ગુજરાતી ફિલ્મમેકરે પટકથા એટલે શું..? સમજવું જ રહ્યું



ગુજરાતી ચલચિત્રનો સુવર્ણકાળ આવ્યો કે આવી રહ્યો હોવાની ચર્ચા ચોગરદમ ચાલી રહી છે. એક ફિલ્મ સફળ થયી નથી કે એની કોપી કરવા કે એના જેવી ફિલ્મ બનાવવા પાંચ-પંદર ફિલ્મમેકરો મેદાનમાં આવી જાય છે..! ‘છેલ્લો દિવસ’ની અણધારી સફળતા પછી કોલેજ, મિત્રતા અને યુવાનો દર એક ફિલ્મની વાર્તા બની રહી છે. અર્બન ફિલ્મ કે મોર્ડન ફિલ્મની ટેગલાઈન દર બીજી ફિલ્મે દેખાઈ રહી છે. ગુજરાત સરકારે જાહેર કરેલ પોલિસી અને પાંચ થી પચાસ લાખ રૂપિયા સબસીડીની જાહેરાત પછી ઘણાં બધાં મચી પડ્યા છે. ફિલ્મ વિષે ઢબ્બુનો ઢ પણ ન જાણનારા નિર્માતાને કરોડોનો નફો બતાવી ‘બાટલીમાં ઉતારવાનો’ કારસો રચાય છે. અથવા તેમને ધોળે દિવસે સપનાં બતાવાય છે. ફિલ્મ બનાવવા માટે આ બધું કરાય તેમાં પણ વાંધો નથી. પણ, ફિલ્મ માટે સૌથી વધુ જરૂરી પ્રિ-પ્રોડક્શન અને તેમાં પણ પટકથા માટે કઈ જ ના કરાય તે ચિંતાનો વિષય છે.૨૦૧૫ સુધીમાં લગભગ ૧૨૫૦ ગુજરાતી ફિલ્મો બની છે, જે પૈકી કેટલી ફિલ્મોમાં ખરા અર્થમાં પટકથા પાછળ મહેનત કરાઈ હશે..? સંશોધનનો વિષય છે.
 ફિલ્મોમાં પટકથાની જરૂરીયાત વિષે આ પહેલાં પણ લખ્યું છે. લખાયું છે. તાજેતરમાં ગુજરાતી ફિલ્મ વિષેના ત્રણ લેખ વાંચ્યા પછી પુનઃ આ વિષય ઉપર લખવા પ્રેરાયો. દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં પ્રણવ ગોળવેલકરે ‘બગાવત’ કોલમમાં ‘ગુજરાતી ફિલ્મો : ઘેટાંઓ સિંહ બનવાના ખ્વાબમાં’ શીર્ષક હેઠળ કડવી વાત લખી. વાસ્તવિકતાથી તરબતર આ લેખમાં તેમણે લખ્યું છે : ગુજરાતી નાટકોમાં ચેટક કરતાં લોકોએ ગુજરાતી રંગભૂમિનું સ્તર તળિયે પહોંચાડી દીધું છે. કેટલાક વોટ્સએપ જોક, થર્ડ ક્લાસ માટેની રમુજ અને પત્ની વિશેની અભદ્ર ટીપ્પણીઓ એટલે ગુજરાતી નાટકોની સફળતાનો પર્યાય છે, એવું માનતા લોકોની કમી નથી. આ જ પ્રકારના લોકો હવે છીછરી સ્ક્રિપ્ટ અને બેકાર કલાકારોને લઈને ફિલ્મ બનાવી રહ્યાં છે.પ્રણવ ગોળવેલકરે ખરા અર્થમાં બગાવત કરી ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે ધતીંગ કરી રહેલાઓને આયનો દેખાડ્યો છે, અને આવા લોકોને પોષતા નિર્માતાઓનો આંખ ખોલવાની કોશિશ કરી છે. તો દિવ્ય ભાસ્કરની રસરંગ પૂર્તિમાં શૈલેન્દ્ર વાઘેલાએ ‘અર્બન ગુજરાતી ફિલ્મો : ખોડંગાતો સ્ક્રીનપ્લે, ખાટલે મોટી ખોડ’ શીર્ષક હેઠળ ફિલ્મમાં પટકથાના મહત્વની ચર્ચા કરી. શૈલેન્દ્ર વાઘેલા લખે છે : કહેવાતી અર્બન ફિલ્મોનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ હોય તો એ જ કે સ્ક્રીનપ્લેની ખામી. કેટલાક લોકો તો એ પણ નથી સમજતા કે સ્ક્રીનપ્લે એટલે વળી શું..?તો કેટલાક નાટકના લેખકોને એવું લાગે છે કે બે કલાકનું નાટક તો લખીએ જ છીએ ને, તો પછી ફિલ્મ પણ લખી જ શકાય ને..?
લખવા માટે તો બધું જ લખી શકાય. પણ આપણે સારું અને સમર્થ લખવાનું છે. અન્ય પ્રાદેશિક ફિલ્મોની સરખામણીએ વરસો પાછળ ધકેલાય ગયેલ ગુજરાતી સિનેમાને બેઠું કરવાના નામે મચેલ દોડ અને હોડના કારણે ફરી પાછાં જો ઊંધા માથે પટકાઈશું તો ઉભા તો શું બેઠાય નહિ થવાય. પટકથાની બાબતમાં પહેલેથી જે ચાલી આવ્યું છે તેમાં ધરખમ ફેરફાર અમે સર્જનશીલ મહેનત કરવાની જરૂર છે. પટકથા ટેકનીકલ અને સર્જનાત્મકતા એમ બે પૈડા ઉપર ઉભેલ ફિલ્મનો રથ છે. છેલ્લાં કેટલાક સમયમાં ‘કેવી રીતે જઈશ’, ‘બે યાર’, ‘ગુજ્જુભાઈ...’ જેવી ફિલ્મો સફળ થયાની ચર્ચા પછી તેના જેવી ફિલ્મો બનાવવા મચી પડેલા ફિલ્મમેકરો આ ફિલ્મો એ પટકથા ઉપર કરેલ ટેકનીકલ અને સર્જનાત્મકતા મહેનતથી દુર કેમ રહ્યાં છે. આ ફિલ્મોની બહું વાત થયી હોય પટકથા અનુસંધાને મારે બે બીજી ફિલ્મોની વાત કરવી છે. કેતન મહેતાની ‘ભવની ભવાઈ’ અને શ્રવણ કુમારની ‘ધ એડવોકેટ’. એક રૂરલ ફિલ્મ અને એક અર્બન ફિલ્મ. બંને ફિલ્મોને પટકથા માટે એવોર્ડ પણ મળ્યાં છે.
૧૯૮૦માં આવેલ કેતન મહેતાની ‘ભવની ભવાઈ’નો પાયો ‘અછૂતનો વેશ’ના ઉપર રચાયો હતો. નાનકડાં વિષયવસ્તુને લઈ બનેલ આ ફિલ્મની ખરી કમાલ જ તેની પટકથા છે. એક સાથે ત્રણ સ્તરે ચાલતું કથાનક ક્યાંય ગૂંચવાયા વગર આગળ વધે છે. ને છતાંય આ ત્રણે કથાનકની વાત તો એક જ છે. અહી આપણે પટકથાના તકનીકી પાસાની કોઈ ચર્ચા નથી કરવી, માત્ર સર્જનાત્મક પાસાની વાત કરવી છે. કથાનકની માંડણી, પાત્રનું સ્થાપન, ઉઘાડ અને નિર્માણ, દ્રશ્ય સંકલના, કથાનો પ્રવાહ, સંવાદ જેવાં પાસાઓને સાંકળી લખેલ પટકથા ચલચિત્રને સહજ, સરળ અને રસાળ બનાવે છે. ૨૦૧૨માં આવેલ શ્રવણ કુમારની ‘ધ એડવોકેટ’ને ટ્રાન્સમીડિયામાં શ્રેષ્ઠ પટકથાનો એવોર્ડ મળ્યો. કર્ણપિશાચી વિદ્યાના બેકડ્રોપમાં બનેલ આ ફિલ્મમાં પણ પટકથા તેનું મુખ્ય હથિયાર બન્યું છે. મુખ્યપાત્રની આર્થિક તંગીને પ્રભાવીપણે રજૂ કરવા કોઈ જ મેલોડ્રામા કર્યો કે કરાવ્યો નથી. બિનજરૂરી પાત્રો તો નથી જ પણ જરૂરી પાત્રો પણ સીમિત છે. કથાના ઉઘાડ માટે વગર કહ્યે કે બોલ્યે કહેવાની રીત દિગ્દર્શકે અપનાવી છે, પણ તેના મૂળમાં તો પટકથા જ છે.
ગુજરાતી ફિલ્મોની થયી રહેલ અને થનાર અવદશા અંગે સર્જકોએ તો જાગવાની જરૂર છે જ પણ ફિલ્મને સબસીડી આપવાનું નક્કી કરનાર સમિતિએ ૧૦માંથી ૦ માર્ક આપી છટકી નથી જવાનું. પણ માથાવાઢ પટકથા ધરાવતી ફિલ્મને નેગેટીવ માર્ક આપવાની પરંપરા પણ શરુ કરવી પડશે. નાટક સાથે સંકળાયેલા ફિલ્મમાં પણ આવે એમાં વાંધો નથી, પણ ફિલ્મ અને નાટક તદ્દન જુદાં માધ્યમો છે તેની સમજ મેળવવી અને કેળવવી જ પડશે. નાટકની જેમ લાંબા-લાંબા દ્રશ્યોના સ્થાને દોઢ-બે મિનિટ લાંબા દ્રશ્યોની હારમાળાથી વાર્તા કહેતા થવું પડશે. પ્રસંગ, પરસ્થિતિ કે પાત્ર ચિપકાવી દીધેલું ન લાગે તેના માટે તેનું સ્થાપન, નિર્માણ કે ઉઘાડ કરાવાવની રચાનારીતી શીખવી અને સમજવી જ રહી. વાચવાની વાત અને જોવાની વાતનો ફર્ક પામવો જ રહ્યો.
ફિલ્મ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ હોય દ્રશ્યતાનો પ્રભાવ ઉભો થવો જોઈએ. બધું બોલીને કે કહીને બતાવવાને બદલે દ્રશ્યથી બતાવવાનું છે. પટકથા લેખનમાં આ આયામનો પણ સમાવેશ થાય છે. પાત્રનો સ્વભાવ, આવડત, સામાજિક સ્થિતિ-પરિસ્થિતિ અને કથામાં તેના પ્રભાવને પ્રમાણિત કરવા પાત્રનિર્માણની પ્રક્રિયા પણ પટકથાનો જ ભાગ છે. પાત્રગત સંવાદ કથાનકમાં જરૂરી સંઘર્ષ, કથાવળાંક અને સ્થિતિ-પરિસ્થિતિનું નિર્માણ કરવા સાથે પાત્રના મનોભાવો પણ વ્યક્ત કરે છે. પટકથામાં સંવાદનું મહત્વ પણ અદકેરું આલેખાયું છે. પટકથામાં આલેખાયેલ અભિવ્યક્તિ દિગ્દર્શન, દ્રશ્યાંકન અને સંકલનના માધ્યમથી તેનો પ્રભાવ પામે છે. મારા માટે પટકથા દિગ્દર્શક, કેમેરામેન અને સંકલનકાર ત્રણેને જોડતી કડી છે. વધુ પારદર્શકતાથી આ સમજવા અને સમજાવવા સ્ટોરીબોર્ડ પણ બનાવતું હોય છે. પટકથાના વધુ ઊંડા સર્જન અને તકનીકી આયામમાં આ બધાં પાસાઓ સમાવિષ્ટ કરાય છે. મારા મતે પટકથાના બીજા તબક્કામાં આ તબક્કો આવતો હોય આજે તેની ચર્ચા કરતાં નથી.
સારી ફિલ્મ બનાવવા સારી પટકથા લખવા ઇચ્છુકો માટે ઘણાં દરવાજા ખુલ્લા છે, જેમાં મારો પણ સમાવેશ કરું છું. અને પુસ્તકો પણ ઉપલબ્ધ છે. ઈંટરનેટ ઉપર પણ મળે છે. અનેક ફિલ્મોની પટકથા પણ ઓનલાઈન મળી રહેશે, જેને વિનામૂલ્યે ડાઉનલોડ કરીને પણ શીખી-સમજી શકાય.
સ્ટ્રેઈટ ડ્રાઈવ: લગ્નની કેસટનું મિક્ષિન્ગ કરનારા એડિટર બન્યાં છે ને કલર કરેકશન એટલે શું..? પુછાનારા નિર્માતા અને દિગ્દર્શક..! ફરી ક્યારેક એમની પણ વાત કરીશું.
તરુણ કાલિદાસ બૅન્કર: સિનેમા-સાહિત્ય-મીડિયા
/, ઝવેર નગર, ગુ. હા. બોર્ડ, ભરૂચ-  ગુજરાત (M) 8866175900 / 9228208619

Post a Comment

0 Comments