ત્રિભંગઃ શોષણથી સમ્માન સુધીની બેબાકકથા

 

રેણુકા શહાણેના નિર્દેશનમાં બનેલ પહેલી ફિલ્મ ‘ત્રિભંગ’ ત્રણ જનરેશન અને ત્રણ સ્ત્રીઓના બેબાકપણાની કથા છે. નેટફ્લિક્સ પર રજૂ થયેલ આ ફિલ્મ મહિલાઓ વિષેની હોવાં છતાંય તેને હું તો ફેમિનિસ્ટ નહીં કહું. કારણ ફેમિનિઝમના નામે અહીં કોઈ રોકકળ નથી. કે નથી સ્ત્રી પર થતાં અત્યાચારની વાત. ઉલટાનું એમ કહી શકાય કે આવા તમામ અવરોધોથી પર સ્ત્રીની કથા છે. ફિલ્મનું નેરેટિવ દર્શકને ફિલ્મના પ્રવાહ સાથે વહાવી જાય તેવું છે. આ પ્રવાહ ક્યારેક શાંત, ધીર, ગંભીર. જાણે કલકલ વહેતું ઝરણું. તો ક્યારેક..? કાજોલ જેવી સોફેસ્ટિકેટેડ અભિનેત્રીના મુખેથી નીકળતી અસ્ખલિત ગાળો ધસમસતી નદીનો પણ અનુભવ કરાવે છે.


 

નયનતારા આપ્ટે, મશહુર લેખિકાની બાયોગ્રાફી લખવામાં મદદ કરતા લેખક મિલન (કૃનાલ રોય કપૂર)ને સહાયક બનાવી આ કથા કહેવાઈ છે. ફિલ્મ લખી પણ રેણુકા શહાણેએ છે. આમ પણ સૌમ્ય સ્વભાવ ધરાવતી અને અભિનેત્રી તરીકે પણ એવાં જ પાત્રો ભજવનાર રેણુકાના લગ્ન પણ એવાં પરિવારમાં (આશુતોષ રાણા) થયા છે, જ્યાં હિંદી ભષાનુ સ્તર શિષ્ટભાષા સ્તરને આંબે છે. જો કે ત્રિભંગમાં ભાષા બેબાક બની છે. ખાસ કરીને અનુરાધા (કાજોલ)ના પાત્ર માટે. સામાન્યતઃ પુરૂષો બોલે તેવી મોટ્ટી ગાળો તેણીના મુખેથી સાંભળવા મળે છે. અને તે પણ એકાદવાર નહીં અનેક્વાર..! આરંભથી અંત સુધી. વારંવાર. અને તે પણ સહજ લાગે તે રીતે.

મશહુર લેખિકા નયનતારા આર્થરાયટીસના દર્દને કારણે જાતે લખી ન સકતી હોય તે મિલનની મદદ લે છે. શરૂઆતમાં ખાખી કવર પર દીકરી અને દીકરાનું નામ લખવા મથે. અને આ પછી મિલનના કેમેરા સમક્ષ પોતાની આત્મકથા કહેતાં કહેતાં જ તેણી ઢળી પડે અને કોમામાં ચાલી જાય. આમ જોવા જઈયે તો કથાગ્રાફ માત્ર ગણતરીના દિવસોનો જ છે, પણ સતત આવતો ફ્લેશબેક કથાને તેણીના લગ્નજીવનની શરૂઆતથી માંડી આજ સુધી વિસ્તારે છે. મારો તમને ફિલ્મની વાર્તા કહેવાનો અહીં કોઈ ઈરાદો નથી. માત્ર ઝલકીયાં.

નયનતારા તેણીના સમય (આજથી પચાસેક)માં પણ બોલ્ડ અને મક્ક્મ નિર્ણય લે છે. તેણીના જીવનમાં ત્રણ પુરૂષ આવે. એક અનુરાધાના જન્મ પહેલાં અને બે પછી. બીજો પુરૂષ અનુરાધાનું શારીરિક શોષણ કરે. નયનતારાને આની જાણ નથી અને જ્યારે ખબર પડે ત્યારે..? અનુરાધા આના માટે માતાને જવાબદાર ગણે. પરિણામે તે વિદ્રોહી બને. અહીં કોઇ ક્રાંતિકારીની વાત નથી, પણ સમાજના રીત-રિવાજ અને માનસિકતા સામે વિદ્રોહ છે. અનુરાધા અભિનેત્રી છે અને એક વિદેશીના સંપર્કમાં આવ્યા પછી ગર્ભવતી થાય. જો કે તેની જુલમી માનસિકતાનો બહુ જલદી જન્મ આવે. તેણી દીકરી માશા (મિથિલા પારકર)ને જ્ન્મ આપે તે પહેલાં બન્ને અલગ થાય.

બસ, વાર્તા સંદર્ભે આટલું જ. માતાથી દીકરી એક કદમ આગળ વધે, પણ પૌત્રી બે કદમ પાછળ ખસે. કારણ તેણીએ જોયેલ, અનુભવેલ કે ભોગવેલ પીડા તેણી તેના સંતાનને આપવા નથી માંગતી. ગણતરીના લોકેશન અને પાત્રો વચ્ચે તેમાં પણ ખાસ કરીને ઘર અને હોસ્પિટલ તથા મુખ્યપાત્ર અનુરાધાની આસપાસ વણાયેલ આ કથાનક જરાય ઢીલું નથી પડતું. અથવા તો એમ કહી શકાય કે લેખક અને નિર્દેશક રેણુકા શહાણે તેને ઢીલું પડવા નથી દેતા. આ ત્રણ સ્ત્રીઓ વચ્ચે અનુરાધાના ભાઇ રવીન્દ્ર (વૈભવ તત્વવાદી)નુ પાત્ર ધ્યાન ખેંચે છે. આધ્યાત્મનો માર્ગ અપનાવનાર રવીન્દ્ર જિંદગીના નવા રૂપને પ્રસ્તુત કરે છે. જીવનની વિસમતાઓ પછી વિદ્રોહી થવાના સ્થાને તે કૃષ્ણપ્રેમી બને અને નવો માર્ગ અપનાવે.

Join us at www.facebook.com/deargujaratiwww.youtube.com/deargujarati

અભિનયની વાત કરીયે તો કાજોલ જામે છે. બેબાકપણુ રજૂ કરવા બિંદાશ ગાળો બોલતી કાજોલ ભાવુક પળોમાં પણ એટલી જ જામે છે. નયનતારા (તન્વી આઝમી)એ તેણીનું પાત્ર બહુ જ સહજપણે નિભાવ્યું છે. લેખિકા અને મોડર્ન સ્ત્રી બનવા તેણીએ વેસ્ટર્ન આઉટ્ફિટ પહેરવાની જરૂરત નથી પડવા દીધી. પૌત્રી માશા (મિથિલા પારકર) પાસે બહુ લાંબો રોલ નથી પણ તેણી પ્રભાવ છોડે છે અને સહજ, સરળ અને સમરસ ભાસે છે. વિજેંદ્ર ઘાટગે અને માનવ ગોહિલ છે, પણ તેમની પાસે કરવા માટે કંઈ હોય તેમ જણાતું નથી.

અજય દેવગન સહિત બીજાં ચાર-પાંચ લોકો આ ફિલ્મના નિર્માતા છે. ફિલ્માંકન બાબા આઝમીનુ છે. બાબા એટલે શબાનાનો ભાઇ અને તન્વીનો પતિ. સિનેમેટોગ્રાફી સરસ છે. ડેફ્થ ઓફ ફિલ્ડનો સહજ અને અસરકારક વિનિયોગ દેખાય-વર્તાય છે, જે દ્ર્શ્યાત્મકતા સર્જે છે. રેણુકા શહાણેની નિર્દેશિકા તરીકેની શરૂઆત લાજવાબ ભાસે છે. લેખિકા તરીકે પણ ધારી અસર ઉપજાવે છે. ફિલ્મની શરૂઆતમાં કાજોલના મુખેથી ઉચ્ચારાતી ગાળો ફુહડ લાગે છે, પણ જેમ-જેમ પાત્રનો ગ્રાફ આગળ વધે તેમ-તેમ તે સહજ લાગે છે.

આમ પણ ફિલ્મના સેટ ઉપર ગાળોનો બેફામ ઉપયોગ થતો હોવાનું નોંધાયું છે, ત્યારે અહીમ તેનો વિનિયોગ યોગ્ય લાગે છે. વળી આ ફિલ્મ OTT માટે તૈયાર કરાઈ હોય ગાળો તેની જરૂરીયાત પણ બને છે. નૃત્યની મુદ્રા સંદર્ભે પ્રયોજાતા અભંગ, સમભંગ અને ત્રિભંગ શબ્દોનો પ્રયોગ ત્રણ પાત્ર માટે કરી શિર્ષકને પણ પ્રમાણવાનો યત્ન કરાયો છે. સ્ત્રીઓની ત્રણ જનરેશનની જર્ની ત્રિકોણના ત્રણ ખૂણાની જેમ અલગ હોવા છતાંય લગોલગ છે, અને દરેકની પોતાની આઈડિયોલોજી છે, ફ્લેવર છે, મુડ છે, મિજાજ છે.

અને અંતેઃ ગાળો અર્થાત બિભત્સ રસ જરૂરી હોય ત્યાં ત્યારે તેનો વિનિયોગ અસરકારક બને છે, અને બિન-જરૂરી વિનિયોગ ફુહડતાનો પર્યાય બને છે. ત્રિભંગમાં તે થોડો અસરકારક લાગે છે.

ડૉ. તરુણ બેંકર: Ph.D.: fiction into film

(M) 9228208619  tarunkbanker@gmail.com

Post a Comment

0 Comments