દાસ્તાનગોઈ: ઉર્દુથી ગુજરાતી સુધી વિસ્તરેલ કથાકથનનું સ્વરૂપ


બાળપણમાં દાદા-દાદી પાસેથી વાર્તા સંભાળવાની જીદ, યુવાનવયે પ્રેમકથાઓનું આકર્ષણ અને ઢળતી ઉંમરે યાદોની દુનિયામાં ડૂબકી લગાવવાની ચાહ આપણા કથા, કથાકથન અને કથાશ્રવણ પ્રત્યેના અનોખા લગાવનું આદર્શ ઉદાહરણ છે. કેટલાંક લોકોમાં એવી આવડત હોય કે સાવ સામાન્ય લાગતી વાતને પણ એટલી કળાત્મક ઢબે રજુ કરે કે જ્યારે જ્યારે સાંભળીયે ત્યારે તે નવીન લાગે. મોટીવેશનલ સ્પીકર, વક્તા, કથાકારો, સ્ટેન્ડઅપ કોમેડિયન કે હાસ્યકારો આવી જ કળા હસ્તગત કરી દર્શકો-ભાવકોને આકર્ષતા રહે છે. અને દર્શકો-શ્રાવકો પણ આ સંભાળવા સતત આતુર રહે છે અને ભાવકોને રીઝવવા તેઓ કથાકથનના નવાં આયામો સતત અપનાવતાં રહે છે. પંદરેક વર્ષથી ભારતમાં અને બે-એક વર્ષથી ગુજરાતીમાં પ્રચલિત થઇ રહેલ આવા એક આયામનું નામ છે દાસ્તાનગોઈ. તમને તરત સવાલ થયો જ હશે, આ દાસ્તાનગોઈ શું છે..? દાસ્તાનગોઈ ફારસીના બે શબ્દો દાસ્તાન અને ગોઈથી બનેલો છે. દાસ્તાન એટલે કથા અને ગોઈ એટલે સંભળાવવી. ટૂંકમાં કથા-કથનનો આયામ.

દાસ્તાનગોઈ ૧૩મી સદીનું ઉર્દુ ભાષાની કથાકથનનું એક સ્વરૂપ છે. ૧૬મી સદીમાં પર્શિયન ભાષાનો તેમાં સમાવેશ થયો. ૧૬મી સદીમાં દક્ષિણ ભારતના રાજાઓએ દાસ્તાનગોઈને સંરક્ષણ આપ્યું હતું અને તે ગંભીર કળા માધ્યમ બની ચુક્યું હતું. મુગલકાળમાં બાદશાહ અકબરે આ કળાને લોકપ્રિય બનાવવા અનેકવિધ પ્રયાસ કર્યા હતા. તેમણે દરબારમાં પણ દાસ્તાનગો રાખ્યાં હતાં. ૧૯મી સદીમાં પ્રકાશિત થયેલ “દાસ્તાન-એ-આમીર હમઝા” દાસ્તાનગોઈના શરૂઆતી સંદર્ભને પ્રમાણિત કરે છે. ૪૬ ગ્રંથવાળી આ પુસ્તક શ્રેણીમાં આમીર હમઝાના સાહસની કથા છે. આ કળા ભારતના વિવિધ રાજ્યોમાં પ્રચલિત બની સર્વોચ્ચ શિખરે પહોંચી હતી, પણ ૧૯૨૮માં મીર બકર અલીના અવસાન પછી મૃતપાય બની. ૨૦૦૫માં ઈતિહાસકાર, લેખક અને દિગ્દર્શક મહમૂદ ફારૂકીએ પુન: સક્રિય કરી. દાસ્તાનગોઈના કેન્દ્રમાં દાસ્તાનગો અર્થાત કથાકાર છે. જે અવાજના પ્રભાવથી કથાનું પુન:સર્જન કરે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં દાસ્તાનગોઈની પુરાતન કળા ફરીથી પ્રચલિત થઇ રહી છે. જો કે તેના પર પુરૂષોનું અધિપત્ય હતું. જો કે ફૌજિયા અને પૂનમ ગીરધાનીએ દાસ્તાનગોઈ ઉપરની પુરૂષ પ્રધાનતાને તોડી છે. મોટર મિકેનિક પિતાની તીસ વર્ષીય ફૌજિયાનું બાળપણ દિલ્હીમાં વીત્યું છે. BBC સાથે વાત કરતાં તેણીએ કહ્યું છે: “બાળપણથી જ મને વાર્તાનું આકર્ષણ હતું. મા હંમેશા ચેતવણી આપતી કે ‘વાર્તા ક્યારેક તને મુશ્કેલીમાં મૂકશે.’ ” પણ ફૌજિયા વાર્તાના બધાં પુસ્તકો વાંચી જતી. ફૌજિયાની મા પણ તેણીને ઉર્દુ વાર્તાઓ વાંચી સંભળાવતી. ૨૧મી સદીની થોડીક મહિલા દાસ્તાનગો પૈકીની ફૌજિયા આ કલાને પુન: લોકપ્રિય બનાવવા કાર્યરત છે. તેણીએ આ કાર્યમાં સ્વને સમર્પિત કર્યું છે અને કદાચ એટલે જ લગ્ન ન કરવાનો પણ નિર્ણય કર્યો છે. BBC સાથે વાત કરતાં તેણીએ જણાવ્યું છે: “હું શાળામાં ઉર્દુ ભણી જેથી હું બધાં ક્લાસિક પુસ્તકો વાંચી શકું. મને ખબર હતી કે મારે મારાં વિચારોની દુનિયા માટે કંઇક કરવું છે. મેં સારા પગારવાળી નોકરીના સ્થાને દાસ્તાનગોઈનું ચયન કર્યું.” હિન્દી સાહિત્ય સાથે એમ.એ. કરનાર ફૌજિયાએ દાસ્તાનગોઈનું પ્રશિક્ષણ મહમૂદ ફારૂકી પાસેથી લીધું છે. ફૌજિયા ૨૦૦૬થી શરુ કરીને અત્યાર સુધીમાં લગભગ ૧૦૦ જેટલાં શો કરી ચૂકી છે. મુસ્લિમ પરિવારમાં જન્મેલ ફૌજિયા દાસ્તાનગોઈ દરમ્યાન હિજાબ કે બુરખો નહોતી પહેરતી. એટલે શરૂઆતમાં લોકોને આશ્ચર્ય થતું.
પૂનમ ગીરધાની પણ ફૌજિયાની જેમ જ દાસ્તાનગોઈને પુન:સ્થાપિત કરવા કાર્યરત છે. પૂનમ ગીરધાની લેખિકા અને રેડિયો કળાકાર છે. પાંચેક વર્ષથી દાસ્તાનગો તરીકે કથાકથન કરી રહેલ પૂનમ ઘણીવાર ફૌજિયા સાથે ભજવણી કરી ચૂકી છે. તેણી કહે છે: “જે હિન્દી કે ઉર્દુ નથી જાણતા તે પણ મારો શો જોવા આવે છે.” તેણીએ પણ મહમૂદ ફારૂકી સાથે કામ કર્યું છે. પૂનમ ગીરધાની જણાવે છે, “દાસ્તાનગોની સફળતા શ્રોતાઓને બીજી દુનિયામાં લઈ જવા છે. જ્યાં માત્ર શબ્દો થાકી વાર્તાના પડળો ખુલે છે.”
૨૧મી સદીમાં દાસ્તાનગોઈને પુનર્જીવિત કરનાર મહમૂદ ફારૂકીએ BBCને  જણાવ્યુ કે, “ભારતમાં દાસ્તાનગોઈ માટે અપાર શક્યતાઓ છે. દાસ્તાનગોઈમાં ખુબ થોડાં સંસાધનોની જરૂર પડે છે. બેસવા માટેનું એક સ્થાન, માઈક્રોફોન અને પુરાતન સમયનો આભાસ ઉભો કરવા મીણબત્તીઓ. સામાન્યતઃ જે રીતે વાર્તા કહેવાય છે તેનાથે અલગ અંદાજ સાથે કથા-કથનને કારણે લોકો તેના તરફ આકર્ષાઈ રહ્યાં છે. દાસ્તાનગોઈમાં અવાજનો આરોહ-અવરોહ કે ઉતાર-ચઢાવ ચાવીરૂપ છે.” મહેમૂદ ફારૂકીએ કાકા શમસૂર રહેમાન ફારૂકી સાથે મળીને દાસ્તાનગોઈને આગળ વધાર્યું છે. શમસૂર રહેમાન જાણીતા ઉર્દુ કવિ અને વિવેચક છે. મહેમૂદ ફારૂકીને આ કામ માટે અનેક પુરસ્કારો મળ્યાં છે. તેમના પુસ્તક “વોઇસીસ ઓફ દિલ્હી ૧૮૫૭” નોન-ફિક્શન શ્રેણીમાં રામનાથ ગોયંકા પુરસ્કાર મળ્યો છે. ૧૮૫૭ના વિપ્લવ સમયે અટવાઈ ગયેલા સામાન્યજનના કથાનકને તેમાં વણી લેવાયું છે.
દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમ ‘જશ્ન-એ-રેખ્તા’માં શમસૂર રહેમાન ફારૂકીએ જણાવ્યું હતુ કે, “દાસ્તાનગોઈ કી રવાયત કો જો કુછ ભી તાકાત પહોંચી હૈ ઇસ જમાને મેં, જો જિંદગી મિલી હૈ, વોહ મહેમૂદ ફારૂકી ઔર ઉનકે સાથિયોં કા કારનામા ઔર કરિશ્મા હૈ. દાસ્તાનગોઈ કી સબસે બડી ખૂબી યહ હૈ કી યહ હિન્દુસ્તાન કે તમામ મિજાજ કો ઇકઠ્ઠા કરકે ઉસકો જહીર કર રહી હૈ. કહેને કો તો યહ હૈ કી યહ ફન ઈરાન સે આયા. કોઈ કહેતા હૈ કે ખુરસ્તાન સે આયા. રુશી કહેતે હૈ કી યુક્રેન સે આયા. મલયાલી લોગ કહેતે હૈ કી હમારે યહાં સે આયા. ત્મ યહ વો ફન હૈ જિસકી મકબુલિયત ઔર મુહોબ્બત દુનિયા કે બડે હિસ્સે મેં ફેલી હુઈ હૈ.”

ગુજરાતી સમાચારપત્રો અને વેબ પોર્ટલ ઉપર ઉપલબ્ધ માહિતીનુસાર દાસ્તાનગોઇ મૂળ અરેબિયન નાઇટ્સ પરથી પ્રેરિત વાર્તા રજૂ કરવાનું ફોર્મ છે જેનો ઉપયોગ આમિર ખૂશરો અને મિર્ઝા ગાલિબ દ્વારા થયો હતો.જેમા અલગ અલગ પાત્રો પર વાર્તા અને એ વાર્તા કોઇ એક વ્યકિત કહેતો હોય છે. તેની દરેક વાર્તા હિન્દી અને ઉર્દું ભાષા દ્વારા લોકો કહેવામાં આવતી હોય છે. દાસ્તાનગો અંકિત ચડ્ડાએ અલગ અલગ શહેરોમાં અમીર ખુશરો પર વાર્તા રજૂ કરે છે જેમાં કલારસીકોને કંઇક નવું તેમજ એક સ્ટોરીટેલર દ્વારા ઉર્દું હિન્દીમાં કથાનક જાણવા મળે છે. અંકિત ચઢ્ઢા દાસ્તાન ઢાઇ આખર કી નાટક દાસ્તાનગોઇપદ્ધતિથી ભજવે છે. સાંપ્રત સમયમાં દાસ્તાનગોઇ શબ્દ અને લોકકથાપ્રકાર બંન્ને લુપ્ત થઇ રહ્યાં છે ત્યારે અંકિત ચઢ્ઢા આ નાટકમાં કબીરનાં જીવન પર દાસ્તાનગોઇ કરીને રસપ્રદ નાટકની સાથોસાથ એક વીસરાઇ રહેલા વારસાને ફરી ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઉપરાંત અંકિત ચઢ્ઢા “માયા મરી ના મન મરા”, “તિનકા કબહું ના નિંદયે”, “ગુરુ ગોવિંદ દોનોં ખડે”, “માટી કહે કુમ્હાર સે”, “કહત કબીર સુનો ભાઈ સાધો”, “સાઈ ઇતના દીજિયે” અને “ધીરે ધીરે મના” જેવી કૃતિઓ ભજવી રહ્યા છે.
 
આજકાલ એફએમ રેડિયો ઉપર પણ કથા-કથનના કાર્યક્રમોની શરૂઆત થઇ ચુકી છે. મોટા શહેરોમાં આ કથન સંગીત સાથે કરવામાં આવે છે. હવે આ કળા માત્ર બાળકો પૂરતી સીમિત નથી રહી. દરેક વયના લોકો આ સંભાળવા-માણવા આવે છે. ગુજરાતી પરંપરા અનુસાર માણભટ્ટ ગાગર ઉપર હાથ અને આંગળીઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરતાં કથા-કથન કરતાં. આદિવાસીઓની થાળીકથા અને રામાયણ-ભાગવત સપ્તાહો કથા-કથન જ છે. તો બીજી તરફ ગુજરાતી રંગભૂમિ અને કવિ સંમેલન સાથે સંકળાયેલાં અનેક કળાકારો અને કવિઓએ પણ ગુજરાતીમાં દાસ્તાનગોઈ કાર્યક્રમોની શરૂઆત કરી છે. પ્રસ્તુતકર્તા પ્રિતેશ સોઢા અને હિતેન આનંદપરાની પરિકલ્પનાને મેહુલ બૂચ, અલ્પના બૂચ, સાંચી પેશવાની, પ્રતાપ સચદેવ, ભામિની ગાંધી, પ્રતિક ગાંધી, સેજલ પોન્દા અને રીન્કુ પટેલ સહિતના કળાકારો રજુ કરી રહ્યાં છે. ‘ઉર્દુ કથાકથનનો પ્રકાર પહેલીવાર ગુજરાતીમાં’ થીમલાઈન તળે આ કાર્યક્રમો આયોજિત થઇ રહ્યાં છે. તો સેજલ પોન્દા પણ તેણીએ લખેલ નાટકોનું પઠન વિવિધ કળાકારો પાસે કરાવી રહી છે. જો કે દાસ્તાનગોઈની મૂળ પરંપરા અનુસાર મુશાયરામાં બેસતા હોય તે રીતે બેસી (ખાસ કરીને બંને પગ પાછળની બાજુએ વાળી) કથા-કથન કરાવનું હોય છે. જો કે હવે કળાકારો (દાસ્તાનગો) સુવિધા અનુસાર ઉભા રહી કે બેસી પણ તેની પ્રસ્તુતિ કરે છે. કથા-કથનનું આ આગવું સ્વરૂપ દર્શકો-ભાવકો-શ્રાવકોને આકર્ષી રહ્યું છે ત્યારે તે ઓડિયો-વિઝુયલ સ્વરૂપે પણ આપણી પાસે આવી રહ્યું છે, જે યુવાનોને જરૂર આકર્ષશે.

Post a Comment

0 Comments