રાત અકેલી હૈ : જટિલ મર્ડર મિસ્ટ્રી


તુમ્હે તો ઐસી લડકી ચાહિયે જો સુંદર હો, સુશીલ હો, મૂંહ ખોલે તો ભજન ટપકે..! ઇન્સ્પેક્ટર જટિલ યાદવ (નવાઝુદ્દીન સિદ્દીકી)ની પત્ની માટેની આરઝૂ અને દીકરાના લગ્ન જોવાની માની ઈચ્છા..! મા એટલે ઈલા અરુણ. હની ત્રેહાનના દિગ્દર્શનમાં બનેલ ફિલ્મ "રાત અકેલી હૈ"  આ સપ્તાહે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે. નિર્માતા રોની સ્ક્રૂવાલા અને લેખિકા સ્મિતા સિંઘની આ ફિલ્મ શરૂઆતથી જ રહસ્યના તાણાવાણા વણે છે. ફિલ્મનો પહેલો સીન તમને તેની સાથે ઘસડી જાય છે. અંધારી રાતે સુમશાન હાઇવે પર દોડતી એક કાર. રેલ્વે ફાટક વટાવી વેરાન રસ્તે આગળ વધે. થોડીવાર પછી સડકના કિનારે ઉભેલ એક ટ્રક તેનો પીછો કરે અને પાછળથી ટક્કર મારે. કાર ગુલામટા  ખાતી ઉંધી થઈને પડે. કારમાં સવાર સ્ત્રી દરવાજો ખોલી બહાર આવે. એક નિર્દય વ્યક્તિ વાળ પકડી તેણીના  ગળા પર ચપ્પુ ફેરવી દે. ડ્રાઇવર પર મોટા પથ્થરથી પ્રહાર કરે. પછી બંનેની લાશ એક નિર્જન જગ્યાએ ખાડામાં નાંખી તેના પાર એસિડ નાંખે. ખાડો માટીથી ઢાંકી દે. દરમ્યાન ભૂલથી એસિડ તેના હાથ પર ઢોળાય..! તે બૂમો પડતો ભાગે અને તળાવમાં હાથ ઝબકોળી દે.

ઇન્સ્પેક્ટર જટિલ યાદવ અને તેની મા એક લગ્ન સમારંભમાં આવ્યા છે. પણ દીકરા માટે વહુ શોધવા ઘેલી બનેલ મા અહીં પણ... જટિલ જમ્યા વગર ઘેર પરત ફરે. ઘરનું જમવાનું ગરમ કરી જામતો હોય ત્યાં SSP લાલજી શુક્લનો ફોન આવે અને..?
LIKE / SHARE / SUBSCRIBE DEAR GUJARATI
ઉત્તરપ્રદેશના કાનપુર શહેર અને તેની આસપાસ વણાયેલ કથાનક આમ તો એક પરિવાર, તેના પરિજનો અને પોલીસ તથા પોલિટિશ્યનની આસપાસ ગૂંથાયેલું છે. શહેરના ઇજ્જતદાર રઘુવીરસિંહના લગ્ન પછી (બીજા લગ્ન) તરત જ તેમનું ખૂન થાય..! કોઈએ છાતીમાં ગોળી માર્યા પછી ચહેરો એ જ બંદૂકથી છૂંદી નાંખ્યો છે. જો કે આ ઘટના પહેલી અર્થાત કાર અક્સ્માતવાળી ઘટના પછી પાંચ વર્ષ પછીની છે. રઘુવીરસિંહના ખૂનની તપાસ ઇન્સ્પેક્ટર જટિલ યાદવને સોંપાય. તપાસ દરમ્યાન ખબર પડે કે પાંચ વર્ષ પહેલા મારી ગયેલ મહિલા તેમની પત્ની અને તેમનો ડ્રાઇવર હતા. જો કે ડ્રાઇવરની પત્ની અને દીકરી (ચુન્ની) જે હાલ તેમની હવેલીમાં જ કામ કરી રહ્યા છે તેમની ફરિયાદ આજે પણ ધૂળ ખાઈ રહી છે.
મઝાની વાત એ છે કે આખી ફિલ્મ રઘુવીરસિંહના ખૂંનની આસપાસ ફરે છે પણ ફિલ્મમાં રઘુવીરસિંહનો કોઈ રોલ જ નથી..! ખરેખર..? રઘુવીરસિંહનો મિત્ર મુન્નારાજ વિધાયક છે. તે પણ અપક્ષ. રઘુવીરસિંહ પણ ચૂંટણી લડવાનું આયોજન કરી રહ્યા હતા..! રઘુવીરસિંહે જેની સાથે બીજા લગ્ન કર્યા હતા તેણી તેની છોકરીની ઉંમરની સ્ત્રી છે. નામ છે રાધા (રાધિકા આપ્ટે) રઘુવીરસિંહના પરિવારમાં દીકરી કરુણા (શ્વેતા ત્રિપાઠી) જે પરણિત છે અને હાલ ગર્ભવતી છે અને એક દીકરો. ઉપરાંત વિધવા ભાભી અને તેમના બાળકો વસુધા અને વિક્રમ છે. પરિવારના દાવપેચ, સંપત્તિ અને..? ફિલ્મનું કથાનક પાંચ વર્ષ આગળ ગયા પછી પાંચ વર્ષ પાછળ પણ જાય છે. સ્મિતા સિંઘે કથા, સંવાદ અને પટકથાથી દર્શકોને બાંધી રાખવામાં સફળતા મેળવી છે. રઘુવીરસિંહના ખૂન પછી ખૂની અંગે ઘુંટાતું રહસ્ય અનેક રહસ્યો ઉપરથી પડદો હટાવે છે. દરમ્યાન અન્ય ખૂન પણ..!

ભ્રષ્ટ SSP લાલજી શુકલા સામે પ્રામાણિક ઇન્સ્પેક્ટર જટિલ યાદવની જિંદગીની જટિલતા પણ વચ્ચે વચ્ચે ડોકાય છે. માની ભૂલથી જતીન યાદવ જટિલ યાદવ બન્યો છે. પણ ખરેખર આ જ નામ ફિલ્મ માટે સાર્થક ને ઉપકારક છે. ડીસન્ટ છોકરીની તલાશમાં જટિલ અનેકવાર તમાશો બન્યો છે..! પણ મા છે કે માનતી જ નથી..! અનેક ઉતાર-ચઢાવ અને આંટીઘૂંટીવાળી વિષયવસ્તુને દિગ્દર્શક, લેખિકા અને મુખ્ય અભિનેતા સુપેરે આગળ ધપાવે છે. નવાઝુદ્દીન સિદ્દકીની અભિનય ક્ષમતાનો જાદુ આ ફિલ્મને ધારદાર બનાવે છે. રાધિકા આપ્ટે, શ્વેતા ત્રિપાઠી અને વસુધા (શિવાની રઘુવંશી), વિધાયક મુન્નારાજ (આદિત્ય શ્રીવાસ્તવ) છાપ છોડી જાય છે. આમ તો ફિલ્મમાં ત્રણેક ગીત છે અને બધા જ નેપથ્યમાં ગુંજે છે. પણ "જાગો કારી રાતીયા કી નગરી મેં સેંદ લગી.." અસરકારક ભાસે છે. જો કે અન્ય ગીત પણ. એક પછી એક રહસ્યની પરતો ખુલતી જાય અને અંતે..? આંચકો લાગે, પણ એવો કે જે ખરેખર ગળે ઉતારે તેવો આંચકો. ઉત્તરપ્રદેશની પૃષ્ઠભૂમિમાં વણાયેલ પાત્રો યાદવ, સિંહ અને શુકલા અટક થકી પણ ઘણું કહી જાય છે. મઝાની વાત એ છે કે OTT ઉપર રિલીઝ થયેલ આ ફિલ્મમાં નથી બીભત્સ ખૂન-ખરાબો, નથી ગાળો કે નથી અશ્લીલ દ્રશ્યો. પરિવાર સાથે જોઈ શકાય તેવી ફિલ્મ. નવાઝુદ્દીન સિદ્દકીના ચાહકો અને સસ્પેન્સ જોવા ઇચ્છતા દર્શકોને આ ફિલ્મ નિરાશ નહીં જ કરે.

Post a Comment

0 Comments