હોલીડેઃ એક મિનિટ, આઠ કળાકારો ને શોર્ટફિલ્મ

ગુજરાત આખું ચૂટણીના રંગે રંગાયું છે ત્યારે ભરૂચ આઠ કળાકારોએ ફિલ્મમેકર ડૉ. તરુણ બેંકરના નિર્દેશનમાં બનેલ માઈક્રો ફિલ્મહોલીડેમાં અભિનય કરી અનોખો મેસેજ પ્રસ્તુત કર્યો છે. રજાના બધાં દિવસો હોલિડે નથી હોતાં, કેટલાંક દિવસો હોલીડે (પવિત્ર દિવસ) પણ હોય છે. ફિલ્મહોલીડેમાં આ વિષયવસ્તુને બહુ બારીક રીતે વણી લેવામાં આવી છે. આ ફિલ્મમાં ભરૂચના કળાકારો મેહુલ પટેલ, ડો. વિનોદ ગૌર, સપના નકૂમ, રિદ્ધિશ પટેલ, ગૌરવ પરમાર, કિરણબહેન ગૌર, જયનાબહેન પટેલ અને ડૉ. તરુણ બેંકરે અભિનય કર્યો છે.

એક મિનિટની આ ફિલ્મમાં આઠ કળાકારો હોવાં અને દરેક કળાકારને રોલ કર્યાનો સંતોષ થાય તે વાત જ મારા માટે ચેલેન્જ હતી અને અમે બધાંએ ભેગા મળી તે ઉપાડી છે. આ વાત ફિલ્મહોલીડેના સર્જક ડૉ. તરુણ બેંકરે જણાવી છે. વધુમાં તમણે જણાવ્યું હતું કે ફિલ્મ માત્ર મનોરંજનનું સાધન નથી, આપણે ધારીએ તો ફિલ્મના માધ્યમથી અનેકવિધ પ્રશ્નોનું સમાધાન લાવી શકાય. કે કોઈ જટીલ વાત સહજતાથી સમજાવી શકાય. અમે પણ આવા જ પ્રયાસ કર્યો છે.



અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. તરુણ બેંકર ૧૯૯૧થી મનોરંજન માધ્યમ સાથે સંકળાયા છે અને તેનો ઉપયોગ જનજાગૃતિ અને સામાજિક ચેતના માટે કરતાં રહ્યાં છે. ૨૦૦૪માં એઈડસ અવેરનેસ માટેની શોર્ટફિલ્મ ‘મેરે સપનોં કી રાની’ ન્યૂયોર્ક ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચી હતી. આ ફિલ્મ ભારતમાં યોજાતા સીગેટ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એડિટિંગ કેટેગરીમાં નોમિનેટ પણ થઈ હતી. ૨૦૦૮થી આરંભેલ બેટી બચાઓ સ્ત્રી ભૃણહત્યા અટકાવો અભિયાન અંતર્ગત ચાર શોર્ટ્ફિલ્મ અને એક ટેલીફિલ્મનુ સર્જન કર્યુ હતુ. આ બધી જ ફિલ્મો તેમની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. ૨૦૧૮માં સ્વચ્છતા અભિયાન ઉપરની ફીચર ફિલ્મ “છોટુ બે કટિંગ” આઠ લાખ દર્શકોએ નિહાળી છે. આમ કળા માધ્યમને માત્ર મનોરંજન નહીં પણ તેનાથી સવિશેષ બનાવવાની કામગીરી સતત કરતા રહ્યા છે.

ફિલ્મ ‘હોલીડે’ યુટ્યુબની મનોરંજન (manoranjan9) ચેનલ પર રીલીઝ કરવામાં આવી છે. ફિલ્મની લિંક જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા અને પોલીસવડા ડૉ. લીનાબહેન પાટિલને મોકલવામાં આવી હતી. પોલીસવડાએ ગુડ વન (good one) કહી ફિલ્મને બિરદાવી છે. આશા છે ગુજરાત સહિત દેશના દર્શકોને આ ફિલ્મ ગમશે.

Post a Comment

0 Comments