ફિલમ તારા ખોળે – પૂર્વ ભૂમિકા



                બાળપણથી જ મને ફિલ્મોનું ઘેલું લાગેલુ. રોજ સવારે ઉઠવામાં નાટક કરતો, પણ શુક્રવારે સૌથી વહેલો ઉઠી જતો. મારા ઘરની નજીક આવેલ એક ચાલીના કથેડે શુક્રવારથી નવી શરુ થઈ રહેલ ફિલ્મોના બોર્ડ લાગતાં. વહેલો ઉઠી તે જોવા દોડી જતો. દસમાં ધોરણમાં આવ્યો ત્યાં સુધી તો ઘરેથી જે ફિલ્મ જોવા જવા દેવાય તે જ ફિલ્મો જોઈ હતી. લગભગ ગુજરાતી ફીલોમ જ જોવા મળતી. મને યાદ નથી કે મેં કોઈ હિન્દી ફિલ્મ આ સમયગાળામાં જોઈ હોય. તે સમયે ટીવી તો હતું જ નહીં, એટલે... ૧૯૮૩માં મેં દસમું પાસ કર્યું ને લગભગ ૧૯૮૪માં મારા શહેર ભરૂચમાં દૂરદર્શનની છત્રી લગાવાઈ ને અનેક ઘરોમાં ધડાધડ ટીવી આવવા માંડ્યા. મારા ઘેર પણ ચાર-છ મહિનામાં ટીવી આવી ગયું. દર રવિવારે આવતી ફિલ્મો અને ચિત્રહાર મારું મુખ્ય આકર્ષણ. ૧૯૮૩/૮૪ દરમ્યાન સ્કૂલમાંથી ગૂલ્લી મારી ભરૂચના રીલીફ, શાલીમાર, બસંત, સરસ્વતી અને ભારતી સિનેમાઘરોમાં અનેક ફિલ્મ જોઈ. અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર સ્કુલ યુનિફોર્મ પહેર્યા વગર જવાનું. પ્રાર્થના દરમ્યાન શાળા આની નોંધ લે ને પહેલો પીરીયડ લગભગ ૧૧:૪૦ પૂરો થાય એટલે હું યુનિફોર્મ પહેરી આવવાનું બહાનું કાઢી સ્કૂલમાંથી નીકળું. દોડતો-ભાગતો કોઈ પણ ટોકિઝે પહોંચવાનું ને ૧૨ થી ૩ના શોમાં ફિલ્મ જોઈ મોટી રીસેસ પછી પાછુ ક્લાસમાં દાખલ થઈ જવાનું. ચાલુ સ્કુલે ફિલ્મ પણ જોવાઈ જાય ને ઘરમાં કોઈને ખબર પણ આ પડે. એક વર્ષ સુધી આવું ચાલ્યું. ૧૯૮૪માં સુરત ડીપ્લોમાં એન્જિનિયરીંગમાં પ્રવેશ મળ્યો ને શરુ થયું ભરૂચથી સુરતનું અપ-ડાઉન. પછી તો પુછનાર જ કોણ..? કોલેજ લગભગ બપોરે બે-અઢી સુધી જ ચાલતી. તો ક્યારેક હું બપોર પછીની કોલેજ છોડતો. ત્રણની આસપાસ સ્ટેશન વિસ્તાર, રીંગ રોડ કે દિલ્હી દરવાજાથી ભાગળ જતાં રોડ પર આવેલા આઠ-દસ ટોકિઝ પૈકી કોઈપણ એકમાં ઘુસી અનેક ફિલ્મો જોઈ હતી. હદ તો ત્યારે થઈ કે ડીપ્લોમાં એન્જિનિયરિંગની પરીક્ષાનું પેપર બપોરે ૧૨ વાગ્યાનું હતું. સવારની ભરૂચ-સુરત શટલમાં લગભગ નવ વાગ્યે સુરત પહોંચ્યો ત્યારે વિચાર આવ્યો કે પેપર તો બાર વાગ્યનું છે. ત્રણ કલાકનો સમય છે તો મોર્નિંગ શોમાં પિક્ચર જોવામાં કોઈ વાંધો નથી, ને જોઈ નાંખ્યું પછી કોલેજે પહોંચ્યો. પેપર શરુ થઈ ગયું હતું. બહારગામથી આવું છે એટલે મોડું થઈ ગયું તેવું બહાનું કાઢી પેપર આપવા બેસી ગયો ને બધાં કરતાં પહેલાં લખી કાઢી પરીક્ષાખંડની બહાર પણ નીકળી ગયો..! શરૂઆતના સેમેસ્ટરોમાં ATKT આવેલી પણ ફાઈનલ યરમાં વિભાગમાં ટોપ થ્રીમાં પાસ થયો. પછી ભરૂચ કોલેજ કરી ત્યારે પણ ટોપ થ્રીમાં જ પાસ થયો હતો.
 
ફિલ્મોનું વળગણ તો એટલી હદે હતું કે ઝઘડિયા કે રાજપીપળાના નિવાસ દરમ્યાન કાકાની છોકરીનું અવસાન થતાં ભરૂચ આવવાનું થયું હતું. પાંચ-સાત વર્ષની ઉંમર એટલે તે સમયે ધૂમ મચાવી રહેલ ગુજરાતી ફિલ્મ “સોનબાઈની ચુંદડી” જોવાનો મોકો મળ્યો. હું તો રાજીનો રેડ થઈ ગયો. કોઈના મારવાથી આવો પણ ફાયદો થાય..! મનોમન બહું ખુશ થયેલો..! તે સમયે આવેલું “જેસલ-તોરલ” ફિલ્મના ભરૂચના અમારા કેટલાક સગાઓએ જોયેલી. તેઓ રાજપીપળા અમારા ઘેર આવ્યા ત્યારે ફિલ્મની વાત કરેલી. ત્યાર પછી થોડાં સમયમાં રાજપીપળાની રાજરોક્ષી ટોકીઝમાં આ ફિલ્મ આવી ને હું જોવા ગયો. વાતચીતમાં સાંભળેલા કેટલાંક દ્રશ્યો અહીં નહોતા દર્શાવાયા..! ફિલ્મ પત્યાં પછી હું તો પ્રોજેક્શન રૂમમાં ગયો ને રીતસરની ફરિયાદ કરી. ભરૂચમાં આ દ્રશ્યો બતાવ્યાં હતાં તે અહીં કેમ કાપી નાંખ્યા..?
દસમાની પરીક્ષા આપ્યાં પછીના લાંબા વેકેશનમાં એસ હસ્તરેખાનું પુસ્તક હાથમાં આવ્યું. મારી અને રાજેશ ખન્નાની અનેક રેખાઓ મળતી આવતી હતી. ફિલ્મનું ભૂત તો હતું જ ને તેમાં એક્ટિંગ સામેલ થઈ. ઘરવાળાએ પરવાનગી ન આપી એટલે એન્જિનિયર બનવું પડ્યું. પછી ડબલ ડીપ્લોમાં પણ કર્યું. વાલિયા ખાતે જી.એન.એ.એલ.માં અને ભરૂચ ખાતે એ.બી.સી.માં નોકરી પણ કરી. આ દરમ્યાન સ્થાનિક સંસ્થાઓ અને મારી સંસ્થા ‘રંગમંચ’ના નેજા હેઠળ અનેક ત્રિઅંકી અને એકાંકી નાટકો કર્યાં. ૧૯૯૭માં ઉપરી અધિકારીની ઈર્ષ્યા અને ભ્રષ્ટ નીતિનો ભોગ બન્યો એટલે નોકરી છોડી દીધી કે છોડાવી પડી..! શરૂઆતમાં ઘણી તકલીફો વેઠવી પડી ને આજે પણ વેઠી રહ્યો છું, પણ નોકરી છૂટવાને કારણે મને મનગમતા ક્ષેત્રમાં કામ કરવાનો અવકાશ મળ્યો ને આ તક ઝડપી હું સતત પ્રગતિ સાધતો રહ્યો. આ સમય દરમ્યાન જિલ્લા અને રાજ્ય સ્તરે મારા નાટકો ભજવાયા. ૨૦૦૭માં અમદાવાદ હસમુખ બારાડી સાહેબ પાસે સ્ક્રીનપ્લે રાઈટિંગ શીક્યો. ૨૦૦૭માં વિડિયો ફિલ્મમેકિંગ ને આ દરમ્યાન આઝાદીના ૫૦ વર્ષ અન્વયે દૂરદર્શન અમદાવાદે બનાવેલ ૫૨ હપ્તાના કાર્યક્રમો (બે થી ચાર એપીસોડની ટેલીફિલ્મ) પૈકી બારાડી સાહેબ સાથે “ભથ્થી” (ચાર એપિસોડ) અને શૈલેશ પ્રજાપતિ સાથે “પાવકજ્વાળા” (બે એપિસોડ)માં કામ કર્યું પછી પાછુ વાળીને જોયું નથી. સ્થાનિક ચેનલોનું સેટઅપ પણ કર્યું ને તેમના માટે કાર્યક્રમો પણ બનાવ્યાં. પણ મનના ખૂણે ધરબાયેલો ફિલ્મનો કીડો સતત કરડતો રહ્યો.
૨૦૦૭માં એક સામાજિક કાર્યક્રમમાં ભરૂચ કોલેજમાં physics વિષયના અધ્યાપક ડૉ.ભરત મોદી મળ્યાં. મારી નાટક અને ટેલીવિઝન ક્ષેત્રની પ્રવુત્તિથી માહિતગાર હોય તેમણે મને એમ.ફિલ. અને પીએચ.ડી. કરવા સલાહ આપી. મેં પોસ્ટ ગ્રેજ્યુએશન ન કર્યું હોય મને પ્રવેશ ન મળી શકે. આમ ૨૦૦૭માં યુનિવર્સીટીમાં મોકલાવેલ પ્રપોસલ રીજેક્ટ થઇ. શિક્ષણવિદોના માર્ગદર્શનથી ૨૦૦૮ થી ૨૦૦૧૧ (બી.એ.) અને ૨૦૧૧ થી ૨૦૧૩ (એમ.એ.) કર્યાં પછી ૨૦૧૪માં પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા પાસ કરી ડૉ.જગદીશ ગૂર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. શરુ કર્યું. વિષય હતો “સાહિત્યકૃતિઓ ઉપરથી બનેલાં કેટલાંક ચલચિત્રોનું રૂપાંતરલક્ષી અધ્યયન”. સંશોધન કાર્ય લગભગ પૂર્ણ થયું હતું ને ગૂર્જર સાહેબે બીજો ડ્રાફ્ટ તપાસી પણ લીધો હતો ને અચાનક ૨૮મી એપ્રિલ ૨૦૧૬ના રોજ ગૂર્જર સાહેબનું દેહાવસાન થયું. જો કે વિભાગના જ ડૉ. નરેશ શુક્લ સરે બાકીની વિધિ પૂરી કરાવી આપી ને માર્ચ ૨૦૧૭માં હું પીએચ.ડી. થયો, ત્યારે બાળપણથી સેવાયેલું સપનું સાકાર થયાનો આનંદ અનુભવ્યો.
૧૯૯૭માં નોકરી છોડી પછી જાહેરાતનો વ્યવસાય અને નાટક તથા ટેલીવિઝન કાર્યક્રમો સાથે જોડાયો. ૨૦૦૪માં મારી શોર્ટફિલ્મ “મેરે સાપનો કિ રાની” રાષ્ટ્રીય સ્તરે ઝળકી અને ન્યૂયોર્ક ફિલ્મ ફેસ્ટીવલમાં આમંત્રણ પણ મળ્યું. ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બહુમાન મળ્યું. દરમ્યાન સળંગ ત્રણ વર્ષ મારી શોર્ટફિલ્મ અને ટેલીફિલ્મ રાષ્ટ્રીય સ્તરે ઝળકી. પણ, મનમાં સિનેમાનો કીડો શાંત નહોતો થયો. દરમ્યાન કવિવર નર્મદની જીવની વાચવાની તક મળી. સાહિત્ય ખાતર નોકરી અને અન્ય કામો છોડી “કલમ તારા ખોળે છઉં” કહેનાર અને તેના માટે જીવન પર્યંત સંઘર્ષ કરનાર નર્મદે મને ખુબ પ્રભાવિત કર્યો હતો. ૨૦૦૮માં બી.એ.માં પ્રવેશ લીધો ત્યારે જ સાહિત્ય અને સિનેમાને સાંકળતા વિષય ઉપર પીએચ.ડી. કરવાના નિર્ધાર કર્યો હતો ને મનમાં બોલ્યો તો: “ફિલમ તારા ખોળે...”
આજથી આ શીર્ષક હેઠળ કોલમ શરુ કરી રહ્યો છું. અઠવાડિયામાં એકવાર દર શુક્રવારે તે પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીશ. આપના સૂચનો, સહયોગ, કોમેન્ટ આવકાર્ય છે. વધુમાં વધુ લોકો સુધી આપાણી વાત પહોંચાડવા આપ આ લેખની લિંક આપના સર્કલ, ફેસબુક પેજ કે ગ્રુપમાં શેર કરશો તો મને ગમશે. આપણો ઋણી રહીશ. આ કોલમ મારા બ્લોગ : https://tarunbanker-gujarati.blogspot.com/ ઉપર તેમજ ફેસબુક પેજ www.facebook.com/chhotu2cutting ઉપર પોસ્ટ કરતો રહીશ. આભાર...
ડૉ.તરુણ બેન્કર. (મો.) ૯૨૨૮૨૦૮૬૧૯ / ૮૮૬૬૧૭૫૯૦૦ (વોટ્સએપ)