સાહિત્ય પરિષદની ચૂંટણી "બનીયે કે દિમાગ ઔર..."

ગુજરાત સાહિત્ય પરિષદની ચૂંટણીનું પરિણામ આવી ગયું. પ્રકાશ.ન.શાહ પોતાના બંને પ્રતિસ્પર્ધીઓને હરાવી વિજયી થયા. તેમના સૌથી નજીકના પ્રતિસ્પર્ધી  હર્ષદ ત્રિવેદી  ઉપર તેમેણે 29 મતોની સરસાઈ મેળવી જીત મેળવી. સામાન્ય સંજોગોમાં આવી રીતે સમાચાર બને. પણ સમાચાર જાણ્યા પછી મને 'રઈશ' ફિલ્મનો ડાયલોગ યાદ આવ્યો. "બનીયે કે દિમાગ ઔર..." જો કે અહીં તેમાં થોડો ફેરફાર કરવો પડે. "બનીયે કે દિમાગ ઔર ભ્રાહ્મણો મેં ભાગલા..!" આ પરિણામનું વિશ્લેષણ કરીયે તો આવો કોઈ તાળો મળે છે. ગત વખતે પણ ગુજરાત સાહિત્ય પરિષદની ચૂંટણી પણ રસાકસીભરી બની હતી. જો કે બધાની ગણતરી અનુસાર જ સિતાંશુભાઈ વિજેતા બન્યા હતા. તો શું આ વખતનું પરિણામ..?


ખૈર..! હવે બધામાં રાજકારણ ભળી ગયું છે. ખરેખર..? તો શું આ પહેલા નહોતું..? નરેન્દ્ર મોદી ગુજરાત છોડી ગયા ત્યારથી જાતિવાદી રાજકારણે ફરી માથું ઊંચક્યું છે. તો શું મોદી હતા ત્યારે આવું નહોતું..? જવાબ છે હતું, પણ મોદીજી ઈચ્છે તે જ્ઞાતિ જીતતી..! અથવા તો હારતી. આ વખતે પણ એવું જ થયું છે..? રાજકીય પંડિતો કહેશે કે અમિત શાહ ને વિજય રૂપાણીએ રાજકીય સોગઠી મારી છે કે મરાવી છે..! તમે શું કહો છે..? મારા મતે "ભાગલા પાડો ને રાજ કરો" કે "ભાગલા પડ્યા ને ચૂંટણી હાર્યા" જેવી સ્થિતિ થઇ છે. પ્રકાશ. ન. શાહ સામે એકલા હર્ષદ ત્રિવેદી હોત તો..? પરિણામ આ જ આવ્યું હોત..? ટૂંકમાં કહીયે તો ત્રિકોણિયો જંગ થયો તેમાં પ્રકાશભાઈ ફાવ્યા..! એમ કહી શકાય. આંકડા પણ આમ જ કહે છે. કુલ મતદાન 1337 મતોનું થયું. જેમાંથી પ્રકાશભાઈને 562 મત, હર્ષદભાઈને 533 મત અને હરિકૃષ્ણભાઈને 197 મત મળ્યા. 45 મત રદ થયા. આમપ્રકાશભાઈને  42 % મત મળ્યા. 50 % થી પણ ઓછા. હર્ષદભાઈને 40%, હરિકૃષ્ણભાઈને 15% અને રદ મતો ત્રણેક ટકા. હવે જો અને તો નું ગણિત ગણિયે. ગણિયે..? કે રમીયે..? બ્રાહ્મણ મતોમાં ભાગલા ન પડ્યા હોત તો..? પ્રકાશભાઈ જીતત ખરા..? 45 મતો રદ ન થયા હોત ને તે હર્ષદભાઈને મળ્યા હોત તો..? હવે ખબર પડી 'રઈશ' ફિલ્મનો થોડોક બદલાયેલો ડાયલોગ ક્યાંથી આવ્યો..?
સાહિત્ય ક્ષેત્ર પણ હવે રાજકીય રંગે કે જ્ઞાતિવાદ કે જૂથવાદ કે વ્યક્તિવાદમાં રંગાઈ રહ્યું છે તેની પીડા ઘણાને છે, પણ કોને કહેવી..? કોને સંભળાવવી..? કોઈ સાંભળશે ખરું..? મારે શું કામ કહેવી..? હું શું કામ ભૂંડો થાવ..? આવા અનેક સવાલો અને મનોમંથન વચ્ચે દર વખતે ચૂંટણી યોજાશે અને તેનું સ્તર ક્રમશ: નીચું જતું જશે તેમ ભાસી રહ્યું છે. લોકશાહીમાં ચૂંટણી યોજાય અને તંદુરસ્ત સ્પર્ધા થાય તો કઈં જ વાંધો નથી. પણ એક-બીજા  ઉમેદવારને ખોટા, નીચા ચિતરવાની પ્રથા ન પડે તે આવશ્યક છે. વ્યક્તિગત આક્ષેપોવાળી ટેવ કાયમી ન બને તો સારું..?
આ કમઠાણ કે હુંસાતુંસીમાં સાહિત્યની ચિંતા થશે ખરી..? જે લોકો હર્ષદભાઈ કે હરિકૃષ્ણભાઈ માટે ખુલ્લા પડ્યા હતા તેમને વિજેતા ઉમેદવાર કે તેમના કટ્ટર સમર્થકો અપનાવશે..? કે પાછી નવી બબાલ..? બબાલ શબ્દ સાહિત્યિક કે શિષ્ટ કહેવાય કે નહીં..? તેની બબાલ ન થાય તો સારું.
પ્રકાશભાઈ વિજેતા થયા છે એટલે તેમને અભિનંદન. હર્ષદભાઈ પાતળી સરસાઈથી હાર્યા છે, એટલે તેમણે નિરાશા થઇ મેદાન છોડવાનું નથી. આખી ટર્મ સાહિત્યની સેવારત રહેશો તો હજુય ચૂંટણી તો આવશે જ ને. હરિકૃષ્ણભાઈ તમે પણ સક્રિય રહેજો જ. સૌનો પ્રમુખ ટાર્ગેટ તો સાહિત્યસેવા જ છે. હોવો જ જોઈએ. બાકી ચૂંટણી આવશે ને જતી રહેશે. જીતનાર કે હારનાર યાદ નહીં રહે. યાદ રહેશે જે તે એ કરેલી સાહિત્યસેવા. સાહિત્ય ઉપાસના.
નોંધ: હું સાહિત્ય પરિષદનો સભ્ય નથી કે હાલ સભ્ય બનવાની કોઈ ઈચ્છા પણ નથી. પણ આ ચૂંટણી દરમ્યાન સોશ્યલ મીડિયા પર કેટલીક પોસ્ટ વાંચ્યા પછી થયું કે સાહિત્યની ચૂંટણી રાજકીય ન બને તે જરૂરી છે.



Post a Comment

0 Comments