વિશ્વમાં એકમાત્ર ભરૂચ ખાતે ભરતો મેઘમેળો



 સમગ્ર જીવસૃષ્ટિ જેના ઉપર આધારિત છે એવા વરસાદના દેવ મેઘરાજાની સ્થાપના અને ૨૫ દિવસનું આતિથ્ય માણ્યા પછી તેમના વિસર્જન સાથે સંકળાયેલ મેઘમેળો વિશ્વમાં માત્ર ભરૂચ નગર ખાતે ભરતો હોવાની માન્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આધ્યાત્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવતાં ભરૂચ નગરમાં ભરતો આ મેઘમેળો માત્ર ભરૂચમાં જ નહીં પણ ગુજરાત અને ગુજરાત બહારના લોકો માટે પણ આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર ધરાવતા આ મેઘમેળાની શરૂઆત છપ્પનિયા દુકાળ વખતે થઈ હોવાની માન્યતા છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ ૨૫૦ વર્ષ પહેલાં જયારે આ પંથક ઉપર દુષ્કાળના ઓળા ટોળાયા હતાં ત્યારે નર્મદા નદી અને તેમાં ચાલતા વાહન-વ્યવહાર સાથે સંકળાયેલા ભોઈ સમાજે મેઘરાજાની સ્થાપના કરી તેમને મેઘ મહેર કરવાની પ્રાર્થના કરી હતી. જો કે અનેક દિવસોની પ્રાર્થના અને પૂજા-ભક્તિ પછી પણ મેઘરાજા મહેરબાન ન થતાં મૂર્તિ વિસર્જનનું આયોજન કરાયું હતું. આ જ સમયે મેઘરાજાની પધરામણી થતાં ત્યારથી લઈને આજસુધી મેઘરાજાની સ્થાપના અને આતિથ્ય માણ્યા પછી તેમના વિસર્જનનો ઉત્સવ મનાવાઇ રહ્યો છે.
આ ઉત્સવનો પ્રારંભ અષાઢ મહિનાના અંતિમ દિવસથી થાય છે. અષાઢ વદ અમાસ જે દિવાસા તરીકે પ્રચલિત છે તેની રાતે મેઘરાજાની મૂર્તિ બનાવવાનો આરંભ કરાય છે. ભોઈ સમાજના મહાનુભાવો કે જે પૈકીના કોઈપણ મૂર્તિકાર નથી તેવા લોકો આ મૂર્તિનું નિર્માણ કરે છે. નદીની કાળી માટી અને ગોબરના મિશ્રણમાંથી આ મૂર્તિ બનાવવામાં આવે છે અને આ કાર્ય સીમિત માત્રામાં ઉપસ્થિત ભક્તોની હાજરીમાં જ કરવામાં આવે છે. ટુકમાં એમ કહેવાય કે આ કામગીરી ગુપ્ત રીતે કરવામાં આવે છે જેની તસ્વીર કે વીડિઓ ફૂટેજ બહાર આવી નથી.
અષાઢ વદ અમાસની રાતે મૂર્તિનું સર્જન કર્યાં પછી શ્રાવણ સુદ પાંચમ (નાગપંચમી)ના દિને મેઘરાજાની પ્રતિમાને નાગપાઘ (પાઘડી) અને હાથ ઉપર પણ નાગનું સ્થાપન કરવામાં આવે છે. ત્યારબાદ શ્રાવણ સુદ પુનમ અર્થાત રક્ષાબંધનની આગલી રાતે મેઘરાજાની પ્રતિમાને વસ્ત્ર પહેરાવવામાં આવે છે. ચળકતા કાગળ, વસ્ત્ર અને કેનવાસની મદદથી તેમના વસ્ત્ર અને આભૂષણો બનાવી તેમેણે પહેરાવવામાં આવે છે. આ સર્જન અને કામગીરી પણ સમાજના લોકો જ કરે છે. ખરા અર્થમાં મેઘઉત્સવનો પ્રારંભ બળેવ અર્થાત રક્ષાબંધનના દિનથી થાય છે. ત્યારબાદ શ્રાવણ વદ છઠ (રાંધણ છઠ)ના દિને તેમના વસ્ત્રો બદલવામાં આવે છે. આ સમયે નાગપાઘના સ્થાને સોનેરી અને રત્નજડિત મુગટ પહેરાવવામાં આવે છે. આ પછી છઠ થી દસમ સુધી આ જગ્યાએ મેળો ભરાય છે જે મેઘમેળા તરીકે ઓળખાય છે અને દસમાના દિવસે બપોર પછી મેઘરાજાની યાત્રા કાઢવામાં આવે છે. આમ ૨૫ દિવસ સધી (અષાઢ વદ અમાસ થી શ્રાવણ વદ દસમ) ભરૂચ નગરનું આતિથ્ય માણ્યા પછી બીજા વર્ષે પુનઃ પધારવાની ખાતરી-માંગણી સાથે પ્રતિમાનું વિસર્જન કરાય છે.
મૂર્તિકળા અને શ્રદ્ધાનું અનુપમ ઉદાહરણ અહીં જોવા મળે છે
ઉપર પણ લખ્યું છે તે અનુસાર મેઘરાજાની મૂર્તિનું સર્જન અને સુશોભન ભોઈ સમાજના મહાનુભાવોના હસ્તે જ કરવામાં આવે છે, જે પૈકી કોઇપણ મૂર્તિકાર ન હોય એમ કહી શકાય કે આ ભગવાન (દેવ)ની એકમાત્ર એવી મૂર્તિ કહેવાય જે મૂર્તિકાર દ્વારા નહીં પણ ભક્તોના હસ્તે બનાવાય છે. તેમ છતાંય આ મૂર્તિનો આકાર અને ચહેરો દરવર્ષે એક જ સરખો હોય છે જે મેઘરાજાની અસીમ કૃપાનો સંકેત છે. મેઘરાજાની અસીમ કૃપાનો અન્ય એક સંકેત એ પણ છે કે નાના બાળકોને મેઘરાજાની પ્રતિમા સાથે ભેટાવવામાં આવે છે. આ અંગે એવી માન્યતા છે કે આમ કરવાથી બાળકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. આ સાથે લાલ સુતરનો તાંતણો પણ ભક્તોને આપવામાં આવે છે હાથે કે ગાળામાં બાંધી મેઘરાજાની કૃપા મેળવાય છે. આ ઉપરાંત એમ પણ અનુભવાયું છે કે જયારે મેઘરાજાની યાત્રા (શ્રાવણ વદ દસમે) નીકળે છે ત્યારે અચૂક વરસાદ પડે છે.
ભરૂચ નગરના પોતીકા ઉત્સવમાં આ મેળાનો સમાવેશ થાય છે
સંસ્કૃતિપ્રધાન ભારતમાં ‘બાર ગાંવે બોલી બદલવા’ની વાત આપણે સૌ જાણીએ છીએ. પણ શહેરે શહેરે કે જિલ્લે જિલ્લે તહેવાર કે ઉત્સવ પણ નોંખા કે પોતીકા હોય છે અને તેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ નગરમાં મેઘમેળાનો ઉત્સવ ઉજવાય છે. ભરૂચમાં આ મેઘમેળાની સમાંતરે કે સાથે છડીનો તહેવાર પણ ઉજવાય છે. ઘોઘારામ મહારાજ સાથે સંકળાયેલ આ તહેવાર દમ્યાન ખરવા-માછી, ભોઈ અને દલિત સમાંજ દ્વારા છડીનું સ્થાપન અને યાત્રા કાઢવામાં આવે છે. ભરૂચમાં જ્યાં મેઘમેળો ભરાય છે ત્યાં જ છડી ઉત્સવ પણ ઉજવાય છે. આટલું જ નહીં મેઘરાજાની સ્થાપના જ્યાં કરાય છે તેની સામે જ ઘોઘારામ મહારાજનું મંદિર આવેલું છે અને ત્યાં આગળ જ છડીનો તહેવાર પણ ઉજવાય છે. આમ ભરૂચ નગરના પોતીકા ઉત્સવ તરીકે છડીનોમ અને ભીમદસમ આગવું મહત્વ અને આકર્ષણ ધરાવતા તહેવારો છે. ભરૂચના પરંપરાગત મેળા તરીકે શ્રાવણ વદ છઠ થી દસમ સુધી સોનેરી મહેલ વિસ્તારમાં મેળો ભરાય છે જેમાં તમામ ધર્મ અને સમાજના લોકો ઉમટે છે.
ભારતભરમાં ઉજવાતા નાગપંચમીના તહેવારનું પણ અહી સાયુજ્ય છે
ભરૂચમાં ભરાતા આ મેઘમેળા સાથે ભારતભરમાં ભરાતાં નાગપંચમીના તહેવારનું પણ સાયુજ્ય સમાયેલું છે. મેઘરાજાના માથે સુદ પાંચમની આગલી રાતે માથે નાગપાઘ અને હાથમાં નાગરાજાનું સ્થાપન અને વદ પાંચમ સુધી તેની સેવા-ભક્તિ બે તહેવારનું અનોખું સાયુજ્ય સ્થાપે છે.


તરુણ કાલિદાસ બૅન્કર: સિનેમા-સાહિત્ય-મીડિયા
/, ઝવેર નગર, ગુ. હા. બોર્ડ, ભરૂચ-  ગુજરાત (M) 9228208619

Post a Comment

0 Comments