Breath: into the Shadow એટલે મનપાંચમનો મેળો


ઘણી વાત એવી હોય તેને સમજવા તેની સાથે જોડાયેલ અનુસંધાનોને સમજવા પડે. Breath: into the Shadow વેબસીરીઝનું પણ કંઇક એવું જ છે. એમેઝોન પ્રાઈમ વિડિયો OTT પ્લેટફોર્મ ઉપર રજુ થયેલ આ વેબસીરીઝને સમજવા અથવા તો માણવા થોડી તો મહેનત કરવી જ પડે. જો તમે સુરતના ડોક્ટર મુકુલ ચોક્સીનું પુસ્તક “મનપાંચમનો મેળો” વાંચી હોય તો સરળ-સુગમ પડે. Two desperate men engage in the cat-and-mouse game to save the person they love. ૧૦મી જુલાઈ ૨૦૨૦ના રોજ એમેઝોન પ્રાઈમ ઉપર રીલીઝ થયેલ દસ ભાગની આ વેબસીરીઝ દ્વારા અભિષેક બચ્ચનની OTT પ્લેટફોર્મ ઉપર એન્ટ્રી થઇ છે.

અવિનાશ (અભિષેક બચ્ચન) અને આભા (નિત્ય મેનન)ની દીકરી સિયાનું એક બર્થડે પાર્ટીમાંથી અપહરણ થયાં પછી છએક મહિને એક ટેપ મળે છે જેમાં અપહરણ કરનાર એક વ્યક્તિનું ખૂન કરી આપવાની શરતે સિયાને છોડવાની વાત કરે છે. બીજી તરફ અકસ્માતવશ એક યુવતીને પાંચમે માળેથી નીચે ધકેલી દેનાર પોલીસ ઇન્સ્પેકટર કબીર સાવંત (અમિત સધ) છ મહિનાની જેલ કાપી બહાર આવે છે અને મુંબઈથી દિલ્હી ટ્રાન્સફર લઈ આવે છે. સાથે તેનો સાથીદાર કોન્સ્ટેબલ પ્રકાશ કાંબલે (ઋષિકેશ જોશી) પણ. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેકટર ઝેબા રીઝવી (શ્રદ્ધા કૌલ) પહેલેથી જ સુપર કોપ બની ચુકી છે. દરમ્યાન એક વ્યક્તિનું અત્યંત દયનીય રીતે ખૂન થાય અને તેનો લાઈવ વિડિયો સમાચારોની હેડલાઈન બને. કેસ સોલ્વ કરવાની ઝેબાની ઈચ્છા ત્યારે ધૂળમાં મળે જ્યારે આ કેસ કબીરને સોંપાય.


Join Dear Gujarati
 
પાંચ એપિસોડ સુધી અપહરણ કરનાર અને ખૂન કરાવવાના રહસ્યની કડી ઘૂંટાયા કરે ને રહસ્ય ખુલે પછી રહસ્ય વધારે ઘૂંટાય. દર્શકને ખબર છે કે આ બધાં કારસ્તાન કોણ કરી અને કરાવી રહ્યું છે, પણ તેની સાથે જોડાયેલાં બધાં પાત્રો અજાણ છે. રહસ્ય, રોમાંચ અને લાગણીના તાણાવાણા વણાતા રહે ને રહસ્યના પટ ખુલતા રહે. આ ઘટનાક્રમમાં કોલગર્લ શર્લી (શૈયામી ખેર), કબીરના કારણે અકસ્માતવશ અપંગ બનેલ મેઘના વર્મા (પ્લબીતા બોરઠાકુર) અને લેખિકા નતાશા અગ્રવાલ (શ્રુતિ બાપના) સહિત અનેક પત્રો ભળે. પણ શિયા (ઈવાના કપૂર) અને તેની દેખભાળ કરવા અપહરણ કરાયેલ મેડીકલ સ્ટુડન્ટ ગાયત્રી મિશ્રા (રેશમ શ્રીવર્ધન) પ્રભાવ છોડી જાય છે. મેઘના વર્માના પાત્રમાં પ્લબીતા બોરઠાકુર પ્રભાવી બને છે પણ માત્ર પુરક પાત્ર તરીકે. તેણી પાસે કરવા માટે વધારે કંઈ નથી. તેવી જ હાલત કોલગર્લ શર્લી (શૈયામી ખેર)ના પાત્રની છે. હા, આ બંને વેબસીરીઝના કથાનક વિસ્તાર અને કથાને લંબાવવા કે વહાવવા જરૂર ઉપકારક બને છે. એક પછી બીજું અને બીજાં પછી ત્રીજું ખૂન. પહેલાં બે સમાચાર ચેનલ ઉપર ને ત્રીજું સોશ્યલ મીડિયા ઉપર રજુ થાય.
આમ જોવા જઈએ તો આખી વેબસીરીઝ મનોચિકિત્સક અવિનાશ સભરવાલનું પાત્રની આસપાસ ફરે છે. બીજાં ક્રમે ઇન્સ્પેકટર કબીર સાવંત અને અવિનાશની પત્ની આભા સભરવાલ પ્રસ્તુત બને છે. બાકીના પાત્રોની આવન-જાવન રહે છે, પણ કથનકેન્દ્ર નથી બનતા. અન્ય વેબસીરીઝની જેન ગાળોનો મારો કે અશ્લિલ દ્રશ્યોની ભરમાર અહી નથી. એકપણ કિસિંગ સીન શુદ્ધા નથી. ટૂંકમાં કહીએ તો માત્ર મેકિંગ વેલ્યુ ઉપર આ વેબસીરીઝ તૈયાર કરવામાં આવી છે. ભાષા કે વલ્ગર દ્રશ્યો થકી તો નહીં જ.

અભિષેક બચ્ચન OTT પ્લેટફોર્મ પર આવ્યો છે એટલે આ વેબસીરીઝની સ્ટાર વેલ્યુ તો વધે જ છે, પણ સાથે તેનો અભિનય પણ માણવા જેવો છે. મનોચિકિત્સક અવિનાશ સભરવાલના પત્રને તેણે પૂરો ન્યાય આપ્યો છે, ને બીજું પણ ઘણું બધું અસરકારક રીતે પ્રસ્તુત કર્યુ છે. પણ અહી બધું જ કહી દઈશ તો વેબસીરીઝ જોવાની મઝા બગડશે. અક્ષયકુમાર સાથે “મિશન મંગલ”માં દેખાયેલ નિત્યા મેનન પણ આભા સભરવાલના રોલમાં સારી લાગે છે. જો કે તેણીના ભાગે સહાયક ભૂમિકા જ આવી છે. લગભગ તેવું જ કબીર સાવંત ઉર્ફ અમિત સધનું પાત્ર છે. આભા કરતાં થોડું વધારે મહત્વનું. મનપાંચમનો મેળો માણવો હોય તો Breath: into the Shadow જરૂર જોજો. ફેમિલી સાથે પણ જોઈ શકાય તેવી આ વેબસીરીઝ રોચક, રોમાંચક અને ફેમિલી ડ્રામા સાથે મનમંડળને પણ ગમે તેવી છે.

Post a Comment

0 Comments