ફિલમ તારા ખોળે: ફૂટબોલ ફીવરની ઈરાનીયન ફિલ્મ ‘ઓફસાઈડ’



આજે ચોતરફ ફૂટબોલ ફીવર છવાયો છે ત્યારે ૨૦૦૬માં આવેલ ઈરાનીયન ફિલ્મમેકર જફર પનાહીની ફિલ્મ ‘ઓફ્સાઈડ’ આ ફીવરનો એક નવો ચેહરો રજૂ કરનારી અને વિશ્વમાં તેની છાપ છોડનારી ફિલ્મ બની છે.
ઈરાનમાં નવ્ય સિનેમા (new wave cinema)ના જનક ગણાતાં ફિલ્મમેકરોમાં જફર પનાહીનું નામ અગ્રેસર છે. વિશ્વ સિનેમાના જાણકારો માટે અબ્બાસ કીરોસ્ટોમી, અસઘર ફરહાદી અને જફર પનાહી જેવાં ઈરાનીયન ફિલ્મકારોના નામ જાણીતા છે. જફર પનાહીએ ફિલ્મ સર્જનની શરૂઆત ૧૯૯૫માં કરી હતી. ૧૯૯૫માં Badkonake Sefid (The White Ballon), ૧૯૯૭માં Ayneh (The Mirror), ૨૦૦૦માં Dayreh (The Circle), ૨૦૦૩માં Talaye Sorkh (Crimson Gold), ૨૦૦૬માં (offside), ૨૦૧૧માં in film nist (This is Not a Film), ૨૦૧૩માં Parde (Closed Curtain), ૨૦૧૫માં (Taxi), અને ૨૦૧૮માં Badkonake Sefid (Three Faces), ફિલ્મો બનાવી છે. માત્ર વીસ વર્ષની ઉંમરે ઈરાનીયન આર્મીમાં જોડાયા પછી ઈરાક-ઈરાન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. આર્મીની સેવાઓમાંથી નિવૃત્ત થયાં પછી તેહરાન સ્થિત ‘કોલેજ ઓફ સિનેમા એન્ડ ટીવી’માં દાખલ થયા ને ફિલ્મમેકિંગ શીખ્યા. જફર પનાહીએ ફીચર ફિલ્મ ઉપરાંત કેટલીક શોર્ટફિલ્મપણ બનાવી છે. કમ્બુઝિયા પર્તોવી દિગ્દર્શિત ફિલ્મ ‘ધ ફીશ’ (૧૯૯૧) અને અબ્બાસ કીરોસ્ટોમીની ‘Through The Olive Tree’માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું. આ ઉપરાંત ચારેક ફિલ્મનું એડીટીંગ પણ કર્યું.

૨૦૦૬મા આવેલ તેમની ફિલ્મ ‘ઓફ્સાઈડ’ સ્ત્રી ફૂટબોલ ચાહકો વિશેની. યુવાન સ્ત્રીઓ કે યુવતીઓ પોતાના ફૂટબોલની રમત પ્રત્યેના લગાવને પૂર્ણ કરવા શો કરે છે..? કારણ અહી ધર્મના ઓથા હેઠળ મહીલોને પુરુષોની મેચ જોવાની પાબંદી છે. ધર્માંધતાને  સરળ, સૌમ્ય અને મોહક રીતે રજૂ કરી આ ફિલ્મ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. તાજેતરમાં ચાલી રહેલ ‘ફૂટબોલ ફીવર’ અને ઈરાનમાં આવી રહેલ મહિલાઓની મૌલિક આઝાદીના પગલે તાજેતરમાં જ ઈરાનમાં મહિલાઓને પુરુષોની રમત જોવાની આઝાદી મળી છે. ૨૦૦૬માં જફર પનાહીએ સર્જેલ ચિનગારી આગ આજે દિપક બની ઈરાનીયન મહિલાઓ માટે આશાવંત પ્રકાશ પાથરી રહી છે. જો કે મહિલાઓને હાલમાં મળેલ આઝાદી માત્ર ફિફાવર્લ્ડકપમાં ઈરાન અને સ્પેનની મેચ પુરતી જ છે. થોડો સમય પહેલાં સાઉદી અરેબિયામાં મહિલાઓને ડ્રાઈવિંગની પરવાનગી આપવામાં આવી હતી. હવે ઈરાનમાં મહિલાઓને હાલ પુરતી માત્ર તેમના દેશની ફૂટબોલ મેચ સ્ટેડિયમમાં જઈ જોવાની આઝાદી આપવામાં આવી છે. ઈરાનીયન મહિલાઓને હાલ મળેલ ક્ષણિક આઝાદી પૂર્ણ આઝાદી ક્યારે બનશે..?
૨૦૦૬ની ૧૭મી ફેબ્રુઆરીએ રજૂ થયેલ જફર પનાહી દિગ્દર્શિત પર્શિયન ભાષાની ઈરાનીયન ફિલ્મ ‘ઓફ્સાઈડ’ આવા જ વિષયવસ્તુ પર કળાત્મક પ્રકાશ પાડે છે. વિકિપીડિયા ઉપર ઉપલબ્ધ માહિતી અનુસાર આ ફિલ્મનું બજેટ અંદાજીત ૨૫૦૦ ડોલર અર્થાત દોઢેક લાખ રૂપિયા જ છે..! આ ફિલ્મ એક એવી યુવતીની કથા છે, જેમાં તેણી વર્લ્ડકપની ક્વોલીફાય મેચ જોવા છુપાવેશે સ્ટેડિયમમાં પ્રવેશે છે..! કારણ..? મહિલાઓને સ્ટેડિયમમાં ફૂટબોલ મેચ જોવા પર પ્રતિબંધ છે. શા માટે..? કારણ હિંસાનું જોખમ અને પુરુષો દ્વારા તેમના માટે હીન ભાષા (ગાળાગાળી)નો પ્રયોગ..! આ ફિલ્મ બનાવવાની પ્રેરણા દિગ્દર્શકને તેમની દિકરીપાસેથી મળી હતી. તેણીએ કોઈપણ સંજોગોમાં મેચ સ્ટેડીયમમાં જોવાનો નિર્ધાર કર્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ ઈરાનમાં કરાયું, પણ તેના ઈરાનમાં પ્રદર્શન પર પ્રતિબંધ લદાયો હતો..!
‘ઓફ્સાઈડ’ ફિલ્મ પુરુષવેશ ધારણ કરી ઈરાન અને બેહરીન વચ્ચેની મેચ જોવા સ્ટેડીયમમાં આવેલ યુવતીની વાત છે. યુવતી પુરુષોથી ભરેલ બસમાં બેસી સ્ટેડીયમ આવવા નીકળે. રસ્તામાં કેટલાંક પુરુષો નોંધે કે પુરુષવેશે બસમાં બેઠેલ આ વ્યક્તિ મહિલા છે, પણ તેઓ આ વાત કોઈને કરતાં નથી. સ્ટેડીયમ પહોંચી તેણી ટિકિટ ખરીદતી વખતે પણ તેણી સમક્ષ એવી વાત આવે કે જો તેણી ઊંચા ભાવે ટિકિટ ખરીદવા તૈયાર થશે તો જ ટિકિટ મળશે. તેણી સુરક્ષાકર્મીની નજરથી બચી દાખલ થવાનો પ્રયાસ કરે, પણ પકડાઈ જાય. તેણીને સ્ટેડીયમની છત પર લઈ જવાય જ્યાં તેની જેમ જ પકડાયેલ થોડીક મહિલાઓને રાખવામાં આવી છે. છત પર એક બારી છે, પણ તે મેદાનની ઉલટી દિશામાં છે, પરિણામે અહી સ્થિત યુવતીઓને કઈ જ દેખાતું નથી. હા, મેદાન અને સ્ટેડીયમનો કોલાહલ જરૂર સંભળાય છે. આ મહીલાઓની સુરક્ષા એક એવો સૈનિક કરી રહ્યો છે, જેના માટે આ કામ માત્ર દેશની સેવા છે, બાકી એ તો તેને ખેતરે જવા તત્પર છે. સૈનિકો આ કામગીરીથી કંટાળ્યા છે, અને તેમને મહિલાઓના સ્ટેડીયમમાં મેચ જોવા પરના પ્રતિબંધ સાથે વિશેષ લગાવ નથી. પણ ગમે તે ઘડીએ તપાસ અર્થે આવી જતાં તેમના બોસને કારણે સતર્કતાથી ફરજ બજાવી રહ્યાં છે.
ફિલ્મની નાટ્યાત્મક પળો અહીથી શરુ થાય છે. એક યુવતી ટોઇલેટ કરવા જવાની માંગ કરે છે. સ્ટેડીયમમાં એકપણ મહિલા ટોઇલેટ નથી. હવે..? એક સૈનિકને આ મહિલાને પુરુષ ટોઇલેટમાં લઈ જવાની જવાબદારી સોંપાય. ટોઇલેટ કરવાં જતી યુવતીનો ચહેરો ફૂટબોલના એક લોકપ્રિય ખેલાડીના પોસ્ટરથી ઢાંકી દેવાય. સૈનિક યુવતીને લઈ પુરુષ ટોઇલેટમાં પહોંચે. અહી કેટલાક પુરુષો ઉપસ્થિત છે, જે ટોઇલેટ કરવા આવ્યાં છે. સૈનિક ઝડપથી તેમણે સ્થાન ખાલી કરવા આદેશ આપે. આ આદેશ સંદર્ભે કેટલાક પુરુષો સાથે બોલાચાલી અને હલકી ધક્કામુક્કી પણ થાય. અંતે ટોઇલેટ સંપૂર્ણ ખાલી થતાં યુવતીને તેનો ઉપયોગ કરવા જવા દેવાય. પણ, ત્યાંય નાટ્યાત્મકતા સમાપ્ત નથી થતી. પોસ્ટરની આંખ આગળ કાણું કરી યુવતીને અપાયેલ દ્રષ્ટિ પણ બંધ કરી દેવાનો આદેશ અપાય. કેમ..? ટોઇલેટની દીવાલો પર એવાં લખાણો છે, જે એક યુવતી વાંચી ન શકે..!
ખાલી થઈ ગયેલ પુરુષ ટોઇલેટનો ઉપયોગ કરવા યુવતીને જવા દેવાય. અહી પણ નાટ્યાત્મક ક્ષણો પ પડદો નથી પડતો. બીજા કેટલાંક યુવકો આવી પહોંચે. સૈનિક બધાંને અટકાવે. ઝપાઝપી પણ કરે. વાર્તાલાપમાં અંદર ગયેલ યુવતી વિષે અભદ્ર ટીપ્પણી પણ કરાય. દરમ્યાન લાંબા વાળ વાળો એક યુવક ટોઇલેટમાંથી નીકળે. સૈનિક ગિન્નાય. બુમ પાડી પૂછ્યું હતું કે અંદર કોઈ છે..? ત્યારે તેણે જવાબ કેમ નહોતો આપ્યો..? લાંબા વાળને કારણે મહિલા જેવા લાગતાં આ પુરુષને સૈનિક પૂછે. તું પુરુષ છે કે સ્ત્રી..? ત્યારે પેલો પુરુષ સૈનિકનો હાથ પકડી તેને ટોઇલેટમાં આવી જોઈ લેવા કહે કે તે પુરુષ છે કે સ્ત્રી..! આ કોલાહલ અને ધમાચકડી વચ્ચે મેદાનમાં ગોલ થયો હોવાનો અવાજ સાંભળી બધાં જ પુરુષો ટોઇલેટ છોડી મેદાન તરફ ભાગે. સૈનિક હાશકારો અનુભવે. થોડીવારે ફરી પાછા પુરુષો આવે. તેમણે ટોઇલેટનો ઉપયોગ કરવો છે. ફરી ઝપાઝપી અને ધક્કામુક્કી થાય. તેનો લાભ લઈ યુવતી ત્યાંથી ભાગે.
સૈનિક તેની પાછળ દોડે પણ યુવતી પકડાતી નથી. સ્ટેડીયમ પર એક નજર કરી તે પાછો એ જગ્યાએ આવે જ્યાં યુવતીઓને રાખી છે. અહી એક યુવતીના તેની સાથેના અનિચ્છાએ થતાં વાર્તાલાપથી ફલિત થાય કે પેલી યુવતીને કારણે તેનો પરિવાર જોખમમાં મુકાશે. યુવતી તેને સાંત્વના આપે ને કહે: “તેણી બહુ વફાદાર છોકરી છે. તેણી પરત આવી જશે.” આગળ વધતાં સંવાદમાં યુવતી સૈનિકને કેટલાંક સવાલો પૂછે ને બંને વચ્ચે વાર્તાલાપ થાય.
o        ઈરાનીયન મહિલાઓ માટે આવો પ્રતિબંધ કેમ..? જો આવું જ હોય તો જાપાની મહિલાઓ સ્ટેડીયમમાં પુરુષો સાથે કેમ બેઠી છે..? અમે ઈરાનમાં જન્મ્યા એટલે..? જો જાપાનમાં જન્મ્યા હોત તો સ્ટેડીયમમાં બેસી મેચ જોઈ શકત..!
o        સૈનિક શક્યત: સરકારી વલણનો બચાવ કરે. અંતે એવું કહે કે ઈરાનીયન સ્ત્રી અને પુરુષ જાહેરમાં એકબીજા સાથે ન બેસી શકે.
o        તો પછી સિનેમાઘરોમાં સાથે કેમ બેસે છે..?
o        એ જુદી વાત છે.
o        એ કેવી રીતે જુદી વાત છે..! ત્યાં તો અંધારું હોય છે.
o        ત્યાં તેણી તેના પરિવાર સાથે આવે છે.
o        હું મારા ભાઈ કે પિતા સાથે મેચ જોવા આવું તો મને સ્ટેડીયમમાં બેસવા દેશો..?
o        હું અહીનો બોસ નથી. સૈનિક અકળાઈને મોટેથી બોલી પડે. તું પરણેલી છે..?
o        ના, હું પહેલાં ભણવા માંગું છું.
સૈનિક અન્ય એક સૈનિકને દુર પેસેજમાંથી એક મહિલા સૈનિકને હાથકડી લગાવીને લાવતો જૂએ. સંવાદ અટકાવે અને ઉભો થયી તે દિશામાં આગળ વધે. યુવતીને પાછી અન્ય યુવતીઓ સાથે નજરકેદ કરાય. દરમ્યાન એક પુરુષ પોતાની દીકરીને શોધતો આવે. ચહેરા પર કલરથી ફૂટબોલ સલગ્ન ચિત્રકામ કર્યું હોય ઓળખી ન શકે. યુવતી બુરખો ઓઢી પોતાની ઓળખ છતી કરે. કોલેજમાં અભ્યાસ માટે જવાનું જણાવી તેણી અહી આવી છે. પુરુષ તેણીને મારવા હાથ ઉપાડે ત્યારે સૈનિક તેને અટકાવે. પુરુષ તેનીને ઘરમાં કેદ કરવાની, તેણીના શિક્ષણ માટે તે કેટલી મહેનત કરે છે, તે તેણીને સજા આપશે જેવા સંવાદો અને ઘમાસાણ વચ્ચે પેલી યુવતીનો પ્રવેશ, જે ટોઇલેટમાંથી ભાગી હતી. મેચ જોઇને આવેલ આ યુવતી મેચનું વિગતવાર વર્ણન કરે. ક્યા દેશના ખેલાડીઓ કઈ તરફ છે અને કેવી રીતે રમી રહ્યાં છે.
સ્ટેડીયમમાં ચાલતી મેચની કોમેન્ટ્રી અને નજરકેદ યુવતીઓના ચહેરા પર વર્તાતી ઉત્કંઠા. અંતે ઈરાન ગોલ કરે ત્યારે યુવતીઓ દ્વારા ત્યાં જ તેની ઉજવણી અને વ્યક્ત થતો નજરબંધ ઉન્માદ દ્રશ્યના માધ્યમથી ઘણું કહી જાય છે. પછી યુવતીઓને સૈનિક વાહનમાં બેસાડી લઈ જવાય. વાહનમાં સ્ટેડીયમમાં ફટાકડાં લાવવાના આરોપસર પકડાયેલ એક છોકરો પણ છે. શરૂઆતમાં તે યુવતીઓ (chick) સાથે વાહનમાં બેસવાનો વિરોધ કરે. એક યુવતી સાથે ઝપાઝપી પણ થાય. યુવતીઓ રેડિયો ચાલી કરવા વિનંતી કરે. મેચની છેલ્લી ત્રણ મિનિટ બાકી હોય ત્યારે સૈનિક વાહનનો રેડિયો શરુ કરાવાય. મેચની કોમેન્ટ્રી અને યુવક-યુવતીઓના આનંદની ચરમસીમા વચ્ચે મેચ સમાપ્ત થાય. ઈરાન વિજેતા થતાં ફાઈનલમાં પ્રવેશ મેળવે. ઈરાનની સડકો પર વિજયની ઉજવણી શરુ થાય. સૈનિક વાહનમાં બેઠેલ યુવક-યુવતીઓ પણ તેમાં જોડાય. પેલો યુવક સંતાડી રાખેલ ફટાકડા ફોડે. એક સૈનિક ગિન્નાય. બીજો તેને વિજયની ઉજવણી અન્વયે “આંખ આડા કાન કરવા” કહે. એક યુવતી રડી પડે. પહેલાની એક ફૂટબોલ મેચમાં તેના સાત ઓળખીતા આવી જ એક મેચમાં થયેલ હિંસામાં માર્યા ગયા હતાં. બધાં તેને સાંત્વના આપે. યુવક તારામંડળ સળગાવે. યુવતીઓ પણ સાથે જોડાય. બહાર સડક પર પણ ઉજવણી ચાલી રહી છે. યુવતીઓ પણ તેમાં સામેલ છે. એક યુવક વાહનમાં આવી મીઠાઈ ખવડાવે. વાતાવરણ જીતના રંગમાં રંગાય. પેલી યુવતી યુવક પાસે સાત તારામંડળ માંગે. બધાંને વાહનમાંથી મુક્ત કરાય. યુવતી સળગતા તારામંડળ સાથે સડક પર ઉતારી ઉજવણી કરતી આગળ વધે.
અને અંતે...
સિનેમાના માધ્યમથી ફૂટબોલ ફીવર અને ઈરાનની વાસ્તવિક-સામાજિક સ્થિતિને વર્ણવતી આ ફિલ્મમાં કથનકેન્દ્ર તો સશક્ત છે જ. પણ દ્ર્શ્યભાષા, અવાજ અને પ્રતીકાત્મક અભિવ્યક્તિ ફિલ્મને ધારદાર બનાવે છે. યુવતી અને સૈનિકનો સંવાદ, ટોઇલેટમાં સૈનિક અને યુવકોનો સંવાદ, પુરુષ અને સ્ત્રી વચ્ચેનો ભેદભાવયુક્ત અભિગમ સ્પષ્ટ વર્તાય છે ને આમ ફિલ્મનું હાર્દ અભિવ્યક્ત થાય છે. યુવતી દ્વારા સૈનિક સાથે સક્ષમ વાર્તાલાપ કરવો, તેમના માટે હલકી વાત કરનાર છોકરા સાથે ઝપાઝપી, સૈનિક વાહનમાં યુવતીનું સિગારેટ પીવું, સિગારેટ માંગનાર છોકરાને આજીજી કરવા મજબુર કરવો અને અંતે તારામંડળના ચમકારા સાથે યુવતીનું ભીડમાં ભળી જવું. સ્ત્રીને મુખ્યધારામાં સામેલ કરવાના કે પ્રતિબંધોથી મુક્ત કરવાના મૂળ હાર્દને પ્રસ્તુત કરે છે.
આ તકે ઘવામી ધોનચેહ નામની પર્સિયન યુવતીની વાત યાદ આવી ગઈ. બ્રિટનમાં ઉછરેલ આ યુવતીને પુરુષોની વોલિબોલ મેચ જોવાના ગુનાસર ધરપકડ કરાયા પછી અન્ય આરોપો લગાવી વર્ષો સુધી કેદમાં ગોંધી રખાઈ હતી. તો ઇરાનનાં નૉબેલ શાંતિ પુરસ્કાર વિજેતા શિરીન એબાદીના જીવનની આ હૃદયદ્રાવક કથા પણ ઈરાનનો ચહેરો ખુલ્લો કરનારી રહી હતી જેને વિશ્વસ્તરે ચર્ચાઓ જગાડી હતી.
હાલમાં જ યોજાયેલ ફિફા વર્લ્ડકપની મેચમાં ઈરાન અને સ્પેન વચ્ચેની મેચ સ્ટેડીયમમાં જઈ જોવાની આઝાદી મળી છે, ફિલ્મકારે બારેક વર્ષ પહેલાં જોયેલ અને સિનેમાના માધ્યમથી વેધક રીતે દુનિયા સમક્ષ પ્રસ્તુત કરેલ સપનાનો એક ટુકડો સાકાર થયો છે. આખું સપનું ક્યારે સાકાર થશે..?
નોંધ: આ લેખના સંપૂર્ણ અધિકારો ડૉ.તરુણબેન્કરના છે. વિના પરવાનગી તેનો કોઇપણ રીતે કે સ્વરૂપે ઉપયોગ ગેરકાયદેસર છે.
ડૉ.તરુણ બેન્કર. (મો.) ૯૨૨૮૨૦૮૬૧૯ / ૮૮૬૬૧૭૫૯૦૦ (વોટ્સએપ)
tarunkbanker@gmail.com