પ્રેમજી: નવીન વિષયવસ્તુ રજૂ કરતી ગુજરાતી ફિલ્મ


આપણે અનેકવાર વાંચ્યું છે ને મેં પણ બ્લોગમાં લખ્યું હતું કે “ગુજરાતી ફિલ્મોને બીબાઢાળ વિષય- વસ્તુથી છોડવો” કારણ એક ફિલ્મની સફળતાને પગલે એને જેવાં જ વિષયવાળી અનેક ફિલ્મો બની ને મોટા ભાગની પીટાઈ પણ ગઈ. તેવાં સમયે વિજયગીરી ફિલ્મસ વિષયવસ્તુની દ્રષ્ટિએ નોખી ફિલ્મ ‘પ્રેમજી: રાઈઝ ઓફ વોરિયર’ લઈને આવ્યું. ૨૦૧૫માં સેન્સર થયેલ આ ફિલ્મ હાલમાં જ શેમારુ ગુજરાતી દ્વારા ડીજીટલ પોર્ટલ યુટ્યુબ ઉપર અપડેટ કરવામાં આવી છે. ફિલ્મ અંગે લખવા બેસીએ ત્યારે અનેક મુદ્દાઓ ધ્યાનમાં લેવાના હોય, પણ આ ફિલ્મને અનેક પાસાઓની એરણે ચઢાવવાને બદલે તેને વિષય નાવીન્ય થકી સમજીએ. પણ એનો અર્થ એ ન થાય કે આપણે તેના અન્ય પાસાઓ ભૂલી જઈશું. તેની પણ અંતે વાત કરીશું.

મહાભારત, શિખંડી અને ભીષ્મના metaphorનો કલાત્મક વિનિયોગ
પ્રેમજી: મહાભારત અને ખાસ કરીને શિખંડી અને ભીષ્મ વચ્ચેના સંબંધો અને પૂર્વજન્મની અંબા સાથેના તેના અનુસંધાન ધરાવતા metaphorનો કલાત્મક વિનિયોગ આ ફિલ્મની મુખ્ય વાત છે. જો કે ફિલ્મમાં શિખંડીનું મહાત્મ્ય લેખાયું છે. કચ્છની ધરા પર આકાર લેતો કથાપટ પ્રેમજી (મેહુલ સોલંકી)ની આસપાસ વણાયો છે. નાનપણથી જ સ્ત્રૈણ લક્ષણો ધરાવતાં પ્રેમજીનો બાપ મેઘજી (અભિમન્યુ સિંઘ) કેવાં વિકટ સંજોગોમાં આપઘાત કરી બેસે છે..! કે આપઘાત કરવા મજબુર બને છે, તે વાતના પૂર્વાર્ધ (backdrop)માં આખી ફિલ્મ આકાર લે છે. જેની સાથે પ્રેમજીનું સગપણ થયું હતું તે પવન (આરોહી પટેલ) અને પ્રેમજી વચ્ચેનો સંવાદ વર્તમાન અને ભૂતકાળ તથા આ ભૂતકાળમાં અન્ય એક પૂર્વ ઘટના કે કાલનો પડછાયો. એકસાથે ત્રણ સ્તરે કહેવાતી વાત હોવા છતાંય ગૂંચવાડો નથી સર્જાતો.
“મેં તો સુરજને આંગણીએ રોક્યો...” મધુર અને મોહક બન્યું છે
ફિલ્મની કથા સરળ રીતે માણવા ટેવાયેલા ગુજરાતી દર્શકોને આઇસક્રીમ ખાવા જેટલી સરળતાથી ફિલ્મ નથી કહેવાતી, પણ એકવાર તેની સાથે અનુસંધાન સાધી લો તો મઝા પડવાની પુરેપુરી સંભાવના તેના કથાનકમાં છે. સ્ત્રૈણ લક્ષણો ધરાવતાં પ્રેમજીને બાળપણથી જ પવન સાથે ગોઠડી છે ને યુવાનવયે બન્નેને પરિજનો ભેગાં મળી તેમનું સગપણ પણ કરાવે છે. આ તકે આવતું ગીત “મેં તો સુરજને આંગણીએ રોક્યો...” (ગીતકાર: મિલિન્દ ગઢવી અને ગાયિકા : વ્રતિણી ઘાડગે)નું ફિલ્માંકન અને પ્રસ્તુતિ મધુર અને મોહક બન્યું છે. આ બંનેના સગપણને મેઘજી અને રઘનાથ વચ્ચેના અણબનાવનું ગ્રહણ લાગે ત્યારે..?
અહી શિખંડી ઢાલ નહી પણ જાતે જ શસ્ત્ર બને છે
દસ વર્ષના શહેરગમન (વનવાસ) પછી પ્રેમજી ગામ પરત ફરે ત્યાંથી આરંભાતી ફિલ્મની કથામાં પ્રેમજીની મા કુંવર (હેપી ભાવસાર) અગત્યનું અને પ્રભાવક પાત્ર બન્યું છે. દુરદર્શનની અનેક ટીવી સિરિઅલમાં અભિનય કરનાર હેપી ભાવસારની આ પહેલી ફિલ્મ છે. જો કે મેહુલ સોલંકી (પ્રેમજી), આરોહી પટેલ (પવન) અને નમ્રતા પાઠક (ચિત્રા)ની પણ આ પહેલી જ ફિલ્મ છે. પ્રેમજીનું બાળપણ જ્યાં વીત્યું છે તે કચ્છનું ગામડું અને વિષમ પરિસ્થિતિમાં ગામ છોડી દસ વર્ષ શહેરમાં જવું પડ્યું તે સમયગાળોમાં flashback થકી આવન-જાવન કરતી કથા ક્રમશ: કથાસુત્ર ખોલે ને આપણને તેની સાથે લઈ જવાનો પ્રયાસ પણ કરે. અંતે જે કામ બળથી ન થાય તે કળથી પાર પાડી દેવાય. ભીષ્મને મારવા શિખંડીને આગળ ધારી અર્જુને તેમનો વધ કર્યો હતો. અહી અન્ય પરિબળો કે પાત્રો સહયોગી બને ને શિખંડી જાતે અનિષ્ટનો સંહારક બને.
પ્રેમજી: મા (હેપી ભાવસાર) અને પ્રેમજી (મેહુલ સોલંકી)ની ફિલ્મ બને છે
અભિનયની દ્રષ્ટિએ કુંવર (હેપી ભાવસાર) બાજી મારી જાય છે. પ્રેમજી (મેહુલ સોલંકી)એ પાત્રમાં પ્રાણ પૂરવાનો સક્ષમ પ્રયન્ત કર્યો છે, જેમાં તેને સફળતા મળી પણ છે. મેઘજી (અભિમન્યુ સિંઘ) અને પવન (આરોહી પટેલ) પાસે ગણતરીના જ દ્રશ્યો છે, પણ તેમણે પોતાની અભિનય શક્તિનો પરિચય કરાવ્યો છે. મુકેશ (મૌલિક નાયક) ક્યાંક રસાળ તો ક્યાંક વાચાળ બન્યો છે. રોય (મલ્હાર પંડ્યા) અને ચિત્રા (નમ્રતા પાઠક) પાત્ર બન્યાં છે પણ પ્રભાવ છોડી શક્યા નથી. જો કે કથાનકના વહન માટે જ તેઓનું સર્જન થયું હોય તેમના પાસે કરી બતાવાવની તક હોય તેવું ક્યાંય લાગ્યું નથી. મારા માટે આ પ્રેમજી અને કુંવરની કથા છે, બાકી બધી ગૌણ પાત્ર છે અને અભિનય અન્વયે પણ ગૌણ જ બન્યાં છે. અભિમન્યુ સિંઘનું કાસ્ટિંગ કરાયું પણ તેમની અભિનય ક્ષમતા અનુરૂપ પાત્ર નિર્માણ ન કરાયું હોય તેમણે વિશેષ તક મળી નથી.
પ્રેમજી: અનેક નબળાં પાસાં છતાંય એકવાર જોવા જેવી ફિલ્મ
કથા-પટકથા અને દિગ્દર્શન ઉપરાંત નિર્માણ અને સંવાદનો ભાર ઉપાડનાર વિજયગીરીની આ પહેલી ફિલ્મ છે. કચ્છની કથા હોવાં છતાંય એકાદ ગીતમાં કચ્છના સફેદ રણ સિવાય કચ્છ વ્યક્ત થતું નથી. પવનના સંવાદોમાં કચ્છની ઝલક વર્તાય છે, પણ શિષ્ટભાષાનો પ્રયોગ તે ઝલકને પણ ઓગળી નાંખે છે. રઘનાથ અને મેઘજી વચ્ચેના અણબનાવને પ્રસ્તુત કરતાં એક-બે દ્રશ્યોની જરૂરીયાત વર્તાય છે. પરિણામે બંને વચ્ચેની દીશ્માની ઉપરછલ્લી લાગે છે અને તેના બદલા સ્વરૂપે આચરતું કૃત્ય જે કથાનું મધ્યબિંદુ છે તે નબળું પડે છે. ફિલ્માંકનમાં ક્રેઇન અને ટ્રોલીનો વિનિયોગ વધારે પડતો ભાસે છે, ને સંકલન પણ ક્યાંય એકદમ બારીક ને ક્યાંક...
પ્રેમજીને ન જોવા માટે અનેક કારનો કે બહાના કાઢી શકાય. પણ, વિષયવસ્તુ, સામા પ્રવાહે તરવાની હિમ્મત અને independent filmmaker તરીકે વિજયગીરી બાવાનો સક્ષમ પ્રયાસ ગુજરાતી સિનેમાની આવતીકાલ માટે આશારૂપ ભાસે છે. પરિણામે ગુજરાતી ભાષા અને સિનેમાની ચિંતા કરનારાઓ અને ગુજરાતી દર્શકોએ આ ફિલ્મ એકવાર જોવી જ રહી.
સ્ટ્રેઈટ ડ્રાઈવ: ગુજરાત સરકારના આઠેક એવોર્ડ મેળવનાર આ ફિલ્મ વિષે ઘણું ઘસાતું લખાયું, ત્યારે એવોર્ડના વિવાદો બાજુએ રાખી તેને સ્વતંત્ર ફિલ્મમેકરની પહેલી ફિલ્મ અને તેમાં તેણે દાખવેલ હિંમતને સૌ દર્શકોએ વધાવવી જ રહી.
મેરે પાસ માં હૈ, સિને...માં
ડૉ.તરુણ કાલિદાસ બૅન્કર: સિનેમા-સાહિત્ય-સંશોધન
/, ઝવેર નગર, ગુ. હા. બોર્ડ, ભરૂચ-  ગુજરાત (M) 8866175900 / 9228208619
taruncinema@gmail.com

Post a Comment

0 Comments