ભારતના ફિલ્મ ઉદ્યોગને બચાવવા-ટકાવવા પાઈરસી અટકાવવા સાથે ફિલ્મને અન્ય ઉદ્યોગો જેવી સુવિધા, કર પ્રણાલીમાં સુધારો અને સિનેમાઘર માટે પ્રોત્સાહક નીતિ જરૂરી



India's Film Industry-A $10 Billion Business Trapped In A $2 Billion Body હેડલાઈન તળે ફોર્બ્સમાં પ્રકાશિત થયેલ રોબ કેનનો લેખ વાંચ્યા પછી તેનું ગુજરાતીમાં ભાવાનુવાદ કરવાનો લોભ ટાળી ન શક્યો અને એટલે જ આ લેખ ગુજરાતીમાં અહી પ્રસ્તુત કરી રહ્યો છું. સાથોસાથ આ લેખ અનુસંધાને મારા વિચારો, સમજ અને સંશોધનને પણ આમાં આમેજ કરી રહ્યો છું.


રોબ કેન લખે છે: ભારત લોકશાહી ધરાવતો વિશ્વનો સૌથી મોટો દેશ છે. અન્ય કોઇ પણ દેશ કરતાં વધુ ફિલ્મો ભારતમાં બને  છે. વર્ષે ૧૫૦૦ થી  ૨૦૦૦. ભારતના લોકો ફિલ્મો અને ફિલ્મ સ્ટાર્સ પાછળ ગાંડા છે. કોઈ પણ દ્રષ્ટિકોણથી વિચારીએ તો, ભારત વિશ્વમાં સિનેમાના માધ્યમથી સૌથી વધુ કમાણી/આવક કરનાર દેશ બનવો જોઈએ.  તો પછી ભારતનો સિનેમા ઉદ્યોગ દર વર્ષે બૉક્સ ઑફિસ પર માત્ર ૧૨૦૦૦ કરોડ (2 બિલિયન ડોલર) રૂપિયાનો જ બિસનેસ કેમ કરે છે..? આ રકમ ઉત્તર અમેરિકાની કુલ કમાણીના પાંચમા ભાગ જેટલી મોટી છે. અલબત્ત વસ્તી ત્રણ ગણાથી વધારે છે. ચાઇનાના ઉદ્યોગના ત્રીજા ભાગથી પણ ઓછી છે. જાપાન કરતાં પણ ઓછી, જે ભારતની કુલ વસ્તીના દસમા ભાગ જેટલી જ વસ્તી ધરાવે છે. આમ થવાના છ કારણો છે:

૧. ભારતમાં સિનેમા સ્ક્રીનની સંખ્યા ઘણી ઓછી છે.

સંશોધન કરતાં માલુમ પડે છે કે ભારતમાં ૯૬,૩૦૦ લોકો વચ્ચે માત્ર એક જ સ્ક્રીન છે. આમ ભારત વિશ્વમાં સૌથી ઓછી સિનેમા સ્ક્રીન ધરાવતો દેશ છે. તેનાથી ઉલટું યુ.એસ. માં  ૭૮૦૦ લોકો દીઠ ૧ સ્ક્રીન છે. ચાઇના, જ્યાં ભારત કરતાં ઓછો આંક હતી તે હવે ૪૫,૦૦૦ લોકો દીઠ ૧ સ્ક્રીન ધરાવે છે. મૂવી થિયેટર્સ અને સ્ક્રીનની ઊંડી અછતને કારણે ફિલ્મ દિવાના ભારતીયો થિયેટરમાં ફિલ્મ જોઈ શકતા નથી.

૨. ભારતના મુવી થિયેટર્સ હજુય પરંપરાગત છે.

દેશના કુલ ૧૩,૦૦૦ સિનેમાઘરોની સામે ૧૦,૦૦૦થી પણ વધુ સિંગલ-સ્ક્રીન સિનેમાઘર છે. આ થિયેટરોની કમાણી આધુનિક મલ્ટિપ્લેક્સ સિનેમાથી ઘણી ઓછી છે,  જ્યાં ટિકિટનો ભાવ સિંગલ-સ્ક્રીન થિયેટર કરતાં અડધો છે. જો કે તેને જ કારણે સિંગલ-સ્ક્રીન થિયેટર અસરકારક રીતે કામ કરે છે. મલ્ટીપ્લેક્સ સીટ દીઠ વધુ આવક મેળવી શકે છે, પણ તેની સંખ્યા ઘણી ઓછી છે. ભારત સ્પષ્ટપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યા ધરાવે છે.

૩. ભારતીય ફિલ્મ ઉદ્યોગ કેટલાક પ્રાદેશિક ઉદ્યોગોમાં વિભાજિત થયો છે.

અન્ય દેશોની સરખામણીએ ભારતીય ફિલ્મ ઉદ્યોગ અનેક પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગનો સમૂહ છે. જો કે રોબ કેન તેને અનેક પ્રાદેશિક ભાષાઓમાં વહેંચાયેલો કે વિભાજીત થયેલ વર્ણવે છે. જ્યારે અમેરિકા, ચીન કે જાપાન જેવાં દેશોમાં ફિલ્મો એક જ ભાષામાં બને છે. પરિણામે આ બધી જ ફિલ્મો એક જ ભાષાની ફિલ્મ બની બધે વિતરિત કરવામાં આવે છે. ભારતમાં લગભગ વીસ જેટલી ભાષાઓમાં ફિલ્મ બને છે અને તેનું પ્રાદેશિકપણું અને ભાષાકીય રાજકારણ તેની સમુળગી તાકાતને નબળી પાડે છે. આ બધી ફિલ્મો સંકલિત રીતે બને, તેના પ્રમાણમાં નિર્માણ અને પ્રચાર ખર્ચ વધુ થાય છે  ને મળતર ઓછી..!

૪. ભારતમાં ટિકિટની કિંમતો ખૂબ ઓછી છે.

એ વાત સાચી છે કે ભારતમાં ગરીબોનું પ્રમાણ વધુ છે, પણ તે સંપૂર્ણ રીતે સમજાવી શકતું નથી કે સિનેમાની ટીકીટની કિંમત વિશ્વમાં સૌથી ઓછી વચ્ચે કેમ છે..? ભારતના ૫૦  થી ૧૦૦ કરોડ લોકો જે માધ્યમ વર્ગના છે અને જે ૧૫૦થી ૨૫૦ રૂપિયા સુધીની ટિકિટ ખરીદી શકે છે. કેટલાક રાજ્યોમાં સરકારે નિયમ બનાવી ટીકીટના દર ઓછા રખાવ્યા છે. તમિલનાડુમાં ૧૨૦ રૂપિયા છે, જયારે ફિલ્મ નિર્માણ અને વિતરણ ખર્ચ વધુ છે અને તેમાં જોખમ પણ વધુ

૫. કર પ્રણાલી બહું ઊંચી

ભારતમાં અન્ય વ્યવસાયની જેમ જ ફિલ્મ ઉદ્યોગે કર ચૂકવવો પડે છે. સિનેમા ઉદ્યોગે મનોરંજન કર ઉપરાંત સેવા કર પણ ભરવો પડે છે. અન્ય ઉદ્યોગોની સાપેક્ષમાં સિનેમાએ વધુ કર ભરવો પડે છે. ભારતની કર પ્રણાલીને કારણે ફિલ્મ ઉદ્યોગનો શ્વાસ રૂંધાયો છે. પરિણામે આર્થિક કમર પણ તૂટી છે.

૬. પાઈરસી થાય છે ને કોઈ રોકનાર નથી.

ભારતમાં દરેક સ્થળે ગેરકાયદેસર સીડી/ડીવીડી વેચનાર મળી રહે છે. સ્થાનિક અધિકારી કે કાયદાના રક્ષકો તેમણે રોકવાને બદલે નાનકડો લાભ (લાંચ) મેળવી આંખ આડા કાન કરે છે. સરકાર દ્વારા સંચાલિત ઈંટરનેટ સેવા પણ ગેરકાયદે ડાઉનલોડ કરાતી ફિલ્મોને રોકતી નથી. World Intellectual Property Organisation  (WIPO)નો ૨૦૧૩નો અહેવાલ જણાવે છે કે પાઈરસીને કરને ભારતમાં દર વર્ષે ફિલ્મ ઉદ્યોગને ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થાય છે, અને ૬૦,૦૦૦ લોકો રોજગારી ગુમાવે છે.
રોબ કેને જે તારણો આપ્યા છે, તે બધાં સાથે ભલે બધાં સહમત ન હોય, પણ તેમની વાત ફિલ્મકારો અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોને વિચારતા જરૂર કરી મુકે છે. પણ ખરેખર વિચારતી તો સરકાર થવી જોઈએ. અન્ય ઉદ્યોગો કરતાં વધુ માત્રામાં કર વસુલ્યા પછી પણ ફિલ્મ ઉદ્યોગને અન્ય ઉદ્યોગો જેવો લાભ કે કર રાહત (Tax Benefit) કેમ નથી અપાતો..? ફિલ્મકારની મહેનત, નિર્માતાના પૈસા અને વિતરકોની કમાણીને ધૂળમાં મેળવી દેતા પાઈરસી ઉદ્યોગ ઉપર તવાઈ બોલાવવા સાથે તેમની વિરુદ્ધ કડક કાયદો બનાવવા સાથે તેનું સખતાઈથી અમલીકરણ આવશ્યક છે. તો બીજી તરફ નાના-નાનાં સિનેમાઘરો દરેક વિસ્તારમાં બને તેના માટે પ્રોત્સાહક નીતિનું ઘડતર પણ કરવું જોઈએ. હું રોબ કેનની સિનેમાના દરની વાત સાથે સહમત નથી. ભારત જેવા ગરીબ દેશમાં સૌને પરવડે એવા જ ભાવો રહવા જોઈએ. પ્રયાસ એવો થવો જોઈએ કે પ્રત્યેક ફિલ્મ શોમાં વધુમાં વધુ લોકો ફિલ્મ જોવા આવે. મારા માટે આજે ફિલ્મ ઉદ્યોગ મોટા શહેરો અને મહાનગરો સુધુ જ સીમિત થઈ રહ્યો છે તે ત્યારે છેવાડે સુધી પહોંચનાર કે પહોંચેલ ફિલ્મ જ સારામાં સારો વકરો કરી શકી છે. વધુમાં વધુ દર્શકો સિનેમા સુધી જાય તે પ્રયાસ કરવો જોઈએ. પ્રત્યેક વ્યક્તિની પોતાના વિસ્તારની નજીકમાં જ સિનેમાઘર મળી રહે તે આયોજન થવું જોઈએ.
ડૉ. તરુણ બેન્કર: સિનેમા-સાહિત્ય-મીડિયા



Post a Comment

0 Comments