળની આવડતને સહજપણે પ્રસ્તુત કરી છે. વેબ સીરીઝના પ્રથમ ત્રણ એપિસોડ અર્થાત સિનેમાની ભાષામાં વિચારીએ કે કહીયે તો ઇન્ટરવલ સુધીમાં જાગૃતિનો વ્યવસાયિક કાર્યકાળ, તેણી સામે ઉભો થયેલ કે કરાયેલ ગુનાહિત કેસ, તેની પાછળનું ષડયંત્ર, તેણીનું અંગત જીવન અને સહકર્મીનું બેક સ્ટેબિંગ એકબીજા સાથે ગુંથાઈને એક દોરી બનાવે છે, જે અંતે ગાળિયો પણ બને છે.

ત્રીજા એપિસોડના અંતનો આરંભ આપ જા કે તૈયાર હો જાઇએ.” પછી બોલાતાં અસ્પષ્ટ સંવાદથી થાય. તે પહેલાં જાગૃતિ અખબારમાં છપાયેલ સ્ટોરી (સ્કૂપ..!) વાંચી રહી છે. હેડલાઈન છેઃFemale Journalist Named In Sen’s Murder Chargesheet”. આ સ્ટોરી તેણીની જૂનિયર દીપા ચંદ્રાએ કરી છે..! એડિટર ઇમરાનનો ફોન આવે. તેણીને ઢાઢસ બંધાવે. ત્યાં જ ઘરના દરવાજે ટકોરા પડે. દરવાજો ખખડે. મહિલા પોલીસકર્મીઓ સાથે એક પુરૂષ અધિકારી છે. “જાગૃતિ પાઠક..! આપકા નામ કા એરેસ્ટ વોરંટ હૈ. આપકો હમારે સાથ મેં પુલીસ સ્ટેશન આના હોગા.”  કૃતિમાં પણ આ ઘટનાક્રમ લગભગ અડધાં ભાગ પછી આવે. પ્રકરણઃ ૧૫ શિર્ષકઃ ડોગ ઈટ ડોગછેલ્લું વાક્ય. સંવાદઃMadam, he said. ‘You are under arrest for the murder of J. Dey.”

સ્કૂપના છેલ્લાં ત્રણ એપિસોડમાં જાગૃતિના જેલના અનુભવ, કોર્ટ કાર્યવાહી અને મકોકા (મહારાષ્ટ્રમાં સંગઠિત અપરાધ રોકવા બનાવાયેલ વિશેષ એકટ) હેઠળ ધરપકડ થઈ હોય જામીન આપવામાં અને મેળવવામાં અપનાવાતા કાનુની દાવપેચની વાત. કૃતિ જિજ્ઞા વોરા (આરોપી નં. ૧૧) નિર્દોષ છૂટ્યા સુધી વિસ્તરે. પણ વેબ સીરીઝમાં..? સર્જકોએ સ્કૂપઃ પાર્ટ ટુબનાવવાની સંભાવના ઉભી રાખી છે. શક્ય છે કે નજીક ભવિષ્યમાં આ જ વિષયવસ્તુ પરથી ફીચર ફિલ્મ પણ બને. પૂરેપૂરી ક્ષમતા છે. બનવી જોઈએ.

કૃતિનું વેબ સીરીઝમાં રૂપાયન ઓવરઓલ રસાળ લાગે છે. શરૂઆતમાં ધીમી અને ક્યાંક લચર (ખાસ કરીને પહેલાં ત્રણ એપિસોડમાં) લાગતી વેબ સીરીઝ અંત તરફ જતાં એટલી પ્રભાવક બને છે કે પહેલાંની રસક્ષતિ દર્શકો ભૂલી જ જાય. ઓડિયો-વિઝ્યુલ કાર્યક્રમના સર્જનમાં જરૂરી લેખનકાર્ય ખાસ કરીને પટકથા, કથાનક વાસ્તવિક હોય તેના કથાપટ માટેનું સંશોધન અને મૂળ કૃતિમાં સમાહિત ટેક્ષ્ટનું વેબ સીરીઝમાં રૂપાયન હંસલ મહેતાની આગવી સૂઝનું દ્યોતક બને છે. વેબ સીરીઝની જરૂરીયાર અનુસાર દરેક એપિસોડનો અંત એવા રોચક પડાવ પર આવે કે દર્શક પછીના એપિસોડ તરફ આપોઆપ પ્રયાણ કરે. તો સાથોસાથ ગાળો અને બિભત્સ દ્રશ્યોની ભરમાર ધરાવતી વેબ સીરીઝ વચ્ચે, સ્કૂપમાં આવો પૂરતો અવકાશ હોવાં છતાંય ખલપાત્ર પાસે એક-બે ગાળ સિવાય સપરિવાર જોઈ શકાય તેવી વેબ સીરીઝ સર્જકો અને નિર્માણ સંસ્થાનું આગવું પાસું છે.

અને અંતેઃ કૃતિ જિજ્ઞા વોરાનું એકલ સર્જન છે. વેબ સીરીઝ સામૂહિક સર્જન છે. ત્યારે એટલું જ કહીશ, સ્કૂપ વેબ સીરીઝમાં જિજ્ઞા વોરાનું જાગૃતિ પાઠકમાં સુપેરે રૂપાયન થયું છે.

નોંધઃ આ લેખ ડોતરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છેકોપીરાઈટ હેઠળ સુરક્ષિત છેકોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.

#scoop #jignavora #hansalmehta #netflix #webseries #karishmatanna #behindthebar #chhotarajan #jdmurder #asianage #midday

ડૉ. તરુણ બેન્કર

મા-બાપ/, ઝવેર નગર, ગુ. હા. બોર્ડ, ભરૂચ-૧ મો. 9228208619

Post a Comment

2 Comments

  1. Very informative article

    ReplyDelete
  2. Nicely reviewed, Dear Dr. Tarunbhai. Congratulations 🌹😊

    ReplyDelete