કેનવાસ: બ્રશના ક્લાસિક લસરકા જેવી ગુજરાતી ફિલ્મ

બે-એક વર્ષ પહેલાં એક ડોકયુમેન્ટરી ફિલ્મના શૂટિંગ સંદર્ભે અમિત ભાવસાર, દિનાઝ કલ્વાચવાલા અને રાવજી સોન્દારવા સાથે પંદરેક દિવસ ગાળવા મળ્યાં હતાં. તે દરમ્યાન ગુજરાતી ફિલ્મ ‘કેનવાસ’ વિષે થોડી વાતો સાંભળી હતી. પછી સોશ્યલ મીડિયા ઉપર આ ફિલ્મ વિષે થોડીક વાતો સાંભળી ને તેની promotional post પણ જોઈ હતી. તે સમયે ફિલ્મ જોવાની ઈચ્છા થયેલી, પણ અમારા શહેર (ભરૂચ)માં આ ફિલ્મ રજૂ નહી થયેલી..! પરિણામે ‘કેનવાસ’ જોવાની ઈચ્છા અધુરી રહેલી. તાજેતરમાં એક મિત્રે માહિતી આપી કે ‘કેનવાસ’ youtube ઉપર છે. ફટાફટ ફિલ્મ જોઈ નાંખી. ફિલ્મ જોતી વખતે જે ગમ્યું કે ન ગમ્યું તે મુદ્દા સ્વરૂપે લખી લીધું. ન ગમવા કરતાં ગમતાં મુદ્દાઓની યાદી લાંબી છે. વળી આ પહેલાં ગુજરાતી ફિલ્મોમાં નહી જોવા મળેલ ઘણાં તત્વો આ ફિલ્મમાં છે. પરિણામ સ્વરૂપ આ બ્લોગ લખવા મજબુર બન્યો છું.


કેનવાસ: રંગ જિંદગીનાની સુરાવલી સાથે આરંભાતી આ ફિલ્મ કેનવાસ ઉપર પીંછીથી કરતાં લાલ રંગના લસરકાથી શરુ થાય. એસ છેડેથી લાલ રંગ રેલાય પણ ખરો. ને પછી લાલની વચ્ચે આછાં સિલેટીયા રંગનો લસરકો. પ્રતીકાત્મક અભિવ્યક્તિ આરંભમાં જ પ્રભાવ ઉભો કરે છે. પહેલો સંવાદ : “માણસ જન્મ અને મૃત્યુ વચ્ચે ફક્ત સમય પસાર કરતો હોય છે.” ઘણું બધું કહી જાય છે. ફાઈન આર્ટ્સમાં ભણતા મિત્રોની વાત છે, શાલિન, આદિત્ય, રાકેશ, રેવા અને નીલમ. સાથે ભળે સિનિયર વિદ્યાર્થી વનરાજ અને નીલમનો પતિ હર્ષલ. આ સાત પાત્રો મેઘધનુષના સાત રંગ જેવા ને જિંદગીને જોવાનો ને સમજવાનો એમનો અંદાજ પણ એવો જ. કેનવાસની બંને હિરોઈન રેવા (પૂજા નાયક) અને નીલમ (ચીની મસુદીયા) બોલ્ડ એન્ડ બિન્દાસ. સામાન્યતઃ ગુજરાતી ફિલ્મમાં ન જોવા મળે તેવી. અલ્લડ ને આકર્ષક પણ ખરી.
વનરાજની લાશ મળી હોવાના ટેલીફોનિક સમાચાર સાથે પાત્ર પ્રવેશ થાય ને સાથોસાથ પાત્રોનો પ્રાથમિક પરિચય પણ. વનરાજની લાશના સમાચાર સાંભળી રેવા આક્રંદ કરતી બેભાન થાય. હોસ્પીટલમાં ખબર પડે કે આ આઘાતના કારણે રેવાનો ગર્ભપાત થયો છે. મારો ઈરાદો તમને ફિલ્મની વાર્તા કહેવાનો બિલકુલ નથી, ને વાર્તા કહેવી પણ ન જોઈએ. કારણ મઝા જ તો એમાં છે કે તમે ફિલ્મ જાતે જૂઓ. વર્તમાન અને ભૂતકાળ વચ્ચે સરકતી વાતમાં ફલેશબેક એટલો સહજ અને સરળ ભાસે છે કે ખબર પણ ન પડે કે ક્યારે વર્તમાન ને ક્યારે ભૂતકાળ. પટકથા, સંકલન અને ફિલ્માંકનની આગવી પરિપાટી અહી જોવા મળે છે.
સીધી, સરળ અને મોટે ભાગે “પટકથા વગરની” ફિલ્મો જોવા ટેવાયેલા પરંપરાગત દર્શકોને આ આવન-જાવન ન પણ પચે..! લેખક-દિગ્દર્શક વિજય પટેલની અદા નિરાળી છે. Style of film making મને તો ગમી. ને કદાચ એ જ આ ફિલ્મની usp છે. કેનવાસ દોરાતું પેઇન્ટિંગ કાર્ટુન જેટલું સહજ અને સરળ નથી હોતું. તેને સમજવું પડે. ઉકેલવું પડે. ફિલ્મને પણ દર્શકોએ સમજાવી-ઉકેલવી પડે તેવી છે. હા, એટલું જરૂર કહીશ કે ન સમજાય કે ન ઉકેલાય તેવી દુર્બોધ નથી. પણ, આઈસ્ક્રીમની જેમ ગટકી જાવ તેવી સરળ પણ નથી. મારા માટે આ જ તો real cinema છે. અત્યાર સુધી ગુજરાતી ભાષામાં આવી ફિલ્મ નથી આવી એ પણ એટલું જ સાચું છે. હવે આવી છે બની છે તો એનો આનંદ અંદ ગૌરવ હોવું જ જોઈએ.
ફિલ્મનું ટેકનીકલ પાસું પણ એટલું જ પ્રબળ છે. ડબિંગ, કળા-નિર્દેશન અને સંકલન જોરદાર છે. ફિલ્માંકન મહત્વનું અંગ બન્યું છે. લોકેશન અને તેમાં સમાયેલ રંગ અને મંચસજ્જા કળાત્મક, સર્જનાત્મક અને ધ્યાનાકર્ષક લાગે છે. ફિલ્મના સર્જનાત્મક પાસાની વાત કરીએ તો ગીત-સંગીત કર્ણમાધુર્ય અર્પે છે. ગીતના શબ્દો (lyric) અદભુત છે ને સંગીત (music) હૃદય અને કર્ણપ્રિય. કદાચ ફિલ્મના પ્રમુખ પાસાઓ પૈકીનું એક.
અભિનય આમ તો subjective મુદ્દો છે, એટલે વ્યક્તિગત ગમા-અણગમાને તેમાં અવકાશ છે. કેનવાસમાં બધાનો અભિનય above average છે, પણ મને શાલિન (ચિરાગ મોદી) અને રેવા (પૂજા નાયક) વધુ ગમ્યા છે. નીલમ (ચીની મસુદિયા) અને સની (ખંજન ઠુંમર) બીજા ક્રમે ને બાકી બધાં ત્રીજા ક્રમે છે. હા, એક વાત જરૂર છે કે પાત્રલેખન અને પાત્રનિર્માણની પ્રક્રિયા પ્રભાવાકપણે કરાઈ છે ને કળાકારોનો effort દેખાય છે. વર્તાય છે. ને પ્રથમ વખત પડદે આવવાનો અહેસાસ પણ જણાય છે.
અભિવ્યક્તિના હથિયાર (tool) તરીકે પેઇન્ટિંગનો વિનિયોગ અસરકારક ભાસે છે. આમ જોવા જઈએ તો ફિલ્મમાં હોવા જોઈએ તેવાં તમામ આયામો ‘કેનવાસ’માં છે. ફિલ્મને ત્રણ ભાગમાં વહેંચીએ તો પહેલાં ભાગના પહેલાં બે હિસ્સા અને છેલ્લા ભાગના છેલ્લા બે હિસ્સા ધારદાર અને અસરકારક છે. વચ્ચે થોડો ધીમો પડતો લય લાંબો ચાલતો નથી, પણ સામાન્ય દર્શક માટે કંટાળાજનક બની શકે. થોડી સમજ, ધીરજ અને ચોખ્ખું ઘી પચાવવાની તાકાત હોય તો આ ફિલ્મ જોવી જ જોઈએ.
સ્ટ્રેઈટ ડ્રાઈવ: ગુજરાતી ભાષામાં સમય કરતાં વહેલી અને સર્જનાત્મક દ્રષ્ટિએ થોડી અઘરી આ ફિલ્મ અન્ય ભારતીય કે વિદેશી ભાષામાં બની હોત તો જરૂર પોંખાય હોત. ફિલ્મના સર્જકો આવો પ્રયાસ ભવિષ્યમાં કરશે તેવી મને આશા છે. ‘કેનવાસ’ની સમગ્ર ટીમને બ્રશથી ક્લાસિક લસરકો સર્જવા બદલ ખુબ ખુબ અભિનંદન. આજે નહી તો કાલે, પણ આ પ્રયાસ જરૂર રંગ લાવશે.
મેરે પાસ માં હૈ, સિને...માં
ડૉ.તરુણ કાલિદાસ બૅન્કર: સિનેમા-સાહિત્ય-સંશોધન
/, ઝવેર નગર, ગુ. હા. બોર્ડ, ભરૂચ-  ગુજરાત (M) 9228208619
tarunkbanker@gmail.com

Post a Comment

0 Comments