મહારાજઃ સાહિત્યનું સિનેમામાં અત્યંત નબળું રૂપાંતર

 સમાજ સુધારક, લેખક અને જર્નાલિસ્ટ કરસન મૂળજીએ પોતાના સાપ્તાહિક અખબારમાં લખેલ લેખ, જેનું શીર્ષક હતુઃહિંદુઓનો અસલી ધર્મ અને અત્યારના પખંડી મતોજેમાં વૈષ્ણવ સંપ્રદાયના મહારાજ યદુનાથ ઉર્ફ જે જે ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ વૈષ્ણવ મહારાજ સ્ત્રી ભક્તો સાથે ચરણ સેવાના નામે ભોગવિલાસ કરે છે. જેની સામે મહારાજે બદનક્ષીનો દાવો માંડ્યો જે મહારાજ લાયેબલ કેસ તરીકે ખ્યાત થયો હતો. ૧૮૬૨માં કરાયેલ આ કેસમાં રૂપિયા પચાસ હજારનો દાવો કરાયો હતો. આજથી ૧૬૨ વર્ષ પહેલાં કરાયેલ આ દાવાની રકમ પચાસ હજાર..! આજની તારીખે ગણીયે તો કદાચ કરોડો રૂપિયા થાય..! સામેવાળાને ડરાવી ચૂપ કરવા આટલાં મોટો દાવાનો દાવ..!



અનેક વિવાદો, આવેદન પત્રો અને કોર્ટ કેસ પછી નેટફ્લિકસ પર રિલીઝ થયેલ આ ફિલ્મ ગુજરાતી ભાષાના ચર્ચાસ્પદ લેખક, પત્રકાર અને વક્તા સૌરભ શાહની મહારાજ નામની નવલકથા પરથી બની છે. યશરાજનું બેનર, સિદ્ધાર્થ મલ્હોત્રાનું નિર્દેશન અને સ્નેહા દેસાઈ, વિપુલ મહેતા અને કૌસર મુનીરએ આ ફિલ્મ લખી છે. ઝાઝા લેખકોએ સ્ક્રિપ્ટ બગાડી છે.

ધર્મના નામે ચાલતાં ધતિંગ અને સ્ત્રીઓનું શારીરિક શોષણ સામે બંડ પોકારતા યુવકની વાત છે. બાળપણથી જ સવાલો કરતો કરસન મોટો થયા પછી સવાલો કરે, તેના વિષે લખે અને જ્યારે જરૂર પડે ત્યારે બંડ પણ પોકારે. કરસનના પાત્રમાં આમિર ખાનનો દીકરો જુનૈદ ખાનની આ પહેલી ફિલ્મ તેના માટે નિરાશાજનક લાગે છે. લૂક અને ચહેરા-મહોરાથી મુસ્લિમ ભાસતા જુનૈદનું વૈષ્ણવ યુવાન તરીકે કાસ્ટિંગ જ તેની સૌથી મોટી નબળાઈ છે. અને અભિનય પણ નબળો જ લાગે છે. યદુનાથ મહારજનું પાત્ર ભજવનાર જયદીપ અહલાવતનું શરીર સૌષ્ઠવ જોઈ એ કામદેવ જેવો ભાસે. શું વૈષ્ણવ મહારજ આવા બોડી બિલ્ડર હોય ખરા..? જો કે જયદીપ અહલાવતનો અભિનય લાજવાબ છે, એટલે તેના પાત્રની આ ખામી તરફ ધ્યાન જતું નથી. અન્ય કળાકારો વિષે પછી.

to see video review

https://youtu.be/gEm8mFVEGMA?si=q_0irs8BaVEbxa18

યદુનાથ મહારાજ ધર્મના નામે વર્ષોથી અનેક સ્ત્રીઓને ભોગવતો આવ્યો છે. હોળીનો રંગ હોય કે નવવિવાહિત યુવતી, પહેલાં મહારાજને સેવાનો લાભ આપવો પડે. ચરણ સેવાનો લાભ. અને ભક્તો આ ચરણ સેવાનું લાઈવ ટેલિકાસ્ટ જોવા મહારાજના સેવકને પૈસા અને ઘરેણા પણ આપે. યુવતી કે કોઈની પરણેતર ખુશીથી ચરણ સેવા કરવા જાય..! કેટલાંક સંજોગોમાં પરાણે કે કુટુંબીની બીકથી જાય. તેણીના મા-બાપ, પતિ કે સ્નેહીઓ આ વાતનું ગૌરવ લે. એ દિવસે ઘેર લાપસીના આંધણ મૂકાય..! પોતાની મંગેતર કિશોરી સાથે થતો આ અધર્મ જોઈ કરસન બરાડી ઉઠે ત્યારે ભક્તો અને મહારાજની અધૂરી રહી જતી ચરણ સેવા પાપ બની જાય.

આમ તો આ ફિલ્મમાં કળાકારોનો બહુ મોટો કાફલો છે. વાર્તાનો ફલક ગુજરાતની ધરતી હોય ગુજરાતી જગતના અનેક કળાકારો આ ફિલ્મમાં છે. આગળ કહ્યુ તેમ મહારાજ તરીકે પંજાબી કળાકાર જયદીપ અહલાવતનો અભિનય દાદ માંગી લે તેવો છે. આખી ફિલ્મ તેની આસપાસ ફરે છે. કિશોરીના પાત્રમાં અભિનેત્રી શાલિનિ પાંડે પાસે કરવા જેવું કશું નથી. ભાભોના પાત્રમાં સ્નેહા દેસાઈ, કિશોરીની નાની બહેન દેવી તરીકે અનન્યા અગ્રવાલ અને વિરાજ તરીકે શર્વરી વાઘ નોંધનીય છે. બાકી સંજય ગોરડીયા, ઉત્કર્ષ મજુમદાર અને ધર્મેંદ્ર ગોહિલ સહિત ઘણાં કળાકારો પોતાની છાપ છોડી ગયા છે.

for filmy updates subscribe

https://www.youtube.com/@manoranjan9

વિવાદાસ્પદ કહી શકાય તેવું કશું જ આ ફિલ્મમાં નથી. કદાચ એટલે પણ વિવાદ ઉભો કરાયો હોય..! કારણ ફિલ્મ હિટ કરવા વિવાદો અનેકવાર ઉભા કરાયા છે. હા, ફિલ્મ અંધભક્તોની આંખ જરૂર ખોલે છે. ધર્મની આડમાં ચાલતાં વ્યભિચાર સામે સવાલો ઉભા કરે છે. જો કે આ સવાલો પડદા પર પુછતા હોય તેમ વધુ લાગે છે, દેખાતા નથી. સિનેમામાં દેખાવાનું કે સંભળાવાનું વિશેષ મહત્વ છે. ફિલ્મનું સૌથી સબળ પાસું તેના સંવાદો છે. કથાનક નહીં. કે ન તો પટકથા. સંવાદો સારા છે. બહુ સારા. શ્રીનાથજીને ગુજરાતી આવડે છે..? જૂઠન હવેલી કા પ્રસાદ હોતા હૈ. મુઝે જૂઠન પચતી નહીં, ના પાન કી ના સમ્માન કી. જુબાન કો અપને હી દાંત કાટતે હૈ. મહારાજ જ્યારે ચરણ સેવાને સદીયો ચાલી આવતી પરંપર કહે ત્યારેઃ આપકી બહુજી-બેટીજી કો દૂસરી હવેલી મેં ચરણ સેવા મેં ક્યોં નહીં ભેજતે..? આવા અનેક સંવાદો દાદ માંગી લે તેવાં છે.

યદુનાથનો પ્રવેશ શ્રીનાથજી અને તેમની સેવાના સમાંતર દ્રશ્યોથી થાય. નિર્દેશક ફિલ્મકળાથી કંઈપણ બોલ્યા વગર તેમને ભગવાન તરીકે પ્રસ્તુત કરી દે છે. જો કે ફિલ્મ જે કોર્ટ કેસ પર આધારીત છે તે કોર્ટ કેસ તો છેક ફિલ્મના અંત ભાગમાં આવે છે, અને તે પણ માત્ર વીસેક મિનિટ પૂરતો જ. કોર્ટમાં પણ કોઈ ધારદાર દલીલ કે કાયદાના દાવપેચ નહીં..! કોઈ ઉતાર-ચઢાવ નહીં..! કેમ..? બે કલાક દસ મિનિટની ફિલ્મને કોર્ટ સુધી પહોંચતા એક કલાક અને ચાલિસ મિનિટ લાગે છે..! કેમ..? પટકથામાં આ બહુ મોટો ઝોલ છે. યદુનાથ મહારજનો મુખ્ય સેવક (ખરા અર્થમાં તો ચમચો) તેમને જેજે કહીને કેમ બોલાવે છે..? મને અનુચિત લાગ્યુ..! ગિરધર ખવાસના આ પાત્રમાં જય ઉપાધ્યાય ઘૃણાસ્પદ ભાસે છે, જે તેના અભિનયની કમાલ છે. હોળી ગીત પણ ધમાકેદાર બનાવી શકાયુ હોત.

ફિલ્મ સાહિત્યકૃતિ ઉપરથી બની છે, એટલે સાહિત્ય આધારીત સિનેમાના રૂપાંતરનો મુદ્દો ચર્ચવો જરૂરી છે. સૌરભ શાહની નવલકથા પરથી બનેલ આ ફિલ્મની સાહિત્ય અને સિનેમા સંદર્ભે મૂલવણી કરીએ તો રૂપાંતર જામતું નથી. રૂપાંતર બહુ નબળું છે. કદાચ વિવાદનો વિવાદ ટાળવા..? અંત ભાગે કોર્ટના દ્રશ્યો તો અત્યંત નબળા. યદુનાથ મહારાજને જેટલા પ્રબળ અને પ્રખર બતાવ્યા છે, તેની સામે કોર્ટમાં અત્યંત વામાણા ભાસે છે. કોર્ટ દ્રશ્યવાળું લેખન બહુ નબળું છે. અંતે એટલું જ કહીશ ફિલ્મ ઓટીટી પર છે એટલે સમય હોય તો જોઈ કાઢવામાં કોઈ વાંધો નથી. બાકી ટિકિટના બસો-ત્રણસો ખરચવાના હોય તો સો વાર વિચારવું પડે.      tarunkbanker@gmail.com

Post a Comment

0 Comments