ફિલમ તારા ખોળે – ચલો જીતે હૈ; સ-રસ જોવાં જેવી સરસ ફિલ્મ


ગરીબ પરિવારમાં જન્મી અનેક સંઘર્ષ અને સંકળામણ પછી પણ સાહસવૃત્તિ અને સમપર્ણ ભાવ થકી દેશના પ્રધાનમંત્રી બેનેલ નરેન્દ્ર દામોદરદાસ મોદી, ભલે અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલાં હોય. ભલે વિરોધીઓ તેમનાં અને તેમની સરકાર પર આરોપો લગાવતાં હોય. મોદીનું જીવન અને ખાસ કરીને તેમના જીવનનો પ્રથમ તબક્કો આમ આદમીને જ નહી, પણ સર્જકોને પણ આકર્ષતો રહ્યો છે. અનિલ નારાયણીની ગુજરાતી ફિલ્મ ‘હું નરેન્દ્ર મોદી બનવા માંગું છું’ કે આ બ્લોગના લેખક ડૉ. તરુણ બેન્કરની ‘છોટુ બે કટિંગ’ ભલે તેમના જીવનનું સીધું પ્રસ્તુતિકરણ ન હોય, પણ તેમના જીવન કે પાત્રથી પ્રેરણા લઈને બનેલી ફિલ્મો તો કહી જ શકાય. તો હાલમાં જ સ્ટાર ગૃપની ચેનલો પર રીલીઝ થયેલ શોર્ટફિલ્મ ‘ચલો જીતે હૈ’ માં તો મોદીના બાળપણ સાથે સંકળાયેલ એક પ્રસંગનું સીધું જ ફિલ્માંકન કરાયું છે.

Inspired by True Events લખાણથી શરુ થતી આ શોર્ટફિલ્મમાં સત્તાવાર રીતે નરેન્દ્ર મોદીના બાળપણના એક પ્રસંગનું આલેખન છે. અહી નરેન્દ્ર મોદી નરુ, તેમના મોટાભાઈ સોમાભાઈ સોમા અને પ્રહલાદનો ઉલ્લેખ થયો છે. ઘોડિયામાં સુતેલું બાળક સંભવતઃ પંકજ મોદી છે. જે હાલ ગુજરાત સરકારની માહિતી કચેરીમાં નોકરી કરે છે. ફિલ્મમાં વાસંતીબહેન પણ દેખાય છે, જો કે નરેન્દ્રભાઈના ભાઈ-બહેન અહી ઉલ્લેખ માત્ર છે. હા, તેમની મમ્મી હીરાબા અને પિતા દામોદરદાસ ફિલ્મના પ્રમુખ અને પ્રભાવી પત્રો છે. આ ઉપરાંત તેમના શિક્ષક અને સહપાઠી હરીશ સોલંકી અને હરીશની મા મુખ્ય છે.
ફિલ્મ ‘ચલો જીતે હૈ’ના દિગ્દર્શક મંગેશ હડાવલેને પ્રધાનમંત્રી મોદીના જીવન ઉપરનું એક પુસ્તક વાંચ્યા પછી આ ફિલ્મનો વિચાર આવ્યો હતો. મોદી નાની ઉંમરે જ સાંસારિક જીવન ત્યાગીને હિમાલયમાં સંન્યાસી જીવન જીવવા ગયા, જ્યાં એક સાધુ-મહાત્માએ જીવન લોકોને સમર્પિત કરવા જણાવ્યું ને ત્યાંથી શરુ થયો ફિલ્મનો મૂલમંત્ર. ‘આપ કિસકે લિયે જીતે હો..?’ બાળ નરેન્દ્રના મનમાં આ વિચાર સ્વામી વિવેકાનંદ અર્થાત નરેન્દ્ર દત્તનું એક પુસ્તક વાંચતા આવે. ને પછી બધાંને આ સવાલ પુછાય. આપ કિસકે લિયે જીતે હો..? પહેલો સવાલ માને. પછી બાપુજીને. ને બાપુજીના સુચન અનુસાર શિક્ષકને આ સવાલ પુછાય ત્યારે મનનું સમાધાન થાય ને સમજાય જે બીજા માટે જીવે તે જ ખરું. સ્વામી વિવેકાનંદનો જીવનમંત્ર તે જ જીવે છે જે બીજા માટે જીવે છેનો ઘોષ ફિલ્મમાં સંભળાય છે.
દિગ્દર્શક મંગેશ હડાવલેએ આ પહેલાં મરાઠી ફિલ્મ 'ટિંગ્યા'  અને હિન્દી ફિલ્મ 'દેખ ઈન્ડિયન સર્કસ' બનાવી હતી. આ ફિલ્મને ચાર નેશનલ એવોર્ડ મળ્યા હતા. આ ફિલ્મ વિષે મંગેશ હડાવલેએ જણાવ્યું હતું કે બીજા લોકો માટે જીવતા નરેન્દ્ર મોદીથી બહુ પ્રભાવતિ છું. ફિલ્મમાં પ્રધાનમંત્રીની નહી નરુની વાર્તા છે. વધુમાં મંગેશ હડાવલે કહે છે : 'મેં મોદીજીની નીતિઓને પ્રસ્તુત કરવા ફિલ્મ નથી બનાવી. આ તેમના બાળપણની ને જિંદગીની શરૂઆતની વાર્તા છે. મને બાળકો સાથે કામ કરવું ગમે છે એટલે આ વાર્તાએ મને આકર્ષિત કર્યો'. ‘ચલો જીતે હૈ’માં આઝાદી પછીનો સમયને દર્શાવાયો છે. નરેન્દ્ર મોદીનું પુસ્તક  "સામાજિક સમરસતા" વાંચ્યા પછી મંગેશ હડાવલેને આ ફિલ્મનો વિચાર સુઝ્યો, જેમાં અનેક ઘટનાઓ બાળકને દેશના માટે કંઈક કરવા માટે પ્રેરિત કરે છે. એક ઈન્ટરવ્યૂમાં મંગેશ હડાવલે કહે છે : 'મોદીજીનું પુસ્તક ‘પીળું ફૂલ’ નાટક સાથે શરૂ થાય છે. ૧૦ વર્ષની ઉમરે જેમાં તેમણે પોત પણ અભિનય કર્યો હતો. બીમાર દીકરીને સારવાર માટે પૈસા નથી તેવી એક દલિત સ્ત્રીને કહેવાય કે, મંદિરનું પીળું ફૂલ દીકરીના માથે લગાવશે તો તે સારી થઇ જશે. મંદિરનું આ પીળું ફૂલ લેવા જનાર બાળકનું પાત્ર નરુએ ભજવ્યું છે. જ્યાં ફૂલ લેવા આવનાર આ બાળકને હડધૂત કરાય. ઢોર માર મરાય. અંતે એક ભલો માણસ પીળું ફૂલ આપે, પણ તે લઈને આવે ત્યાં સુધીમાં બાળકી મારી જાય. નાટકથી પ્રભાવિત શેઠ નરુને ૨૦ રૂપિયા ઇનામ આપે, ને નરુ આ પૈસા ગણવેશ ન હોવાને કારણે શાળાએ નહી આવી શકતા હરીશ સોલંકીને આપી દે. ને બીજે દિવસે ગણવેશ સાથે હરીશ શાળામાં હાજર થાય.
ફિલ્મમાં બીજા માટે જીવવાના સંદેશ સાથે આમ કરનાર નરુ પણ કઈ અમીર પરિવારનો દીકરો નથી. મા ભીના લાકડાને કારણે ચૂલામાંથી નીકળતાં ધુમાડાથી પરેશાન છે. અન્ય ઘરોના વાસણ માંજતી દર્શાવી છે. તો બાપુ વડનગર રેલ્વે સ્ટશને ચાનો સ્ટોલ ચલાવે ને સાયકલ પર અવાર-જવર કરતા દર્શાવ્યા છે. અત્યંત સહજ અને સરળ રીતે કહેવાયેલી ફિલ્મ અસરકારક બની છે. ફિલ્મના ટાઈટલમાં ક્યાંય નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ નથી કરાયો. ફિલ્મના અંતે નદીની સામે પાર ઉભેલાઓને હાથ ઉંચો કરી પ્રતિભાવ આપતા બાળ નરુની ફ્રીઝ થઈ જતી તસ્વીર પર આવે ત્યારે સમજાય : ઓહ..! ફિલ પૂરી થઈ ગઈ. ત્યાં સુધીમાં લગભગ ૩૨ મિનિટ વીતી ચુકી છે.
૩૨ મીનીટની આ શોર્ટફિલ્મનું વડનગરમાં જ કરાયું છે, જ્યાં નરેન્દ્ર મોદીનું બાળપણ વીત્યું હતું. ૨૯મી જુલાઈ રાતે સ્ટારની તમામ ચેનલો પર રિલીઝ કરાયેલ આ ફિલ્મનું, રિલીઝ પહેલા જ સ્પેશિયલ સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવ્યું હતું. ને ૨૯મીની રાતે મોદીજીના વતન વડનગર ખાતે ચોકસી બજાર અને નવીન વિદ્યાલય ખાતે જાહેર સ્ક્રિન ઉપર આ ફિલ્મ બતાવાઈ હતી. ફિલ્મ જોયા પછે વડનગરના નગરજનો ઝૂમી ઉઠયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં નરુનો મૂળ મોડાસા તાલુકાના સરડોઇ ગામના ૧૨ વર્ષીય ધૈર્ય દરજીએ ભજવ્યો છે. ૭માં ધોરણમાં ભણતો ધૈર્ય જન્મથી જ મુંબઈ ખાતે રહે છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા તેનું બહુમાન પણ કરાયું હતું.
અંતે એટલું જ....
‘ચલો જીતે હૈ’ને રાજકીય આગ્રહ કે દુરાગ્રહથી પર રાખી એક શોર્ટફિલ્મ તરીકે માંણીએ તો ખરા અર્થમાં પ્રભાવિત કરે તેવી અસરકારક ફિલ્મ છે. બાકી ફિલ્મની વિષયવસ્તુ અને રિલીઝના timingtimingtimingTimingને આગામી વર્ષે યોજાનાર ચુંટણી સાથે સાંકળવા મથનારોઓ માટે: ‘ગામના મોઢે ગળણું થોડું મરાય...!’
આ ફિલ્મ યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. આ રહી લિંક: https://youtu.be/D8d7yKIWRMw

નોંધ: આ લેખના સંપૂર્ણ અધિકારો ડૉ.તરુણબેન્કરના છે. વિના પરવાનગી તેનો કોઇપણ રીતે કે સ્વરૂપે ઉપયોગ ગેરકાયદેસર છે.
ડૉ.તરુણ બેન્કર. (મો.) ૯૨૨૮૨૦૮૬૧૯ / ૮૮૬૬૧૭૫૯૦૦ (વોટ્સએપ)
tarunkbanker@gmail.com