'મર્ડર મુબારક' જોઈ તોય મુબારક અને ન જોઈ તોય મુબારક

 સિનેમા કે અન્ય ઓડિયો વિઝ્યુલ માધ્યમ એ આજના સમયમાં સ્ટોરી ટેલિંગનું સૌથી પ્રબળ માધ્યમ છે. અને એટલે જ હજારો વર્ષ જૂના સાહિત્ય કથાકથન કરતાં માંડ ૧૨૯ વર્ષ જૂના સિનેમા કે અન્ય ઓડિયો વિઝ્યુલ માધ્યમનો વ્યાપ અનેકગણો વધ્યો છે. આપણને જે ભાષા વાંચતા કે બોલતા પણ ન આવડતી હોય તે ભાષાની સિનેમા પણ આપણે માંણી શકીએ છીએ. અને હવે ઓડિયો વિઝ્યુલ માધ્યમ માટે નવું આયામ છે ઓટીટી પ્લેટફોર્મ. આ ઓટીટી પ્લેટફોર્મ વેબ સીરીઝ, ડોક્યુમેન્ટરી કે શોર્ટ ફિલ્મ પૂરતુ સીમિત ન રહેતા હવે સિનેમા સુધી વિસ્તર્યું છે. થીયેટરમાં રીલીઝ થયેલ ફિલ્મો જ નહીં, એવી ફિલ્મો પણ બની છે. બની રહી છે જે સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થઈ રહી છે. હાલમાં આવી જ એક ફિલ્મમર્ડર મુબારકનેટફ્લિક્સ પર રીલીઝ થઈ છે.

અનુજા ચૌહાણની નવલકથા ક્લબ યુ ટુ ડેથ પર આધારિત આ ફિલ્મના દિગ્દર્શક હોમી અદાજાનિયા અને નિર્માતા દિનેશ વિજન છે. 'મર્ડર મુબારક'ની વાર્તા માત્ર ઉચ્ચ વર્ગના લોકો માટેની 'ધ રોયલ દિલ્હી ક્લબ'માં આકાર લે છે. ક્લબમાં દિવાળીની પાર્ટી ચાલી રહી છે તે દરમિયાન જીમમાં કસરત કરતી વખતે લીઓ મેથ્યુ મૃત્યુ પામે છે..! કે ખૂન થયું છે..? પછી આખી ફિલ્મ આ મૃત્યુ કે ખૂનનું રહસ્ય છતું કરવામાં ખર્ચાઈ જાય છે. વેડફાઈ જાય છે. ક્લબનો કર્તાહર્તા બનાવને અકસ્માત ગણી-ગણાવી મામલા પર પડદો પાડવા મથે છે. સતત શરદીગ્રસ્ત રહેતો ક્લબનો આ કર્તાહર્તા (દેવેન ભોજાણી) હાથ કે રૂમાલથી નાક લૂછી સામેવાળા સાથે હાથ મિલાવી કે રૂમાલ આપી સ્થૂળ કોમેડી કરવા પણ મથે છે.

'મર્ડર મુબારક'ની આ મૂળ વાર્તાની આસપાસ વણાયેલાં પાત્રોની આસપાસ પણ એક વાત કે વાર્તા વણાયેલી છે. અને પરિણામે મૂળ પ્લોટની આજુબાજુ એટલાં બધાં સબ-પ્લોટ રચાય છે કે મૂળ વાર્તા જ ખોવાય કે દબાઈ જાય છે. પરિણામે વાર્તા જ ફિલ્મનું સબળ પાસુ બની શકી નથી. અને એક મૃત્યુ કે ખૂન પાછળ રચાતો ઘટનાક્રમ એટલો લંબાઈ છે કે તેમાં દર્શક પણ ગુંચવાઈ જતો લાગે છે. ક્લબનો કર્તા-હર્તા અને અન્ય સભ્યો, કે જે પોતાને અન્ય કરતાં મોટા સાબિત કરવા મથે છે, તે બધાં પણ મનોમન કોઈ રમત રમતા હોય તેવા સૂચક ઈશારાઓ વચ્ચે એસીપી ભવાની સિંહ (પંકજ ત્રિપાઠી)નું મન કહે છે કે લીઓનું મૃત્યુ અકસ્માત નથી. સુનિયોજિત ખૂન છે.  આમ પોલીસ તપાસ સાથે ક્લબના હાઈ પ્રોફાઈલ લોકોના જીવનની વાસ્તવિકતા ક્રમશઃ ઉઘડતી જાય અને અંતે..? ફિલ્મ જોશો તો ખબર પડશે.

https://youtu.be/gpdiaeHyrmI?si=XW14VVgWwgOkclZh

to watch video click above link

પાત્રોની ભરમાર વચ્ચે એસીપી ભવાની સિંહના પાત્રમાં પંકજ ત્રિપાઠી એક હદે દર્શકો પર પ્રભાવ ઉભો કરી શક્યા છે. આ ઉપરાંત બંબી તોડી (સારા અલિ ખાન), આકાશ ડોગરા (વિજય વર્મા), ગંગા (તારા અલિશા બેરી) અને ગપ્પીરામ (બ્રિજેંદ્ર કાલા) અભિનેતા તરીકે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યાં છે. આમ તો ફિલ્મમાં ડિંપલ કાપડીઆ, કરિશ્મા કપૂર, સંજય કપૂર, તિસ્કા ચોપરા, પ્રિયાંક તિવારી, દેવેન ભોજાણી સહિત અનેક કળાકારો છે, પણ ઘટનાઓની ઘટમાળ અને કથાનકના કમઠાણ વચ્ચે તેમની પાસે કરવા જેવું વિશેષ કંઈ રહેતું જ નથી..! લગભગ મોટાભાગના કળાકારો માત્ર હાજરી નોંધવા પૂરતાં જ રહી ગયાં હોય તેમ ભાસે છે..! ટૂંકમાં કહીયે તો 'મર્ડર મુબારક'માં અનેક કળાકારોનું ટેલેન્ટ વેડફાયું હોય તેમ લાગે છે.

'મર્ડર મુબારક' અનુજા ચૌહાણની નવલકથા ક્લબ યુ ટુ ડેથ પર આધારિત હોય એકવાત તો પ્રમાણિત છે કે ફિલ્મનું કથાનક વાચકો માટે તો જાણીતું છે જ, અને લોકપ્રિય પણ. કારણ દિગ્દર્શક એ જ કૃતિ ફિલ્મ માટે પસંદ કરે છે જે લોકપ્રિય હોય. દેવદાસ ઉપરથી અનેક ભાષાઓમાં બનેલ અનેક ફિલ્મો તેનું પ્રમાણ છે. પણ આ સાથે એકવાત એ પણ પ્રમાણિત છે કે કૃતિ (ટેક્ષ્ટ)ના કથાકથન અને સિનેમા (ઓડિયો વિઝ્યુલ)ના કથાકથનમાં બહુ મોટું અંતર છે. જે વાત વાંચીને જાણવાની હોય તે જ વાત જોઈ અને સાંભળીને માંણવાની હોય ત્યારે બન્નેના કથાકથનમાં બહુ મોટું અંતર સર્જાય છે, જે અહીં સર્જાતું નથી..! દિગ્દર્શક ટેક્ષ્ટ ને ઓડિયો વિઝ્યુલમાં રૂપાંતરીત કરવામાં થાપ ખાઈ ગયા હોય તેમ લાગે છે. પરિણામે ફિલ્મ 'મર્ડર મુબારક' તો મર્ડર મિસ્ટ્રી બની શકી છે, તો થ્રિલ્રર. બસ પોતે પણ અટવાય છે અને દર્શકોને પણ અટવે છે.



'મર્ડર મુબારક'ને ફિલ્મીવેડાનું પણ ગ્રહણ લાગ્યું છે. જે રીતે ઓટીટી પ્લેટફોર્મ સર્જકો માટે વરદાન બન્યું છે તે જ રીતે તે ધડલ્લે સેક્સ પીરસવાનું માધ્યમ પણ બન્યું છે. 'મર્ડર મુબારક' પણ આનાથી દૂર રહી શક્યું નથી. જેમ ડોકટર સવાર, બપોર અને સાંજે લેવાની દવા આપે, તેમ અહીં પણ આરંભ, મધ્ય અને અંતમાં સેક્સનો એક-એક ડોઝ આપવામાં આવ્યો છે. દ્રશ્યો કથામાગ કરતા ચેનલમાગ વધુ બન્યા હોય તેમ લાગે છે. ઓરલ સેક્સની વામણી જુગુપ્સાથી શરૂ થતો ડોઝ ખુલ્લી બારીમાંથી દેખાતા કામકલાપ સુધી વિસ્તર્યો છે. પણ તે શૃંગારરસ જન્માવવાને બદલે બિભત્સરસ પીરસતો હોય તેવો લાગે છે.

અને અંતે

પંકજ ત્રિપાઠીના ચાહક છો. કે સારા અલિ ખાન અને વિજય વર્માના અંતરંગ દ્ર્શ્યો અને થોડોક અભિનય જોવાની ઇચ્છા છે, તો 'મર્ડર મુબારક' જોજો. બે કલાક વીસ મિનિટ લાંબી ફિલ્મ છેલ્લી વિસેક મિનિટમાં રોમાંચ જરૂર ઉભો કરી શકી છે. પણ પહેલાંના બે કલાક..? ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર છે એટલે સબસ્ક્રિપ્શન અને ફાજલ સમય હોય તો જોવામાં કોઈ વાંધો નથી. બાકી, 'મર્ડર મુબારક'  જોઈ તોય મુબારક અને ના જોઈ તોય મુબારક.

(M) 9228208619  email: tarunkbanker@gmail.com

Clip: https://www.loksattanews.co.in/view-clip/188790

Post a Comment

0 Comments