ફિલમ તારા ખોળે – સિંગલ સ્ક્રિન થીયેટરોનો મૃત્યુઘંટ વાગી ગયો છે..!



બદલાતાં જતાં સમયની સાથે સિનેમાનું સ્વરૂપ પણ બદલાયું છે. ને સાથોસાથ બદલાયાં છે તેને પ્રદર્શિત કરતાં સિનેમાઘરોના રંગરૂપ. રીલથી થતું પ્રોજેક્શન ડિજિટલ થયું ને હવે ડિજિટલ પ્રોજેક્શન સેટેલાઈટ આધારિત થયું. આજે એવી હાલત છે કે સિનેમા માલિક ઈચ્છે તો પણ પોતાની રીતે શો કે સિનેમાઘર ચલાવી શકતો નથી..! મલ્ટીપ્લેક્ષના આ દોરમાં સિંગલ સ્ક્રિન થીયેટરો ધીમે-ધીમે બંધ થયી રહ્યાં છે ને મલ્ટીપ્લેક્ષ કે શોપિંગ મોલમાં પરિવર્તિત થયી રહ્યાં છે. મારા શહેર ભરૂચની વાત કરું તો એક સમયે ભારતી, સરસ્વતી, બસંત, રીલીફ, શાલીમાર અને રીલેક્ષ નામે છ સિંગલ સ્ક્રિન થીયેટર હતાં. આજે સિંગલ સ્ક્રિન થીયેટર તરીકે માત્ર રીલીફ ટોકિઝ કાર્યરત છે. થોડાં મહિના પહેલાં રીલેક્ષ ટોકિઝ બંધ કરાઈ. તો ભારતી અને સરસ્વતી શોપિંગ કોમ્પ્લેક્ષમાં ફેરવાઈ ગઈ. બસંત મેદાન બની બેઠી છે ને ત્યાં પણ ગમે ત્યારે કોમર્શિયલ કોમ્લેક્ષ બની જશે. શાલીમાર તૂટીને બિગ બજાર અને અઈનોક્ષ મલ્ટીપ્લેક્ષ બની ગઈ. હજુય અડીખમ ઉભું છે, રીલીફ સિંગલ સ્ક્રિન થીયેટર. પણ ક્યાં સુધી..?

ભરૂચમાં એક સમયે છ સિંગલ સ્ક્રિન થીયેટરો હતાં જે આજે એક બચ્યું છે. આખા ગુજરાત અને દેશની પણ આ જ હાલત છે. ઇકોનોમિકસ ઓફ સિનેમાના અભ્યાસુ ડૉ. કાર્તિકેય ભટ્ટ નોંધે છે, There were 476 cinema-halls in Gujarat during 1977-78, and increased to 554 cinema-halls in 1983-84. However the number of single screen cinema in Gujarat decreased drastically since the year of 2000. The number of single screen cinema in 1984-85 was 541 which decreased to432 in 2003-04, to 272 in 2009-10, and to 115 in 2015-16. છેલ્લા બે વર્ષમાં રહ્યાં-સહ્યાં સિંગલ સ્ક્રિન થીયેટરોનો પણ મૃત્યુઘંટ વાગી ચુક્યો છે. હાલમાં જ પ્રકાશિત થયેલ અહેવાલ અનુસાર એક સમયે સંસ્કારી નગરી વડોદરામાં ૧૮ સિંગલ સ્ક્રિન થીયેટરો હતાં જે હવે માંડ ૪ બચ્યાં છે. બંધ થયેલાં થીયેટરોમાં સપના, રૂપમ, અપ્સરા, શારદા, સાગર, રાજશ્રી, અલંકાર, મહારાણી શાંતાદેવી, કલામંદિર, નવરંગ, કૃષ્ણા, સાધના, આરધના અને તાજેતરમાં (૨૭મી જુલાઈ ૨૦૧૮) નટરાજ સિંગલ સ્ક્રિન થીયેટર બંધ થયું. ગુરવાર તારીખ ૨૬મી જુલાઈ ૨૦૧૮ના રોજ હિન્દી ફિલ્મ ‘ધડક’નો છેલ્લો શો ચલાવ્યાં પછી તેની જ ધડકન બંધ થયી ગયી..! ૧૯૬૬માં શરુ થયેલ આ ટોકિઝ ૫૨ વર્ષની ઉમરે સમયના થપેડાને કારણે બંધ કરવી પડી. પ્રાપ્ત બિનસત્તાવાર માહિતી અનુસાર આજની તારીખમાં ગુજરાતમાં કાર્યરત સિંગલ સ્ક્રિન થીયેટરની સંખ્યા ૫૦ની આસપાસ જ છે. હે રામ..!
ભારતની વાત કરીએ તો ‘સિનેમા ઓફ ઇન્ડિયા’ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ૨૦૧૬માં ભારતમાં ૯૦૦૦ સિંગલ સ્ક્રિન અને ૨૧૦૦ મલ્ટીપ્લેક્ષ કાર્યરત હતાં. આજનો ચોક્કસ આંકડો મળ્યો નથી, પણ એકવાત સ્પષ્ટ છે કે ૨૦૧૬ની સરખામણીએ આજની તારીખે સિંગલ સ્ક્રિન થીયેટરની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. અને તેની સાથે મલ્ટીપ્લેક્ષની સંખ્યામાં વધારો થયો છે. પરિણામ એઆવ્યું છે કે ૨૦ થી ૫૦ રૂ.માં જોવા મળતી ફિલ્મ ૧૨૦ થી ૫૦૦ રૂ. સુધી પહોંચી છે. તો વળી ઈન્ટરવલમાં ૧૦-૨૦ રૂ.માં મળતાં સમોસા, પોપકોર્ન અને ક્રીમ રોલ ૧૦૦ થી ૩૦૦ રૂ.એ પહોંચ્યા છે. આજે પરિવાર સાથે એક ફિલ્મ પણ જોવા જવી હોય તો ઓછામાં ઓછા ૧૦૦૦ રૂ.નો ખર્ચ થાય છે, જે સિંગલ સ્ક્રિનના સમયમાં ૩૦૦ રૂ. હતો. વળી મલ્ટીપ્લેક્ષએ લાદેલા પોતાના કેટલાક ખોટા નિયમો પણ ખરા..! તો કડવી વાસ્તવિકતા એ પણ છે કે જ્યાં સિંગલ સ્ક્રિન થીયેટરો બચ્યાં છે તેની હાલત પણ બદથી બદતર થઇ રહી છે..!

તાજેતરમાં માયાનગરી મુંબઈના ૮૫ વર્ષ જુના રીગલ સિનેમાઘરના સંચાલકોએ સોશ્યલ મીડિયા પર જાહેરાત સ્વરૂપે આજીજી કરવી પડી કે અમારે ત્યાં ફિલ્મ જોવા આવો. “મારે ત્યાં ફિલ્મ જોવા આવોને બાપલા” હેડલાઈન હેઠળ દૈનિક મીડ-ડે ગુજરાતીમાં છપાયેલ સમાચાર કપાળે કરચલી પાડનારા છે. સિનેમાઘરના માલિક કમળ સીધવા તારાપોરવાલાએ ફેસબુક ઉપર જાહેરાત મૂકી: “રીગલ સિનેમામાં મિશન ઈમ્પોસીબલ-૬. પ્લીઝ રીગલને આધાર-સમર્થન આપો. મુંબઈમાં બચેલા જુજ સિંગલ સ્ક્રિન સિનેમાહોલમાંથી એક” ૧૧૦૦ બેઠક ધરાવતાં આ સિનેમાઘરમાં ૧૫૦ ટિકિટ વેચવાના પણ ફાંફાં પડે છે. એક સમયે (૧૯૯૦) હાઉસફુલ થતું સિનેમાઘર આજે દર્શકો માટે તરસી રહ્યું છે. હવે સ્થિતિ એ છે કે ક્યાં તો એને મલ્ટીપ્લેક્ષમાં તબદીલ કરો અથવા બંધ પડી રહેવા દો..! કારણ સરકાર અને અમુક વર્ષો સુધી રેસ્ટોરન્ટ, હોટલ કે કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બનવાની પરવાનગી નહી આપે.
અંતે એટલું જ....
સામાન્ય દર્શક સિનેમાઘરોથી દુર થઇ રહ્યો હોય સિનેમાઘરોની સંખ્યા અને આવક ઘટતી જતી હોય તેમ લાગી રહ્યું છે. આ સાથે ડિજિટલ પ્લેટફોર્મ અને ટેલીવિઝન તથા ઈન્ટરનેટનો જમાનો. આમ તો કહેવાય છે કે પરિવર્તન સંસારનો નિયમ છે, એટલે સિનેમાઘરોમાં પણ પરિવર્તન આવી રહ્યું છે, પણ આ પરિવર્તન વિકાસ માટે છે કે વિનાશ માટે..?
નોંધ: આ લેખના સંપૂર્ણ અધિકારો ડૉ.તરુણબેન્કરના છે. વિના પરવાનગી તેનો કોઇપણ રીતે કે સ્વરૂપે ઉપયોગ ગેરકાયદેસર છે.
ડૉ.તરુણ બેન્કર. (મો.) ૯૨૨૮૨૦૮૬૧૯ / ૮૮૬૬૧૭૫૯૦૦ (વોટ્સએપ)
tarunkbanker@gmail.com