સૈરાટઃ પ્રાદેશિક સિનેમાએ લખેલ નવો અધ્યાય



નાગરાજ મંજુળેની કથા, પટકથા અને દિગ્દર્શનમાં બનેલ મરાઠી ફિલ્મસૈરાટ પ્રાદેશિક સિનેમાનો નવો અધ્યાય લખી રહી છે. અંદાજિત . કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાનો વ્યવસાય કરી ચૂકી છે. ફિલ્મસર્જક નાગરાજ મંજુળે તેમની પહેલી ફિલ્મથી ખ્યાત બન્યા છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના જેઉર ગામે ૨૪મી ઓગષ્ટ ૧૯૭૭ના રોજ જન્મેલ નાગરાજ કવિ, લેખક, પટકથાકાર અને ફિલ્મસર્જક છે. ૨૦૧૦માં મરાઠી અને તેલુગુ ભાષામાં બનાવેલ લઘુફિલ્મપિસ્ટુલ્યાથી ચર્ચામાં આવેલ નાગરાજની પહેલી લઘુફિલ્મને National Film Award for Best First Non-Feature Film માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. પરિસ્થિતિવશ ચોરીના રવાડે ચઢેલ પિસ્ટુલ્યા નામના બાળકના પ્રેમને અભિવ્યક્ત કરતી લઘુફિલ્મ સ્વાનુભવની કથા હોવાનો આભાસ અને આકાર રચી આપે છે. ૨૦૧૩માં ફીચર ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ કરીફેન્ડ્રી નામની ફિલ્મ માટે નાગરાજને પહેલી ફિલ્મ માટે ઈન્દિરા ગાંધી પુરસ્કાર મળ્યો હતો. મહારાષ્ટ્રની કૈકડી ભાષામાં ભૂંડના સમાનાર્થી શબ્દ તરીકે બોલાતા ફેન્ડ્રી (ભૂંડ પકડનાર) બાળકની પ્રેમકથા વણી લેવામાં આવી છે. ‘ફેન્ડ્રી ફિલ્મ ૫ણ નાગરાજના સ્વાનુભવની કથા છે. મરાઠી અને હિન્દી સિનેમાના દિગ્ગજોએ ફિલ્મના ભરપેટ વખાણ કર્યા છે. ૨૦૧૬માં રજૂ થયેલસૈરાટ દિગ્દર્શક તરીકે નાગરાજ મંજુળેની બીજી ફિલ્મ છે, પણ ફિલ્મે પ્રાદેશિક સિનેમા ક્ષેત્રે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી સૌથી વધુ કમાણી કરનાર મરાઠી ફિલ્મના સન્માન સાથે ૬૬માં Berlin International Film Festival માટે પસંદગી પામી છે. ૫રિવારનો રોષ વહોરી લઈ સામાજિક કુરિવાજ સામે લડતી યુવતીના પાત્રને સાકાર કરનાર ફિલ્મની અભિનેત્રી રિંકુ રાજગુરૂને ૬૩માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં વિશેષ પુરસ્કાર અપાયો છે.

સૈરાટની કથાઃ
વિટરગાંવના વિધાયક અને ઉચ્ચવર્ગના ધનિક પરિવારની દીકરી અર્ચના (રિંકુ રાજગુરૂ) સાથે કોલેજમાં ભણતા ગરીબ પરિવાર અને નિમ્નવર્ગના પ્રશાંત (આકાશ ઠોસર)ની પ્રેમકથા છે. આર્ચી અને પર્શીયાના હુલામણા નામે ઓળખાતા યુવાનોના પ્રેમને પ્રસ્થાપિત અને પ્રત્યક્ષ કરવા દિગ્દર્શકે ફિલ્મનો એક તૃતીયાંશ કરતાં પણ વધુ સમય લીધો છે. સામાન્ય ફિલ્મની સરખામણીમાં મંથર ગતિએ ચાલતી ફિલ્મસૈરાટનો કથાપ્રવાહ ધીમો પણ મક્કમ છે. યુવાનીનો આવેગ ખરો પણ પ્રેમમાં ઊંડાણ છે. પરસ્પરનું આકર્ષણ ખરું પણ કટિબદ્ધતા પણ છે. સમય આવ્યે સમાજ અને પરિવાર સામે બાથ ભીડવાની હામ છે અને એવું કરી પણ બતાવે છે.
સૈરાટની પટકથાઃ
વિટરગાંવ પ્રિમિયર લિગની ફાઇનલ મેચમાં કેપ્ટનની ગેરહાજરી..! કેપ્ટન પર્શીયો આર્ચીને જોવા તેણીના ઘર સામેના હેન્ડપંપ આગળ ઊભો રહી પાણી ભરી રહ્યો છે. બાજુ મેચમાં તેની ટીમની સ્થિતિ દયાજનક છે. પર્શીયાને જાણ થતા તે મેદાનમાં આવે અને ધમાકેદાર બેટિંગ કરી ક્રિકેટ ફાઇનલ મેચ જિતાડે. રાતે આર્ચી તેને તેના ઘેર મળવા આવ અને પપ્પીથી તેને ભીંજવી દીધાનું સપનું જુએ. બીજે દિવસે ગામના યુવાનો કૂઆમાં નાવા પડયા હોય ત્યારે આર્ચી બહેનપણીઓ સાથે આવી હુકમ કરી યુવાનોને ત્યાંથી તગેડે. નદીમાં માછીમારી કરવા ગયેલ પર્શીયાને જાણ થતાં ઘેર આવી નાહી-ધોઈ તૈયાર થયી કૂએ આવે અને છલાંગ મારી નહાતી યુવતી વચ્ચે પડે. અજાણતા આમ થયાનો ડોળ કરી કૂઆના પગથિયે ઊભેલ આર્ચીની એકદમ નજીકથી સરકતો બહાર આવે. બન્નેની પ્રત્યક્ષ મૂલાકાતનું પહેલું દ્રશ્ય પ્રેમાંકુર ખીલવવામાં સહાયક બને છે. પ્રેમાંકુરને પ્રેમપુષ્પ બનાવવા પટકથાકારે નાના દ્રશ્યોની હારમાળા સર્જી છે. બુલેટ લઈ કોલેજ આવેલ આર્ચીથી મોટરસાઈકલ સ્ટાર્ટ થતાં પર્શીયો તે ચાલુ કરી આપે...ખો-ખો રમતી આર્ચીને દૂર બેઠેલો પર્શીયો જોયા કરે... બન્ને વચ્ચે આંખ અને સંવાદનો ટકરાવ પણ થાય... ગામના ટેણીયાને પટાવી વારંવાર આર્ચીને પત્ર મોકલતો પર્શીયો...પ્રત્યુત્તર મળતાં કોલેજના પેસેજમાં, પગથિયા ઉપર કે પુસ્તકાલયમાં તેણીનો પીછો કરી પત્રની વાત સંભળાવે... ક્લાસરૂમમાં આર્ચી પર્શીયાને સતત જોયા કરે... પર્શીયો તેમ કરવા વિનવે પણ આર્ચી માનતી નથી... પર્શીયો ક્લાસમાંથી ચાલ્યો જાય... આર્ચી પણ પાછળ પાછળ જાય. ગીત દ્વારા પ્રેમની અભિવ્યક્તિ સાથે આર્ચીના ઉન્માદને વાચા આપતા દ્રશ્યો, ઘરમાં પ્રવેશી નાના ભાઈ-બહેનને વહાલ અને પપ્પી. ટ્રેકટર લઈ બહેનપણી સાથે પર્શીયાના ઘેર પહોંચે... આવેગીત પર્શીયો મિત્રો સાથે નાળા આગળ પહોંચી પસાર થતી ટ્રેનના તાલે નાચી ઉઠે. અંતે બન્ને મિત્રો સાથે વાડીએ મળે. થોડીવારે મિત્રો બીજી તરફ ચાલ્યા જાય. બન્ને એકલા પડે ને આર્ચી પર્શીયાને આઈ લવ યુ કહે. લગભગ ૫૫ મિનિટની ફિલ્મ પસાર થયા પછી થતો પ્રેમનો એકરાર દ્ર્શ્યોની રસાળતા, પ્રવાહિતા અને સરળતાને કારણે સમયનો ભાર વર્તાતો નથી. ફિલ્મના પહેલાં ભાગમાં યુવાન હૈયાની મસ્તી, પાત્ર પરિચય અને પરિવેશના સ્થાપન પછી બીજો તબક્કો આંચકા સાથે શરુ થાય છે.
ક્લાસરૂમમાં કવિતા ભણાવી રહેલ અધ્યાપક આર્ચીના ભાઈ પ્રિન્સને મોબાઇલ ઉપર વાત કરતા રોકે. પ્રિન્સ અધ્યાપકને ક્લાસ વચ્ચે થપ્પડ મારે. કવિતામાં વણાયેલ સવર્ણ અને અવર્ણની વાત પ્રતિપાદિત કરવાનો પટકથાકારનો આશય વેધક રીતે રજૂ થાય. બીજે દિવસે અધ્યાપકો વિધાયક અને પ્રિન્સના પિતાને મળવા આવે ત્યારે પણ અધ્યાપકોને ત્યાજ્ય ઠેરવતું વિધાયકનું વર્તન કથાબીજના ગર્ભમાં સમાહિત કથૈતવ્યને અપ્રત્યક્ષપણે ઉજાગર કરે છે. અધ્યાપક સાથે વાત શુદ્ધા કરવી, તેમના પ્રત્યે તુચ્છકારભર્યુ વર્તન અને દીકરાના ક્રુત્યને સભાનપણે સાચું ઠેરવવાની ચેષ્ટા પહેલીવાર સમાજ વાસ્તવના પડળ ખોલે છે. સમાજ વાસ્તવનું પ્રતિબિંબ પછીના દ્રશ્યમાં વધુ ધારદાર બને છે. જન્મદિને પ્રિન્સ તલવારથી કેક કાપે. ઉજવણી અને ડાન્સની મસ્તી વચ્ચે આર્ચી અને પર્શીયો બંધ કારમાં પ્રેમરત બને ને...? પ્રિન્સ અને વિધાયક ત્રાટકે. આર્ચીને ખેંચી ઘેર લઈ જાય ને પર્શીયાને મારતા-મારતા તેના ઘેર લાવે. મા-બાપની હાજરીમાં પણ મારે. બાપ પણ પર્શીયાની ધોલાઈ કરે. બીજી તરફ આર્ચીની સગાઈની તૈયારીઓ ચાલુ થાય. આર્ચી ઘરેણાં અને રોકડ રકમ સાથે ભાગી પર્શીયાના ઘેર આવે. બન્નેની શોધખોળ આરંભાય. બન્ને બસ મારફતે ભાગે, પણ ઉતાવળ અને ભૂલવશ વિટરગાંવની બસમાં બેસી ગામ પરત આવે. એક મિત્રની મદદથી બન્નેને પકડવાનો કારસો રચાય. પણ, બન્ને પકડાતા નથી. સજાના ભાગરૂપ અવર્ણોના ખેતરો સળગાવાય. બન્ને ભાગી નાવડી મારફતે સામા કાંઠાના શહેરમાં આવે. મિત્રો પણ મદદરૂપ બને. રાતના સમયે સડક કિનારે બેઠેલ બન્નેને પોલીસ પકડે. વિધાયક પણ ત્યાં આવે. પર્શીયાને ગુનેગાર બનાવવાના વિધાયક અને પોલિસના નિર્ણયનો આર્ચી ઉગ્ર વિરોધ કરી પોલીસ સ્ટેશનના કાગળો ફાડી નાંખી પર્શીયાને છોડાવે. બન્નેને અલગ કરી પર્શીયા અને તેના મિત્રોની બેરહેમીથી ધોલાઈ કરાય. તે સમયે ત્યાંથી કારમાં પસાર થતી આર્ચી જુએ ને ઉગ્ર પ્રતિક્રિયા અને આક્રોશયુક્ત આદેશ આપી કાર રોકાવી પર્શીયાને બચાવવા મેદાને પડે. દરમ્યાન એક્ના હાથમાંથી રીવોલ્વર ખૂંચવી તેના જોરે પર્શીયાને છોડાવી-બચાવી ત્યાંથી ભાગે. પાછળ પડેલા પૈકી એકને ગોળીબાર કરી ઘાયલ પણ કરે. ત્યાંથી ભાગેલા પ્રેમીપંખિડા પસાર થતી ટ્રેઈનની સમાંતરે દોડતા આગળ વધે. ત્યાં ફિલ્મનો મધ્યાંતર થાય. સામન્યતઃ અહીં અડધી ફિલ્મ સમાપ્ત થાય પણસૈરાટના કિસ્સામાં અહીં બે તૃતીયાંશ ફિલ્મ અર્થાત ફિલ્મનો બીજો તબક્કો પૂર્ણ થાય. અહીંથી ફિલ્મ ફરી પાછો એક ચકરાવો લે છે, જેનો ફલક અંત સુધી વિસ્તરે છે.
ફિલ્મના ત્રીજા અને અંતિમ તબક્કો પટકથા અને ફિલ્માંકનની દ્રષ્ટીએ અત્યંત શુષ્ક અને મંથર ગતિએ ચાલનારો છે. જો કે અંતભાગમાં આવતો વેધક ચકરાવો અને આંચકો આપનારો અંતધીરજના ફળ મીઠા સમાન અનુભૂતિ કરાવે છે. ગામથી ભાગી હૈદ્રાબાદ પહોંચેલ આર્ચી-પર્શીયાને પ્રારંભિક કડવા અનુભવો પછી માથે છત અને જીવન નિર્વાહ કરવા રોજગારી મળે. આર્ચી પણ તેમાં જોડાય. માંડ સ્થાયી થયેલ યુગલ વચ્ચે નજીવા કારણસર ખટરાગ થાય જે ગંભીર મનભેદ અને વયૈક્તિક અહમમાં પરિણામે. આર્ચી પર્શીયાને છોડી ટ્રૈનમાં બેસી ચાલી નીકળે. બેબાકળો પર્શીયો શોધખોળ આરંભે. પણ પરિણામ શૂન્ય. અહીંથી આકાર પામતા કથાવળાંકો અને અંતે વર્તાતો અણધાર્યો આંચકો આપણને અંદરથી ઝંઝોળી મૂકે છે.
ફિલ્મ નિર્માણની પ્રયુક્તિઓનો વિનિયોગઃ
સૈરાટના સર્જનમાં ચલચિત્ર નિર્માણની પ્રયુક્તિઓ દ્રશ્યાંકન કળા (Cinemetography), દ્રશ્યપ્રતીક, ગીત-સંગીત અને પાત્ર નિર્માણકળાનો સુયોગ્ય વિનિયોગ કરાયો છે. કૂઆમાં નહાવા પડતા યુવાનોવાળા દ્રશ્યો પહેલીવાર દ્રશ્યાંકન કળા (Cinemetography) નો પરિચય કરાવે છે. હાઈસ્પીડ ફિલ્માંકન થકી સિનેમાના પડદે આકાર પામતી મંદ ગતિ (Slow Motion) દ્રશ્યમાધુર્યને આગવો સ્પર્શ અર્પે છે. આર્ચી ગામકૂએ નહાવા આવી હોવાનું જાણી નાવડીમાંથી નદીમાં છલાંગ મારતો પર્શીયો, નદી કિનારે બાંધેલ હીંચકે પ્રેમાવેગની અભિવ્યક્તિ કે પ્રેમરંગે રંગાયા પછી ઘરમાં પ્રવેશ ટાણે છલાંગ મારી ઉંબરો ઓળંગવું, ગરદન ઝટકી ચોટલો હવામાં ઉલાળવો, નાની બહેનને પપ્પી (Kiss) કરવી જેવા દ્રશ્યોનું હાઈસ્પીડ ફિલ્માંકન અને લો-સ્પીડ પ્રલંબન (Projection) દ્રશ્યાંકન કળાનો આગવો મિજાજ રજૂ કરે છે.
ઉપરાંત દ્રશ્યાંકન કળાના પ્રતીકાત્મક વિનિયોગથી પણ કથાકથન, પાત્રલેખન અને પ્રસંગાભિવ્યક્તિ કરાઈ છે. ગામની સાંકડી ગલીમાં આગળ વધતા મિત્રો, પાણીની વાવની કિલ્લેબંધ દીવાલનું દ્રશ્યાંકન, નાવડીમાં વિહાર કરતાં આર્ચી-પર્શીયા સાથે બેઠેલા મિત્રોની આંખે બાંધેલ પાટા, ગામમાંથી ભાગતા આર્ચી-પર્શીયા કિલ્લેબંધ દીવાલ વટાવી વિશાળ દરવાજામાંથી ગામ બહાર નીકળે, સળગતાં ખેતરોના પૂર્વાર્ધમાંથી મિત્રો સાથે ભાગતા આર્ચી-પર્શીયો, વિધાયકના દીકરા પ્રિન્સનું તલવારથી કેક કાપવું, ટ્રૈનની સમાંતરે ભાગતા આર્ચી-પર્શીયો, ગાંધીજીના ત્રણ વાંદરાના પૂતળા ઉપરથી ડાબે સરકતા કૅમેરામાં ઊભા સળીયાવાળી ઊંચી જાળીની પાછળથી આગળ વધતા આર્ચી-પર્શીયો, પર્શીયો પ્લાસ્ટિકના ટમ્બલરમાં ૫વાલીનું પાણી પીએ જ્યારે આર્ચી મિનરલ બોટલનું પાણી પીએ, આર્ચી-પર્શીયા વચ્ચેના અણબનાવ પછી ઢોંસા બનાવવાના ગરમ તવા ઉપર પાણીનો છંટકાવ અને ટ્રૈનમાં બેઠેલ આર્ચીને આંધળા પતિને લઇ ભીખ માગતી ભીખારણનો ભેટો થાય. આકાશમાં ઉડતા પક્ષીસમૂહ અને તેના કલરવ કે કર્કશ અવાજ દ્વારા કથામાગ કે સ્થિતિનું પ્રતિપાદન જેવાં દ્રશ્યોમાં કૅમેરામેન અને દિગ્દર્શકની જુગલબંધી દ્રશ્યાંકન કળા વડે દ્રશ્યપ્રતીક સર્જી ફિલ્મના પ્રભાવ અને પ્રવાહને દ્રશ્યભાષા અર્પે છે.
પાત્રનો ભાવાવેશ-ઉન્માદ અને અતઃસ્વર, પરિસ્થિતિની જરૂરિયાત અને સિનેમાના પ્રભાવને અભિવ્યક્ત કરતું ગીત-સંગીતસૈરાટનું સવિશેષ અને આગવું પાસું બને છે. બેકગ્રાઉન્ડ સંગીત અને તેમાં પણ ખાસ કરીને વાદ્યવૃંદે રચેલ Symphony લાજવાબ છે.
ક્થાના વિષયવસ્તુને પ્રતિપાદિત કરવા કરાયેલ પાત્રનિર્માણ પટકથાકાર અને નિર્દેશક નાગરાજ મંજુળેની આગવી સમજને પ્રસ્તુત કરે છે. આર્ચીની મુક્ત વિચારધારા, સાહસિકતા (Boldness) અને અલ્લ્ડતાને પ્રમાણિત કરવા કૂએ ન્હાવા આવેલ યુવતીઓ માટે નહાતા યુવકોને ચાલ્યા જવાનો આદેશ, બુલેટ લઈ કૉલેજ આવવું, ઘોડેસવારી કરવી, ટ્રેકટર લઈ પર્શીયાના ઘેર આવવું, ચાલુ ક્લાસે નિર્ભયતાથી પર્શીયાને પ્રેમવશ જોયા કરવું, જબરન કરાવાતી સગાઈનો વિરોધ અને ઘર છોડી ભાગવું અને પર્શીયાને ભગાડવો, પર્શીયાની રક્ષા માટે પોલીસ સાથે ભીડી જવું, પિતાના માણસોથી પર્શીયાને બચાવવા વચ્ચે પડવું અને એકની રિવૉલ્વર લઈ તેને બચાવવો અને ત્યાંથી ભાગવું જેવા અનેક દ્રશ્યોમાં આર્ચીની વર્તણૂક, સંવાદ અને સ્થિતિ આર્ચીના પાત્રને વાચા આપે છે. પ્રેમ માટે નિર્ભીક જણાતો પર્શીયો ક્લાસરૂમમાં, ઘેર આવેલ આર્ચી ટાણે કે વિધાયક દ્વારા ઊભી કરાયેલ સ્થિતિ સામે નબળો ભાસે છે, જે કથામાગને વાચા આપે છે. પ્રિન્સ, તાનાજી અને શહેરમાં મદદરૂપ થનાર પડોશીનું પાત્ર ભલે નાનું છે, પણ તેમાં પુરાયેલ રંગો પાત્રનિર્માણ કળાને આભારી છે.
ફિલ્મનું વ્યાકરણઃ
ફિલ્મના વ્યાકરણની દ્રષ્ટીસૈરાટ સીધી, સરળ અને રસાળ ગતિ કરે છે. દ્રશ્યાંકન અને સંકલનનો તાલમેલ આંચકામુક્ત (Jerkless) દ્રશ્યમાળા રચે છે. શોટ સાઈઝ, શોટ મુવમેન્ટ અને શોટ કટ (Editing Cut) નું સાયુજ્ય ફિલ્મને સરળ અને રસાળ ગતિ આપે છે. પ્રકાશ આયોજનમાં સોર્સ લાઈટનો સહજ વિનિયોગ ફિલ્મને બિનજરૂરી કૃત્રિમતાથી બચાવે છે. યથોચિત અને જરૂરી સ્થાને બેકગ્રાઉન્ડ સંગીતનો વિનિયોગ પ્રભાવક લાગે છે. ફિલ્મમાં ક્યાંક-ક્યાંક જણાતો લયવિચ્છેદ પટકથાને કારણે છે.
ઉપસંહારઃ
સામાન્યતઃ આપણે ત્યાં ફિલ્મને વધારે પ્રાધાન્ય અપાય છે, જે ફિલ્મ બોક્ષઑફિસ ઉપર વધારે સફળ રહી હોય. ફિલ્મને મનોરંજન અને નાણાં કમાવાના આયામ તરીકે જોવાં ટેવાયેલાં આપણાં દર્શકો અને સર્જકો સમાંતર સિનેમા (Parallel Cinema), નવ્ય સિનેમા (New Wave Cinema) કે કળાત્મક સિનેમા (Artistic Cinema)ને વધારે પ્રાધાન્ય આપતાં નથી. ઝાડ ફરતે ગીત ગાતાં, એકલે હાથે અનેક ગુંડાઓને મારતાં કે પ્રેમ પામવાં ધનવાન પિતાના ઘરનો ત્યાગ કરવા જેવા ફિલ્મી પ્રસંગો આપણી માનસિકતાને પંપાળી આપે છે. મેળાનો ગીત માટે, નાયક અને ખલનાયકની લડાઈ માટે કે ભાઈ-ભાઈ, મા-દીકરો કે દોસ્તોના મિલન કે જુદાઈ માટે ઉપયોગ કરાઈ છે. સામાન્યજન ખુલ્લી આંખે જે નથી કરી સકતો તે કામ સિનેમાઘરનાં અંધારામાં અભિનેતાને કરતો નિહાળી મનમાં ધરબાઈ ગયેલ સ્વપ્નને કૃત્રિમ આભાસથી સંતોષે છે.
સૈરાટમાં વાસ્તવ અને સિનેમાઈ સત્ત્વનો સમન્વય કરાયો છે. સામાન્ય પ્રેમકથાનું અસામાન્ય પ્રસ્તુતિકરણ તેની ખૂબી છે. નિર્દેશક નાગરાજ મંજુળેએ ફિલ્મકથા કહેવા માટે ફિલ્મ નિર્માણ કળાનો વિનિયોગ કર્યો છે, પણ ફિલ્મી બન્યા વગર. વળી સમાજ વાસ્તવને સહજપણે રજૂ કર્યો છે, પણ તેની વેધકતા એટલી પ્રબળ છે કે ફિલ્મ દર્શકોને પોતાનાં તરફ ખેંચવામાં અને ટિકિટબારી છલકાવવામાં સફળ રહી છે.
તદ્દ્ન નવા અને નાની ઉંમરના મુખ્ય કળાકારો અર્ચના (રિંકુ રાજગુરૂ) અને પ્રશાંત (આકાશ ઠોસર) અત્યારે માત્ર મરાઠી સિનેમાનાં નહીં પણ ભારતીય સિનેમાનાં દિલની ધડકન (Heart Throb) બન્યાં છે. દક્ષિણની ફિલ્મોને બાદ કરીયે તો ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી (૧૦૦ કરોડ રૂપિયા) કરનાર પ્રાદેશિક ફિલ્મ બની છે અને હજુ પણ સફળતાપૂર્વક સિનેમાઘરોમાં ચાલી રહી છે. ભારતની અનેક ભાષાઓમાં ફિલ્મનું પુનર્નિર્માણ અને ડબિંગ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. જે પ્રાદેશિક ફિલ્મો માટે લખાયેલ અને લખાઈ રહેલ એક નવો અધ્યાય છે.
સમાપનઃ
લગભગ કલાક ૫૫ મિનિટ લંબાઈ ધરાવતી ફિલ્મસૈરાટની ધીમી ગતિ નિર્દેશકની ફિલ્મ સર્જન અદા (Style of Filmmaking) છે..? કે અજાણતા કરેલ ભૂલ..? ફિલ્મની મંથર ગતિ અને ક્યાંક વર્તાતી અકળ ક્ષતિઓ પટકથાને આભારી છે. દીકરી સાથે ભાગી ગયેલ પર્શીયાને પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવ્યા પછી જે જગ્યાએ તેની પિટાઈ થતી હોય તે રસ્તે આર્ચીને કારમાં કેમ લઈ જવાય છે..? પ્રેમસંબંધ બાંધવામાં અને ભાગવામાં મદદરૂપ જીગરજાન મિત્રો ને પર્શીયો ફિલ્મના બીજા ભાગમાં તદ્દન ભૂલી કેમ જાય છે..? આર્ચીએ મોબાઈલનો પાસવર્ડપર્શીયા આપ્યો છતાં તે તેણીના પ્રેમભાવને કેમ સમજતો નથી..? સતત પરિપક્વતા દાખવતા આર્ચી અને પર્શીયો તદ્દન નજીવા બનાવ સબબ અપરિપક્વ વર્તન કેમ કરે છે..? સવાલો જરૂર છે.
ફિલ્મે સફળતાના નવા કીર્તિમાન સ્થાપ્યા છે એટલે સામાન્યતઃ કોઈ અસંગતતાની વાત નહીં કરે. બધું સોજ્જુ સોજ્જુ લાગશે. પણ, મેં મૂલ્યાંકન કરવાનો યત્ન કર્યો છે. ભવિષ્યમાં બીજી ઘણી વાતો કરીશું, અત્યારે તો એટલું કહીશ કે પ્રાદેશિક સિનેમા તરીકે નવો અધ્યાય લખનાર મરાઠી ફિલ્મસૈરાટ તેનો ભાવાર્થ સાબિત કરતી ફિલ્મજગતના આકાશમાં સ્વતંત્રતાથી ઉડી રહી છે. મરાઠી ભાષા જાણનારા કદાચ સંવાદનો શબ્દાર્થ નહીં પામી શકે, પણ દ્રશ્ય, અભિવ્યક્તિ અને પ્રસ્તુતિકરણની શક્તિ તેના ભાવાર્થથી પ્રત્યેક દર્શકને તરબતર કરવાનું કૌવત ધરાવે છે. ખરા અર્થમાં જેને સિનેમા કહી શકાય તેવી ફિલ્મ સિનેમા ચાહકોએ જોવી રહી.
તરુણ કાલિદાસ બૅન્કર
/, ઝવેર નગર, ગુ. હા. બોર્ડ, ભરૂચ-૩૯૨૦૦૧  ગુજરાત
(M) 8866175900 / 9228208619  
email: tarunkbanker@gmail.com

Post a Comment

0 Comments