ફિલ્મમેકર ફાળકે - કેળફા જાદુગરની ૧૫૦મી જન્મજયંતિ


ભારતીય સિનેમાના આદ્યપિતા હોવાનું જેમને બહુમાન મળ્યું તે દાદાસાહેબ ફાળકે (ધૂંડીરાજ ગોવિદ ફાળકે)નો આજે (૩૦મી એપ્રિલ ૨૦૨૦) ૧૫૦મો જન્મદિવસ. મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર, મુંબઈ પ્રેસીડન્સી ખાતે મરાઠી ચિત્તપાવન બ્રાહ્મણ પરિવારમાં ૩૦મી એપ્રિલ ૧૮૭૦એ તેમનો જન્મ થયો. તેમના પિતા ગોવિંદ સદાશિવ ફાળકે ઉર્ફ દાજીશાસ્ત્રી સંસ્કૃતના જ્ઞાતા અને પુજારી તરીકે ધાર્મિક વિધિ કરવતા હતા.

ધૂંડીરાજના બાળપણ વિશેની વિશેષ માહિતી મળતી નથી. હા, કળાના શોખને કારણે બાળપણથી ચિત્રકામ કરતાં અને દિવાળી કે અન્ય ધાર્મિક પ્રસંગે રંગોળી બનાવતા. સજાવટ કરતા. આરાદ્ય દેવ ગણપતિની મૂર્તિ પણ બનાવતા. સોળ વર્ષની ઉંમરે ૧૮૮૬માં મુંબઈ આવ્યા, જે. જે. સ્કૂલ ઓફ આર્ટ, મુંબઈ અને કલાભવન, વડોદરા ખાતે તાલીમ લીધી. વડોદરા ખાતેની તાલીમ દમ્યાન મોટાભાઈ શિવરામની સાથે કામ કરતાં બંગાળી મહાશય રમેશચંદ્ર દત્તના સંપર્કમાં આવ્યા અને બંગાળી બોલતા-લખતા શીખ્યા. મરાઠી બોલતા તો હતાં જ મોટાભાઈના પ્રભાવમાં લખવાનું પણ શરુ કર્યું.

ધૂંડીરાજ જયારે કલાભવન, વડોદરા ખાતે અભ્યાસ કરતાં હતા, ત્યારે ફિલ્મ સંબંધી કળાઓ પણ શીખ્યા હતાં, પણ ત્યારે તેમના મનમાં ફિલ્મ બનાવાવનો વિચાર નહોતો. હા, તે સારા ફોટોગ્રાફર જરૂર હતા. વડોદરના અભ્યાસ પછી ગોધરા ખાતે ફોટો સ્ટુડિયો શરુ કર્યો હતો. દમ્યાન ૧૮૮૬માં મરાઠે પરિવારની કન્યા સાથે લગ્ન કર્યા હતા. બાળપણનો ચિત્રકળાનો શોખ લગ્ન પછી પણ પાંગર્યો અને ૧૮૯૦માં ઓઈલ અને વોટર કલર પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો. કુદરતી દ્રશ્યો સર્જવા સાથે સ્થાપત્યકળા અને મોડલ બનાવવા પર પણ હાથ અજમાવ્યો. કેમેરા ખરીદી ફોટોગ્રાફી, પ્રોસેસિંગ અને ફોટો પ્રિન્ટીંગનું કામ શરુ કર્યું. ૧૮૯૩માં કલાભવનના આચાર્ય ગજ્જર સાહેબે કલાભવનનો સ્ટુડીઓ અને લેબોરેટરીનો ઉપયોગ કરવની પરવાનગી આપી ને તેમણે ફોટો પ્રિન્ટીંગમાં પણ ખ્યાતી મેળવી. ૧૮૯૫માં વ્યવસાયી ફોટોગ્રાફર બનવા ગોધરા ગયા ને ત્યાં ફોટો સ્ટુડીઓ શરુ કર્યો. ફોટો પડાવવાથી શરીરની બધી શક્તિ ચુસાઈ જાય ને માણસ મારી જાય..! જુનવાણી અપપ્રચારને કારણે ગોધરા ખાતેના ફોટો સ્ટુડીઓના વ્યવસાયમાં સફળતા ન મળી. ૧૯૦૦માં ફેલાયેલ પ્લેગની મહામારીમાં પત્ની અને બાળકના અવસાન પછી તે વડોદરા પરત કર્યા.
વડોદરા પરત ફર્યા પછી પણ ફોટોગ્રાફીનો જ વ્યવસાય કર્યો. પણ તેનાથી ગુજરાન થાય તેમ ન હોય નાટક મંચન માટે વપરાતા પડદા પેઈન્ટ કરવાનું શરૂ કર્યું. દરમ્યાન નાટ્યકળાના જાણકાર પ્રોફેસર શંકર મોરેશ્વર રાનડે પાસેથી નાટ્યકળા અને નિર્માણ શીખ્યા. અભિનય પણ કર્યો. મેકઅપ અને સ્ટેજસજ્જા પણ શીખ્યા. અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ દરમ્યાન વાર્ષિકોત્સવ નિમિત્તે મંચન કરાયેલ નાટકમાં પણ ભાગ લીધો હતો. વડોદરાના કાર્યકાળ દમ્યાન નાટક ‘વેણી સંહાર’ના મંચનની જવાબદારી ધૂંડીરાજને સોંપવામાં આવી હતી. જેમાં તેમણે કળાકારોને અભિનય તો શીખવ્યો જ સાથે કળાકારોને મેકઅપ પણ કર્યો અને પડદા પાછળના પ્રોમ્પ્ટરની ભૂમિકા પણ ભજવી. આ નાટકને ભવ્ય સફળતા મળી હતી.૧૯૦૨માં વડોદરાના શંકર વાસુદેવ કરંદીકરની દીકરી સરસ્વતી સાથે બીજાં લગ્ન કર્યા. સરસ્વતીબાઈ તેમના માટે નસીબદાર પુરવાર થયાં ને જીવન પર્યંત તેમનો પડછાયો બની સાથે રહ્યાં.
બીજાં લગ્ન પછી વડોદરાના નિવાસ દરમ્યાન જર્મન જાદુગર કાર્લ હર્ટઝના પરિચયમાં આવ્યા. વૈશ્વિક સિનેમાના આદ્યપિતા લુમિયેર બ્રધર્સ સાથે કામ કરતાં કાર્લ હર્ટઝ વ્યવસાયી કાર્ય અર્થે વડોદરા આવ્યા હતાં. ધૂંડીરાજે આ તક ઝડપી લીધી અને તેમની પાસેથી જાદુગરી શીખ્યા. કાળક્રમે તેમણે જદુગરીના જ્ઞાનનો ઉપયોગ ફિલ્મ નિર્માણમાં પણ કર્યો હતો. આજે આપણે જે ‘ટાઇમલેપ્સ’ ટેકનીકનો ઉપયોગ કરીએ છીએ તેનો પ્રયોગ તેમણે ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવતાં પહેલાં કર્યો હતો. અંકુરિત થતાં બીજના ફિલ્માંકન માટે. તો પછીથી ‘કાલીયા મર્દન’ અને ‘મોહિની ભષ્માસૂર’ ફિલ્મના ફિલ્માંકનમાં જાદુઈ ટેકનીકનો ઉપયોગ કરી તે દ્રશ્યોને જાદુઈ બનાવ્યાં હતાં. ૧૯૦૨માં બીજાં લગ્ન કર્યા પછી સરકારના આર્ક્યોલોજી વિભગમાં ફોટોગ્રાફર અને ડ્રાફ્ટમેન તરીકેની નોકરી મળેવી હતી જે દેશદાઝ અને સ્વતંત્ર સંગ્રામના પગલે ૧૯૦૬માં છોડી દીધી અને જીવન નિર્વાહ માટે ‘પ્રોફેસર કેળફા’ના નામે જાદુના ખેલ બતાવતાં હતાં. કેળફા એટલે ફાળકેનું ઊંધું.
પરિજનોને આ કામ પસંદ નહોતું. તેઓ ઈચ્છતા કે ધૂંડીરાજ પ્રિન્ટીંગ પ્રેસનો વ્યવસાય કરે. વડોદરાના નિવાસ દરમ્યાન તેઓ પ્રિન્ટીંગ બ્લોક બનવવાનું શીખ્યા હતા. કેટલાક મહાનુભાવો તેમના આ હુન્નર ઉપર પૈસા લગાવવા પણ તૈયાર હતાં. પરિણામે તેઓ થોડો સમય પ્રિન્ટીંગ વ્યવસાય સાથે પણ જોડાયા. સામાયિક ઇન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્મા માટે પણ પ્રિન્ટીંગ સંલગ્ન કામગીરી કરી હતી. રાજા રવિ વર્માના જીવન પર લખાયેલ નવલકથા ‘રાજા રવિ વર્મા’ (લેખક: રણજિત દેસાઈ) ઉપરથી બનેલ ફિલ્મ ‘રંગરસિયા’ (દિગ્દર્શક: કેતન મેહતા)ના એક દ્રશ્યમાં રાજા રવિ વર્મા અને ધૂંડીરાજનો સંવાદ છે. જેમાં ભારતમાં પ્રદર્શિત થઈ રહેલ ફિલ્મ શો જોયાં પછી તે બન્ને વચ્ચેનો સંવાદ છે. ફિલ્મમાં રાજા રવિ વર્મા ધૂંડીરાજને ફિલ્મ બનાવવા પ્રેરતા અને આર્થિક મદદ અંગે વાત કરતા દર્શાવાયા છે.
સરકારી નોકરી છોડ્યા પછી ડૉ. ભંડારકરની મદદથી લોનાવલા ખાતે ‘ફાળકે એન્ગ્રેવિંગ એન્ડ પ્રિન્ટીંગ વર્કસ’ની શરૂઆત કરી. અહીં રાજા રવિ વર્માના લોનાવલા સ્થિત પ્રિન્ટીંગ પ્રેસ માટે ફોટોલિથો ટ્રાન્સફર બનાવવાની શરૂઆત કરી હતી. અહીં તેમણે હાફટોન બ્લોક બનાવવાની શરૂઆત પણ કરી હતી. પછે ત્રણ કલરના પ્રિન્ટીંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. ધનિક વેપારી પુરષોત્તમ માવજીની મદદથી દાદર, મુંબઈ ખાતે ‘લક્ષ્મી આર્ટ પ્રિન્ટીંગ વર્કસ’ની શરૂઆત કરી. પાછળથી વેપારી પુરષોત્તમ માવજી સાથે મતભેદ થતા ૧૯૧૧માં એકપણ પૈસો લીધાં વિના પ્રિન્ટીંગ પ્રેસ છોડી દીધું. ત્યાર પછી બીજાં ઘણાં વેપારીઓએ તેમણે ફરીથી પ્રિન્ટીંગ પ્રેસ ચાલુ કરવા મનાવ્યા, વિવિધ પ્રસ્તાવો મૂક્યા, પણ તે એકના બે ન થયા તે ન જ થયા.
મરાઠી ફીચર ફિલ્મ ‘હરીશ્ચન્દ્રાચી ફેક્ટરી” (દિગ્દર્શક: પરેશ મોકાશી)ના એક દ્રશ્યમાં ગુજરાતી વેપારીના પ્રિન્ટીંગ પ્રેસ શરુ કરવાના પ્રસ્તાવને ટાળતા અને તેમનાથી છુપાઈને ફરતા ધૂંડીરાજને શોધવા વેપારી તેમના ઘેર આવે. સરસ્વતીબાઈ સમક્ષ પોતાનો પ્રસ્તાવ રજુ કરે. અંતે સરસ્વ્તીબાઈ પાસેથી જાણકારી મેળવે કે ધૂંડીરાજ પ્રોફેસર કેળફાના નામે જાદુના શો કરે છે. મોટા દીકરા ભાલચંદ્ર સાથે જાદુના ખેલ બતાવી રહેલ ધૂંડીરાજ ગુજરાતી વેપારીને જોઈ લેતા ત્યાંથી ભાગે. વેપારીથી બચવા ભાગેલ ધૂંડીરાજ એક મકાનની આડમાં સંતાયા છે. ત્યાં તેમની નજર ફિલ્મ શોના તંબુ (પિક્ચર પેલેસ) ઉપર પડે. જ્યાં મૂક ફિલ્મ ‘ધ લાઈફ એન્ડ પેસન ઓફ જીસસ ક્રિસ્ટ’ દર્શાવાઈ રહી હતી. વેપારીથી બચવા ધૂંડીરાજ અને ભાલચંદ્ર ફિલ્મ જોવા જાય. તો અન્ય એક માહિતી અનુસાર ધૂંડીરાજ રોજ સાંજે ભાલચંદ્રને લઇ ફરવા નીકળતા. એક સાંજે તેમણે આ તંબુમાં ફિલ્મ જોઈ. ઘેર આવી ભાલચંદ્રે માને કહ્યું કે અમે પડદા પર હાલતા-ચાલતા માણસ અને જાનવર જોયાં..! બીજે દિવસે (૧૬મી એપ્રિલ ૧૦૧૧) ધૂંડીરાજ સરસ્વતીબાઈ અને બંને બાળકોને લઇ ફિલ્મ જોવાં ગયાં. તે શો પૂરો થયો એટલે બીજાં શોમાં ફરીવાર ફિલ્મ જોવાં ગયાં. આ વખતે ફિલ્મ જોવાને બદલે ફિલ્મ પ્રોજેક્શન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ફિલ્મ ચાલું હતી ત્યારે પ્રોજેક્ટર રૂમમાં ગયા. ફિલ્મ કેવી રીતે પ્રોજેક્ટ થાય છે તે સમજવાનો પ્રયત્ન કર્યો. પણ ત્યાંથી તેમણે ભગાડયા..! પણ આ દરમ્યાન એક વાત સમજાઈ ગઈ હતી. ‘પડદા પરનું નાટક’. પછી ‘મુવિંગ પિક્ચર્સ કે પિક્ચર્સ મુવિંગ..?’
‘નવયુગ’ માસિક (તંત્રી: ગણેશ વિઠ્ઠલ કુલકર્ણી)ના ૧૯૧૮ન અંકમાં ધુંડીરાજે જાતે લખ્યું છે કે “ત્યાર પછીના બે મહિના, મને પિક્ચર પેલેસમાં રજુ થતી બધી જ ફિલ્મ જોયાં વગર સારું નહોતું લાગતુ. આ સમય દરમ્યાન હું ફિલ્મો જોતી વખતે સતત વિશ્લેષણ કરતો અને કલ્પના કરતો કે આવી ફિલ્મનું નિર્માણ ભારતમાં કેવી રીતે કરી શકાય.” પછીનો ઈતિહાસ બધાંને ખબર હશે જ. નહીંતર ફરી કયારેક તેની વાત.

૩જી મે ૧૯૧૩ના દિવસે ભારતની પહેલી ફીચર ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર” રજુ થઇ હતી. જો કે આ ઘટનાના બાર દિવસ પહેલાં ૨૧મી એપ્રિલ ૧૯૧૩ના રોજ ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ કરાયું હતું. ફિલ્મના સર્જક હતા ધૂંડીરાજ ગોવિંદ ફાળકે જે પાછળથી દાદાસાહેબ ફાળકે તરીકે ઓળખાયા.
સંદર્ભ પુસ્તક:      ૧. દાદાસાહેબ ફાળકે: ધ ફાધર ઓફ ઇન્ડિયન સિનેમા. – બાપુ વાટ્વે (અનુ. એસ એ વિરકાર)
                   ૨. એન્સાયકલોપીડિયા ઓફ ઇન્ડિયન સિનેમા. – આશિષ રાજાધ્યક્ષ
નોંધ: આ લેખનો કે તેના કોઇપણ અંશનો ઉપયોગ કરવા લેખકની અનુમતિ લેવી આવશ્યક છે.

Post a Comment

0 Comments