પંચાયતની ત્રીજી સિઝન ‘નામ બડે ઔર દર્શન છોટે..?’

     પહેલી સિઝનમાં દર્શકોની ભરપુર લોકચાહના મેળવનાર વેબ સિરીઝ પંચાયતની ત્રીજી સિઝન ૨૮મી મેએમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઈ છે. જે ચંદન કુમારેખી અને દિપક કુમાર મિશ્રા નિર્દેશિત કરી છે. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના દૂરના ગામ ફુલેરા પંચાયત ઓફિસમાં સચિવ તરીકે જોડાયેલે દિલ્હીના યુવક અભિષેક ત્રિપાઠીની વાર્તા છે. જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, બિસ્વપતિ સરકાર, ફૈઝલ મલિક અને ચંદન રોય આ વેબ સિરીઝના મુખ્ય કળાકારો છે. બીજા ભાગનો અંત ગામની આંતરિક ખટપટનો ભોગ બનેલ સચિવની બદલીથી આવ્યો હતો. એ સચિવ જે પોતાના કામ અને વ્યવહારથી ગ્રામજનોનો ચહિતો બની ગયો હતો. ગામના પ્રધાનની દીકરી રિંકીને ગમવા લાગ્યો હતો. ગામના અધૂરા કામો અને યોજનાનો લાભ તેમને અપાવા તત્પર હતો.



ત્રીજી સિઝનની શરૂઆત ફુલેરા ગામ માટે નિમણૂક પામેલા નવા સચિવના આગમનથી થાય. જે સચિવ અભિષેક ત્રિપાઠીની બદલીના પગલે આવ્યો છે. વિધાયકજીનો હાથ તેના માથા પર છે.! તેમનો હાથ અભિષેકની બદલીમાં પણ હતો. પંચાયત ઓફિસ બંધ છે એટલે તે પ્રધાનજી અને વિકાસને ફોન કરે. તે સચિવ તરીકેનો ચાર્જ લેવા આવ્યો છે તે જાણતાં જ બન્ને ફોન કટ કરી નાંખે..! ગામની ચંડાળ ટોળકી ભૂષણ, વિનોદ અને માધવને નવા સચિવના આગમનની જાણ થાય ત્યારે તેઓ તેને ચઢાવી ઓફિસનું તાળું તોડવા તૈયાર કરે. હથોડાની વ્યવસ્થા કરી આપે. ઘણી કોશિશ કરે, તાળું તૂટતું નથી. વિધાયક ચંદ્રકિશોર સિંહને ફોન, કલેકટરને ફરીયાદ, પ્રધાનને તેડું અને નવા સચિવને ચાર્જ આપવા આદેશ. તે જ સમયે વિધાયકને કૂતરો મારી ખાય જવાના કેસમાં બે વર્ષની સજા થાય. અભિષેકની બદલી રદ થાય. નવા સચિવે વીલા મોઢે પાછા જવું પડે. અભિષેક ત્રિપાઠી પુનઃ ચાર્જ સંભાળે.

click link
https://youtu.be/csk3pHH-WNM?si=qyRHFrLNQVvApIpe

ત્રીજી સીઝનમાં આઠ એપિસોડ છે. OTT પર સીઝન પછી સીઝન બનાવવાની નીતિ છે, પણ આ વખતે આવેલ વાર્તામાં નવીનતા દેખાતી નથી..!  વાર્તાના મજબુત પાયા પર ઉભેલી 'પંચાયત'ની ઈમારત પ્રથમ બે સિઝનમાં જેવી હતી તેવી આ વખતે દેખાતી નથી. ટૂંકમાં તેની પાસે જે તાકાત હતી તે ગુમાવી હોય તેમ લાગે છે. વાર્તાની ગતિ પણ ધીમી ભાસે છે. લચર અને કંટાળાજનક પણ. નવા પાત્રો અને નવા પ્રસંગો કે કથાનક ઉમેરી નવા રંગ ભરવાની કોશિશ જરૂર કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકુ ઘર મેળવવા ગામની વૃદ્ધા દમયંતી દેવી તરકટ તો કરે, જો કે એમ કહી શકાય કે પ્રધાન પોતાની જુઠી શાન બચાવવા તેણીના તરકટને થવા દેવામાં મદદરૂપ થાય. સચિવને પણ તેમ કરવા ઇમોશનલ બ્લેક મેઈલ કરે. આ ઘટના-પ્રસંગ દરમિયાન દીકરાએ માને અલગ રહેવા કાઢવી પડે. તરકટ પકડાઈ જતું બચાવવા વૃદ્ધા બિમાર હોવાનું તરકટ રચાય. પણ, વૃદ્ધા ખરેખર બિમાર પડે. પ્રહલાદની લાગણીશીલ વાતોથી બધું થાળે પડે. આ રદ થયેલું ઘર કોના ફાળે જશે..? 'ઈન્ડિયા'ને ભારત તરીકે પ્રસ્તુત કરવાનો અહીં પ્રયાસ કરાયો છે.

પ્રથમ સિઝનની વાર્તા આપણને વાર્તારસમાં ઝબોળતી હતી. બીજીમાં રસ ઓછો થયો અને હવે..? અડધી સિરીઝ જોઈ કાઢીયે તોય સમજાતું નથી કે આ વાર્તામાં છે શું..? સચિવની બદલી, શહીદ રાહુલ પાંડેના નામે ખોલવામાં આવેલી લાઇબ્રેરીના બંધ શટર, અભિષેક અને રિંકીનો પાણીની ટાંકી પર બેસી ચા પીવાનો કથાચીલો અને ગામની ખટપટ..! શરાબ પીને ટાંકી પર ચઢેલ પ્રહલાદના પ્રકરણ પછી પગથિયે દરવાજો અને તાળું..! ગામને પૂર્વ અને પશ્ચિમમાં વહેચવાની રમત અને તેને ખુલ્લી કરવા મથતા ગ્રામજનો..! ગામનું કલુષિત રાજકારણ ભારતની છબી ખરડે છે. બતાવે છે..!

click link

https://youtube.com/shorts/HSanAgWW71M?si=bRH1K7K1KRT_0JLM

ત્રીજી સિઝન ચોથા એપિસોડ પછી કરવટ બદલતી લાગે છે. કંટાળાજનક લાગતી પ્લોટ લાઇન ટર્ન લઈ દર્શકના હૃદય સુધી પહોંચતી ભાસે છે. શાંતિ સમજોતાના અંતે ઉડાવાયેલ કબૂતરનું મૃત્યુ નવી બબાલ ઉભી કરે છે. કબૂતરના માલીક બમ બહાદુરનો ઈન્ટરવ્યૂ સોશ્યલ મીડિયા થકી કમાલ કરે છે. ગામમાં આકાર લઈ ચૂકેલ પૂર્વ અને પશ્ચિમના ભેદનો તોડ પણ મળે. તે પણ ખરા પ્રધાન મંજૂ દેવીના સૂચન અને માર્ગદર્શનથી. પહેલાં ચાર ભાગમાં પ્રહલાદ (ફૈઝલ મલીક)ની બોલબાલા હતી, હવે પ્રધાન મંજૂ દેવી (નીના ગુપ્તા) મુખર થાય છે. ગામની પ્રધાન મહિલા હોવાં છતાંય બોર્ડ પર જે નંબર છે તે તેણીનો કેમ નથી..? પહેલાં એપિસોડમાં મળેલ ડીએમના ઠપકાનો અહીં જવાબ મળે છે. મહિલા અનામત પછીય જ્યાં સત્તાસ્થાને મહિલા છે, પણ સંપૂર્ણ વહિવટ તેમના પતિ કરે છે.

અભિનયની વાત કરીએ તો રિંકી (સંવિકા)નું પાત્ર ફિકું બનતું લાગે છે. પહેલી બે સીરીઝમાં, ખાસ કરીને પહેલાં ભાગમાં દેખાતી રિંકીના પાત્રની બરછટતા (rawness) વિલીન થતી જણાય છે. કદાચ સફળતાને મોટી બનાવવાના ચક્કરમાં મોર્ડન અને વધુ ફોરવર્ડ દેખાતી રિંકી ગ્રામ્યપણું ગુમાવતી ભાસે છે. રઘુવીર યાદવ પણ અસલ મીજાજમાં દેખાતા નથી. વિધાયક (પંકજ ઝા), સહાયક (ચંદન રોય) અને ક્રાંતિ દેવી (સુનિતા રાજવર) ખાનાપૂર્તિ કરે છે. મંજૂ દેવી (નીના ગુપ્તા), વિનોદ (દુર્ગેશ કુમાર), બમ બહાદૂર સાથે એક જ દ્રશ્યમાં આવતા સ્વાનંદ કિરકિરેનો અભિનય છાપ છોડી જાય છે.

નવી સીઝનના તેવર પાવરફૂલ હોવા જોઈયે, પણ સર્જકો આ વખતે મોળા પડ્યા છે. હા, અંત રોચક અને આશ્ચર્યજનક છે. અંત ભાગે સચિવ (જિતેન્દ્ર કુમાર)માં આવતું રોચક પરિવર્તન ગામની અસર, જિંદગીની હતાશા અને નેતાઓની ગુંડઈનું પરિણામ ભાસે છે. ત્રીજી સીઝનના અંત ભાગે આવતો અકલ્પનિય ટ્વિસ્ટ આંચકો આપી જાય છે. મૃદુ ભાષી અને સુશિક્ષિત સચિવ અચાનક કેમ રોદ્ર સ્વરૂપ ધારણ કરે છે..? સામાન્ય બાબતમાં બે જૂથ સામસામી બંદૂક કેમ તાંકે છે..? સચિવ પરિક્ષા આપી શકે છે કે નહીં..? પ્રમુખ પર ગોલી કોણે ચલાવી..? કોણે ચલાવડાવી..? અનેક સવાલોના જવાબ મળે તે પહેલાં પંચાયક ચૂંટણીની જાહેરાત અને ફ્રી અન્ડ ફેર ઈલેકશનની વાત. આ પંચાયત વેબ સિરીઝનો અંત હતો કે ચોથા ભાગ માટેની પૂર્વ ભૂમિકા..? ઉત્તર પ્રદેશની બોલીનો લેહકો સાંભળવો ગમે તેવો છે. પંચાયતની ત્રીજી સિઝન મિશ્ર પ્રતિભાવ જન્માવે છે.

tarunkbanker@gmail.com

Post a Comment

0 Comments