OTT પ્લેટફોર્મ મનોરંજન ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે તે નિશ્ચિત છે

ડિજિટલ ક્રાંતિએ ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમને નવીન આયામો અને દિશા અર્પી છે. આજે ગજવામાં પડેલ મોબાઈલ ફિલ્મ બનાવવા સક્ષમ છે. માત્ર શૂટિંગ નહીં એડીટીંગ, ડબિંગ, ટાઈટલિંગ અને માસ્ટરીંગ કરી શકાય. આવી જ રીતે વિતરણ (Distribution) પણ ડિજિટલ થઇ ચુક્યું છે. સિનેમાઘર અને ટેલિવિઝનનું સ્થાન મોબાઈલ અને કોમ્પ્યુટર લઇ ચુક્યા છે. આજનું યુવાધન તો મોબાઈલ અને કોમ્પ્યુટરમય બની ચુક્યું છે, પરિણામે OTT પ્લેટફોર્મ ખુબ ઝડપથી પોતાના હાથ-પગ ફેલાવી રહ્યું છે.
ત્યારે સ્વાભાવિક સવાલ થાય, આ OTT પ્લેટફોર્મ શું છે..? ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ એ કેબલ અથવા સેટેલાઇટના બદલે હાઇ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન દ્વારા દર્શાવતા ઓડિયો-વિઝ્યુઅલ કાર્યક્રમ છે. જેમાં ફિલ્મ અને ટેલિવિઝન સામગ્રી ઉપરાંત દરેક OTT પ્લેટફોર્મ માલિક પોતાના પ્લેટફોર્મ માટે વિશેષ કાર્યક્રમ અર્થાત વેબ સીરીઝ, ફિલ્મ, આલ્બમ વિગેરે તૈયાર કરે-કરાવે છે. ઓટીટીનો અર્થ મફત નથી, કારણ કે નેટફ્લિક્સ, એમેઝોન, ડીઝની, આઇટ્યુન્સ અને એચબીઓ નાઉ જેવાં ઘણાં OTT પ્લેટફોર્મ માસિક/વાર્ષિક ફી ચૂકવી જોઈ શકાય છે. હાલ આપણે ત્યાં અલ્ટ બાલાજી, એરટેલ એક્સ્ટ્રીમ, બીગફ્લીક્ષ, હોટસ્ટાર, ઈરોઝ નાઉ, જીયો સિનેમા અને ટીવી, એમએક્શ પ્લેયર, શેમારુ, સોની લીવ, ઉલ્લુ, વૂટ, ઝી-૫ ૫ ઉપરાંત એમેઝોન પ્રાઈમ, હૂક, મુબી, નેટફ્લીક્ષ, યુપ્પ ટીવી અને ડીસ્કવરી સહીત અનેક પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. આ ઉપરાંત Youtube, Facebook, Vimeo જેવી અનેક એપ કે વેબસાઈટ ડિજિટલ કન્ટેન્ટ વિનામૂલ્યે અપલોડ કરવાની કે જોવાની સુવિધા પૂરી પાડે છે.
હવે આ OTT પ્લેટફોર્મ તદ્દન નવાં અને આકર્ષક આયામ તરફ આગળ વધે તેવી સંભાવનાઓ ઉભી થયી છે. કોરોનાના પગલે સમગ્ર વિશ્વ બે મહિના કરતાં વધુ સમયથી લોકડાઉનમાં સપડાયું છે અને જરૂરી જનજીવન શરુ થયા પછી બીજાં ત્રણેક મહિના કે તેથી વધુ સમય પણ સિનેમાઘર, જાહેર કાર્યક્રમ કે લોકો ભેગાં થાય તેવાં આયામો શરુ થાય તેમ લાગતું નથી. તેવાં સંજોગોમાં ફિલ્મઉદ્યોગના માથે બહુ મોટું સંકટ તોળાઈ રહ્યું હોય તેમ ભાસી રહ્યું છે. છેલ્લાં બે મહિનામાં જે ફિલ્મો રીલીઝ નથી થઇ શકી કે આગામી મહિનાઓ સુધી જે ફિલ્મોની રીલીઝ અટવાઈ છે. તેવી બધી ફિલ્મો અને તેનાં પર લાગેલાં સેંકડો કરોડ રૂપિયાનું શું થશે..? સામાન્યત: રીલીઝ થવાના ત્રણેક મહિના પછી સેટેલાઈટ ચેનલ અને OTT પ્લેટફોર્મ પર આવતી આ ફિલ્મો સીધી જ OTT પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ/ચર્ચાઈ રહી છે.

ટ્રેડ એનાલિસ્ટ કોમલ કોમલ નાહટાના કહેવા મુજબ સૂર્યવંશી, કુલી નં. વન, રાધે, લક્ષ્‍મી બૉમ્બ જેવી બિગ બજેટ ફિલ્મો રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાના પ્રકોપને કારણે તેમની રજૂઆત મુલતવી રાખવી પડી. થોડો સમય માટે રિલીઝ મુલતવી રહે તો નિર્માતાઓ તારીખ એડજસ્ટ કરી શકે. પરંતુ અત્યારના સંજોગો જોતા ભાવિ અનિશ્ચિત હોવાથી મોટા નિર્માતાઓ ઓટીટી પ્લેટફોર્મ પર તેમની ફિલ્મ રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડિયો, ડિઝની-હૉટસ્ટાર જેવા ઓટીટી પ્લેયર્સ સાથે ચર્ચા પણ ચાલી રહી છે. જો  ભારતમાં થિયેટર ખુલે તો વર્લ્ડવાઇડનું શું..? મોટી ફિલ્મો દુનિયાભરમાં એક સાથે રિલીઝ થતી હોય છે, પહેલા યુએસ પછી યુકે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા એમ વારાફરતી રિલીઝ કરાતી નથી. એટલે દુનિયાભરના થિયેટર ખુલે નહીં ત્યાં સુધી ફિલ્મો રિલીઝ થાય એવી શક્યતા લાગતી નથી. ઉપરાંત લૉકડાઉન ખુલ્યા બાદ એક સાથે અનેક ફિલ્મો રિલીઝ માટે લાઇન લગાવી ઊભી હશે. એમાં મોટી ફિલ્મોને પ્રાઇમ શોઝ અને ઓપનિંગ વીક મળશે, પરંતુ બાકીની ફિલ્મોએ સહન કરવાનો વારો આવશે.

દરમ્યાન એક અહેવાલ મુજબ અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ લક્ષ્‍મી બૉમ્બ મલ્ટીપ્લેક્ષમાં રિલીઝ કરવાને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થાય એવી શક્યતા છે. લૉકડાઉન અમલમાં ત્યાં સુધી સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા થિયેટર શરૂ કરવાની પરવાનગી કદાચ ન અપાય. એટલે ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો વિકલ્પ અપનાવી શકે છે. હાલના એક સર્વે અનુસાર દેશમાં 55 ટકા લોકો ટીવી શો, ફિલ્મ, સ્પોર્ટ અને બીજા કંટેંટ ઓવર ધ ટોપ એટલે કે હોટસ્ટાર, અમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ પર જુએ છે. જ્યારે 41 ટકા લોકો કંકેંટ જોવા માટે ડીટીએચ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે.
સર્વે અનુસાર 85 ટકા લોકોએ છેલ્લા 6 મહિનામાં ઓછામાં ઓછું એકવાર તો ઓટીટી પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. 70 ટકા લોકો મોબાઈલનો ઉપયોગ કરી વીડિયો જુએ છે. 31 ટકા લોકોએ ઓરિજીનલ અને પ્લેટફોર્મ એક્સ્ક્લૂઝિવ કંટેંટ, 30 ટકા લોકોએ સ્પોર્ટ, 19 ટકા લોકો મૂવી અને 18 ટકા લોકો શો જોવે છે. આ રીપોર્ટ અનુસાર 45 ટકા લોકો કોમેડી, 23 ટકા એક્શન અને 19 ટકા લોકો ડ્રામા કંટેંટ જુએ છે. એક રિપોર્ટ અનુસાર 2018માં આ માર્કેટ 35 હજાર કરોડનો હતો. ઈંટરનેટ અને સ્માર્ટફોનનું ચલણ વધવાથી આ માર્કેટ ભારતમાં 15 ટકા ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં ઓટીટી માર્કેટ 2023 સુધી 3.60 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.
તો બીજી તરફ મલ્ટિપ્લેક્સના માલિકોની ચિંતા પણ વધી છે. બિગ બજેટની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થાય તો શું..? જો ઓટીટી પ્લેટફોર્મ પર નાના અને મોટા બજેટની ફિલ્મો રિલીઝ થશે તો મલ્ટિપ્લેક્સને વધુ નુકસાન થવાની શક્યતા છે. ફિલ્મો માટે જો સિનેમાઘરની જગ્યાએ ઓટીટી પ્લેટફોર્મની પસંદગી કરવામાં આવશે તો મલ્ટિપ્લેક્સમાં જવાનું લોકો ટાળશે તે નક્કી છે. ૨૪ માર્ચે રિલીઝ થનારી ફિલ્મ સૂર્યવંશી માટે તો દર્શકો સિમ્બા ફિલ્મથી જ જોતા હતા. સિમ્બામાં રોહિત શેટ્ટીએ સૂર્યવંશીની ઝલક બતાવીને દર્શકોને તેમના ચહીતા એકર્ટ્સની ફિલ્મનું નાનકડું પ્રિમિયર બતાવી દીધું હતું, પરંતુ લૉકડાઉનના કારણે મલ્ટિપ્લેક્સ પણ બંધ કરવામાં આવ્યા અને સૂર્યવંશી ફિલ્મની રિલીઝ પર રોક લાગી ગઈ. બોલિવૂડના સ્ફૂર્તિલા એક્ટર્સ રણવીર સિંહ ફિલ્મ ૮૩ એપ્રિલની શરૃઆતમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના અને લૉકડાઉનના કારણે તેના પર હાલ પૂરતી રોક લાગી ગઈ છે. જો કે OTT પ્લેટફોર્મને કારણે નવાં કળાકારો/સર્જકો ખુશ છે.
'સેક્રેડ ગેમ્સ'માં 'કુકૂ'ની ભૂમિકા ભજવનાર કુબ્રા સેઇટ કહે છે કે આ માધ્યમમાં ઘણી નવી નવી અને બહેતર કહાણીઓ રજૂ કરવામાં આવે છે. તેમાં પ્રત્યેક કિરદારને પૂરતું મહત્વ મળે છે. જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી મને કોઇ ફિલ્મમાં કેમીઓ કરવાથી લઇને કોઇપણ પાત્ર ભજવવામાં જરાય વાંધો નથી. હું બધાં માધ્યમમાં કામ કરવા રાજી છું. પણ મને એમ લાગે છે કે ડિજિટલ માધ્યમમાં જે પ્રકારના પાત્રો લખાય છે તે કલાકારોને તેમની અભિનય ક્ષમતા પુરવાર કરવાની પૂરતી તક આપે છે. રાજેશ તૈલંગના મતે ઓટીટી પ્લેટફોર્મ પર સઘળી કહાણીઓને સારી રીતે વિકસિત કરવામાં આવતી હોવાથી કેરેક્ટર એક્ટર્સને પણ તેમાં પૂરતું મહત્વ મળે છે. તે 'મિરઝાપુર'નું ઉદાહરણ આપતાં કહે છે કે તેમાં કેટલા બધા પાત્રો હતાં. 'દિલ્હી ક્રાઇમ' અને 'સિલેક્શન ડે' વિશે કહે છે કે તેના રોલ પણ કેટલી સરસ રીતે લખાયા હતાં. 'પીચર્સ ટ્રિપલિંગ' અને 'ફોર મોર શોટ્સ પ્લીઝ' જેવા શોમાં જોવા મળેલી અભિનેત્રી માનવી ગાગરૂ કહે છે કે ડિજિટલ મિડિયમની સૌથી સારી બાજુ એ છે કે તે વર્ષોથી ચાલી આવતા બોલીવૂડિયા કોન્સેપ્ટને તોડે છે. બોલીવૂડની ફિલ્મોમાં માત્ર મુખ્ય કલાકારોને જ મહત્વ મળે છે. જ્યારે આ માધ્યમમાં દરેક પાત્ર મહત્વનું હોય છે.
હાલ OTT પ્લેટફોર્મનું વાર્ષિક Turn Over 35 હજાર કરોડનો આંકડો વટાવી ચુક્યું છે. સ્માર્ટફોનનું ચલણ વધવાથી આ માર્કેટ ભારતમાં 15 ટકા ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં ઓટીટી માર્કેટ 2023 સુધી 3.60 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. ત્યારે OTT પ્લેટફોર્મ મનોરંજન ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે તે નિશ્ચિત છે.

Post a Comment

0 Comments