ફિલ્મમાં દમ હોય તો ઓસ્કરમાં પણ નોમિનેટ થાય

      ગુજરાતી ફિલ્મકાર પેન નલિનની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ઓસ્કર એવોર્ડ માટે ભારતની ઓફિશ્યલ એન્ટ્રી જાહેર થઈ છે. આ સ્પર્ધામાં રાજામૌલીની 'આરઆરઆર' અને અતુલ અગ્નિહાત્રીની 'કાશ્મીર ફાઈલ્સ' પણ હતી. આ બન્ને ફિલ્મોને પાછળ છોડીને ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એકેડેમી એવોર્ડ માટે જાહેર કરાયેલ ઓફિશ્યલ એન્ટ્રી તરીકે ‘છેલ્લો શો’ ઘોષીત કરી છે. ત્યારે સત્ય એ છે કે ફિલ્મમાં દમ હોય તો નેશનલ એવોર્ડ તો શું ઓસ્કરમાં પણ નોમિમેશન મળે. ગુજરાતી ફિલ્મ ‘હેલારો’ શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવી ચૂકી છે.

પેન નલિન, ઉર્ફે નલિન પંડ્યાની આ ફિલ્મ ‘છેલ્લો શો’ એપ્રિલ-મે ૨૦૨૧માં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ ચૂકી છે. દુનિયાભરમાં ઘણાં સિંગલ સ્ક્રિન થિયેટર અને સેલ્યુલોઈડ (રીલ)થી ફિલ્મનું પ્રોજેકશન બંધ થઈ રહ્યું છે, ત્યારે સેલ્યુલોઈડ સિનેમાના છેલ્લા શોના વિષયવસ્તુવાળી આ ફિલ્મનો પ્રીમિયર સ્પૉટલાઇટ સેક્શનમાં કરવામાં આવ્યો હતો. રૉબર્ટ દ નીરોના આ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલીવાર કોઈ ઇન્ડિયન અને એ પણ ગુજરાતી ફિલ્મે આ સેક્શનની શરૂઆત કરી હતી. અને હવે ઓસ્કર ૨૦૨૩માં ભારતની ઓફિશ્યલ એન્ટ્રી. ભારતભરના અને ગુજરાતી ફિલ્મ જગત માટે ખુશીના સમાચાર છે. કારણ પેન નલિન, ઉર્ફે નલિન પંડ્યા ગુજરાતી છે, ફિલ્મમેકર તરીકે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર નોંધનીય યોગદાના આપી ચૂક્યા છે. આ ફિલ્મ ૧૪ ઓક્ટોબરે ૨૦૨૨એ ભારતમાં રીલીઝ થશે. આ ફિલ્મ ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ ઉપરાંત સ્પેનમાં વલ્લાડોલીડ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ગોલ્ડન સ્પાઈક સન્માન મેળવી ચૂકી છે. વિકિપીડિયા અનુસાર ફિલ્મનો પ્લોટ કંઈક આવો છેઃ “A nine-years-old Samay from Chalala, a village in Saurashtra in Gujarat state of India entered a cinema hall projection booth by bribing Fazal, a cinema projector technician, and watched several films through summer. He became engrossed with cinema for life.”

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાલા ગામના પેન નલિન ઉર્ફે નલિન પંડ્યાવડોદરાની ફાઇન આર્ટસ કોલેજ અને અમદાવાદની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનમાં અભ્યાસ કર્યો છે.  આ ફિલ્મ તેમના પોતાનાં બાળપણના અનુભવો પર આધારિત છે. નવ વર્ષનો સમય નામનો બાળક થિયેટરમાં પ્રોજેક્ટ ચલાવતા ટેકનિશિયન સાથે સંબંધ કેળવે છે અને અહીંથી તેની સિનેમા પ્રેમની યાત્રા શરુ થાય છે. સૌરાષ્ટ્રનાં એક નાનકડા ગામ ચલાલાનું બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રિચા મીના, દિપેન રાવલ તથા પરેશ મહેતાઅભિનય કર્યો છે.

આ પહેલાં ૧૯૮૮માં આવેલ ઈટાલિયન ફિલ્મ ‘સિનેમા પેરાડિઝો’ (Cinema Paradiso) આવું વિષયવસ્તુ ધરાવતી ફિલ્મ હતી. પરિણામે સોશિયલ મીડિયા પર ચર્ચા પણ શરૂ થઈ છે, કે પેન નલિનની ફિલ્મ ‘છેલ્લો શો ઇટાલિયન ફિલ્મ સિનેમા પેરાડિઝો ઉપરથી પ્રેરણા લઈ બનાવાય છે. આપણે આગળ લખ્યું તેમ ૧૯૮૮માં રજૂ  થયેલ ‘સિનેમા પેરાડિઝો’ને વર્લ્ડ સિનેમાની ક્લાસિક ફિલ્મ ગણવામાં આવે છે. એમ્પાયર મેગેઝીને તેને વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં સામેલ કરી છે. ‘છેલ્લો શો’ અને ‘સિનેમા પેરાડિઝો’; બંને ફિલ્મોના પ્લોટ લગભગ સરખા છે. સિનેમા પેરાડિઝો’માં પણ એવા બાળકની વાર્તા છે જે સમાજના નબળા વર્ગમાંથી આવે છે, અને જે અજાણતા સિનેમા તરફ ઢળે છે, અને અંતે તે જુસ્સામાં ફેરવાય છે. બાળક મોટો થઈને મોટો ફિલ્મ નિર્માતા બને છે. જર્નાલિસ્ટ નવનીત મુંધરાએ ટ્વીટર પર આ બન્ને ફિલ્મોને સમાંતરે મુલવતો વિડીયો પણ મુક્યો છે અને લખ્યું છેઃ

“VIDEO: I've combined trailers of Italian masterpiece CINEMA PARADISO (1988) & CHHELLO SHOW in one video. Pls. watch complete video. Plot of both movies is totally same. A small-town boy befriends a projectionist at cinema hall and falls in love with the magic of cinema. #Oscars

‘છેલ્લો શો’ અને ‘સિનેમા પેરાડિઝો’ની સરખામણી થાય તો પણ આનંદની વાત છે. કારણ સિનેમા માટેની લાગણી ગુજરાતમાં હોય, ભારતમાં હોય કે ઈટાલિમાં હોય. બધે સરખી જ હોય. રહી વાત વિષયવસ્તુની તો પચાસ-સો વિષયો એક યા બીજા સ્વરૂપે આપણી સમક્ષ આવ્યાં છે અને આવતા રહેશે. આ વિષયોમાંથી એક કે બેનું ત્રીજામાં રૂપાંતર કે ચારનું એક્માં મેળવણ થયું છે અને થતું રહેશે. એટલે વિષય એ નથી કે ‘છેલ્લો શો’ અને ‘સિનેમા પેરાડિઝો’ની વિષયવસ્તુ એક જ છે. વિષય એ છે કે ‘છેલ્લો શો’નું સર્જન કેવું છે. ટ્રેલર જોતાં તો અદ્દ્ભુત લાગે છે. ફિલ્મ સિનેમેટિક ભાસે છે. કથાકથન પણ સરસ રીતે કરાયું છે. અને પટકથા પણ સ-રસ રીતે, રસ જગાડે તેવી હશે જ. અભિનય પણ સહજ લાગે છે. ચાંપલો કે ડ્રામેટિક નહીં. અને સૌથી મોટી વાત, ફિલ્મ ઓસ્કર એવોર્ડ માટે ભારતની ઓફિશ્યલ એન્ટ્રી છે. એટલે ના વાદ ના વિવાદ, બસ ફિલ્મ રજૂ થવાની રાહ.

અંતેઃ અહીં મૂળ વાત એ છે કે ‘છેલ્લો શો’એ ગુજરાતી સિનેમા જગતમાં પુનઃ આશા જગાવી છે. નેશનલ એવોર્ડ ન મળતાં ઉભો થયેલ ઉહાપોહ કે બળાપો મોળો પડશે. અને છેલ્લે ફિલ્મમાં દમ હોય તો ઓસ્કરમાં પણ નોમિનેટ થાય અને કદાચ જીતી પણ શકે.

-ડૉ. તરુણ બેંકર (M) 92282 08619

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.

Post a Comment

0 Comments