રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોઃ બે વર્ષથી ગુજરાતી ફિલ્મને એવોર્ડ નહીં; અત્યાર સુધીમાં કેટલાં મળ્યાં..?

         ૨૨મી જુલાઈ, ૨૦૨૨ના રોજ ૬૮માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત થઈ. આ પુરસ્કારો વર્ષ ૨૦૨૦માં સેંસર થયેલ ફિલ્મો પૈકી જેમણે આ પુરસ્કાર માટે સબમિટ કરી હતી તે ફિલ્મો પૈકીની ફિલ્મોને અપાયો. કોરોનાના પિક ઉપર હતો તે વર્ષમાં બનેલ ફિલ્મોનો આ એવોર્ડ નિયત કરતાં એકાદ વર્ષ મોડો જાહેર કરાયો છે. ફીચર ફિલ્મની કેટેગરીમાં ૨૮ ભાષાની કુલ ૩૦૩ ફિલ્મો સબમિટ કરવામાં આવી હતી. જે પૈકીનો કેટલીક ફિલ્મો ટેકનિકલ કારણોસર પડતી મૂકાતા કુલ ૨૯૫ ફિલ્મો જ્યુરી સદસ્યોને નિર્ણય અર્થે આપવામાં આવી જે પૈકીની ૬૬ ફિલ્મો સેન્ટ્ર્લ જ્યુરી સુધી પહોંચી હતી. જે પૈકી વિવિધ કેટેગરીમાં ૩૪ જેટલાં એવોર્ડ આપવામાં આવ્યાં. આ એવોર્ડમાં સમાહિત ફિલ્મોની વાત કરીએ તો, સૂરરાય પોટ્રુ, અયપ્પનમ કોશિયુમ, તાનાજી, શિવરંજનીયુમ ઈન્નમ સિલા પેન્ગલમ, આલા વૈકુંઠપુરરામુલુ, મી વસંતરાવ, અનીશ, ટકટક, સાઇના, દોલ્લુ, નાટ્યમ, અવિજાત્રિક, કપ્પેલા, તુલસીદાસ જુનિયર, થિંકલાઝ્ચા નિશ્ચયમ, કલર ફોટો, દાદા લક્ષ્મી, સામખોર, જીતીગે, બ્રિજ અને સુમી ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો. આમ વિવિધ કેટેગરીમાં વિજેતા થયેલ ફિલ્મોની સંખ્યા પર નજર કરીએ તો, માત્ર ૨૧ ફિલ્મોનો જ ખરી ઉતરી છે. તો સબમિટ થયેલ ૨૮ ભાષાઓ પૈકી વીસેક ભાષાની ફિલ્મોને વિવિધ કેટગરીમાં એવોર્ડ મળ્યા છે. અનેક ભાષાઓને જે તે ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ સહિત કોઈપણ કેટેગરીમાં એકેય પુરસ્કાર મળ્યો નથી. આ ભાષાઓ પૈકી એક ભાષા ગુજરાતી પણ છે.

સતત બીજા વર્ષે ગુજરાતી ફિલ્મને કોઈ જ પુરસ્કાર મળ્યો નથી. ગુજરાતી તરીકે મને તેનું ભારોભાર દુઃખ છે. પણ સત્ય એ પણ છે કે ૧૯૫૪થી શરૂ થયેલ નેશનલ ફિલ્મ પુરસ્કારો પૈકી ૬૮માં ફિલ્મ પુરસ્કારો સુધીમાં માત્ર એક જ વાર (૨૦૧૮માં) ‘હેલારો’ (ગુજરાતી ફિલ્મ)ને શ્રેષ્ઠ રાષ્ટ્રીય ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. શ્રેષ્ઠ રાષ્ટ્રીય ફિલ્મનો પુરસ્કાર મેળવનારી ફિલ્મોની યાદીને ભાષાની ૨૨ વાર બંગાળી ફિલ્મને, ૧૩ વાર હિંદી ફિલ્મને, ૧૨ વાર મલિયાલમ ફિલ્મને, ૬ વાર કન્નડ ફિલ્મને, ૫ વાર મરાઠી ફિલ્મને, ૩ વાર તામિલ ફિલ્મને, ૨ વારા આસામી ફિલ્મને, ૨ વાર સંસ્કૃત ફિલ્મને અને એક એક્વાર બેરી, તેલુગુ અને ગુજરાતી ફિલ્મ ભાષાની ફિલ્મ છે. આ ૬૮ વર્ષમાં પ્રાદેશિક ભાષા તરીકે ગુજરાતી ફિલ્મને મળેલાં એવોર્ડ બે આંકડામાં પહોંચ્યા છે..? કેમ..?

પ્રાદેશિક ફિલ્મોનો વિનામૂલ્યે પ્રચાર કરવા (click link & join)

https://www.facebook.com/manoranjan9foru

૨૦૨૦ના વર્ષની વાત કરીએ તો કુલ ૫૧ ફિલ્મો (ડિજિટલ અને વિડીયો)ને સેંસર સર્ટિફિકેટ મળ્યા છે. જેમાં ૩ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજજાદુગર દિલવાલોથી ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજભારત મારો દેશ છેનો સમાવેશ થાય છે. આ પૈકી ૨૬ વિડિયો અને ૨૫ ડિજિટલ ફિલ્મનો સમાવેશ થયો છે. આ ૨૫ ફિલ્મો પૈકી જેમના નામ સાંભળ્યા હોય કે ફિલ્મ જોઇ હોય તેવી ગણતરીની ફિલ્મો છે. જેમાં બાબુભાઈ સેંટિમેંટલ, સફળતા ૦ કિ.મિ., અફરા તફરી, ગોળકેરી, યુવા સરકાર, દિવાસ્વપ્ન, પેટિપેક, કોઠી ૧૯૪૭, ૨૧મું ટિફિન અને ભારત મારો દેશ છેનો સમાવેશ કરી શકાય. આ દસ ફિલ્મો પૈકી કેટલી ફિલ્મોએ નેશનલ એવોર્ડ માટે ફિલ્મ સબમિટ કરી હશે..? તેની કોઈ ચોક્ક્સ માહિતી નથી. બધાંને સૌથી વધુ આશા ૨૧મું ટિફિન અને ભારત મારો દેશ છે ઉપર હતી. કદાચ કોઠી ૧૯૪૭ અને દિવાસ્વપ્ન કે કોઈ અન્ય ફિલ્મ બાજી મારી ગઈ હોત..? પણ ના, એકેય ફિલ્મને એવોર્ડ ન મળ્યો. ગુજરાતી ફિલ્મમેકર અને ગુજરાતી તરીકે દુઃખ થાય. જીવેય બળે. માઠું લાગે. ૫ણ સત્ય આ જ છે.

છેલ્લા ૨ વર્ષથી (૨૦૧૯ અને ૨૦૨૦) એકેય ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો નથી. કે અપાયો નથી..! તેની ચર્ચા એવોર્ડ જાહેર થયા પછી થોડો સમય ચાલે છે. આ વખતે પણ ચાલી છે. થોડા દિવસો ચાલશેય ખરી. સોશ્યલ મીડિયા કે ટીવી ચેનલો પર અભિપ્રાય આપીએ તેમાં કંઈ વાંધો નથી. પણ, થોડું નક્કર વિચારીએ કે કરીએ તો..? ધારો કે રાષ્ટ્રીય સ્તરે જેમની બોલબાલા છે તેવાં બે દિગ્ગજ નેતા નરેંદ્ર મોદી અને અમિત શાહને મળી આ એવોર્ડ આપનાર જ્યૂરી મેંબર સાથે મુલાકાત ગોઠવી શકાય..? ગુજરાતી ફિલ્મને એવોર્ડ કેમ નથી અપાતો કે મળતો તેના માટે માર્ગદર્શન મેળવી શકાય, ચર્ચા કરી શકાય. જે ફિલ્મોને અને ખાસ કરીને પ્રાદેશિક ભાષાની ફિલ્મોને એવોર્ડ મળ્યો છે કે સતત મળી રહ્યો છે તેવી ફિલ્મના સર્જકો સાથે મુલાકાત કરી શકાય. અથવા આવી વિજેતા ફિલ્મો સામૂહિક રીતે નિહાળી તેના વિશે ચર્ચા-વિચારણા કરી શકાય. આપણી ફિલ્મોને કેમ એવોર્ડ નથી મળ્યો કે અપાયો તેના ઉપર પણ ચર્ચા-વિચારણા કે મંથન કરી શકાય. પણ, આ ચર્ચા-વિચારણા કે મંથન થોડાંક અને ચોક્કસ લોકો વચ્ચે નહીં પણ જાહેરમાં થવું જોઈએ. જેમાં બધાંની બધી વાત જાણવા અને સાંભળવાની તૈયારી સાથે ભેગા થવું જોઈએ. અને સૌથી મોટી વાત. પોતાની ફિલ્મના ક્રિટિક જાતે બનવું પડશે. મારી ફિલ્મ સારી જ છે. અમને નેશનલ એવોર્ડ મળવો જ જોઈએ. આવા ચોકઠા કે અગાઉથી ધારી લીધેલાં બંધનમાંથી મુક્ત થઈને વિચારવું પડશે. કારણ આ એ જ નેશનલ એવોર્ડ છે, જેમાં કદાચ પહેલીવાર એક સાથે ૧૩ અભિનત્રીઓને સ્પેશ્યલ જ્યૂરી એવોર્ડ આપવામાં આવ્યો હતો. એટલે કોઈની લીટી નાની કરી પોતાની લીટી મોટી કરવાનો કોઈનો કે કોઈ આશય હોય તેવું હું માનતો નથી.

બીજી તરફ ફિલ્મ સર્જનમાં પણ વધુ ચોકસાઈ રખાય તે જરૂરી છે. કથા અને પટકથા, ફિલ્માંકન, સંકલન, અભિનય (નાટક અને સિનેમા વચ્ચેનું સંતુલન જાળવવું અને નાટકીય અભિનય કે મોનોટોનસ અભિનયથી પર રહેવાનું સમજવું કે શીખવું પડશે.) અહીં મને એક કિસ્સો યાદ આવે છે. આમિર ખાન પરફેક્ટ એકટર અને ફિલ્મમેકર ગણાય છે. તે પણ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થયા પછી ગૃપ રીડિંગ કરે છે. લગભગ અનેક ગૃપ વચ્ચે. વારંવાર. અને દર્શક કે શ્રોતા તરીકે તેમનો મત મેળવે છે. આવું આપણે કરી શકીયે..? કરી જ શકાય. કરવું જ જોઈએ.

પ્રાદેશિક ફિલ્મોનો વિનામૂલ્યે પ્રચાર કરવા (click link & like)

https://www.youtube.com/manoranjan9

છેલ્લાં થોડાક વર્ષોથી ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવાની નીતિ અમલી બની છે. ફિલ્મો રૂરલમાંથી અર્બન બની છે. (જો કે હું આવું નથી માનતો) જો આજની ફિલ્મ અર્બન છે તો આ પહેલાંની શહેરી પરિવેશની ફિલ્મો શું હતી..? ૧૯૮૦માં આવેલ જોગ-સંજોગ હોય કે ૧૯૮૭માં આવેલ મા-બાપ હોય, આવી અનેક ફિલ્મો અર્બન જ હતી. હા, આજના સમયમાં હવે રૂરલ વિસ્તારમાં સિનેમાઘરો કેટલાં બચ્યા છે તે ચર્ચાનો વિષય જરૂર છે. પાછા મૂળ વાત પર આવીએ તો ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવાની નીતિ પછી આપણી અપેક્ષાઓ વધી છે, અને તે સકારાત્મક બાબત જ છે. સબસિડી ૫ લાખથી ૭૫ લાખ થઈ છે. સબસિડીમાં પંદર ગણો વધારો થયો છે, પણ ફિલ્મોમાં.?

આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત, ગણમાન્ય અને પ્રભાવી લોકોએ કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર ‘કાંણાને કાંણો’ કહેવાની હિંમત કરવી પડશે. મનોરંજનના નામે વલ્ગર અને વાહિયાત ભાષાધારી ફિલ્મોના સર્જકોને ટપારવા પડશે. કમસે કમ આવી ફિલ્મોના પ્રમોશનથી તો દૂર રહેવું જ પડશે. 

હાલમાં જ આવેલ એક ફિલ્મના સંવાદો ‘વર્બલ પોર્ન’ની હદના કહી શકાય તેવાં દ્વિઅર્થી અને ભાષાની મર્યાદા વટાવે તેવાં હતાં. આ ફિલ્મ આજે પણ સફળતાપૂર્વક ચાલી રહી છે. ફિલ્મ સર્જક અને ફિલ્મમાં નાણાં લગાવનાર કમાઈ તે આનંદની વાત છે. પણ, ભાષાના ભોગે..? જરાય નહીં. હા, એડલ્ટ સર્ટિ. સાથે ચલાવવી હોય તો કોઈને કોઈ વાંધો ન હોય.

મારા એક નાટકનો ડાયલોગ છે. “મા નો પાલવ ખેંચીએ તો આપણી જ જાત ઉઘાડી લાગે”. આ વાતને વધુ ખેંચવી નથી, એટલે અહીં જ પૂર્ણવિરામ. નિમિત ઓઝાને સલામ. વંદન. અભિનંદન. આઓ બધાં ભેગા મળીને, ઓસ્કર, કાન્સ કે નેશનલ એવોર્ડ મળે તેવા સ્તરની ફિલ્મો બનાવવા માટે એકસૂર થઈએ.

નોંધઃ આ લેખ કે લેખના ભાગનો ઉપયોગ (સાભાર કે સૌજન્યઃ ડૉ. તરુણ બેંકર) લખી અન્ય માધ્યમો કરી શકશે.

– Dr. Tarun Banker (M) 92282 08619


Post a Comment

1 Comments