આપણી પાસે ૨૪ કલાકની ગુજરાતી સિનેમા ચેનલ કેમ નથી..?



ગુજરાતી ચલચિત્રનો સુવર્ણકાળ પાછો લાવવા બધાં કટિબદ્ધ બન્યાં છે ને પોતપોતાની શક્તિ કે મર્યાદા અનુસાર પ્રયાસ પણ કરી રહ્યાં છે. એક વર્ગ એવો પણ છે જે ગુજરાતી ફિલ્મોને બીબાઢાળ બનતી અટકાવવા, કથા-પટકથાને મહત્ત્વ અપાવવા અર્બન ફિલ્મ કે મોર્ડન ફિલ્મની ટેગલાઈનના નામે ચાલતી સર્જનાત્મક ચોરીના સ્થાને મૌલિકતા અને પ્રાદેશિકતા લાવવા મથી રહ્યાં છે. તો બીજી તરફ પાંચ થી પચાસ લાખ સબસીડી  બતાવી ફિલ્મ વિષે ઢબ્બુનો ઢ પણ ન જાણનારા નિર્માતાને ‘બાટલીમાં ઉતારવાનો’ આયામ પણ અજમાવાઈ રહ્યો છે.

જુલાઈ ૨૦૧૬માં Money Sinking In Gujarati Films..? શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલ લેખમાં કેટલાક ફિલ્મ નિર્માતાઓના મત પ્રકાશિત કરાયા હતાં. જે અનુસાર બે થી ત્રણ કરોડ રૂપિયાનો વકરો થયા પછી પણ નિર્માતાને પોતાની મૂળ કિમત શુદ્ધા પછી મળી નહોતી..! પહેલી ફિલ્મમાં જ આવો અનુભવ થતાં નિર્માતાઓ ફિલ્મ નિર્માણ છોડી રહ્યાં છે, બીજા વ્યવસાય તરફ વળ્યા છે કે ગુજરાતીના સ્થાને અન્ય ભાષાની ફિલ્મો બનાવવાનું વિચારી રહ્યાં છે. નિર્માતાઓની ગુજરાતી ફિલ્મો પ્રત્યેની આ ઉદાસીનતાનું એક કારણ આપણી વિતરણ વ્યવસ્થા પણ છે. ‘પાડો માર્યા પછી પૂંછડી પણ હાથ ન આવે’ તેવી વ્યવસ્થા ચિંતાનું કારણ છે. ફિલ્મ ચાલે કે ન ચાલે કળાકાર, ટેકનીશ્યન અને વિક્રેતા તો કમાય જ છે, ને ખોટ એકલા નિર્માતાના માથે આવે છે. જો કે ફિલ્મ બમ્પર વકરો કરે ત્યારે તગડો નફો માત્ર નિર્માતાને જ મળે છે.
સરકારની પ્રોત્સાહક નીતિના કારણે ધડાધડ ફિલ્મો બની રહી છે, પણ તેને સિનેમાઘરો સુધી પહોંચાડવાનું કોઈ નક્કર આયોજન નથી. પરિણામ એ આવે છે કે નવો-સવો કે વગ ન ધરાવતો નિર્માતા ફિલ્મ બનાવ્યાં પછી બાપડો-બિચારો બની વિતરકોના ચક્કર કાપે છે. ફિલ્મ વિતરણ કરાવી આપવાની વાતો કરનાર અને પબ્લિસિટીના નામે મોટા ખર્ચા કરવાનાર પોત-પોતાની રોટલી શેકી લે છે. ત્યારે એકવાર ફિલ્મ બનાવનાર ફરી પણ ગુજરાતી ફિલ્મ બનાવવા તૈયાર થાય કે અન્ય નિર્માતા આકર્ષાય તે માટે વિતરણ વ્યવસ્થામાં નોંધનીય ફેરફાર કરવો જ પડશે. આમ કરવાથી રજૂ થયા વગર રહેલ ફિલ્મોને પણ અવકાશ કે પ્લેટફોર્મ મળશે.
ભારતીય સિનેમામાં ઉદભવ, વિકાસ અને વિસ્તરણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર ગુજરાતીઓ આજે પણ ભારતીય સિનેમામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારતના પ્રધાનમંત્રીથી માંડી સંગઠન કે સરકારમાં અનેક ગુજરાતીઓ બેઠાં છે. દેશના મહાકાય ઉદ્યોગો ઉપર ગુજરાતી ઉદ્યોગપતિઓ રાજ કરી રહ્યાં છે. આજે દસ કરતાં પણ વધુ ન્યૂઝ ચેનલો ગુજરાતના આકાશમાંથી વરસી રહી છે. પણ, એકેય ચેનલ એવી નથી જે ૨૪ કલાક ગુજરાતી ફિલ્મો પ્રસારિત કરતી હોય..! આમ તો સરકારી વાજું  દુરદર્શન ગુજરાતી (ડી ડી ગીરનાર) દર રવિવારે બપોરે ૩.૩૦ કલાકે ગુજરાતી ફિલ્મ પ્રસારિત કરે છે, પણ તેમાય નિયમિતતા જળવાતી નથી. ઘણીવાર આ સમયે હિન્દી ફિલ્મ પ્રસારિત કરાય છે. હમણાં-હમણાં ઈ ટીવી ઉપર પણ ગુજરાતી ફિલ્મો પ્રસારિત થવાનું શરુ થયું છે. પણ અન્ય પ્રાદેશિક ભાષાઓની જેમ ૨૪ કલાક ચાલતી હોય તેવી એક પણ ચેનલ ગુજરાતી ફિલ્મો માટે નથી.
એ વાત પણ એટલી જ સાચી છે કે અત્યાર સુધીમાં માત્ર ૧૩૫૦ જેટલી જ ગુજરાતી ફિલ્મો બની છે ને ૨૪ કલાકની ચેનલ શરુ કરવી હોય તો નિયમિત પ્રસારણ માટે ઘણી ફિલ્મો જોઈએ. આના ઉકેલરૂપ ફિલ્મ ગીતો, લઘુફિલ્મો અને ટેલીફીલ્મો તથા આલ્બમોનું પ્રસારણ કરી શકાય. એકવાર સુયોગ્ય અને થોડાં નફાની બાહેંધરી આપતી વિતરણ વ્યવસ્થા શરુ થઈ જશે તો ક્રમશઃ ભધું સારું થઇ શકશે. જરૂર છે માતૃભાષા માટે વાતો નહી પણ નક્કર આયોજન કરનાર ગુજરાતીની જે થોડો સમય ખોટ વેઠીને પણ આ શો ચલાવવા તત્પર હોય.
સ્ટ્રેઈટ ડ્રાઈવ: ગુજરાતી હોવાનું ગૌરવ દરેક ગુજરાતીના હૈયે વસસે ને પ્રજા કે વ્યાપારી પૈસા કરતાં ભાષાને વધુ મહત્તવ આપશે ત્યારે આપણી ફિલ્મો ને કાંસ કે ઓસ્કારમાં જતાં કોઈ નહી રોકી શકે. જરૂર માત્ર પૈસા (સબસીડી)ની નથી, પણ પ્રોત્સાહક પરિસ્થિતિ બનાવવાની છે.
જય જય ગરવી ગુજરાત
તરુણ કાલિદાસ બૅન્કર: સિનેમા-સાહિત્ય-સંશોધન-મીડિયા
/, ઝવેર નગર, ગુ. હા. બોર્ડ, ભરૂચ-  ગુજરાત (M) 8866175900 / 9228208619

Post a Comment

1 Comments

  1. 24 નહી તો 12 કલાક ચાલે એવી ચેનલ પણ હોય તો ઘણો ફરક પડે.

    ReplyDelete