ફિલમ તારા ખોળે: ‘કોલિંગ સેહમત’ થી ‘રાઝી’ સુધી


આલિયા ભટ્ટના સારા દિવસો ચાલી રહ્યાં છે. જો જો સમજવામાં કંઈ ગફલત ન કરતાં. મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની આ લાડકી તેણીના અભિનયનો પરચો કરાવી રહી છે. ‘student of the year’ થી શરુ કરેલ ફિલ્મયાત્રા અન્વયે બારેક ફિલ્મ કરી ચૂકેલ આલિયા ‘હાઈવે’, ‘ડીયર જિંદગી’ અને ‘ઊડતા પંજાબ’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયની ધાર બતાવી ચુકી છે. ફિલ્મી અંદાજમાં કહીએ તો... अपने अभिनय का लोहा मनवा चुकी है...
આલીયાના અભિનયના વખાણ ચાલી જ રહ્યાં છે, ત્યાં તો હરીન્દર સિક્કાની નવલકથા ‘કોલિંગ સેહમત’ પરથી બનેલ ફિલ્મ ‘રાઝી’એ બીજાં અનેક ઝંડા ફરકાવી દીધાં છે. સંપૂર્ણસિંઘ કાલરા અર્થાત ગુલઝારની દિકરી અને ‘તલવાર’ ફિલ્મથી પોતાની ફિલ્મકાર તરીકેની કાબેલિયત પુરવાર કરી ચૂકેલ મેઘના ગુલઝારની આ ફિલ્મ પ્રથમ ત્રણ સપ્તાહમાં અંદાજીત ૧૧૦ કરોડ રૂપિયાનું બોક્ષ ઓફિસ કલેક્શન કરી સુપરહિટ થવા ઉપરાંત ૧૦૦ કરોડી ક્લબમાં સામેલ થઈ ચુકી છે. નવલકથા અન્વયે વાત કરીએ તો જાસુસી પ્રણય કથા કહી શકાય તેવી આ વાર્તાનું કથાબીજ અને તેની મધ્યવર્તી વિષયવસ્તુ આધારે બેનેલ ફિલ્મ ‘રાઝી’માં નવલકથામાં સમાહિત પ્રણયતત્વની બાદબાકી કરી નાંખી કથાના ગર્ભમાં સમાહિત મૂળ કથાનક કે જેમાં એક કાશ્મીરી યુવતી સેહમત માભોમની રક્ષા કાજે પાકિસ્તાની યુવકને પરણી પાકિસ્તાન જઈ ત્યાંની ખાનગી જાણકારી ભારતને મોકલતી રહે. વાસ્તવિક જીવન પર આધારિત ભારતીય ડિટેક્ટીવની વાર્તા પરથી બનેલ આ ફિલ્મની કથા નવલકથાની મુખ્ય કથા જેવી જ છે, હા, નવલકથાના આરંભિક અને અંતિમ પ્રકરણની અહી બાદબાકી કરવામાં આવી છે. નવલકથાની પૂર્વભૂમિકામાં સમર ખાનના ઉદગાર સ્વરૂપે કહેવાયેલી વાત Sehmat Khan, my mother, was no ordinary person. She was a soldier who lived with only one mission—of safeguarding the country’s interest. And she continued to do so till she passed away this morning.’નો ફિલ્મમાં પૂર્ણત: ખ્યાલ રાખવામાં આવ્યો છે.
‘રાઝી’ની કથા કાશ્મીરમાં રહેતા અને વ્યવસાય અર્થે નિયમિત પાકિસ્તાન જતાં હિદાયત ખાન (રજિત કપૂર) અને તેની બેગમ તેજી (સોની રાઝદાન) સાથે શરૂ થાય છે. નવલકથા ‘કોલિંગ સેહમત’ માં આ વાત લંબાણપૂર્વક કરવામાં આવી છે. નવલકથાનું પહેલું આખું પ્રકરણ હિદાયત અને તેજીન્દરની એક કાશ્મીરી શાલની દુકાનમાં થયાં પછી તેમની વચ્ચે પાંગરેલ પ્રણયને વ્યક્ત કરે છે. બીજા પ્રકરણમાં સામાજિક સંઘર્ષ વચ્ચે તેમના લગ્ન અને બે વર્ષ પછી સેહમતના જન્મ સાથે વિસ્તરે છે. મુસ્લિમ પિતા અને હિંદુ માતાની દીકરી સેહમત બાળપણથી જ બિન-સાંપ્રદાયિક માહોલમાં ઉછરી છે. નવલકથાકાર હરમિંદર સિક્કાની બે જ લાઈન આ વાતને પ્રમાણિત કરવા પૂરતી છે. “Sehmat  grew up watching her parents practise two different religions yet live in complete harmony under the same roof. Hidayat’s undying love for his watan,  his country, India.
હિદયાતને જ્યારે ખબર પડે કે તે કેન્સરનો શિકાર બન્યો છે અને તેના જંતુ તેના રોમરોમમાં ફેલાઈ ચુક્યા છે, ત્યારે તેને મૃત્યુના ભય કરતા અ ચિંતા વધુ છે કે હવે માતૃભૂમિ માટે જાસુસી કોણ કરશે..? RAWના અધિકારીઓની મદદથી તેણે તૈયાર કરેલું નેટવર્ક કોઈ અજાણ્યા કે પૂર્ણત: વફાદાર ન હોય તેવા વ્યક્તિને કેવી રીતે સોંપાય..? અંતે તે એવા નિર્ણય પર પહોંચે કે દિલ્હીમાં અભ્યાસ કરી રહેલ પોતાની દિકરી સેહમતને આ જવાબદારી સોંપવી. પણ સાથે તેના અને ખાસ કરીને RAWના અધિકારીઓના મનમાં એક શંકા પણ છે. અંતે હિદાયત તેજીન્દરને પૂછે પણ છે. ‘Do you think our Sehmat would fit the bill?’ આ સાંભળી તેજ ભાંગી પડે. નવલકથામાં વણાયેલ તેણીનો ઉદગાર “Tej burst into tears. The very thought of pushing  her only child into a venture that was filled with danger at every possible turn was heartbreaking. તેની મનોસ્થિતિને વ્યક્ત કરે છે. ફિલ્મમાં પણ આ પ્રસંગ છે, પણ તેને ઓડિયો-વિઝ્યુલ ટચ અપાયો છે.  
આ ઘટના પછી નવલકથામાં આખા ત્રણ પ્રકરણ દિલ્હીમાં રહી અભ્યાસ કરતી સેહમત માટે લખાયા છે. તેના સ્વભાવ અને રૂપ-રંગને પ્રતિપાદિત કરવા પ્રસંગો આલેખાયા છે. ખિસકોલીને વાહનને અડફેટથી બચાવાવમાં મગ્ન સેહમત પોતાને અકસ્માત સમક્ષ ધારી ડે છે. ફિલ્મમાં આ દ્રશ્ય સેહમત અર્થાન આલિયા ભટ્ટના પ્રવેશ માટે સર્જાયું છે. તો સાથો-સાથ તેણીની સાથે અભ્યાસ કરતી, રૂમમેટ અને અંગત સહેલી મિતાલીનો પણ પરિચય અને પ્રવેશ કરાવ્યો છે. મારા માટે ખિસકોલીવાળું દ્રશ્ય રાવણ હણવા જતી વખતે રામસેતુ બાંધતી વખતે રામકાજમાં મદદ કરતી ખિસકોલી અને તેની પીઠ પર રામે ફેરવેલ હાથના પ્રતીકરૂપ તેના શરીર પર દેખાતા ઉભા પટ્ટા કે લીસોટાવાળા પ્રસંગના Metaphorને રજૂ કરે છે. અહી સેહમત રામ બની રાવણરૂપી પાકિસ્તાનને હણવાની તૈયારીનું પ્રતીક બને છે.
સેહમતના કોલેજકાળ દરમ્યાન સહપાઠી અભિષેક સાથેના પારસ્પરિક આકર્ષણ, પ્રેમ સંબંધ અને કોલેજના વાર્ષિક સમારંભમાં મીરા બનનાર સેહમત મુસ્લિમ હોય એક ટ્રસ્ટીના વિરોધ સામે અભિષેકનો મક્કમ સૂર. વાર્ષિક સમાંરભમાં સેહમતનું લાજવાબ પ્રદર્શન અને તમામ તરફથી મળેલા અભિવાદન પછી લાઈબ્રેરીમાં સેહમત અને અભિષેકની મુલાકાત. એકમેકના પ્રેમનો સ્વીકાર. નવલકથામાં સેહમતની સહેલીયો અને ખાસ કરીને રૂમમેટ મિતાલીના મુખેથી ઉચ્ચારતા સંવાદો સેહમત અને અભિષેક વચ્ચેના પ્રણયબંધનને જાહેર સહમતી આપે છે. સેહમતની અભિષેક સાથેની પહેલી મુલાકાત અંગે તેણીના જ મુખે વાત સાંભળવાની મિતાલીની ઉત્કંઠા અને બંને તેની હાજરીમાં મળે ત્યારે ઔપચારિક વાત કર્યાં પછી પ્રેમી-પંખીડાઓને ત્યાંથી જવા આદેશ આપતી મિતાલી સ્વને જ કબાબમાં હડ્ડી માની તેનાથી દુર જવા તેમણે જણાવતી વર્તાય છે. નવલકથાકાર હરમિંદર સિક્કાએ આ સ્થિતિ અંગે મિતાલીના મુખેથી ઉચ્ચારાવેલ સંવાદ : It was a pleasure  indeed. You two beautiful people deserve each other. It had to happen one day. Now will you two  please get lost? સેહમત પ્રત્યેની તેણીની લાગણી અને તેણી અને અભિષેક વચ્ચેના સંબંધ પ્રત્યે પોતાનો આવેગ વ્યક્ત કરે છે. નવલકથાના આ જ પ્રકરણમાં કોલેજના અભ્યાસ દરમ્યાન શેક્સપિયરના સાહિત્યના અભ્યાસ અન્વયે રોમિયો-જુલિયેટના eternal loveની વાત વાસ્તવિક નવલકથાને કાલ્પનિક અથવા રોચક બનાવવાનો પ્રયત્ન ભાસે છે. તો વાર્ષિક સમાંરભમાં વિજેતા બન્યાં પછી અભિષેકને પણ પામી ચૂકેલ સેહમતને અભિનંદન આપતી કલાસમેટનો સંવાદ Helen, her classmate, laced her sentence with sarcasm, ‘You seem to be the lucky one, winning  two trophies in a single day! નવલકથામાં સમાહિત પ્રણયતત્વને અભિવ્યક્ત કરે છે. જો કે ફિલ્મ રાઝીને આવા વેવલાવેડાથી બચાવી લઈને દિગ્દર્શક મેઘના ગુલઝારે ફિલ્મને કથાનકના center ideaથી ભટકવા દીધી નથી. કોલેજ અને દિલ્હીમાં પરવાન ચઢેલ સેહમત-અભિષેકના પ્રેમ વચ્ચે અચાનક આવેલ તાર અને સેહમતને ત્વરિત શ્રીનગર પાછા આવવાની હિદાયત નવલકથાના રોચક કથાવળાંક (turning point)ને ઈંગિત કરે છે. નિયમિત મિલન અને આગળ વધતા પ્રેમ વચ્ચે છેલ્લા પેપરની આગલી રાતે મળતાં મેસેજ અન્વયે સેહમત તાત્કાલિક શ્રીનગર જવા રવાના થાય. શ્રીનગર આવી સેહમત બધી હકીકત જાણે પછી પિતાની આજ્ઞા અનુસાર તૈયાર થયાં પણ..? નવલકથાકારે વ્યક્ત કરેલ એક લાઈન સેહમતના દિલ અને દિમાગ વચ્ચેના દ્વંધને પ્રતિપાદિત કરે છે. She would do as expected—get married three months later—but not before making a trip to Delhi.” સેહમત દિલ્હી આવી અભિને મળે અને બધી માહિતીથી અવગત કરાવે. વિયોગ પહેલાં અંતિમ મિલન નવલકથાકારે સંયમી બનાવ્યું છે અને ફિલ્મમાંથી તો તેની બાદબાકી જ કરાઈ છે. આમ કરી ફિલ્મકારે ફિલ્મને મૂળ કથાચિલા (story track)થી અળગી થતી અટકાવી છે. સામાન્યતઃ ધર્મા પ્રોડક્શન અને કરણ જોહર આવા પ્રસંગોને larger then life બનાવી દર્શકોને બેહેલાવવા ખ્યાત છે, પણ અહી તેઓ કાબુમાં રહ્યાં છે જે ફીલ્મોચિત ભાસે છે.
પિતાના મૃત્યુ પછી સેહમતના નિકાહ પાકિસ્તાનના લશ્કરી અધિકારી બ્રિગેડીયર સૈયદના નાના પુત્ર ઈકબાલ સૈયદ (વિકી કૌશલ) સાથે થાય. આમ પિતા હિદાયત ખાનની ઈચ્છા અને rawના અધિકારીઓની રણનીતિ અનુસાર સેહમત પાકિસ્તાનના સૈયદ પરિવારની સૌથી નાની બેગમ બની પાકિસ્તાન આવે. ક્રમશ: પતિ અને પરિવારનું મન જીતી તક મળ્યે પાકિસ્તાન લશ્કરની ખાનગી માહિતી ભારત પહોંચાડતી રહે. આમ કરવા માટે ફિલ્મમાં દ્ર્શ્યભાષાને વિશેષ મહત્વ અપાયું છે. હવેલીની છત પર કપડાં સુકવવાનો તાર બાંધવાના નામે સેહમત તાર મોકલવાના નાનકડાં યુનીટનું રીસીવર તૈયાર કરતી દર્શાવાઈ છે. તો અબ્બુ (સસરા) બ્રિગેડીયર સૈયદને ઉચ્ચ સ્થાને પ્રમોશન મળવાની ઘટના પાર પડે તે માટે સેહમત ભારતીય અધિકારીઓ સાથે મસલત પણ કરે. ઘરમાં યોજાતી લશ્કરી મિટિંગ દરમ્યાન થતી ગુપ્ત વાતો સાંભળવા સેહમત ટેબલની નીચે એક રીસીવર ફીટ કરતી દર્શાવી જાસૂસીના મૂળભૂત આયામો અજમાવતી દર્શાવી છે. આ આખી ઘટના દરમ્યાન નવલકથા અને ફિલ્મ બંનેમાં ઘરનો વફાદાર નોકર અબ્દુલ સતત સેહમત પ શક કરતો કે તેણી પર જરાય વિશ્વાસ ન કરતો દર્શાવાયો છે. થિયેટર એક્ટર આરીફ ઝકારીયાએ આ પાત્રને ફિલ્મના પડદે ખરા અર્થમાં સાકાર કર્યું છે. સેહમત (આલિયા ભટ્ટ) પછી આ બીજું એવું પાત્ર છે, જે ફિલ્મ ઉપર પોતાની છાપ છોડી જાય છે.
પાકિસ્તાન આવ્યાંના બીજા જ દિવસે રસોડામાં પ્રવેશી સવારના નાસ્તા માટે પરોઠા બનાવતી સેહમતને ટોકતો અને બધાના નાસ્તાની પસંદ અને તેનો આદેશ મોટી બેગમ દ્વારા અપાઈ ચૂક્યાની વાત સાથે અપ્રત્યક્ષ રીતે સેહમતને ‘માપમાં રહેવા’ સૂચવતો અબ્દુલ મૂળ તો ભારત (મલેર કોટ)નો છે, પણ ભાગલા વખતે તે પાકિસ્તાન આવી ગયો હતો. ભારત પ્રત્યેની તેની ચીઢ કે નારાજગી અને ભારતીય સેહમતના એ ઇકબાલ સાથે લગ્ન જેને નાનપણથી તેણે જ ઉછેર્યો છે. અબ્દુલની ચીઢના આ પ્રમુખ કારણો ફિલ્મમાં દ્રશ્ય-શ્રાવ્ય ભાષા દ્વારા પ્રસ્તુત કરી સરળતાથી આગળ વધતી સેહમતની યોજના વચ્ચે સ્પીડ બ્રેકર બને છે અને બ્રિગેડીયર સાહેબે ઓફિસમાં મુકવા આપેલ ફાઈલ સેહમત ચોરીછૂપીથી મેળવી ભારત તેની માહિતી પહોંચાડતી હોય ત્યારે અચાનક ફાઈલ લેવા આવેલ બ્રિગેડીયર સાહેબને ફાઈલ આપવા ગહન શોધખોળ કરતો અબ્દુલ અને તે દરમ્યાન ચાલાકીથી બ્રીગેદીયારને ફાઈલ આપી દેતી સેહમતની ચાલાકી ભલે બીજાથી દુર રહે પણ અબ્દુલ આ પકડી પાડે છે. આ જાણકારી સાહેબને પહોંચાડવા ઘેરથી દોડતા જતાં અબ્દુલને એક લશ્કરી ટ્રક કચડી કાઢે. નવલકથામાં સેહમતના મુખેથી ઉચ્ચારતો સંવાદ: “‘I am sorry, Abdul, but you have to go. My country comes first,’ she murmured before pressing    her right  foot on the gas pedal.સેહમતના માનવીય અભિગમને દર્શાવે છે. સેહમત દ્વારા આચરાતું આ કૃત્ય અને તે સબબ સેહમતનું આક્રંદ દેશની સુરક્ષા માટે કઠોરમાં કઠોર નિર્ણય કરનારી સેહમતના માનવીય ચરિત્રને પ્રસ્તુત કરે છે. ફિલ્મ અને નવલકથા બંનેમાં આ ઘટનાચક્ર રોચકતાથી આલેખાયું છે. આ દ્રશ્યોમાં આલીયાનો અભિનય, ફિલ્મની પટકથા, ફિલ્માંકન, સંકલન અને પ્રસ્તુતિ એટલી ધારદાર બની છે કે આ દ્રશ્ય દર્શકો બંને હાથ ખુરશીના હેન્ડલ સાથે જકડી, ટટાર બેસી, ફાટી આંખે જોવા મજબુર બને છે. દુષ્કૃત્ય પછી માનવીય સંવેદનો અન્વયે આક્રંદ કરતી સેહમત ફિલ્મને રોચાક્તાના શિખરે પહોંચાડે છે અને તે જ ક્ષણે આવતો મધ્યાંતર પટકથાના આગવાપણાને પ્રમાણે છે. નવલકથામાં આ ઘટના પછી તરત જ પાછી સ્વસ્થ થઈ ભાવનોમાં વહ્યા વગર મૂળ કાર્યમાં લાગી જતી સેહ્માતને નવલકથામાં આ રીતે વર્ણવી છે: “The heavy burden on her conscience began to press upon her and she began crying even as she towelled herself dry. Fifteen minutes later, Sehmat stepped out of the bathroom. She used the same burka to wipe both the passage and her room, removing visible traces of mud and evidence that could incriminate her. Minutes later she was back in the bathroom, dismantling the communication lines and loosely hanging wires. Bundling the burka and the house gown, she threw them in the fire pit without ceremony and sat next to it till the evidence was completely consumed by the hungry flames.
જાસુસી કૃતિ એ નવલકથા હોય કે ફિલ્મ, તેની રોચકતા જળવાઈ રહેવી એ તેની પ્રાથમિક શરત છે ને ‘કોલિંગ સેહમત’ અને ‘રાઝી’ બંને કિસ્સામાં તે જળવાઈ રહે છે. ફિલ્મનો બીજો ભાગ દર્શકોની ધારણા કે અનુમાન કરતાં થોડો વધુ રોચક છે. “ચોરની ચાર તો શાહુકારની છ” અનુસાર સેહમતની કારસ્તાનીની ગંધ અબ્દુલને તો આવી જ ચુકી હતી પણ તેનું ખૂન અને મરતાં પહેલાં તેણે ગુનેગાર અંગે વ્યક્ત કરેલ નિષ્ફળ પ્રયાસ ભલે તેની વાતને વ્યક્ત ન કરી શક્યો પણ અણસાર તો આપી જ ગયો હતો. સેહમતના જેઠ મેજર મેહબુબ અબ્દુલના પ્રયાસને ભલે ૧૦૦% પામી સકતા પણ તેમણે અણસાર જરૂર આવે છે કે જે દેખાય છે તે સત્ય નો નથી જ. ફિલ્મમાં પહેલેથી જ સેહમતના પતિ, સસરા, જેઠ કે જેઠાણી માટે code name અપાયા હતાં. મેજર મેહબુબ સેહમતને પકડી પાડવા સુધીની માહિતી મેળવે તે પહેલાં raw તરફથી મળેલ આદેશ અનુસાર તેણી તેને પણ પરલોક પહોંચાડી દે. મેહ્બુબને ‘ઠેકાણે પડવા’  છત્રીમાં પારાની ગોળી ભરેલું ઇન્જેક્શન લગાવી ઘડી કઢાયેલ અકસ્માત અનુસાર તે મેહ્બુબના શરીરમાં દાખલ કરાય ને ગણતરીના કલાક પછી મેજર મેહબુબ હૃદયરોગના હુમલાનો ભોગ બને.
આમ ભોળી-માસુમ-નાદાન ભાસતી સેહમત એક પછી એક ઓપરેશન પાર પાડતી રહે. તેણીની માહિતીના પગલે ભારતનું મુખ્ય જહાજ આઈ.એન.એસ. વિક્રાંત બચાવી લેવાય. માહિતી મેળવવા સેહમત પારિવારિક લાગણીઓ સાથે ગીત-સંગીતનો પણ સહારો લે. આર્મીના કાર્યક્રમ અન્વયે બાળકોને દેશભક્તિ ગીત તૈયાર કરાવે જેમાં બ્રિગેડીયર સૈયદના પૌત્રને વિશેષ રીતે પ્રસ્તુત કરી તેમના હૃદયમાં પણ સ્થાન મેળવી લે. ફિલ્મમાં આવતું ગીત: “એ વતન મેરે આબાદ રહે તૂ, મેં રહું જહાં જહાં આબાદ રહે તૂ”ની પ્રસ્તુતિ દેશપ્રેમને ઉજાગર કરે છે. સ્ટેજ પર બાળકોની પ્રસ્તુતિ સાથે નેપથ્યમાં ગણગણતી સેહમત અને તેણીના હાવ-ભાવ દરેકની પોતાના વતન પ્રત્યેની વફાદારીને રજૂ કરે છે. ગીતના શબ્દો ગુલઝાર સાહેબના અને કંઠ અરિજિત સિંઘનો અને સંગીત શંકર, એહસાન, લોયનું. મધુર, મોહક અને દિલકશ ગીત ફિલ્મની હાઈલાઈટ બન્યું છે. ફિલ્મનો આ આગવો આયામ કે તેનું સવિશેષ ઘટક સિનેમાને સાહિત્યથી નોખું તો પાડે છે જ પણ સાથોસાથ અનેક પરિસ્થિતિ સાહિત્ય કરતાં વધુ પ્રભાવીપણે રજુ પણ કરે છે. અહી “કોલિંગ સેહમત”ની સરખામણીએ “રાઝી’ બાજી મારી જાય છે.
અંતે એવી પરિસ્થિતિ આકાર લે છે કે ગમે તે ઘડીએ સેહમત પકડાઈ જશે..! તેણીને અપાયેલ તાલીમ અનુસાર કોઈને પણ તેના ઉપર શંકા ગઈ છે, અર્થાત તે વાત સાચી જ છે અને એટલે ત્યાંથી છટકી દેશ પરત આવવાના વિકલ્પ વિષે વિચારવું અને તેના માટે સંલગ્ન લોકોની મદદ લેવી કે તેમણે જાણ કરવી. ફિલ્મ અને નવલકથા બંનેમાં RAWના મેજર મીર મેજર મેહ્બુબના મ્રત્યુ અન્વયે શોક વ્યક્ત કરવા બ્રિગેડીયર સૈયદની હવેલીએ આવી પહોંચે. અહી પહેલાં સેહમત સાથે મૂક ચહેરો સંવાદ રચે ને ટેલિફોન એટેન્ડ કરવા ગયેલ ઇકબાલ સૈયદની ગેરહાજરીમાં કેટલીક મૌખિક સૂચનાઓ આપી તેઓ વિદાય લે. અબ્દુલના રૂમની તપાસ કરતાં કેટલાક સાધનો મળી આવે જે સેહમતએ પોતાને બચાવવા અને અબ્દુલ પ્રત્યે શંકા મજબુત કરવા છુપાવ્યા હતાં. ઇકબાલ સૈયદના હાથમાં સેહમતની પાયલનો એક મણકો આવે. મનોમન બધાં તાર મેળવે. સેહમતના રૂમમાં સઘન તલાશી અંતે તે જ્યારે બહાર આવે ત્યારે સેહમત તેની સામે રિવોલ્વર તાંકીને ઉભી છે.
ફિલ્મના અંતનો અહીથી આરંભ થાય. RAWના મેજર મીરએ આપેલ સુચના અનુસાર તેણી escape road તૈયાર કરે તે પહેલાં જ તે ઝડપાય. હવે..?
નવલકથામાં ફિલ્મના અંત પછી કથાપટ આગળ વધે. સેહમતની માહિતીથી સતર્ક બનેલ ઇન્ડિયન નેવી પાકિસ્તાની સબમરીન ગાઝીના હુમલાથી આઈ.એન.એસ. વિક્રાંત જહાજને કેવી રીતે બચાવે તે કથા, સેહમત ગર્ભવતી હોવાની જાણ, અભિષેક તેણી સાથે હજુય લગ્ન કરવાં તૈયાર હોવાની વાત, શ્રીનગરની તમામ મિલકત વેચી સેહમત અને તેની માતા મલેર કોટલા આવી જાય. અહી પન એ ગામની સુખ-સુવિધા અને રક્ષા માટે સતત કાર્યરત રહે. જેવાં મુદ્દાઓ સાત પ્રકરણ અને અંદાજીત ૪૦ પેજમાં ફેલાયાં છે. ને અંતે સેહમતનું મૃત્યું.
નવલકથાનો લાંબો આરંભ અને અંત છોડી તેના ગર્ભસ્થ હિસ્સાનો અને મૂળ વિષયવસ્તુનું ફિલ્મમાં ઉપયોગ કરાયો છે. આમ કરી ફિલ્મકારે મૂળ વિષય અથવા નવલકથાના અસલ કન્ટેન્ટને જ ફિલ્મમાં સમાવી સાહિત્યના સિનેમામાં રૂપાંતરણ અન્વયે પોતાની વિશેષ સૂઝ વ્યક્ત કરી છે. જાસુસી વિષયવસ્તુ વચ્ચે ગૂંથાયેલ બબ્બે પ્રણયકથાની ફિલ્મમાંથી સદંતર બાદબાકી કરી છે. સાહિત્યિક કન્ટેન્ટનું ફિલ્મની પટકથામાં રૂપાંતર આગવું અને સહજ ભાસે છે. ફિલ્મકાર મેઘના ગુલઝારે સાહિત્યિક વિષયવસ્તુઓનો જ ઉપયોગ કર્યો છે, પણ તે કરતી વખતે બિન-જરૂરી વસ્તુઓની બાદબાકી કે કાટ-છાંટ એટલી યથોચિત કરી છે કે તેના કારણે સાહિત્યનુ મૂલ્ય વધે છે. સેહમતની કથા કહેવા માટે ભવાની ઐયર અને મેઘના ગુલઝારે લખેલ પટકથા અને મેઘના ગુલઝારનું જ દિગ્દર્શન, સમગ્ર ફિલ્મ પ્રોજેક્ટને ત્રણ દેવીઓનો પ્રોજેક્ટ બનાવવા સાથે તેને ગરિમા પણ બક્ષે છે. સેહમતના પાત્રગત લક્ષણોને પહેલેથી જ પ્રતિપાદિત કરી જાસુસી દરમ્યાન તેની વિશેષ આવડત કે સૂઝ ‘ગળે ઉતરે’ તે રીતે વ્યક્ત કરી છે.
૧૯૭૦ના વાતવરણને સર્જવા live location, પહેરવેશ, ફિલ્માંકન અને તેવાં જ કલરટોનનું મિશ્રણ વાસ્તવિક ભાસે છે. આમ જોવા જઈએ તો પાતળી ક્થલાઇન જેમાં એક ભારતીય નવયુવના પિતાની ઈચ્છા અને દેશપ્રેમ અન્વયે પાકિસ્તાનની આર્મી સાથે સંકળાયેલ પરિવારની વહુ બની પરણી અહી આવે ને જે ઉદ્દેશ્ય માટે તેણીએ લગ્ન કર્યાં છે તે પાર પાડે. થોડીક સમજ ધરાવતો દર્શક પણ ફિલ્મના પહેલાં અડધો કલાકમાં જ કથાને પામી જાય તેવી કથા હોવાં છતાંય પટકથા અને ફિલ્મ નિર્માણની યુક્તીઓના દિગ્દર્શક દ્વારા વિનિયોગ અંત સુધી રોમાંચ કે ઉત્કંઠા જાળવી રાખે છે. ફિલ્મના પાત્રો સ્થિતિ-પરિસ્થિતિ કે પાત્રગત લક્ષણ અન્વયે ટેમ્પર ગુમાવતા, આકુળવ્યાકુળ થતાં કે હડબડાટ વ્યક્ત કરતાં જણાય છે, પણ ફિલ્મકાર મેઘના ગુલઝાર cool, calm & compose બની પોતે જે અને જે રીતે કહેવું છે તેનાથી જરાય ડગ્યા વગર કહે છે. ફિલ્મમાં સેહમત તરીકે આલિયા ભટ્ટનો અભિનય લાજવાબ છે. દિકરી, પત્ની કે વહુ તરીકે પ્રેમાળ ભાસતી સેહમત જાસુસ તરીકે વેધક અને ખૂંખાર ભાસે છે. ઈમ્ત્યાઝ અલીની ફિલ્મ ‘હાઈવે’, લેખક-દિગ્દર્શક ગૌરી શિંદેની ‘ડીયર જિંદગી’ અને અભિષેક ચૌબેની ‘ઊડતા પંજાબ’ પછી ‘રાઝી’ ફરી એકવાર આલિયાની ફિલ્મ પુરવાર થયી છે. આલીયાનો સહજ અને પ્રભાવક અભિનય એટલો નેચરલ લાગે છે કે આપણને એમ જ થાય કે સત્ય ઘટનાની સેહમત આલિયા જ હશે. વળી અન્ય દેશભક્તિની ફિલ્મોની જેમ તેમાં વધારે પડતો ઘોંઘાટ, શોર કે loudness નથી. દેશભક્તિ દર્શાવવા ભારત તરફી કે પાકિસ્તાન વિરોધી નારાઓ નથી. ક્યાંય રાષ્ટ્રભક્તિનો અતિરેક નહી ને છતાંય રાષ્ટ્ર્ભક્તિથી છલકતી આ ફિલ્મ ફિલ્મ નિર્માણના લગભગ બધાં પાસાઓ પર ખરી ઉતરી છે.
આલિયા ભટ્ટ ઉપરાંત નોકર અબ્દુલના પત્રમાં આરીફ ઝકરિયા, પતિ ઇકબાલ સૈયદના પત્રમાં વિકિ કૌશલ અને મેજર મીરના પાત્રમાં જયદીપ અહલાવત પ્રભાવિત કરે છે. કંવલજીત, શિશિર શર્મા, રજીત કપૂર, અશ્વથ ભટ્ટ કે સોની રાઝદાન પાસે વિશેષ અભિનયની તક ન હોય તેઓ ‘ખાલી જગ્યા ભરો’ જેવાં પત્રો બન્યાં છે. હા, તેમને મળેલ નાનકડી જવાબદારી ચૂક વગર તેમણે નિભાવી છે.
આમ પણ આપને ત્યાં મહિલાપ્રધાન ફિલ્મો ઓછી બેને છે, પણ છેલ્લાં પાંચેક વર્ષમાં બનેલ પંદરેક ફિલ્મો પૈકી બોક્ષ ઓફિસ કલેકશનની દ્રષ્ટિએ ‘રાઝી’ બીજા ક્રમે આવી પહોંચી છે અને ચોથા વીક પછી પણ mouth publicity અને સ્વશક્તિ અન્વયે આગેકૂચ ચાલુ રક્ષે તો કદાચ ‘તનુ વેડ્સ મનુ’નો ૧૪૯ કરોડનો રેકોર્ડ પાર પણ કરી શકશે. ‘રાઝી’ ૨૫ દિવસ પછી ૧૧૫.૭૪ કરોડ રૂપિયા કલેક્શન કરી ચુકી છે અને હાલ પણ સિનેમાઘરોમાં દોડી રહી છે. અત્રે મહિલાપ્રધાન ફિલ્મોની વાત નીકળી છે ત્યારે જણાવી દઉં કે તુમ્હારી સુલુ, હિરોઈન, જિસ્મ, મર્દાની, તનુ વેડ્સ મનુ-૨, ઈંગ્લીશ વિન્ગ્લીશ, હિચકી, રાગીણી એમએમએસ-૨, કહાની, મેરી કોમ, ક્વીન અને નીરજા ફિલ્મો ૩૩ કરોડથી ૭૨ કરોડ જેટલું બોક્ષ ઓફિસ કલેક્શન કરી ચુકી છે. હા, તનુ વેડ્સ મનુ પછી રાઝી એકમાત્ર એવી મહિલા પ્રધાન ફિલ્મ છે જે ૧૦૦ કરોડી ક્લબમાં સામેલ થઈ છે.
વાઈડ એન્ગલ: સાહિત્યનું સિનેમામાં રૂપાંતરણ અન્વયે નવલકથા ‘કોલિંગ સેહમત’નું ફિલ્મ ‘રાઝી’માં રૂપાંતર વિલક્ષણ બન્યું છે. જો કે નવલકથાની સરખામણીએ ફિલ્મ વધુ રસપ્રદ ભાસે છે. કારણ, ફિલ્મની પટકથામાં સાહિત્યના બિન-જરૂરી કે સાહિત્યિક ભસતા અંશોની બાદબાકી કરવામાં આવી છે, તો બીજી તરફ ફિલ્મના દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ અને તેના વિશેષ ઘટકો ફિલ્માંકન, અભિનય, ગીત-સંગીત અને પટકથા તથા સિનેમાના વ્યાકરણનો યથોચિત ઉપયોગ ફિલ્મને પ્રભાવી બનાવે છે.
અહી સાહિત્ય અને સિનેમાને સામસામે નહી પણ પાસે-પાસે બેસાડી મૂલવવાનો પ્રયત્ન કરાયો છે. બન્નેના સ્વરૂપ અલગ અને આગવા હોય સાહિત્ય કે સિનેમાને માણતી વખતે તેમના લક્ષણો અને મર્યાદાનું ધ્યાન રાખવું આવશ્યક છે.
નોંધ: આ લેખના સંપૂર્ણ અધિકારો ડૉ.તરુણબેન્કરના છે. વિના પરવાનગી તેનો કોઇપણ રીતે કે સ્વરૂપે ઉપયોગ ગેરકાયદેસર છે.
ડૉ.તરુણ બેન્કર. (મો.) ૯૨૨૮૨૦૮૬૧૯ / ૮૮૬૬૧૭૫૯૦૦ (વોટ્સએપ)
tarunkbanker@gmail.com

Post a Comment

0 Comments