પેન નલિન જેવા વૈશ્વિક ફિલ્મમેકરનો લાભ ગુજરાતી ફિલ્મજગત ન લઈ શકે..?

     પેન નલિન, ગુજરાતનો ફિલ્મકાર જેણે વિશ્વ સિનેમામાં પોતાનો ડંકો વગાડ્યો. દોઢેક વર્ષ પહેલાં દૈનિક અખબાર મિડ-ડેમાં તેમનો એક્ઝસ્લુઝિવ ઈન્ટરવ્યૂ છપાયો ત્યારે ઘણાં ગુજરાતીઓનું ધ્યાન તેમના તરફ ગયું. તેમનું નિવેદન ‘બૉલીવુડના ચમચા બનવાનું પસંદ નહોતું’એ ફિલ્મકાર તરીકેની તેમની ખુમારીને રજૂ કરી. તેમની ત્રીજી ફિલ્મ ‘છેલ્લો શો’ (Last Film Show) ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ થવાની હતી ત્યારે તેમણે આ ઈન્ટરવ્યૂ આપ્યો હતો. દુનિયાભરમાં ઘણી જગ્યાએ થિયેટર્સ બંધ થઈ રહ્યાં છે ત્યારે સેલ્યુલોઈડ સિનેમાના છેલ્લા શોના વિષયવસ્તુવાળી આ ફિલ્મનો પ્રીમિયર સ્પૉટલાઇટ સેક્શનમાં આ કરવામાં આવ્યો હતો. રૉબર્ટ દ નીરોના આ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલીવાર કોઈ ઇન્ડિયન અને એ પણ ગુજરાતી ફિલ્મે આ સેક્શનની શરૂઆત કરી હતી.

થોડાક દિવસોથી પેન નલિન ગુજરાતમાં છે. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨એ તેમની ફિલ્મ ‘છેલ્લો શો’ (Last Film Show)નો શો અમદાવાદના સી જી રોડ પર આવેલ ટાઈમ સિનેમા ખાતે કરાયો. આ શોમાં ફિલ્મ સર્જકો, મિત્રો અને ફિલ્મપ્રેમીઓ હાજર હતાં. દીપકભાઈ અંતાણીએ ફેસબુક વોલ પર લખ્યું છેઃ Today witnessed special show of film "Chello Show" by International prestigious awards winner Director Pan Nalin.... It's excellent film, made with all hard work and minute details. Locations, antique properties, sound, natural performance by all first timers is excellent. The film has all ready many prestigious international awards and recognitions at it's credit and looking forward for Oscars participation. All the best Pan Nalin sir and thanks for giving an Archival value film.  Also thank you for very informative and brain storming meeting with him and film fraternities.

મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાલા ગામના પેન નલિન ઉર્ફે નલિન પંડ્યા વડોદરાની ફાઇન આર્ટસ કોલેજમાં પણ ભણ્યા છે. મિડ-ડેના ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતુઃ

અભ્યાસ પૂરો કર્યા બાદ મેં મુંબઈ આવવાનું વિચાર્યું હતું. અહીં મને મારી જિંદગીનો સૌથી મોટો શૉક લાગ્યો હતો. મેં ફિલ્મ ક્લબમાં જે સપનાં જોયાં હતાં એના કરતાં એકદમ અલગ દુનિયા હતી. સારી સિનેમૅટોગ્રાફી, સારું એડિટિંગ, સારું ડિરેક્શન એવું કંઈ જ નહીં. અહીં આવીને સૌથી પહેલાં એ જાણવા મળ્યું કે કોઈનો ચમચો બનવું પડશે. ચાર-પાંચ વર્ષ અસિસ્ટન્ટ બન્યા બાદ બ્રેક મળશે. બૉલીવુડમાં કોઈ કનેક્શન ન હોવાથી મને ચાર-પાંચ દિવસમાં જ ખબર પડી ગઈ હતી કે અહીં કોઈ ચાન્સ નથી. હું શાષ્ટાંગ દંડવત્ કરીને કોઈનો ચમચો બનું તો જ કામ આગળ વધે એવું હતું. એ સમયે બૉલીવુડમાં આ જ રસ્તો હતો કે ચમચો બનવું અને લોકો યસ સર, યસ સરકરીને જ આગળ વધતા હતા. મારા મદાવાદના ફ્રેન્ડે મને ફિલ્મમેકિંગ માટે એક નવો એરિયા દેખાડ્યો હતો અને એ હતો ઍડ ફિલ્મમેકિંગ. ઍડ માટે પૈસા લગાડ્યા હોવાથી તેઓ ટૅલન્ટને વધુ મહત્ત્વ આપતા હતા એથી મેં ઍડ ફિલ્મ અને કૉર્પોરેટ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. મેં ભારત પેટ્રોલિયમ માટે ફિલ્મ બનાવી હતી જે એક ઍડ-કમ-ડૉક્યુમેન્ટરી હતી. એ સાથે હું મારી ડૉક્યુમેન્ટરી ફિલ્મ માટે સ્ક્રિપ્ટ પણ લખતો હતો. ડૉક્યુમેન્ટરી બનાવવાના બે ફાયદા હતા. ફરવાનો મોકો મળે અને ફિલ્મ પણ બનાવવા મળે અને ઉપરથી એના પૈસા મળે. મારી પહેલી ડૉક્યુમેન્ટરીનો આઇડિયા લેહ અને લદાખમાં હતો. એ માટે મારી ટીમ બહારથી આવી હતી. આ ડૉક્યુમેન્ટરી ધ તુળકુસરિલીઝ થયા બાદ મને ઘણી ઇન્ક્વાયરી આવી હતી. ડિસ્કવરી અને નૅશનલ જ્યૉગ્રાફીએ પણ મારો સંપર્ક કર્યો હતો. મને નાગાલૅન્ડમાં નાગા ટ્રાઇબલ કમ્યુનિટી પર એક કલાકની ડૉક્યુમેન્ટરી બનાવવાનું કહ્યું હતું. મેં એ બનાવી. એને માટે મને અઢળક પૈસા મળ્યા હતા. મારા મુંબઈના લોકોને કહેતો કે આટલા પૈસા મળ્યા તો લોકો મને એમ કહેતા કે હું ડંફાસ મારું છું. મુંબઈના લોકો ડૉક્યુમન્ટરી-મેકરને ફિલ્મમેકર પણ નહોતા સમજતા. ડિસ્કવરી માટેની ધ નાગાસદ્વારા મારા માટે ઘણા દરવાજા ખૂલી ગયા હતા. મેં શાહરુખ ખાન પર પણ ૨૦ મિનિટની ડૉક્યુમેન્ટરી બનાવી હતી. એક ઇન્ટરનૅશનલ પ્રોડક્શન-હાઉસ બૉલીવુડનાં ૧૦૦ વર્ષ પર ફિલ્મ બનાવી રહ્યું હતું અને એ માટે મેં શાહરુખ અને શ્રીદેવી પર પણ નાની ડૉક્યુમેન્ટરી બનાવી હતી.

પેન નલિનની પહેલી ફિલ્મ ‘સમસારા’. લદાખની પૃષ્ઠભૂમિ પર બનેલા આ ફિલ્મ ટૉરોન્ટોમાં રજૂ કરાઈ હતી, કહેવાય છે કે આ ફિલ્મે ૧૦૦ કરોડ રૂપિયાનું બોક્ષ ઓફિસ કલેકશન કર્યું હતું. તેમની બીજી ફિલ્મ ‘એન્ગ્રી ઈન્ડિયન ગોડેસ”. ભારતમાં ગોવાની પૃષ્ઠભૂમિ પર બેનેલ આ મહિલા પ્રધાન ફિલ્મ મા કાળીના માધ્યમથી મહિલાઓના આક્રોશને વ્યક્ત કરે છે. છએક વર્ષની દીકરીથી એંસીએક વર્ષની વૃદ્ધા સુધીના સ્ત્રીપાત્રો. શરૂઆતમાં મોડર્ન યુવતીઓની ભાસતી આ ફિલ્મ અંત તરફ જાય ત્યારે આવતો ટર્નિંગ પોઈન્ટ ફિલ્મને વધુ પ્રભાવક બનાવે છે. દૂરિતોનો સંહાર કરનાર મા કાળી અહીં અવ્યક્તપણે વ્યક્ત થાય છે. પેન નલિન હાલ ગુજરાતમાં છે અને શક્યતઃ મુંબઈમાં કાર્યરત છે. ત્યારે ગુજરાતી ફિલ્મ જગત, તેના સંવર્ધકો, સંસ્થાઓ, ક્લબો આવા સર્જકને બોલાવી ઉભરતા ફિલ્મમેકરો, યુવા સર્જકો અને ફિલ્મલવર્સ સાથે સંવાદ, વર્કશોપ, સેમિનાર કે એવાં કોઈ કાર્યક્રમનું આયોજન ન કરી શકે જેનાથી ગુજરાતી ફિલ્મજગતને બે વસ્તુ જાણવા મળે. તેમના વૈશ્વિક અનુભવમાંથી કંઈક શીખવા મળે. બિન-ગુજરાતી કળાકારોને ગુજરાતની છાતી પર બેસાડવાથી કે નચાવવાથી ગુજરાતી સિનામા જગતને પ્રોત્સાહન નહીં જ મળે. કહેવાતા સુવર્ણ યુગનો ચળકાટ નહીં જ વધે.

અંતેઃ શું પેન નલિન જેવા વૈશ્વિક ફિલ્મમેકરનો લાભ ગુજરાતી ફિલ્મજગત ન લઈ શકે..?

-ડૉ. તરુણ બેંકર (M) 92282 08619

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.

Post a Comment

0 Comments