તમિલ ફિલ્મ કૂઝહંગલ (Koozhangal); Real Cinemaનો અવાજ


થોડાંક દિવસો પહેલાં (ઓકટોબરના છેલ્લા અઠવાડિયામાં) તમિલ ફિલ્મ કૂઝહંગલ (Koozhangal) જોઈ ત્યારથી આ ફિલ્મે મારો પીછો કર્યો હતો. ફિલ્મ જોયા પછી જ્યારે પણ ફિલ્મની વાત કરવાની તક મળી ત્યારે મેં આ ફિલ્મ વિષે વાત કરી હતી.  અનેક મિત્રોને (ફિલ્મના શોખીન છે તેમેને) આ ફિલ્મ જોવા અનુરોધ કર્યો હતો. માત્ર ૭૪ મિનિટની આ ફિલ્મ તમને વિચારતા કરી મૂકે છે. વિચારવા મજબૂર કરે છે. અને તેનું કારણ છે તેનું વિષયવસ્તુ, માવજત, દ્રશ્યાંકન, સંકલન અને અભિનય. આમ જોવા જઈયે તો ફિલ્મ માત્ર બે પાત્રો (પિતા-પુત્ર) પર આધારિત છે. અને આ વર્ષે ભારતમાંથી ઓસ્કાર માટે મોકલાયેલ ફિલ્મ છે. આ ફિલ્મ ઓસ્કાર જ્યુરીને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ શ્રેણીમાં નોમિનેશન માટે બતાવવામાં આવશે. તમિલમાં કૂઝહંગલનો અર્થ થાય છે કાંકરા, અર્થાત અંગ્રેજીમાં પેબલ્સ(Pebbles).

શરાબી પિતા અને નિર્દોષ પુત્રની મૂળ વાર્તામાં પતિના ત્રાસને કારણે ઘરેથી ચાલી ગયેલ પત્નીને પાછી લાવવા અને જ્યારે ધાર્યું ન થાય ત્યારે તેણીને ગણતરીના સમયમાં જાનથી મારી નાંખવાની વાત ઉચ્ચારતો પતિ, બસ દ્વારા પુત્ર સાથે પોતાના ગામથી પત્નીના ગામ જાય અને પગપાળા પાછો આવે..! કેમ..? એવું તે શું ઘટે..? આ આવન-જાવન આકાર લેતો ઘટનાક્રમ અને રચાતા દ્રશ્યો ફિલ્મને વધુ વેધક બનાવે છે.

તમિલ ફિલ્મ કૂઝહંગલ (Koozhangal) તેની શાનદાર સ્ક્રિપ્ટ, બેજોડ અભિનય, અદભૂત દિગ્દર્શન અને અદભૂત સિનેમેટોગ્રાફીને કારણે મોટા બજેટની ૧૪ ફિલ્મોને બાજુએ રાખી ઓસ્કારમાં નોમિનેટ થઈ છે. જો કે તમિલ ફિલ્મ કૂઝહંગલ (Koozhangal) ઓસ્કારમાં જનારી ભારતની ૫૪મી ફિલ્મ છે, અને આ પૈકી માત્ર ફિલ્મો જ ટોપ ફાઈવમાં સ્થાન પામી શકી છે. પહેલી મધર ઈન્ડિયા, બીજી સલામ બોમ્બે અને ત્રીજી લગાન. ત્યારપછી કોઈ ભારતીય ફિલ્મને ટોપ ફાઈવમાં નોમિનેશન મળ્યું નથી. આ પહેલાં ૩૩ હિન્દી, ત્રણ મલયાલી, બે-બે મરાઠી અને બંગાળી, એક-એક તેલુગુ, આસામી, ગુજરાતી અને કોંકણીમાં ફિલ્મ ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી છે.

ઓસ્કાર માટે પસંદ કરાયેલી ભારતીય ફિલ્મો ફિલ્મનું પ્રમોશન કરવાનું ચૂકી જવાને કારણે આંતરરાષ્ટ્રીય દર્શકો સુધી પહોંચી શકતી નથી. શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ શ્રેણીમાં સ્પર્ધા કરતી વિદેશી ફિલ્મો ઓસ્કારમાં જતા પહેલા યુએસ સિનેમાઘરોમાં રિલીઝ થાય છે. જ્યારે ભારતીય ફિલ્મ પણ વિદેશમાં રિલીઝ થયા વગર મોકલવામાં આવે છે. આ કારણે ઓસ્કાર એકેડમીના સભ્યો, મીડિયા અને ફિલ્મ સમીક્ષકોનું ધ્યાન ભાગ્યે જ ભારતીય ફિલ્મો તરફ જાય છે.

તમિલ ફિલ્મ કૂઝહંગલ (Koozhangal) અનેકરીતે શ્રેષ્ઠ ફિલ્મ બનવાં લાયક છે. ફોલો શોટ, ટોપ એંગલ શોટ અને સબ્જેકટિવ શોટ પાત્ર અને કથા સાથે દર્શકને પણ ઘસડી જાય છે. વાસ્તવનું ફિલ્મમાં રૂપાંતર એટલું સહજપણે કરાયું છે કે એક ક્ષણ માટે પણ વિચારવાની તક મળતી નથી. અપાતી નથી. જીદ્દી, જડ અને ઝનુની પિતા અને લાગણીવાન, શિક્ષિત અને સમજદાર પુત્રની જોડી સતત કમાલ કરી જાય છે. કથાના મૂળમાં રહેલ આ લોકોની જીંદગી સાથે વણાયેલ પાયાની જરૂરિયાતોના અભાવને અપ્રત્યક્ષપણે કહી જાય છે. ગુસ્સો, બીડી અને શરાબ જેનું પ્રમુખ લક્ષણ છે તેવો બાપ સતત અમાનવિય રીતે વર્તે. મારામારી કરે. બાળકને બેફામ મારે. ગમે તેને મારી નાંખવાની ધમકી આપે. પણ જ્યારે આ બધું તેની સામે આવે ત્યારે..?

નવોદિત દિગ્દર્શપી.એસ. વિનોથરાજની આ પહેલી ફિલ્મ છે જે તેમણે પોતાના સ્વાનુભવના આધારે બનાવી છે. ફિલ્મની પટકથા પણ પી.એસ. વિનોથરાજને જ લખી છે. ફિલ્મ રાઉડી પિક્ચર્સ બેનર હેઠળ નયનથારા અને વિગ્નેશ શિવને નિર્માણ કરી છે. ભારતીય સિનેમાનો અને ખાસ કરીને પ્રાદેશિક સિનેમાનો આવો ચહેરો જોયા પછી એમ થાય કે ગુજરાતીમાં આવી ફિલ્મ બનશે ખરી..? કોઈને આવિ વિચાર પણ આવશે ખરો..? ૭૪ મિનિટની આવી ફિલ્મ ગુજરાતીમાં બને તો..?

અને અંતે… ગુજરાત સરકારના નીતિ-નિયમ અનુસાર ફિલ્મની લંબાઈ ૧૦૦ મિનિટ કે તેથી વધુની હોય તો જ પ્રાદેશિક ફિલ્મને મળતાં લાભ માટે લાયક ગણાય..!

Caution: all Content are original, You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any way exploit any such content, nor may you distribute any part of this content over any network, including a local area network, sell or offer it for sale, or use such content to construct any kind of article, program etc… Copying or storing any content except as provided above is expressly prohibited without prior written permission

 


Post a Comment

0 Comments