એકબીજાનો ધર્મ ઉછાળવામાં બન્ને રાજકીય પક્ષો માનવધર્મ ભૂલ્યા



ગુજરાત વિધાનસભાની ચુંટણીનો પ્રચાર ચરમસીમા પર છે. મુખ્ય રાજકીય પક્ષોએ પોતપોતાના શસ્ત્રો મ્યાનમાંથી બહાર કાઢી લીધાં છે. એકબીજા ઉપર આરોપ-પ્રતિઆરોપ તેની બધી સીમાઓ લાંઘી આગળ વધી ચુક્યો છે. હવે તેનાથી આગ/ વધી એકબીજાના ધર્મને હથીયાર બનાવવાની રમત આરંભાઈ ચુકી છે. વિકાસના મુદ્દે શરુ થયેલ ચુંટણી ક્રમશ: ધર્મ અને જાતિના પથ ઉપર આગળ વધી રહી છે. ને તેમાં બધાં જ કુદી પડ્યા છે.

રાહુલ બિન-હિંદુ છે, તો અમિત શાહ પણ હિંદુ ક્યાં છે..!
આ વખતે કોંગ્રેસ પહેલેથી સજ્જ છે. ચુંટણીનું બ્યુગલ ફૂંકાય તે પહેલાથી જ કોંગ્રેસ અને રાહુલ ગાંધી ગુજરાતમાં સક્રિય થયી ગયા હતાં. સભા, રોડ શો, સંપર્ક અને મંદિરોના દર્શન. આજ સુધી ક્યારેય મંદિરમાં નહી દેખાયેલ રાહુલ ગાંધી રાજ્યના તમામ મુખ્ય મંદિરોના દર્શન કરી ચુક્યા છે. પરિણામે હિંદુ મતબેન્કને પોતાની જાગીર સમજતા ભાજપાના પેટમાં ફાળ પડે તે સ્વાભાવિક છે..! સવાલો શરુ થયાં. નિવેદનો આવ્યા. મંદિર દર્શનને ચુંટણી સ્ટંટ ગણાવાયો..!
આ વાત આટલેથી જ અટકી નથી. સોમનાથ મંદિરના દર્શન પછી રાહુલે બિન-હિંદુઓના રજીસ્ટરમાં સહી કરી હોવાના પુરાવા બહાર આવ્યા ને રાહુલ ધર્મના નામે ધતીંગ કરી રહ્યાં હોવા સહિતના અનેક આરોપો મુકાયા. રાહુલ તરફથી પણ તેમનો પરિવાર શિવભક્ત હોવાની વાત, દાવા ને પ્રમાણ અપાયા. આ કમઠાણ વચ્ચે અભિનેતા કમ નેતા રાજ બબ્બરે અમિત શાહના હિંદુ હોવા સામે જ સવાલ ઉભો કર્યો. તેઓ જૈન છે કે હિંદુ..? સ્પષ્ટ કરે..!
રાજકીય હુંસા-તુંસીમાં બધાં જ માનવધર્મ ભૂલ્યાં
તમે કોઈ પણ ધર્મને માનતા હોવ પણ સર્વોપરી તો માનવધર્મ જ છે. બધાં ધર્મગ્રંથોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. ત્યારે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરસભામાં ડાયસ ઉપર જઈ તેમેને મળવાની જીદ કરનાર માંડ વીસેક વર્ષની યુવતીને પોલીસ ટીંગા-ટોળી કરી સભાસ્થળની ભાર લઈ ગઈ..! “મારે સાહેબને મળવું છે...” દીકરીનો આર્તનાદ બધાંને સંભળાયો. વિજયભાઈએ પણ ચાલુ ભાષણમાં દીકરીને બાજુ પર લઈ જવાની અને કાર્યક્રમ પત્યાં પછી મળવાની હૈયા ધારણા આપી, ને પછી મળ્યાં પણ.
૨૦૦૨માં કાશ્મીર ખાતે શહીદ થયેલ અશોક તડવીની દીકરી તેના પિતાની શહીદીના પંદર વર્ષ પછી પણ તેમણે મળવાપાત્ર લાભો ન મળ્યાં હોવાની રાવ લઈને રૂપાણીજીને મળવા આવી હતી. તેની આંખમાં આંસુ અને ચહેરા પર આક્રોશ હતો. રૂપાણીજી તેણીને કાર્યક્રમ પછી સાંભળી પણ અને પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાન માટે ચાર એકર જમીન, માસિક દસ હજાર અને વાર્ષિક છત્રીસ ચ્જાર પેન્શન અને રહેવા રોડ નજીક ૨૦૦ વારનો પ્લોટ આપવાની જાહેરાત પણ કરી. રાહુલ ગાંધી સહિતના કોન્ગ્રેસીઓ વહેતી ગંગામાં હાથ ધોવા તૂટી પડ્યાં ને માનવધર્મ ભૂલાઈ ગયો ને ભૂંસાઈ પણ ગયો..!
પંદર વર્ષ સુધી બધાં મુખ્યમંત્રી ને વિરોધપક્ષના નેતાઓ ક્યાં હતાં..?
જો વીર અશોક તડવીની દીકરી મુખ્યમંત્રીની જાહેરસભામાં ન આવી હોત તો..? તાબડતોડ જાહેરાત કરી યશ ખાટવાનો પ્રયત્ન કરનાર સરકાર પંદર વર્ષ (૨૦૦૨ થી ૨૦૧૭) ક્યાં હતી..? મોદી જેવા પ્રખર શાસકના અગિયાર વર્ષના કાર્યકાળમાં આ પ્રશ્ન કેમ વન-ઉકેલ્યો રહ્યો..? પંદર વર્ષના આ કાર્યકાળ દરમ્યાન થઇ ગયેલ મુખ્યમંત્રીઓ, વિરોધપક્ષાના નેતાઓ અને રાજ્યના ચીફ સેક્રેટરી સહિતના બાબુઓ ઘેનની કયી ગોળી ખાઈને સુતા હતાં..? જવાબદારી નક્કી કરી કસુરવારો સામે પગલાં લેવાય, બંને પક્ષો શહીદની વિધવા અને દીકરીની માફી માંગે અને ભવિષ્યમાં કોઈપણ શહીદના પરિજન સાથે આવું નહી બને તેની ખાતરી અપાય. પેન્ડીંગ રહેલા આવા તમામ કેસોનું તાત્કાલિક નિરાકરણ લવાય તે જરૂરી છે. અને કરાયેલી જાહેરાતનું ત્વરિત અમલીકર થાય તે જરૂરી છે. બાકી ચુંટણી પત્યાં પછી શાસકો અને વિપક્ષ....
સ્ટ્રેઈટ ડ્રાઈવ: એક કહેવત યાદ આવી: બુંદ સે ગયી હોજ સે નહી આતી.
ડૉ. તરુણ બેન્કર (સાહિત્ય-સિનેમા-મિડીયા)
(M) 9228208619 / 8866175900 (whatsapp)

Post a Comment

0 Comments