મોબાઈલ થીયેટર; ગુજરાતી દર્શકોનો દુકાળ દૂર કરી શકશે

     લેહ લદ્દાખના વિશ્વના સૌથી ઊંચા મૂવી થીયેટરમાં શાહરૂખની ફિલ્મપઠાણરીલીઝ કરવામાં આવી. આ થીયેટર મોબાઈલ અને ઇન્ફ્લેટેબલ સિનેમા કંપની Picturetimeનું છે. આજે આ વાતનો વિષય પણ એ જ છે. શાહરૂખની ફિલ્મપઠાણમાત્ર વિષયની માંડણી પૂરતી જ છે. બાકી મૂળ વાત તો મોબાઈલ થીયેટર છે. પિકચર ટાઈમ આવા થીયેટર પૈકીનું એક છે. એક સમયે ટ્રાવેલિંગ ટોકિઝ કાર્યરત હતાં જ, આજના મોબાઈલ અને ઇન્ફ્લેટેબલ થીયેટર તેનું આધુનિક વર્ઝન છે. પણ જરૂરી નથી કે આવું મોબાઈલ થીયેટર હવાના બલૂન કે ફુગ્ગામાં કે ડોમમાં જ બનાવી શકાય. અન્ય આયામો પર પણ કામ થયું છે. જો રાજ્ય સરકાર નિયત પોલિસી બનાવે તો અન્ય ઘણાંય આયામો પણ કાર્યરત થઈ શકે.

આપણે આનાથી આગળ વધીને વાત કરીએ તો આપણે આવા થીયેટરનો ઉપયોગ આપણી ગુજરાતી ફિલ્મો પ્રદર્શિત કરવા શા માટે ન કરી શકીયે..? ચારેક વર્ષ પહેલાં ગુજરાતના હિંમતનગર અને તેની આસપાસ આવા મોબાઈલ થીયેટર થકી ગુજરાતી ફિલ્મ (સાથે હિંદી પણ) દર્શાવવામાં આવી હતી. પણ આ પ્રકારના થીયેટરો અંગે કોઈ નિયત સરકારી પોલિસી ન હોય આ આયોજન વધુ આગળ ન વધારી શકાયું. આ પ્રકારના આયોજન સામે ઈલેકટ્રિક કનેકશન બહુ મોટો પડકાર બન્યું..! વીજળી પૂરી પાડતી ખાનગી કંપનીઓએ તો કનેકશન માટે ૯૦ હજાર રૂપિયા ડિપોઝિટની વાત કરી..! ગુજરાત સરકારની વીજ કંપનીમાં પણ હજારોની ડિપોઝિટ અને વ્યવસાયી વીજદર અને દરેક સ્થાને પુનઃ હજારોની ડિપોઝિટ..! થીયેટર સંચાલક વીજ બિલ અને હજારોની ડિપોઝિટમાં પૂરો થઈ જાય..! કે પૂરાં થઈ ગયાં..!

મારા મતે પ્રાદેશિક સિનેમાને પ્રોત્સાહનની વાત કરનાર કે નીતિ ઘડનાર રાજ્ય સરકારે આવા આયોજનનોને આર્થિક નહીં પણ નીતિ લે પોલિસીગત સહાય કરવાની જરૂર છે. આવા મોબાઈલ થીયેટરોમાં વેચાતી ટિકિટ પર GST વસુલવાના નીતિ-નિયમો હોય તો તેને ચલાવવાના નીતિ-નિયમો છે ખરાં..? વળી આ થીયેટરો ઓછા દરે અને ઘર કે ગામની નજીક આવી ફિલ્મો બતાવતાં હોય ત્યારે છેવાડાના માનવી સુધી પહોંચવાની સરકારની મનસા આ આયોજન પરું કરવા સક્ષમ બની શકે.

આજે મોટા ભાગની ગુજરાતી ફિલ્મો મહાનગર કે નગરો આધારીત બની રહી છે. રૂરલ ગુજરાત કે નાના શહેરોમાં રહેતાં દર્શકોએ ફિલ્મ જોવી હોય તો નગર કે મહાનગરમાં જ આવવું પડે..! શું કામ..? કેમ..? કોના કારણે..? તેનો કોઈ જવાબ નથી મળતો..! કહેવાય છે કે પ્રત્યેક દર્શકે સિનેમાઘરમાં ફિલ્મ જોવી હોય તો સરેરાશ પંદરેક કિ.મી. અંતર કાપવું પડે છે. આ અંતર કાપી સિનેમાઘર (મલ્ટિપ્લેક્સ) પર પહોંચીયે અને જો નિયત ટિકિટો વેચાઈ ન હોય તો શો કેંસલ થાય, એટલે ધરમધક્કો ખાઈને ઘેર પાછા જવાનું. પણ જો નાના (સો-દોઢસો) બેઠકવાળા મીની થીયેટર (મોબાઈલ મલ્ટિપ્લેક્સ) રૂરલ ગુજરાત કે નાના શહેરોમાં કાર્યરત થાય તો..?

માત્ર એક મિનિટની ફિલ્મ

Holyday: Click link to watch movie



વળી આવા મીની થીયેટર (મોબાઈલ મલ્ટિપ્લેક્સ)માં ટિકિટનો દર પણ ઓછો હોય. વધુમાં વધુ પચાસ (૫૦) રૂપિયા. પોપકોર્ન, સમોસા કે કોલ્ડ્રિંક્સ પણ બજાર ભાવે જ મળે. મલ્ટિપ્લેક્સ ની માફક લૂટ ચલાવતા ભાવે નહીં. અને આ મીની થીયેટર (મોબાઈલ મલ્ટિપ્લેક્સ) આપણા ઘરની નજીક હોય. પછી જોઈયે શું..? દર્શકોનો દુકાળ ભોગવી રહેલ પ્રાદેશિક ફિલ્મોનો આ દુકાળ શક્યતઃ સમાપ્ત થઈ શકે. અને તેનાથી પણ વધુ ફિલ્મ બનાવનાર નિર્માતા બિચારો કે બાપડો ન બને. આજે આખા દેશના મલ્ટિપ્લેક્સ પાંચ-દશ મોટા માથાઓની માલિકીના છે. વળી ડિસ્ટ્રિબ્યુટરો પણ નિર્માતાના પૈસે જ ફિલ્મ રીલીઝ કરે છે. પોતાના માથે એક પણ પૈસાનું રોકાણ કે જવાબદારી નહીં. ઉલટાનું ફિલ્મ જેટલાં સિનેમાઘર (મલ્ટિપ્લેક્સ)માં અને પ્રતિ દિન જેટલાં શો નક્કી કર્યાં હોય તેનો સ્ક્રિનિંગ ચાર્જ એડવાન્સમાં ચૂકવવાનો. જો ટિકિટો ન વેચાય તો નિર્માતાએ તેનો જુગાડ કરવાનો..! નહીં તો ફિલ્મ ઉતારી નંખાય..!

આ બધી કામગીરી પછીય ફિલ્મે જે આવક કરી તે બધે વહેંચાયા પછી વધે તો નિર્માતાના હાથમાં આવે..! ન પણ આવે..? કદાચ આવક સામે જાવક (ખર્ચ) વધુ થયો હોય તો કદાચ સામા પૈસા પણ ચૂકવવા પડે..! પડતા હશે..! પડ્યા હશે..!

પણ બે-પાંચ કરોડના ખર્ચે ફિલ્મ બનાવનાર નિર્માતા કે નિર્માતાઓ સંયુક્તપણે કે એકલાં આવાં પાંચ-દશ મીની થીયેટર (મોબાઈલ મલ્ટિપ્લેક્સ) ઉભા કરી દે તો..? વીસેક લાખથી ચાલીસેક લાખ સુધીના રોકાણમાં આવું એક મીની થીયેટર (મોબાઈલ મલ્ટિપ્લેક્સ) ઉભું કરી શકાય. અને તેમાં જે વકરો થાય તે નિભાવ ખર્ચ કાઢ્યા પછી બાકીનો નિર્માતાને મળે. બીજું આવાં મીની થીયેટર (મોબાઈલ મલ્ટિપ્લેક્સ) ગણતરીના કલાકમાં એક જગ્યાએથી બીજી જ્ગ્યાએ શિફ્ટ પણ કરી શકાય. તેના માટે જોઈએ ત્રણ-ચાર સ્કેવર ફૂટ ખુલ્લી જગ્યા અને એક વીજ કનેકશન. જ્ગ્યાતો રૂરલ વિસ્તાર કે નાના શહેરોમાં આસાનીથી મળી રહે. પ્રશ્ન છે વીજ કનેકશનનો. સરકાર આ મુદ્દે પોલિસી બનાવી ફિલ્મ સર્જકોને પોત્સાહિત કરી શકે.

ટ્રાવેલોગ ઃ પાવાગઢ પરિક્રમા

Sacred Travelogue: Click link to watch



મીની થીયેટર (મોબાઈલ મલ્ટિપ્લેક્સ)ને તુરંત કનેકશન મળવું જોઈયે. પોત્સાહનના ભાગ રૂપે સબસિડાઈઝ ભાવે કે રેસિડેંસિયલ ભાવે. શરૂઆતમાં કોમર્શયલ ભાવે તો નહીં જ. વળી દર વખતે હંગામી કનેકશન માટે ભરવી પડતી ડિપોઝિટ અને ત્યાંથી સ્થાળાંતરીત થઈયે એટલે તે પરત લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે તેના માટે પોલિસી બનાવવી જ જોઇએ. જેથી મીની થીયેટર (મોબાઈલ મલ્ટિપ્લેક્સ) ચલાવનાર સરળતાથી મોબાઈલ મલ્ટિપ્લેક્સ ચલાવી શકે.

આપણે સૌ જાણીએ છીએ કે સિનેમાના આરંભથી જે તેને પ્રદર્શિત કરવાના અનેક આયમો અમલી હતાં તે પૈકી ટૂરિંગ ટોકિઝ પણ એક વિકલ્પ હતો. તો શું આજના સમયમાં મીની થીયેટર (મોબાઈલ મલ્ટિપ્લેક્સ)ને પ્રભાવશાળી વિકલ્પ ન બનાવી શકાય..? બની જ શકે. બનાવી જ શકાય. જરૂર છે ગુજરાતી ફિલ્મોને પોત્સાહન આપવાની નીતિમાં નવો આપામ જોડવાની. કંઈક નવું કરવા ઈચ્છતા લોકોને સહાયરૂપ થવાની. બીબાઢાળ પ્રોત્સાહન નીતિના સ્થાને કે સાથે નીતિમાં ફેરફાર કરવાની. બાકી માત્ર સબસીડી આપવાથી ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન મળે છે તેવી નીતિનુ પુનર્મૂલ્યાંકન કરવું જ રહ્યું. તેમાં નવા આયામો કે વિચારોનો સમાવેશ કરવો જ રહ્યો. કારણ ગુજરાતી સિનેમાને પ્રોત્સાહિત કરવા સબસીડી કરતાં દર્શકોની વધુ જરૂર છે. દર્શકોને પોષાય તેવાં દરે સિનેમા બતાવવાની જરૂર છે. જો દર્શકો સિનેમા સુધી ન આવતાં હોય કે લાવી શકાતા હોય તો સિનેમાને દર્શકો સુધી લઈ જવું જોઈએ.

ગુજરાતમાં અનેક એવાં સર્જકો છે જે આવાં મીની થીયેટર (મોબાઈલ મલ્ટિપ્લેક્સ) તૈયાર કરવાના યુનિક વિચારને સાકાર કરવાનું આયોજન કરી ચૂક્યા છે. આયોજન કરી રહ્યાં છે. બસ જરૂર છે ગુજરાત સરકાર દ્વારા આ અંગે નિયત પોલિસીની (નાણાંની નહીં). પ્રોત્સાહક નીતિ અને નિયતની. મેક ઈન ગુજરાતના વિચારને ચરિતાર્થ કરવાની.

#mobiletheatre #picturetime #inflatable #movingmultiplex #DrTarunBanker

આ વિષય અંગેની વિશેષ માહિતી, ચર્ચા કે વિમર્શ માટે -ડૉ. તરુણ બેંકર (M) 92282 08619

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.

 

Post a Comment

0 Comments