ગુજરાતી ફિલ્મોને ડીજીટલી રીલીઝ કરવાનો સમય પાકી ગયો છે



ગુજરાતી સિનેમાના નવસર્જનનો સમય ચાલી રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતી સિનેમાએ કાઠું કાઢ્યું છે. હાલમાં જ ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’ અને ‘ઢ’ ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યાં. એવું નથી કે આ પહેલીવાર બન્યું છે, પણ આ વાત વર્ષોના વહાણા વાયા પછી ઘટી છે. અને તે પણ સતત બે વર્ષમાં બે વાર. આમ તો ગુજરાતી સિનેમાનું સ્વરૂપ ‘કેવી રીતે જઈશ’થી બદલાયું હતું. માત્ર પાઘડા-ચોંયણાવાળી જ ગુજરાતી ફિલ્મોને મુક્તિ મળી હતી. પરિણામે શહેરી દર્શક પણ ગુજરાતી ફિલ્મ જોતો થયો ને એટલે જ મલ્ટીપ્લેક્સમાં પણ ગુજરાતી ફિલ્મો રીલીઝ થવા માંડી.

શરૂઆતમાં બધું જ રૂડું-રૂપાળું લાગ્યું ને બધાં ગુજરાતી સિનેમાના નવસર્જન કે નવનિર્માણની યાત્રામાં જોડાયા. ધડાધડ ફિલ્મો બનવાં લાગી. તો ત્રણેક વર્ષથી ‘અભરાઈએ ચઢેલ’ પ્રાદેશિક ફિલ્મોને સબસીડી આપવાની નીતિની ફાઈલ મંજુર થઇ ને બની ફિલ્મ પ્રોત્સાહન પોલિસી બહાર આવી. પાંચ લાખથી પચાસ લાખ રૂપિયા સબસીડી અને આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય એવોર્ડ વિજાતાને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરાઈ. ‘ડૂબતી ગંગામાં હાથ ધોઈ લેવા’ કેટલાક એવા લોકો પણ ફિલ્મ નિર્માણ સાથે જોડાયા જેમને પુરેપુરી કે ઝાઝી સૂઝ નહોતી..! નવા નિર્માતાને પચાસ લાખ સબસીડી, થીયેટર રીલીઝ, સેટેલાઈટ રાઈટ્સ અને ઓવરસીસ રાઈટ્સ સહિતના સપનાં બતાવી એકાદ કરોડના રોકાણ સામે કરોડોની આવક અને તગડો નફો બતાવ્યો. પરિણામે ફિલ્મો ધડાધડ બનવા અને રીલીઝ થવા લાગી.
જો કે આ પૈકીની મોટાભાગની ફિલ્મો ‘ઊંધા માથે’ પટકાઈ પણ ખરી. તો જે ફિલ્મોએ થોડો ઘણો વકરો કર્યો તેમાંથી નિર્માતાઓના હાથમાં કઈ ન આવ્યું. થોડો સમય પહેલાં DNAમાં પ્રકાશિત થયેલ એક લેખમાં ઘણાં નિર્માતાઓના નિવેદન છપાયા હતાં, જે અનુસાર ફિલ્મે દોઢેક કરોડનો વકરો કર્યો હોવાં છતાંય એ છપાયું ત્યાં સુધીમાં તેમનાં હાથમાં કઈ જ નહોતું આવ્યું. પાછળથી તેમણે કઈ મળ્યું હોય તો તેની માહિતી મારી પાસે નથી. પરિણામ એ આવ્યું કે આ નિર્માતાઓએ બીજીવાર ગુજરાતી ફિલ્મમાં પૈસા રોકવાની ના પાડી દીધી. તો અન્ય બીજી ભાષાની ફિલ્મો તરફ વળી ગયા. ત્યારે સવાલ એ ઉઠે છે કે આવું કેમ બની રહ્યું છે..? આના માટે જવાબદાર કોણ..?
થોડો સમયથી સોશ્યલ મીડિયા અને અખબારોમાં એક ચર્ચા ચાલી છે.  ૫૦ લાખ થી એક કરોડ રૂપિયાના ખર્ચે ફિલ્મ બનાવ્યાં પછી પણ નિર્માતાએ ફિલ્મ રીલીઝ કરવા distributorના ઘર કે ઓફીસના પગથીયા ઘસવા પડે છે. પછી જો તમારી ફિલ્મ distribute કરવા તૈયાર થશે તો પહેલાં તમને બહું મોટી-મોટી વાતો કરી સપનાં બતાવશે અને એકસાથે ઘણાં બધાં થીયેટરોમાં રીલીઝ કરવાના નામે ડીજીટલ ફી રૂપે લાખો રૂપિયાનો ખર્ચ કરાવશે. વળી જાહેરાત અને માર્કેટિંગના પૈસા તો અલગ. હવે શરૂ થશે નિર્માતાને બેવળ વાળવાનો તમાશો..! distributor કે સિનેમા સંચાલક નિર્માતા પાસે શો દીઠ ૫૦ થી ૧૦૦ દર્શકો માંગશે. જો તેમ નહી થાય તો બીજે કે ત્રીજે જ દિવસે તમારી ફિલ્મ ૧૦૦ થીયેટરમાંથી ૧ કે ૨ થીયેટરે પહોંચી જશે. આમ થવાથી તમારું કલેક્શન તો ઓછું થશે જ પણ ૧૦૦ સિનેમાઘરમાં રોજના ૪ શો લેકેહે ભરેલ ડિજિટલ ફી પણ જશે. ને મોટી જાહેરાતોના નાણાંનું નિકંદન પણ ખરું.
તાજેતરમાં કલ્પ ત્રિવેદીએ સોશ્યલ મીડિયા પ મુકેલ લેખમાં જણાવાયું હતું કે, સરકાર ને કે સિનેમા માલિકો (મલ્ટીપ્લેકસ માલિકો ખાસ કરી ને નેશનલ ચેનો જે ગુજરાત માંથી અધધ કમાણી કરે છે અને ગુજરાતી ફિલ્મો ને અનામત ની કેટેગરી માં મુકે છે અને કોઈ જવાબ પણ નથી આપતા). ઘણા તો એવા છે જે બુક માય શો માં તમારો આખો શો હાઉસફુલ બતાવે એટલે કોઈ ટીકીટ ખરીદી જ નહિ શકે અને તમને કહેશે કે કોઈ આવ્યું નહિ એટલે શો જ નાં ચાલુ થયા તો ક્યા થી ફિલ્મ ચલાવવી
બે-એક દિવસ પહેલાં સીટી ભાસ્કર અમદાવાદમાં નવલસિંહ રાઠોડના અહેવાલમાં જણાવ્યું છે કે, હકીકત એ છે કે અપવાદોને બાદ કરતાં આજે પણ બોક્ષઓફિસ પર ગુજરાતી ફિલ્મોના નામે કાગડા જ ઉડી રહ્યાં છે. તમે થીયેટરમાં કેટલાક અઠવાડિયા ચાલતી જે ગુજરાતી ફિલ્મ જૂઓ છો તેની પાછળ ઇન્ડસ્ટ્રીનું એક ડાર્ક સિક્રેટ છુપાયેલું છે. ગુજરાતી ફિલ્મોના ૬૦ થી ૮૦ ટકા શો કેન્સલ થતાં હોવાથી પોતાની ફિલ્મ થીયેટરમાં ચાલુ રાખવા ખુદ પ્રોડ્યુસર્સ જ ૮૦ ટકા જેટલી ટીકીટો ખરીદી મિત્રો અને સગા વહાલને આપી ફિલ્મ જોવા મોકલે છે. છેલ્લા દોઢ-બે વર્ષથી ટિકિટ ખરીદવાનો આ સિલસિલો અનિવાર્ય અનિષ્ટ જેવો બની ગયો છે.
આ અહેવાલમાં તાજેતરમાં ‘રતનપુર’ ફિલ્મ બનાવનાર નિર્માતા યોગેશ પારીકનો મત વ્યક્ત કરાયો છે જે અનુસાર કલાને માન આપતા પ્રોડ્યુસર આવે તેમને થીયેટરવાળા ફિલ્મ રીલીઝ કાર્યના બીજા જ દિવસે કહી દે છે, ૮૦ ટકા ટિકિટ લેવી હોય તો અમે ચલાવીએ. ફિલ્મ શો આગળ ચાલે તે માટે પ્રોડ્યુસર નાછુટકે હા પણ પાડે છે. આ ડરના કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ૨૦ ટકા ફિલ્મો બની ગયા પછી પણ રીલીઝ નથી થઇ. એકતાના અભાવે વ્યાપારીઓએ તેમનો ધંધો ચાલુ કરી દીધો છે. આ અંગે ગુજરાતી ફિલ્મ ડીરેક્ટર અતુલ પટેલે નબળા લોકો અને નબળી ફિલ્મના કારણે આવું બનતું હોવાનો મત વ્યક્ત કર્યો છે. તો distributor વંદન શાહ કોઇપણ ધંધામાં ગેરંટી ન હોવાનું જણાવે છે.
આ લેખમાં થોડા વર્ષોમાં રજૂ થયેલ કેટલીક ફિલ્મના બોક્ષઓફિસ આંકડા પણ આપવામાં આવ્યા છે. આ અંગે ગુજરાતી સિનેમા અને તેનું અર્થતંત્ર વિષયના જાણકાર ડૉ. કાર્તિકેય ભટ્ટ સાથે ટેલેફોનીક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બોક્ષઓફિસ કલેશનમાંથી નિર્માતાના હાથમાં માત્ર ૩૩% જ નાણા આવે છે. ક્યારેક તો એનાથી પણ ઓછા હવે વિચારો કે આજની ગુજરાતી ફિલ્મો એકાદ કરોડના નિર્માણ બજેટ અને પચાસેક લાખના પબ્લિસિટી બજેટ પછી જો પાંચેક કરોડનો વકરો કરે તો જ નિર્માતાનું રોકાણ સરભર થાય. હવે જો તેણે રોજેરોજે ટિકિટ ખરીદી શો ચલાવવાના હોય તો..? ‘દારૂ પાછળ દેવતા’ જેવો ઘાટ થાય. સરવાળે નુકશાન તો ખરું જ. જો કે કોમલ નાહટા સંપાદિત સામાયિક ફિલ્મ ઇન્ફોર્મેશનના આંકડા અનુસાર ૯૦ થી ૯૩% હિન્દી ફિલ્મો પણ નિષ્ફળ (ફ્લોપ) રહે છે. જો કે લાંબાગાળે અન્ય સોર્સથી રોકાણ સરભર કે ખોટમાં ઘટાડો કે કમાણી કરતી હશે.
ખૈર..! સમસ્યા બધાં જ ક્ષેત્રમાં છે. હા, એ અલગ વાત છે કે નીતિ નિર્ધારણ અને સિનેમા માલિક કે વિતરકની ડાંડઈને કારણે ગુજરાતી સિનેમા ઉદ્યોગમાં આ સમસ્યા મોટી હોવાનું ભાસે છે. આ મુદ્દાને બાજુ પર પણ રાખીએ તો હાલ ડિજિટલ ટેકનોલોજીના સમયમાં ફિલ્મ બનાવવી જેટલી સરળ બની છે તેટલું જ કઠીન ફિલ્મ રીલીઝ કરવાનું બન્યું છે. તો વળી નિર્માતાઓ નિર્માણખર્ચ પણ કાબુ બહારનો કરી બેસે છે. અથવા એવું પણ બને છે કે આ લાઈનનો જરાય અનુભવ ન હોવાં છતાંય બીજાના સહારે નિર્માતા કુદી પડે ને અંતે ‘ઊંધા માથે....’
ડિજિટલ ટેકનોલોજીના સમયમાં ફિલ્મને ડિજિટલી રીલીઝ કરવાના પણ ઓપ્શન છે. સિનેમામાં રીલીઝ કરવી હોય તો સીમિત થીયેટર અને સીમિત શો અન્વયે પણ કરી શકાય. જો વિતરક ન માને તો જાતે જ સિનેમાઘરો ભાડે રાખી કરી શકાય. એક સાથે રીલીઝ થતી કે એક સાથે એક જ થીયેટરમાં ચાલતી બે કે ત્રણ ફિલ્મના નિર્માતા ભેગા મળી થીયેટર ભાડે લઈ ફિલ્મ રીલીઝ ન કરી શકે..? વિચાર અઘરો છે પણ અશક્ય તો નથી જ. જરૂર છે સંગઠન શક્તિની.
તો બીજી તરફ સ્ટ્રીમીંગનો જમાનો આવ્યો છે. થોડાંક મહિના પહેલાં પ્રકાશિત થયેલ એક અહેવાલ અનુસાર ‘સ્ટ્રીમીંગની નવી ટેક્નિક સફળ થવાને કારણે કેબલ કંપની માટે અસ્તિત્વ ટકાવવું પડકાર’ બન્યો છે. એમેઝોન, નેટફ્લિકસ, હોટસ્ટાર જેવાં ડિજિટલ પ્લેટફોર્મ ઉપરાંત યુટ્યુબ, વિમીયો જેવી વેબ્સાઈટ ફ્રી અપલોડિંગ ઓપ્શન પણ આપે છે. તો ફિલ્મ, ટીવી શો અને શોર્ટફિલ્મનું ડિજિટલ વિતરણ કરતી કંપનીઓ પણ અસ્તિત્વમાં આવી છે. વળી કાર્યક્રમને ડીજીટલી રીલીઝ કરવા બહું હાઈ ફોરમેટમાં શૂટ કરવાની પણ જરૂર નથી. અહી કન્ટેન્ટ વેચાય છે. પરિણામે ફિલ્મ કરતાં ઓછું બજેટ અને રીલીઝ કરવા માટે લાખોનું આંધણ કરવાની જરૂર નથી.
પોતાની પહેલી ફીચર ફિલ્મ છોટુ બે કટિંગ બનાવનાર હું (સર્જક-નિર્માતા ડૉ.તરુણ બેન્કર) માનું છું કે ઓછા બજેટ અને કન્ટેન્ટ બેઝ ફિલ્મ બનાવાય તો નુકશાન જવાની શક્યતા નહીવત બની જાય છે. વધુમાં હું પણ મારી ગુજરાતી ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર રીલીઝ કરવાનું આયોજન કરી રહ્યો છું. આમ તો ડિજિટલ રીલીઝ માટે સેન્સરની પણ જરૂર નથી, પણ અમે ફિલ્મને સેન્સર કરાવ્યાં પછી જ તેના ડિજિટલ કે થીયેટર રીલીઝ અંગે અંતિમ નિર્ણય કરીશું.”
ગુજરાતી ફિલ્મ સર્જક ક્રમશ: આગળ વધી રહ્યો છે. વર્ષ ૨૦૧૭માં ૮૦ ગુજરાતી ફિલ્મોએ સેન્સર સર્ટીફીકેટ મેળવ્યું છે, પણ બધી સિનેમાઘરોમાં રીલીઝ થયી નથી. કેમ આમ થયું છે..? કદાચ રીલીઝ થયેલ ફિલ્મોની આવી હાલત કે નિર્માતાઓની સ્થિતિ જોઇને તો...?
આવા સંજોગોમાં ડિજિટલ રીલીઝની દિશા જરૂર અપનાવી કે વિચારી શકાય.
નોંધ: આ લેખના સંપૂર્ણ અધિકારો ડૉ.તરુણબેન્કરના છે. વિના પરવાનગી તેનો કોઇપણ રીતે કે સ્વરૂપે ઉપયોગ ગેરકાયદેસર છે.
ડૉ.તરુણ બેન્કર. (મો.) ૯૨૨૮૨૦૮૬૧૯ / ૮૮૬૬૧૭૫૯૦૦ (વોટ્સએપ)
tarunkbanker@gmail.com