સેન્સર સર્ટિફિકેશનમાં અન-સેન્સર કેટેગરી ન રાખી શકાય..?

 

ફેબ્રુઆરી ૨૦૧૯માં કેંદ્ર સરકારે બોલિવુડને ફિલ્મોની પાયરસી રોકવા સિનેમેટોગ્રાફી એક્ટ ૧૯૫૨માં ફેરફારને મંજૂરી આપતા ફિલ્મ નિર્માતાઓને મોટા રાહત મળી હતી. આ ફેરફાર પછી થિયેટરોમાં ફિલ્મોને રેકોર્ડ કરવા અને ઈન્ટરનેટ પર અપલોડ કરવા સબબ આરોપીને ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ કે-અને ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે. આ સુધારા અનવ્યે કલમ ૬ એએમાં એક નવી કલમ જોડવામાં આવી હતી. આ ફેરફાર કરાયેલ એક્ટના એએમાં એક નવી કલમ જોડવામાં આવી છે, જે અનુસાર કોઈ પણ ફિલ્મને પ્રોડ્યુસર કે કંપનીની અનુમતિ વિના રેકોર્ડ કરવુ કાયદાકીય રીતે ગુનો બન્યો છે. સિનેમેટોગ્રાફી એક્ટ ૧૯૫૨માં ફેરફાર બાદ અનિલ કપૂરે ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ ઉપરાંત સરકારના આ પગલાને પ્રોડ્યુસર્સ ગિલ્ડે પણ સ્વાગત કર્યુ હતુ. પ્રોડ્યુસર ગિલ્ડે નિવેદનમાં કહ્યુ કે એસોસિએશન ખુલ્લા મનથી ભારત સરકારના આ પગલાંનુ સ્વાગત કરે છે.


 

જો કે સિનેમેટોગ્રાફી એક્ટ ૧૯૫૨માં તાજેતર (જૂન ૨૦૨૧)માં કરાયેલ ફેરફાર (એમેંડમેંટ)થી ફિલ્મ નિર્માતાઓને આંચકો લાગ્યો છે. સરકારે ફિલ્મ સર્ટિફિકેશન એપેલેટ ટ્રિબ્યુનલ (FCAT) નાબૂદ કરવાના નિર્ણય કર્યો છે, જેની ફિલ્મ નિર્માતાએ ટીકા કરી છે. તેઓએ જણાવ્યું છે કે  "આ મરજી મુજબનું કામ ના કરવા દેનારો નિર્ણય છે." ફિલ્મ નિર્માતાઓમાં વિશાલ ભારદ્વાજ, હંસલ મહેતા અને ગુનીત મોંગાએ કહ્યું કે આ અનૈતિક ચુકાદોછે. ત્યારે સવાલ થાય કે આ એફસીએટી (FCAT) શું છે..?

join us

www.facebook.com/deargujarati

એફસીએટી (FCAT) એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફિલ્મોને આપવામાં આવેલાં કટ સામે ફિલ્મ નિર્માતા એફસીએટી સમક્ષ જઈ પોતાની વાત કહી શકતા હતા. સિનેમેટોગ્રાફી એક્ટમાં સુધારો કર્યા પછી, અપીલ બોડી હવે હાઈકોર્ટ છે. ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ટ્રિબ્યુનલ રિફોર્મ (સ્ટ્રીમલાઈનિંગ અને સર્વિસની શરતો) વટહુકમ ૨૦૨૧નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર કેટલીક અપીલ નાબૂદ કરી તેની કામગીરી ન્યાયિક સંસ્થાઓને સોંપવામાં આવી છે. હંસલ મહેતાએ આ નિર્ણયને વિવેકહીનગણાવ્યો છે. તેમણે કહ્યું, “શું હાઈકોર્ટ પાસે ફિલ્મના પ્રમાણપત્રની ફરિયાદો સાંભળવાનો સમય છે..? કોર્ટમાં જવા માટે કેટલા ફિલ્મ નિર્માતાઓ પાસે સંસાધનો છે..?” વિશાલ ભારદ્વાજે કહ્યું કે આજનો દિવસ સિનેમા માટે દુખદ દિનછે.

એફસીએટી (FCAT) ને લીધે ૨૦૧૬માં આવેલી મોંગાની ફિલ્મ હરામખોર’, લંકૃત શ્રીવાસ્તવની લિપસ્ટિક અંડર માય બુર્કા’ (૨૦૧૭)  અને નવાઝુદ્દીન સિદ્દીકીની બાબુમોશાઇ બંદુકબાઝ’ (૨૦૧૭) માં CBFC એ ઘણા કટ કર્યા હતા. તેમ છતાં FCAT દ્વારા મંજુરી આપવામાં આવી હતી. નવા સુધારા પછી આમ નહીં થઈ શકે. જો કે નવા સુધારા અનુસાર સેંસર બોર્ડ દ્વારા અપાતાં U/A સર્ટિફિકેટમાં ૭ વર્ષથી ઉપરના, ૧૩ વર્ષથી ઉપરના અને ૧૬ વર્ષથી ઉપરના એમ ત્રણ કેટેગરી કરવામાં આવી છે.

join us

 

ફિલ્મ સર્જકોએ અભિવ્યક્તિની આઝાદી અન્વયે સેંસર બોર્ડ કે સેંસર સર્ટિફિકેશનનો અનેકવાર વિરોધ કર્યો છે. વળી આ પ્રમાણપત્ર આપવામાં પણ અનેકવિધ દુષણો ભાગ ભજવે છે. મોટા નિર્માતાઓની ફિલ્મમાં જે દ્ર્શ્ય કે સંવાદ ચલાવી લેવાયો હોય તે નાના નિર્માતા કે પ્રાદેશિક ફિલ્મમાં નથી ચલાવી લેવાતાં..! આવું કેમ..? એકને ગોળ અને બીજાને ખોળવાળી નીતિ કેમ..? નવા સર્જકો સામે અનેકવિધ વહિવટી પ્રક્રિયા મોં ફાડીને ઉભી રહે છે. સમસ્યા સર્જે છે. અહિં પણ એજંટ પ્રથા કાર્યરત છે. કાયદેસરની કે ગેરકાયદે એ તો રામ જાણે..! સરકાર તેના માટે કે તેની સામે કેમ કંઈ નથી કરતી..?

એક ગુજરાતી ફિલ્મને એના માટે A સર્ટિફેકેટ અપાયું હતું કે તેનો વિષય બ્લેક મેજીક હતો..! બાકી આખી ફિલ્મમાં એવું કોઈ દ્રશ્ય કે સંવાદ નહોતો. હવે સવાલ એ છે કે તેનાં કરતાં અનેકગણા ડરામણા, વિકૃત કે ઉઘાડા દ્રશ્યો કે સંવાદ તો ટેલીવિઝન પર દર્શાવાય છે, તો તેનાં પર કોઈ સેંસર કેમ નથી..! તેમને આ બધી છૂટ કેમ..? આ ઉપરાંત OTTના જમાનામાં કે ઈંટરનેટ ચેનલોના કાળમાં ધરાર નગ્નતા દર્શાવતી પોર્ન ફિલ્મો સરકાર અટકાવી શકી નથી..! હિંસા પણ નહીં અને અભદ્ર ભાષા પણ નહીં.


 

વૈશ્વિકરણના સમયમાં સરકાર કન્ટેન્ટને માત્ર સર્ટિફાઈ કરે અને તે અનુસાર માત્ર કઈ ઉંમરના લોકો માટે જોવા યોગ્ય છે તે જ જણાવે. બાકીની વાત દર્શકોના વિવેક ઉપર છોડી દે. હા, એક ઓપ્શન એવું પણ હોય શકેઃ “અન-સેંસર” જેને દર્શાવવાના અને કોણ, કેટલી ઉંમરે અને કઈ રીતે તે જોઈ શકે તેની ગાઈડલાઈન આપી દેવાય. કારણ સરકાર ભલે એમ માનતી હોય કે તે બધું રોકી રહી છે, પણ સત્ય એ નથી જ. જેટલું રોકવા મથે છે તેટલી છટકબારી બને છે. હા, નિયમાનુસાર કે વિવેકથી કામ કરનારને જરૂર તકલીફ પડે છે. તે અટવાય પણ છે.

“સાચો થોંહા ખાય ને નાગો-ઉઘાડો છડેચોક..!” આ ક્યાં સુધી ચાલશે.

નોંધઃ આ મેટર અન્ય માધ્યમોએ લેવાની છૂટ છે, માત્ર લેખક ડૉ. તરુણ બેંકર અને ડીયર ગુજરાતી ચેનલનો ઉલ્લેખ કરવાનો આગ્રહ છે.

Post a Comment

0 Comments