સલમાન માટે આટલી રોકકળ શું કામ..?


સલમાન ખાન પર આરોપ હતો કે ૧૯૯૮માં ફિલ્મ હમ સાથ સાથ હૈના શુટિંગ દરમ્યાન સૈફ અલી ખાન, તબ્બુ, અને સોનાલી બેન્દ્રેની સાથે સલમાન ખાને રાજસ્થાનમાં જોધપુરની પાસે કણકણી ગામમાં બે કાળા હરણનો શિકાર કર્યો. સરકારી વકીલના મતે એ રાત તમામ કલાકાર જિપ્સીમાં સવાર હતા, જેને સલમાન ખાન ચલાવી રહ્યાં હતા. હરણનું ઝૂંડ દેખાતા તેમણે ગોળી ચલાવી અને તેમાંથી બે હરણ મારી નાંખ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે લોકોએ તેમને જોયા અને તેમનો પીછો કર્યો તો આ કલાકાર મૃત હરણોને છોડીને ભાગી ગયા હતાં. આ કેસમાં કોર્ટે આજે (૫મી એપ્રિલ ૨૦૧૮) તેને દોષિત ગણાવી પાંચ વર્ષની સજા સંભળાવી હતી. ચુકાદો આવતા પહેલાં સલમાને બેકસૂર ગણાવ્યો હતો. સલમાનને કોર્ટે સંભળાવેલ સજા પછી ચો-તરફ રોકકળ શરુ થઈ ગઈ છે. “હાલ સલમાન ઉપર કુલ એક હજાર કરોડ રૂપિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દાવ પર લાગ્યા છે..! અલી અબ્બાસ ઝફર દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મ “ભારત” કે જે કોરિયન મૂવી ઓડ ટુ માય ફાધરની ઓફિશિયલ રીમેક છે. આ ઉપરાંત સલમાન પાસે દબંગ 3અને કિક 2પણ છે. સલમાનને સજા થતાં આ તમામ મૂવીઝ અટવાઈ ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે, તેની એ સિવાયની ફિલ્મ્સની શું દશા થશે.”

કોર્ટે સજા સંભળાવી છે, એટલે સલમાન આરોપી હોવાનું તો સાબિત થયું જ છે
આ રોકાકળ વચ્ચે ગૌહત્યા અન્વયે માણસની હત્યા કરનારા સામે સરકાર નિષ્ક્રિય હોવાની પણ ચર્ચા ચાલી છે. વાત તદ્દન સાચી હોય તો પણ આ તર્ક કે વાત સલમાનની સજા પછી જ કેમ..! આ પહેલાં પણ નોંધાયું છે કે જ્યારે-જ્યારે કોઈ સેલિબ્રિટી, નેતા કે ધનપતિને સજા થઈ છે ત્યારે ત્યારે આવી નકામી ચર્ચાઓ ચાલી છે. માની શકાય કે સલમાન વ્યવસાયી કલાકાર છે એટલે તેની સાથે જોડાયેલાઓને તકલીફ પડશે. આર્થિક રીતે નુકશાન પણ થઈ શકે. પણ તેનાં કારણે ન્યાયને તો ફાંસીના માંચડે ચઢાવી ન શકાય ને..!
આ બધી ચર્ચાઓ અને રોકકળ વચ્ચે બધાં મૂળ સત્વ કે તત્વને તો ભૂલી જ ગયા છે. કે સલમાન નિર્દોષ તો નથી જ. જો હોત તો કોર્ટે આટલી સખત સજા ન સંભળાવી હોત. જો કોર્ટે અન્યોને નિર્દોષ છોડ્યા છે અને સલમાનને દોષી માની સજા સંભળાવી છે એટલે ન્યાયતંત્ર પાસે નક્કર પુરાવા તો છે જ. અને બીજી વાત. સલમાન ઉપર આ એકમાત્ર કેસ નથી. અન્ય કેસો પણ થયાં છે. ત્યારે માત્ર લાગણીમાં વહી કે સલમાનની ગુડબુકમાં આવવા ખોટા નિવેદનો કે ખોટા આંસુ લાંબાગાળે તો સલમાન માટે હાનીકારક જ નીવડશે.
ગુજરાતીમાં એક કહેવત છે: “કડવી દવા મા જ પીવડાવે”. જે લોકો ખરેખર સલમાનના હિતેછું હોય તેમણે તેને સાચી સલાહ પછી ભલે તે કડવી કેમ ન હોય ત આપવી જ રહી. બાકી બે દિવસ હાય-તોબા મચાવ્યા પછી આ આખી ફોજ ક્યાં ખોવાઈ જશે તેની ખબર પણ નહી પડે. સલમાન અને તેના પરિજનો માટે મને ભારોભાર લાગણી છે, ને એક કળાકાર તરીકે સલમાનની ભાવના અને મનોસ્થિતિ પણ સમજી શકું છું. પણ હું ખોટો દિલાસો કે જુઠી રોકકળ નહી કરું.
કારણ હું ઈચ્છું છું કે આ અગ્નિપરિક્ષામાંથી સલમાન તપીને સોનું બની બહાર આવે.
સ્ટ્રેઈટ ડ્રાઈવ: સલમાન અને તેનો પરિવાર અનેક સેવાકાર્યો કરે છે ને સંકડો લોકોની વ્યક્તિગત મદદ પણ કરી છે. પણ કર્મનો સિદ્ધાંત અને કુદરતનો ન્યાય કહે છે: “સારું કર્યું એનું સારું ફળ મળશે ને બૂરાનું ફળ બૂરું” અહી સરવાળા કે બાદબાકીનું ગણિત નથી ચાલતું.
ડૉ. તરુણ બેન્કર (સાહિત્ય-સિનેમા-મિડીયા) (M) 9228208619 / 8866175900 (whatsapp)

Post a Comment

0 Comments