સ્ત્રી, સમાજ અને સ્વતંત્રતાનો આધુનિક પડઘોઃ ‘ધ ગ્રેટ ઈંડિયન કિચન’

 ૨૦૨૧ની મલયાલમ ફિલ્મ ‘ધ ગ્રેટ ઇંડિયન કિચન’ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી ચૂકી છે. શું પરણિત સ્ત્રી માટે રસોડું જ જાણે સર્વસ્વ હોય અને બીજું બધું જ ગૌણ બની જાય..! નારી સ્વતંત્રતા વિષયને અત્યંત વેધક રીતે રજૂ કરતી આ ફિલ્મ શરૂઆતમાં મોનોટોનસ જરૂર લાગશે અને ગતિ પણ ધીમી ભાસસે, પણ ફિલ્મ જેમજેમ આગળ વધે છે તેમતેમ તે દર્શકોને પોતાની સાથે વહાવી જાય તેવી છે. ફિલ્મનો આરંભ મધુર ગીત સાથે થાય, જેનો ભાવ કઇંક આવો છે. તું મારી પાસે રહે, શરારતથી છલક્તી એક આંખ અને ગમગીનીથી છલક્તી બીજી આંખ સાથે હું તને કહીશ, મેં તને પામી લીધી છે.

સ્ત્રીનો મનોભાવની અભિવ્યક્તિ અહીંથી નથી અટકતી. નૃત્ય કરતી યુવતી અને સમાંતરે રસોડામાં બનતી વાનગી અને રસોઇકામના દ્રશ્યો પછી તેણીને જોવા આવેલા છોકરાવાળાનું દ્રશ્ય અને લગ્નવિધિ ઝડપથી અટોપી દિગ્દર્શક આપણને મૂળ કથાનક પર લઈ આવે છે. તેણીના લગ્ન એવા જૂનવાણી પરિવારમાં થયાં છે જ્યાં સ્ત્રી વસ્તુથી વધુ કંઈ પણ હોય એવું લાગતું જ નથી..! સવારમાં આરમ ખૂરશી પર બેસી અખબાર વાંચતા સસરાને સાસુ ટૂથબ્રશ ઉપર પેસ્ટ લગાવીને આપે પછી તે શ્રીમાન બ્રશ કરવા જાય..! આટલું જ નહીં તે ઘર બહાર જતા હોય ત્યારે વરંડામાંથી બૂમ પાડી પોતે જતા હોવાની જાણ કરે ત્યારે પત્ની ચપ્પલ લઈ દોડતી બહાર આવી તેમને ચપ્પલ આપે. અહીં સ્ત્રીની પરાધિનતા તો પ્રગટે જ છે, પણ સાથોસાથ પુરૂષની માનસિકતા પણ છલકે છે. કહેવાય છે પુરૂષના હૃદય સુધી પહોંચવાનો રસ્તો તેના પેટમાંથી જાય છે, પણ સ્ત્રીના હૃદય સુધી પહોંચવાના રસ્તા વિશે શું જ નથી કહેવાયું..!

સંજોગોવસાત સાસુ બહારગામ જાય ત્યારે ઘરની બધી જવાબદારી નવપરણિતા પર આવી પડે. તેણી બધી જ જવાબદારી ઉપાડી પણ લે, પણ પુરૂષ ખાસ કરીને સસરા કંઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી. તેમને સિલબટ્ટા ઉપર વાટેલી જ ચટણી જોઇયે છે. ભાત કૂકરમાં નહીં પણ ચૂલા ને હાંડીમાં બનાવેલો જ ખાવો છે. નવપરણિતા આવું બધું જ કરે. તેમની આશા-અપેક્ષા અનુસાર ઢળે. પણ તેણીની આશા-અપેક્ષાનું શું..? કોણ તેના તરફ ઢળશે..? કોણ તેના માટે બદલાશે..? પતિ..? ના, પતિ માટે તો તે સંભોગનું સાધન અને ખાન-પાનની જરૂરિયાર પૂરી કરનાર વસ્તુ માત્ર છે. સ્કૂલમાં શિક્ષક તરીકે કામગીરી કરતો પતિ ક્લાસમાં ભણાવે, Family is universal Group based on marriage.

 


 સાસરે આવ્યા પછી પહેલીવાર માસિક સ્ત્રાવ આવ્યાં પછી કથાનકમાં ચકરાવો આવે. પરંપરાગત રૂઢી અને વૈયક્તિક માનસિકતા તેણીને હચમચાવી મૂકે. જો કે આ સમય દરમ્યાન તેણીનો વાંચન અને નૃત્યનો શોખ પોષવાની નાનક્ડી તક મળે ને તે ઝડપી લે.

કથાનકના મનોભાવને કહેવા કેટલાક દ્રશ્યોનું પુનરાવર્તન અસરકારક લાગે છે. પુરૂષો દ્વારા ખાતી વખતે આચરાતી અશિષ્ટતા તે પૈકીની એક છે. સરગવાની સિંગ ચાવી તેનો કૂચો, રસમમાંથી ટામેટા, મીઠો લીમડો કે અન્ય ખાદ્ય સામગ્રી ટેબલ પર ગમે ત્યાં ફેંકવી. કિચન સિંકની પાઇપ સતત ગળતી રહે અને પરણિતા તેની બદબૂ અને ત્રાસ સતત વેઠતી રહે. પતિનો એકતરફી સંભોગ વેઠતી રહે. ઘરકામ અને રસોઈકામ કરતા દ્રશ્યોનું પુનરાવર્તન તેણીની જિંદગીના એક્ધારાપણા અને રસહિનતાને પ્રસ્તુત કરે છે.

પતિ સાથે હોટલમાં જાય ત્યારે મટન ખાધા પછી હાડકાં અને અન્ય ખાદ્ય સામગ્રી પ્લેટમાં નાખતા પતિને તેણી સહજભાવે આવી જ શિષ્ટતા ઘરમાં પણ આચરવા કહે ત્યારે પતિ તે વાતનેમેલ ઈગોબનાવવી નારાજગી અને ગુસ્સાના જોરે તેણીને માફી માંગવા મજબૂર કરે. પોતના અહમ સંતોષ્યા પછી તેણીને શૈયા પર નજીક બોલાવી લે. પણ આ વાત અન્વયે મોકો મળે ત્યારે તેણીને કહી સંભળાવે..! પત્ની સીધા સંભોગની પીડાથી બચવા foreplayની વાત કરે ત્યારેય શિષ્ટતાનો ડામ તો ખરો જ.

ફિલ્મના અંત તરફ જતાં કેરળના સબરીમાલા ચુકાદાની વાત આવે. કોર્ટે નિર્ણય કર્યો છે કે માસિક સ્રાવ અશુદ્ધ નથી અને તેથી મહિલાઓને મંદિરની મુલાકાત લેવી જોઈએ. યુવતીનો પરિવાર ચુકાદા સાથે સહમત નથી. આ વિષય અંગે એક સ્થાનિક સ્ત્રીએ આપેલ નિવેદનને તેણી સોશ્યલ મીડિયા પર શેર કરે. વિસ્તારના અસમાજિક તત્વો પેલી સ્ત્રીના ઘર પર હુમલો કરે અને આ યુવતી પર શેર કરેલ વિડીયો ડીલીટ કરવા દબાણ કરે.

પરણિતા વિદ્રોહ કરે. પૂજા માટે આવેલા લોકોને પુજાસામગ્રી તરીકે કિચન સિકમાંથી વહેલું પાણી આપે. ખળભળી ઉઠેલ પતિ અને સસરા ઉપર પણ એ જ ગંદુ પાણી ફેંકે. બધાની સામે ઘર છોડી પીયર ચાલી આવે. અહીં પણ બહારથી આવેલ ભાઈ પાણી માંગે અને મા બહેનને પાણી લાવી આપવા કહે ત્યારે બહેનને રોકે અને બરાડી ઉઠેફિલ્મનો અંત સ્વતંત્ર નૃત્ય શિક્ષક કામ કરતી દ્રશ્ય સાથે થાય.  તેના પતિના ફરીથી લગ્ન થયા છે અને બીજી પત્ની તેની ઇચ્છા મુજબ કામ કરતી દર્શાવાય..!

ફિલ્મના દ્રશ્યાંકનમાં ટોપ એંગલનો સતત પ્રયોગ દર્શનીય તો લાગે જ છે, પણ સાથોસાથ આ કથાનકને ઊંચી નજરથી કે ઉપરવાળો જોઈ રહ્યો હોવાનો પ્રતીકાત્મક વ્યૂ પ્ણ દર્શાવાયો છે. સીધી-સરળ રીતે કહેવાયેલું આ કથાનક રૂઢીગત માન્યતા, પુરૂષવાદી માનસિકતા અને સ્ત્રીને ઘર અને રસોઈકામથી ઉપર જ સમજતા સમાજના ગાલ પર જોરદાર તમાચો છે. માસિકસ્ત્રાવ સમયે સ્ત્રી સાથે કરાતા અમાનવીય વ્યવહાર સામે બળવો છે. ધ ગ્રેટ ઈંડિયન કિચન શીર્ષક પણ વેધકતાથી વાતના મર્મને મૂકે છે. નૃત્ય શિક્ષિકાની નોકરીનો ઈંટરવ્યૂ આવે ત્યારે સસરાનો સંવાદઃ સ્ત્રી ઘરમાં રહે એ પરિવાર માટે શુભ મનાય છે, કથામર્મને પ્રસ્તુત કરે છે. દૂધ આપવા આવતી પડોશની છોકરી અને યુવતી વચ્ચેનો સંબંધ ઉપલી પેઢી કરતા નિચલી પેઢી સાથેના સુસંગત સંબંધની વાસ્તવિકતાને વાચા આપે છે.

૧૫મી જાન્યુઆરીએ એમેઝોન પ્રાઈમ પર રીલીઝ થયેલ આ ફિલ્મ દિગ્દર્શક જીઓ બેબીના દ્રષ્ટિકોણને અસરકારક રીતે રજૂ કરે છે. સાથોસાથ નારી સ્વતંત્રતાના આંચળા હેઠળ રૂંધાતી નારીની વાચાને વાચા પણ આપે છે. મુખ્ય સ્ત્રી પાત્રમાં નિમિષા સજયનનો અભિનય લાજવાબ છે. ટૂંકમાં કહિયે તો ધ ગ્રેટ ઈંડિયન કિચનસ્ત્રી, સમાજ અને સ્વતંત્રતાનો આધુનિક પડઘો બને છે.

Post a Comment

1 Comments

  1. We should think at our level how we can give freedom to the female around us.🙏😊

    ReplyDelete